'14 વર્ષનો વનવાસ પૂરો થયો':સુનીતા આહુજાએ ભાણેજ કૃષ્ણા અને વહુ કાશ્મીરાને ગળે લગાવ્યા, કહ્યું- 'હવે ધમાલ મચાવીશું'
કોમેડિયન કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરા શાહ તેમજ તેના મામા ગોવિંદા અને તેમના પત્ની સુનીતા આહુજા વચ્ચે છેલ્લા એક દાયકાથી વધારે સમયથી મનદુઃખ ચાલી રહ્યુ હતું. જોકે, હવે વર્ષો બાદ મામી સુનીતાએ જૂના વિવાદો ભૂલીને ભાણેજ કૃષ્ણા અને વહુ કાશ્મીરાને ગળે લગાવી લીધા છે. 'બંને મારા બાળકો છે' વાસ્તવમાં, સુનીતા આહુજા તાજેતરમાં કોમેડિયન ભારતી સિંહના શો 'લાફ્ટરશેફ્સ'માં ગેસ્ટ બનીને પહોંચ્યાં હતાં. આ શોની પહેલી સિઝનથી જ કૃષ્ણા અને કાશ્મીરા સ્પર્ધક છે. આ દરમિયાન કૃષ્ણા અને કાશ્મીરા અચાનક પાપારાઝી સામે મામી સુનીતાને લઈને આવ્યા. આ દરમિયાન ત્રણેયે એક સરખાં કપડાં પહેરેલા હતા. પાપારાઝી સાથે વાત કરતી વખતે સુનીતા આહુજાએ કહ્યું કે, 'હવે 14 વર્ષનો વનવાસ પૂરો થયો છે. મારા બંને બાળકો સાથે, મારી વહુ અને મારો દીકરો, દીકરાના ઘરે દીકરા આવી ગયા છે. હવે શું યાર, કોઈ જુની વાત યાદ રાખવી નથી. જીવનનો આનંદ માણીશું. સમયનું કંઈ નક્કી નથી. રાત્રે સૂતા પછી ખબર નથી સવારે ઉઠીશું કે નહીં.' કૃષ્ણા અને કાશ્મીરાએ ખુશી વ્યક્ત કરી તેમણે આગળ કહ્યું, 'હવે અમે જ્યારે મળ્યા છીએ, ત્યારે ધમાલ મચાવીશું.' આ દરમિયાન કાશ્મીરાએ હસતાં હસતાં કહ્યું કે, 'જે લોકોને પણ ઇર્ષા થઈ રહી છે, તેમનું મોં કાળું થાય.' જ્યારે કૃષ્ણાએ કહ્યું કે, 'મામી 'લાફ્ટરશેફ'માં અત્યારસુધીના બેસ્ટ ગેસ્ટ છે. હું બધાની ક્લાસ લેતો હોઉં છું, પણ અહિંયા તો એમણે અમારો ક્લાસ લઈ લીધો. પણ અમને ખૂબ આનંદ આવ્યો.' 'હું જૂની વાતો ભૂલી ગઈ છું' બાદમાં પારસ છાબડા સાથેના પોડકાસ્ટમાં સુનીતાએ કહ્યું કે, 'કૃષ્ણા મારી સાથે જ મોટો થયો છે. વિનય, ડંપી અને મારા દીયરના દીકરા સાથે. મારા માટે આ બધાં મારા બાળકો છે. હું વિતેલી વાતો ભૂલી ગઈ છું. હવે હું ઇચ્છું છું કે બધાં બાળકો હસી-ખુશીથી સાથે રહે. હું સૌને આશીર્વાદ આપું છું.' 2016માં બંને વચ્ચે પહેલીવાર અણબનાવ થયો હતો નોંધનીય છે કે, કૃષ્ણા અને ગોવિંદાના પરિવાર વચ્ચે લાંબા સમયથી અણબનાવ હતો. બંનેએ અગાઉ ઘણી વખત સમાધાન પણ કર્યું હતું. જોકે, 2016માં કૃષ્ણાના એક નિવેદનથી આ તણાવ વધુ શરૂ થયો હતો. 2016માં, તેણે રિયાલિટી શોના એક એપિસોડમાં કહ્યું હતું કે, 'મેં ગોવિંદાને મારા મામા બનાવીને રાખ્યા છે.' ગોવિંદા અને સુનીતાને તેની આ વાત બિલકુલ પસંદ ન આવી. આના પર ગોવિંદાએ કહ્યું હતું કે, 'પૈસા માટે ટેલિવિઝન પર કોઈનું અપમાન ન કરવું જોઈએ.' ગોવિંદાના આ નિવેદન પર કૃષ્ણાએ કહ્યું હતું કે, 'મેં આ વાત ખરાબ ઈરાદાથી નથી કહી.' કાશ્મીરા શાહના ટ્વિટને કારણે અંતર વધી ગયું 2018માં જ્યારે કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે ટ્વિટ કર્યું હતું કે, 'કેટલાક લોકો પૈસા માટે ડાન્સ કરે છે', ત્યારે બંને વચ્ચે વાત વણસી ગઈ. આ ટ્વિટ પર સુનીતા આહુજાએ કહ્યું હતું કે, 'આ ટ્વિટ ગોવિંદા વિરુદ્ધ કરવામાં આવી છે.' આ પછી ગોવિંદા અને સુનીતાએ કૃષ્ણા અને કાશ્મીરા સાથેના તમામ સંબંધો ખતમ કરી દીધા. 2019માં પણ જ્યારે ગોવિંદા, સુનીતા અને તેમની દીકરી ટીના કપિલ શર્માના શોમાં આવ્યા હતા, ત્યારે કૃષ્ણા શોમાં આવ્યા નહોતો કારણ કે સુનીતા તેની સાથે સ્ટેજ શેર કરવા માંગતી ન હતી.
Read Original Article →