500 લિટર પેટ્રોલ અને સેંકડો કિલો દારૂગોળાથી બ્લાસ્ટ:રણવીર સિંહે VFXને બદલે આગની લપટો અને ધડાકાઓ વચ્ચે જીવના જોખમે 'ધુરંધર 2'નું શૂટિંગ કર્યું
રણવીર સિંહ સ્ટારર 'ધુરંધરઃ ધ રિવેન્જ'એ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા છે. ફિલ્મની દરેક ફ્રેમ અને સીનને દર્શકો પસંદ કરી રહ્યા છે પરંતુ ટેન્કર બ્લાસ્ટ સીન સૌથી વધારે ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં ફિલ્મના SFX સુપરવાઇઝર વિશાલ ત્યાગીએ ખુલાસો કર્યો છે કે, આ બ્લાસ્ટ વિએફએક્સ નહીં પરંતુ વાસ્તવમાં કરવામાં આવ્યો હતો, જેમાં 500 લિટર પેટ્રોલ અને દરેક ટાંકીમાં 25 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 'પ્રેક્ટિકલ ઇફેક્ટ્સની મદદથી શૂટિંગ કરાયું' વિશાલ ત્યાગીએ જણાવ્યું કે, 'ફિલ્મનો સૌથી ચર્ચિત ટેન્કર બ્લાસ્ટ સીન સંપૂર્ણપણે 'પ્રેક્ટિકલ ઇફેક્ટ્સ'ની મદદથી શૂટ કરવામાં આવ્યો હતો અને તેમાં ઝીરો CGI (કમ્પ્યુટર ગ્રાફિક્સ)નો ઉપયોગ થયો હતો.' 'આ ખતરનાક સીન દરમિયાન રણવીર સિંહ ધગધગતી આગ અને ધડાકાઓ વચ્ચે બિલકુલ શાંત રહીને પોતાનો શોટ આપી રહ્યા હતા.' અસલી પેટ્રોલ અને દારૂગોળાનો ઉપયોગ થયો
વિશાલ ત્યાગીએ 'હિન્દી રશ'ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ડિરેક્ટર આદિત્ય ધર આ સીનને ખૂબ જ વાસ્તવિક બતાવવા માંગતા હતા. વિશાલે કહ્યું, 'સામાન્ય રીતે લોકો નાનો ધમાકો કરીને તેને કમ્પ્યુટરની મદદથી મોટો બતાવી દે છે, પરંતુ આદિત્ય ધરનો નિર્દેશ સ્પષ્ટ હતો કે, આપણે ધમાકા માટે CGIનો ઉપયોગ કરવાનો નથી.' 'ક્લાઇમેક્સમાં ટેન્કર બ્લાસ્ટ બનાવવો સૌથી મુશ્કેલ કામ હતું. અમે તેમાં અસલી 500 લિટર પેટ્રોલ સળગાવ્યું. સુરક્ષા અમારી સૌથી મોટી ચિંતા હતી કારણ કે આગની જ્વાળાઓ વચ્ચે રણવીર સિંહને ચાલવાનું હતું.' ધમાકા વચ્ચે નિર્ભય દેખાયો રણવીર સિંહ
શૂટિંગ દરમિયાન સૌથી વધુ ખતરો રણવીર સિંહ માટે હતો કારણ કે તેને આગની ખૂબ નજીકથી પસાર થવાનું હતું. વિશાલે જણાવ્યું કે, 'રણવીર જરા પણ ડરેલા નહોતા. રણવીરને અમારી ટીમ પર વિશ્વાસ હતો. મેં તેમને ચોક્કસ માહિતી આપી હતી કે તેમને ક્યાંથી ચાલવાનું શરૂ કરવાનું છે.' 'શૉટ પૂરો થયા પછી તેમણે ખુશ થઈને મને કહ્યું- 'ફાડી નાખ્યું તેં!' આ સીનમાં અર્જુન રામપાલ પણ હાજર હતા, પરંતુ ધમાકાવાળા શૉટ પહેલા તેમને ત્યાંથી હટાવી દેવામાં આવ્યા હતા, જ્યારે રણવીરે વધુ જોખમ લીધું.' પ્રોડક્શનની સલાહને અવગણી
આ સીનને અંજામ આપવા માટે વિશાલ ત્યાગી પર ઘણું દબાણ હતું. પ્રોડક્શન ટીમ ઈચ્છતી હતી કે, ખર્ચ ઘટાડવા માટે ફક્ત 250 લિટર ઈંધણનો ઉપયોગ થાય, પરંતુ વિશાલ 500 લિટરની જીદ પર અડગ રહ્યો. તેણે કહ્યું, 'સાચી વિઝ્યુઅલ ઇફેક્ટ લાવવા માટે મારે દરેક ટાંકીમાં 25 કિલો દારૂગોળો નાખવાનો હતો.' 'મેં બધાની સાંભળી, પરંતુ અંતે તે જ કર્યું જે ફિલ્મ માટે જરૂરી હતું. આ માટે અસલી ટ્રેન બેઝ અને કન્ટેનરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી સીન સ્ક્રીન પર દમદાર દેખાય.' ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ 'ધુરંધર 2' વિશ્વભરમાં ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ પણ બની ગઈ છે. ‘ધુરંધર 2’એ 1,742.10 કરોડ રૂપિયા કમાનારી અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ને પાછળ છોડી દીધી છે. હવે તે ફક્ત 'દંગલ' (₹2070 કરોડ) અને 'બાહુબલી-2' (₹1,788.06 કરોડ) થી પાછળ છે. 'ધુરંધર' અને ‘ધુરંધર 2’ એ મળીને વિશ્વભરમાં 3,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. આ પછી તે 3,000 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ફ્રેન્ચાઇઝી બની ગઈ છે. જ્યારે કોઈ એક ફિલ્મની સફળતા પછી તેના એકથી વધુ ભાગ બનાવવામાં આવે છે, ત્યારે તે એક ફ્રેન્ચાઇઝીનું રૂપ લઈ લે છે. હવે જાપાનમાં શરૂ થશે 'ઓપરેશન ધુરંધર' રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'એ ભારત અને વિશ્વના અનેક દેશોમાં ધૂમ મચાવ્યા બાદ હવે 'ઉગતા સૂર્યના દેશ'માં પોતાનો જાદુ વિખેરવા તૈયાર છે. આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર' 10 જુલાઈ 2026ના રોજ જાપાનમાં રિલીઝ કરવામાં આવશે. જાપાનમાં આ ફિલ્મને 'ઓપરેશન ધુરંધર' નામથી રિલીઝ કરવામાં આવશે. 'ધુરંધર' પહેલા જાપાનમાં રણવીર સિંહની 'ગલી બોય', 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા' અને 'પદ્માવત' ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે.
Read Original Article →