'ધુરંધર' ડિરેક્ટરની મોટી જીત:સ્ક્રિપ્ટ ચોરીનો આરોપ લગાવનાર ફિલ્મમેકરે માગી માફી, હાઈકોર્ટે કેસ રદ કર્યો!
બોક્સઓફિસ પર ધૂમ મચાવનાર ફિલ્મ 'ધુરંધર'ના મેકર્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટ કોપી કરવાના ગંભીર આક્ષેપો કરનાર ફિલ્મમેકર સંતોષ કુમારે આખરે નમતું જોખ્યું છે અને મીડિયામાં આપેલા નિવેદનો બદલ માફી માંગી લીધી છે. આ સાથે જ બોમ્બે હાઈકોર્ટે આદિત્ય ધર દ્વારા કરવામાં આવેલ માનહાનિનો કેસ રદ કર્યો છે. શું હતો સમગ્ર વિવાદ? ફિલ્મ 'ધુરંધર' રિલીઝ થયા બાદ ફિલ્મમેકર સંતોષ કુમારે દાવો કર્યો હતો કે- ડિરેક્ટર આદિત્ય ધરે તેની સ્ક્રિપ્ટ 'ડી-સાહબ'ની ચોરી કરીને આ ફિલ્મ બનાવી છે. આ આરોપોને કારણે આદિત્ય ધરની છબી ખરડાઈ રહી હોવાથી તેણે બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને સંતોષ કુમાર વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. કોર્ટમાં શું થયું? રિપોર્ટ્સ અનુસાર, આ મામલે સુનાવણી દરમિયાન સંતોષ કુમારના વકીલે સ્વીકાર્યું હતું કે તેમના અસીલે 30 માર્ચ 2026 ના રોજ પ્રેસ મીટમાં આપેલા નિવેદનો બદલ માફી માંગી છે. આદિત્ય ધરના વકીલે જણાવ્યું કે જો સામે પક્ષ માફી માંગી રહ્યો હોય, તો તે આ કેસને હવે આગળ વધારવા માંગતા નથી. બંને પક્ષોની સંમતિ બાદ હાઈકોર્ટે આ કેસને સત્તાવાર રીતે બંધ કરી દીધો છે. કોર્ટે નોંધ્યું કે હવે આ મામલે કોઈ વધુ કાર્યવાહી કરવાની જરૂર રહેતી નથી. સ્ક્રિપ્ટના દાવા માટે દરવાજા ખુલ્લા જોકે, કોર્ટે સંતોષ કુમારને એક છૂટછાટ પણ આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો સંતોષ કુમાર હજુ પણ સ્ક્રિપ્ટ પર પોતાનો હક ધરાવતા હોય અથવા કોપીરાઈટનો મુદ્દો ઉઠાવવા માંગતા હોય, તો તે અલગથી નવો કેસ કરી શકે છે. આ માનહાનિના કેસના સમાધાનથી તેમના સ્ક્રિપ્ટ પરના મૂળ દાવા પર કોઈ અસર પડશે નહીં.
Read Original Article →