ગુજરાતી ફિલ્મ 'ગડબડ થઈ ગઈ યાર'ની જાહેરાત:મલ્ટીસ્ટારર ફિલ્મમાં હાસ્યની સાથે સસ્પેન્સનો તડકો, ક્રિકેટર ટર્ન્ડ એક્ટ્રેસનો દાવો- 'IPL જેવી જ મજા આવશે'
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત નવા પ્રયોગો થઈ રહ્યા છે, ત્યારે સાઉથ એશિયા ફિલ્મ પ્રોડક્શન દ્વારા એક રોમાંચક અને હાસ્યથી ભરપૂર ફિલ્મ ‘ગડબડ થઈ ગઈ યાર’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રખ્યાત ડિરેક્ટર રફીક તાલુકદાર આ ફિલ્મની કમાન સંભાળશે. દમદાર સ્ટારકાસ્ટ અને પાત્રો ફિલ્મની સૌથી મોટી તાકાત તેની મજબૂત સ્ટારકાસ્ટ છે, જેમાં મુખ્ય ભૂમિકામાં લોકપ્રિય એક્ટર ભરત ચાવડા 'દીપુ' ના પાત્રમાં જોવા મળશે. તેમની સાથે ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર ધર્મેશ વ્યાસ 'ઓમ' તરીકે અને બોલિવૂડના જાણીતા અભિનેતા આદિ ઈરાની 'DSP' ના પાવરફુલ રોલમાં નજર આવશે. આ ઉપરાંત ફિલ્મમાં હેમાંગ દવે, હીના જયકિશન, દાનેશ ગાંધી અને આંચલ શાહ જેવા જાણીતા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. શું છે ફિલ્મની વાર્તા? ફિલ્મની વાર્તા ત્રણ યુવાનો, દીપુ, અક્કી અને રોનીની આસપાસ વણાયેલી છે. એક શ્રીમંત ઉદ્યોગપતિ તેમને પોતાની લાયકાત સાબિત કરવા માટે 6 મહિનાનો સમય આપે છે. પરંતુ, વાર્તામાં વળાંક ત્યારે આવે છે, જ્યારે આ ત્રણેય મિત્રોને અચાનક 5 કરોડ રૂપિયા ભરેલી એક બિનવારસી કાર મળી આવે છે. પોતાની પ્રામાણિકતા સાબિત કરવા માટે તેઓ આ રકમ પોલીસને સોંપે છે, પરંતુ ત્યાંથી જ શરૂ થાય છે અસલી 'ગડબડ'. IPL જેવી જ મજા આવશે ફિલ્મમાં સૌરાષ્ટ્રની રણજી ટ્રોફિ ખેલાડી નિરાલી ઓઝા પણ મહત્ત્વની ભૂમિકામાં છે. તેણે ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે, 'ક્રિકેટની જેમ મારું પાત્ર પણ ફ્રન્ટફૂટ અને બેકફૂટ પર રમે છે. જેવી દર્શકોને IPL જોવાની મજા આવે છે, તેવી જ 'ગડબડ થઈ ગઈ યાર' જોવાની પણ આવશે. હાસ્યની સાથે સસ્પેન્સનો તડકો ફિલ્મની જાહેરાત અંગે ઉત્સાહ વ્યક્ત કરતા પ્રોડ્યુસર ધર્મસિંહ રાજપૂતે કહ્યું કે, 'અમારો મુખ્ય ઉદ્દેશ્ય હંમેશા એવી વાર્તાઓ રજૂ કરવાનો રહ્યો છે, જે પ્રેક્ષકોને મનોરંજનની સાથે સાથે કંઈક નવું પ્રદાન કરે. 'ગડબડ થઈ ગઈ યાર' એક એવી ફિલ્મ છે જેમાં હાસ્યની સાથે જબરદસ્ત સસ્પેન્સનો તડકો છે. ગુજરાતી સિનેમામાં આ પ્રકારની કોમેડી-થ્રિલર એક નવો અનુભવ સાબિત થશે.' ફિલ્મ વિશે વાત કરતા મુખ્ય કલાકારોએ જણાવ્યું કે, ફિલ્મ સિચ્યુએશનલ કોમેડી અને ફાસ્ટ-પેસ્ડ થ્રિલરનું અદભૂત મિશ્રણ છે. ફિલ્મનું શૂટિંગ મુખ્યત્વે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવશે. થિયેટરોમાં રિલીઝ થયા બાદ, આ ફિલ્મ OTT અને સેટેલાઇટ પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવામાં આવશે.
Read Original Article →