'દેખાય છે તેના પર ભરોસો ન કરતા...!':સસ્પેન્સથી ભરપૂર ‘ધબકારો’નું ટીઝર રિલીઝ; 'છિછોરે'-'તમાશા' જેવી બોલિવૂડ ફિલ્મના મેકર્સ નાડિયાદવાલાનું ગુજરાતીમાં ડેબ્યૂ

Entertainment4/4/2026, 6:38:55 AM
'દેખાય છે તેના પર ભરોસો ન કરતા...!':સસ્પેન્સથી ભરપૂર ‘ધબકારો’નું ટીઝર રિલીઝ; 'છિછોરે'-'તમાશા' જેવી બોલિવૂડ ફિલ્મના મેકર્સ નાડિયાદવાલાનું ગુજરાતીમાં ડેબ્યૂ
ગુજરાતી સિનેમા અત્યારે તેના સુવર્ણકાળમાંથી પસાર થઈ રહ્યું છે. એક તરફ ફિલ્મો વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહી છે, ત્યારે બીજી તરફ બોલિવૂડનું દિગ્ગજ પ્રોડક્શન હાઉસ હવે ગુજરાતી ફિલ્મો તરફ વળ્યું છે. બોલિવૂડમાં 'છિછોરે', 'તમાશા' અને 'હાઈ-વે' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર નાડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ ‘ધબકારો’નું પ્રોડકશન કરી રહી છે. તાજેતરમાં ફિલ્મનું ઓફિશિયલ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે જોતાની સાથે જ પ્રેક્ષકોમાં ભારે કુતૂહલ જગાડ્યું છે. કોણ છે આ ડાહ્યાભાઈ? ટીઝરની સૌથી આકર્ષક બાબત તેનું પાત્ર 'ડાહ્યાભાઈ' છે. ટીઝરમાં તેને 'દુનિયાનો સૌથી ખરાબ માણસ' કહેવામાં આવ્યો છે. જોકે, આ શબ્દ પાછળ કોઈ ગંભીર રહસ્ય કે સામાજિક કટાક્ષ છુપાયેલો હોય તેવું લાગી રહ્યું છે. ટીઝરની ટેગલાઈન જ કહે છે: "જે દેખાય છે તેના પર ભરોસો ન કરતા, કારણ કે પિક્ચર હજુ બાકી છે!" ટીઝરની ખાસિયતો ટીઝર જોઈને લાગે છે કે ફિલ્મમાં મનોરંજનની સાથે સાથે કંઈક એવું છે જે પ્રેક્ષકોને વિચારતા કરી દેશે. ગુજરાતી ફિલ્મોમાં સામાન્ય રીતે ફેમિલી ડ્રામા કે કોમેડી જોવા મળતી હોય છે, પણ 'ધબકારો' કંઈક અલગ વિષય લઈને આવી રહી હોય તેમ જણાય છે. રિલીઝ થતાની સાથે જ ફેન્સ ડાહ્યાભાઈના પાત્ર અને ફિલ્મના ટાઈટલને લઈને અવનવી અટકળો લગાવી રહ્યા છે. નેશનલ એવોર્ડ વિનર જોડીનો જાદુ નાડિયાદવાલા ગ્રાન્ડસનની આ ડેબ્યૂ ગુજરાતી ફિલ્મ છે. આ પ્રોજેક્ટને વધુ ખાસ બનાવે છે તેનું નિર્દેશન. ભારતની પ્રથમ નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ના સર્જક અભિષેક શાહ આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર છે. તેની વિઝનરી ડિરેક્શન સ્ટાઈલ ફરી એકવાર મોટા પડદા પર કમાલ કરવા તૈયાર છે. ફિલ્મના ડિરેક્ટર અભિષેકે કહ્યું હતું કે ફિલ્મમેકર તરીકે તે હંમેશાં માનવીય સંવેદના જ તેમની ફિલ્મના કેન્દ્રમાં હોય છે. 'હેલ્લારો'થી લઈ 'ઉંબરો' અને હવે 'ધબકારો', તેઓ માત્ર એન્ટરટેઇનમેન્ટ માટે ફિલ્મ નથી બનાવતા, પરંતુ દર્શકો થિયેટરની બહાર નીકળે ત્યારે ફિલ્મને લાંબા સમય સુધી યાદ રાખે તેવી ફિલ્મ બનાવવા માગે છે. દમદાર સ્ટારકાસ્ટ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ગુજરાતી રંગભૂમિ અને ટેલિવિઝનના દિગ્ગજ કલાકાર દેવેન ભોજાણી જોવા મળશે. તેમની સાથે ‘શું થયું?’ અને ‘હેલ્લારો’ ફેમ એક્ટર આર્જવ ત્રિવેદી પણ મહત્વના રોલમાં હશે. આ બંને કલાકારોની જુગલબંદી પ્રેક્ષકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. મોટા બેનરો સાથે કોલોબ્રેશન આ ફિલ્મ માત્ર નાડિયાદવાલા ગ્રાન્ડસન જ નહીં, પરંતુ 'ધ મૂવિંગ મંચ' અને ‘હરફનમૌલા ફિલ્મ્સ’ના સહયોગથી બની રહી છે. આટલા મોટા બેનરો જ્યારે એકસાથે આવે છે, ત્યારે ચોક્કસપણે કંઈક ભવ્ય અને અનોખું જોવા મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. ફિલ્મ ‘ધબકારો’ આગામી 1લી મે 2026 ના રોજ, એટલે કે ‘ગુજરાત સ્થાપના દિન’ ના પવિત્ર અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Read Original Article →