'ધર્મેન્દ્ર ત્યાંજ હતા, મારો હાથ પકડીને મંચ પર લઈ ગયા':પદ્મ પુરસ્કાર સ્વીકારી હેમા માલિની ભાવુક થયાં, કહ્યું- 'પતિની યાદોને છેલ્લા શ્વાસ સુધી સાચવીને રાખીશ'

Entertainment5/26/2026, 9:27:39 AM
'ધર્મેન્દ્ર ત્યાંજ હતા, મારો હાથ પકડીને મંચ પર લઈ ગયા':પદ્મ પુરસ્કાર સ્વીકારી હેમા માલિની ભાવુક થયાં, કહ્યું- 'પતિની યાદોને છેલ્લા શ્વાસ સુધી સાચવીને રાખીશ'
ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. પીઢ એક્ટ્રેસ અને સાંસદ હેમા માલિની આ સન્માન લેવા પહોંચ્યાં, તે સમયે તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયાં હતાં, જ્યારે દીકરી અહાના ધ્રુસકેને ધ્રુસકે રડતી જોવા મળી. હવે હેમા માલિનીએ એક ભાવુક પોસ્ટ કરીને કહ્યું છે કે, સન્માન લેતી વખતે તેમને ધર્મેન્દ્રની હાજરી અનુભવાઈ. તેમને એવું લાગ્યું કે જાણે ધર્મેન્દ્રએ તેમનો હાથ પકડી લીધો હોય. હેમા માલિનીએ પદ્મ પુરસ્કાર સમારોહની તસવીરો સાથે સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લખ્યું કે, એક અત્યંત ભાવુક અને ખુશીથી ભરેલી ક્ષણ, એવી ક્ષણ જ્યારે મને ખરેખર મારા પતિ ધરમજીની હૂંફાળી હાજરી અનુભવાઈ, જાણે તેઓ મારો હાથ પકડીને મને તે મંચ સુધી લઈ જઈ રહ્યા હોય, જ્યાં તેમનું પદ્મ વિભૂષણ સન્માન તેમની રાહ જોઈ રહ્યું હતું. 'ધરમજી સાથે વિતાવેલા વર્ષોની યાદો તાજી થઈ ગઈ' તેમણે આગળ લખ્યું, ‘ગઈકાલે શાંત અને ગૌરવપૂર્ણ પદ્મ પુરસ્કાર સમારોહમાં, જ્યારે મહામહિમ રાષ્ટ્રપતિજી પોતે જ બધા યોગ્ય સન્માનિત લોકોને પુરસ્કાર આપી રહ્યા હતાં, ત્યારે હું ધરમજી વતી ત્યાં હાજર હતી. તે પળે મારા મનમાં ગર્વની એક ઊંડી ભાવના ઉભરાઈ આવી. તેમની સાથે વિતાવેલા વર્ષોની યાદો તાજી થઈ ગઈ, પહેલા ઘણી સફળ ફિલ્મોમાં તેમની કો-સ્ટાર તરીકે અને પછી તેમની જીવનસંગિની બનીને. આ યાદોએ મારી આંખોને ભીની કરી દીધી.’ હેમા માલિનીએ આગળ ભાવુક થઈને લખ્યું, ‘ધર્મેન્દ્ર એક અત્યંત પ્રેમાળ અને કાળજી રાખનારા પતિ હતા, સ્નેહાળ પિતા અને દાદા હતા, એક સાચા મિત્ર, સારા વિચારોવાળા માણસ, સાચા માર્ગદર્શક અને ભરોસાપાત્ર સાથી હતા. ધરમજીમાં આ બધા સુંદર ગુણો હતા અને તેનાથી પણ ક્યાંય વધારે. તેઓ એક ઉદાર, ભલા અને આપનારા માણસ હતા, જેમને જાણનાર દરેક વ્યક્તિ તેમને પ્રેમ કરતો હતો.’ 'યાદોને છેલ્લા શ્વાસ સુધી સાચવી રાખીશ' આખરે હેમા માલિની લખે છે, 'મેં આ સન્માન નમ્રતાપૂર્વક મારા સમગ્ર પરિવાર, તેમના કરોડો ચાહકો અને શુભચિંતકો વતી સ્વીકાર્યું. હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે મને આવા અદ્ભુત જીવનસાથી આપ્યા, જેમની યાદોને હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સાચવી રાખીશ. આ મારા હૃદયની સાચી લાગણીઓ છે, જે દેશના બીજા સૌથી મોટા સન્માન ‘પદ્મ વિભૂષણ’ને ધરમજી વતી સ્વીકારતી વખતે ઉમટી પડી હતી.’ ઈશા દેઓલે કહ્યું, ‘છ બાળકો વતી અહાના ત્યાં હાજર હતી’ હેમા માલિની ઉપરાંત ઈશા દેઓલે પણ ભાવુક પોસ્ટ લખી છે. તેણે લખ્યું, ગર્વની એક ક્ષણ, ભાવનાઓથી ભરેલી એક ક્ષણ. અમે કેટલું ઊંડાણપૂર્વક ઈચ્છતા હતા કે આજે તેઓ અમારી વચ્ચે હાજર હોત, પોતાના સફેદ શર્ટ અને વાદળી સૂટમાં હંમેશની જેમ ખૂબ જ હેન્ડસમ દેખાતા, એક નાના બાળક જેવી ઉત્સુકતા સાથે આ પ્રતિષ્ઠિત સન્માન લેવા જતા. ગઈકાલે જ્યારે મારી માએ અમારા પરિવાર વતી આ સન્માન સ્વીકાર્યું, અને અમે બધા છ બાળકો તરફથી સૌથી નાની અહાના ત્યાં હાજર હતી, ત્યારે તેની આંખોમાં આંસુ હતા અને હાથમાં તાળીઓ, પોતાના પિતાના સન્માનમાં. જુઓ પદ્મ પુરસ્કારથી હેમા માલિની અને દીકરી અહાનાની ઝલક- 'હી-મેન'એ 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા 24 નવેમ્બર 2025ના રોજ ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ધર્મેન્દ્રના નિધન પછીથી જ હેમા માલિની તેમને યાદ કરીને ભાવુક પોસ્ટ અને તસવીરો શેર કરતા રહે છે. નોંધનીય છે કે, હેમા માલિની અને ધર્મેન્દ્રએ 30થી વધુ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. ફિલ્મોમાં આવતા પહેલા જ ધર્મેન્દ્ર પરિણીત હતા. તેમના લગ્ન નાની ઉંમરે પ્રકાશ કૌર સાથે થયા હતા, જેનાથી તેમને 4 બાળકો સની, બોબી, અજેતા, વિજેતા થયા. પરિણીત હોવા છતાં હેમા માલિની સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ ઇસ્લામ કબૂલ કર્યો અને તેમની સાથે બીજા લગ્ન કર્યા. આ લગ્નથી તેમને બે દીકરીઓ ઈશા અને અહાના છે.
Read Original Article →