બેડમિન્ટન સ્ટારની દીકરીએ મુંબઈમાં કેટલીય રાતો કેબમાં વિતાવી:ડેબ્યૂ ફિલ્મે નામની સાથે દીપિકા પાદુકોણને ટોણાં આપ્યા; ડિપ્રેશનને હરાવી ₹500 કરોડની માલિકણ બની
દીપિકા પાદુકોણે 2007માં ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી ડેબ્યૂ કરીને સ્ટારડમ હાંસલ કર્યું, પરંતુ તેને ટીકાઓ અને મહેણાં-ટોણાંનો સામનો કરવો પડ્યો. તેની ડાયલોગ ડિલિવરી અને એક્સેન્ટની મજાક ઉડાવવામાં આવી, જેના કારણે તે માનસિક રીતે ભાંગી પડી. કરિયરની ટોચ પર હોવા છતાં, 2014ની આસપાસ તે ડિપ્રેશનનો શિકાર બની. તેણે થેરાપી અને આત્મવિશ્વાસના સહારે પોતાને સંભાળી. આ સમયગાળા પછી, 'કોકટેલ', 'યે જવાની હૈ દીવાની', 'પદ્માવત' અને 'પઠાણ' જેવી ફિલ્મોથી તેણે ટોચની એક્ટ્રેસિસમાં સ્થાન બનાવ્યું. આજે દીપિકાની નેટવર્થ ₹500 કરોડથી પણ વધુ છે. આજની સક્સેસ સ્ટોરીમાં દીપિકા પાદુકોણના કરિયર અને અંગત જીવન સાથે જોડાયેલી વાતો જાણીએ… મોડેલિંગ કરિયરના કારણે અભ્યાસ અધૂરો છોડી દીધો દીપિકા પાદુકોણનો જન્મ 5 જાન્યુઆરી 1986ના રોજ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં થયો હતો. તેના પિતા પ્રકાશ પાદુકોણ જાણીતા બેડમિન્ટન ખેલાડી છે. બાળપણમાં તેનો પરિવાર બેંગલુરુ શિફ્ટ થઈ ગયો. તેણે સોફિયા હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ કર્યો અને આગળ માઉન્ટ કાર્મેલ કોલેજમાં પ્રવેશ લીધો, પરંતુ મોડેલિંગ કારકિર્દીને કારણે અભ્યાસ છોડી દીધો. મોડેલિંગમાં એન્ટ્રી અને પહેલો બ્રેક દીપિકા શરૂઆતમાં તેના પિતાની જેમ બેડમિન્ટન ખેલાડી બનવા માંગતી હતી, પરંતુ કિશોરાવસ્થામાં તેનો ઝુકાવ મોડેલિંગ તરફ થયો. તેણે નાના પ્રોજેક્ટ્સથી શરૂઆત કરી અને ઓળખ બનાવી. તેને મોટો બ્રેક ત્યારે મળ્યો, જ્યારે તેણે જ્વેલરી બ્રાન્ડ 'તનિષ્ક' માટે મોડેલિંગ કર્યું. આ પછી, તેણે 'લેકમે ફેશન વીક'માં રેમ્પ વોક કર્યું, જેનાથી તે ઇન્ડસ્ટ્રીમાં નોટિસ થઈ. સૂટકેસ સાથે કેબમાં જ સૂઈ જતી હતી મોડેલિંગ દરમિયાન મુંબઈ આવવા પર દીપિકાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. દીપિકા કહે છે, 'હું એક નવા શહેરમાં એકલી આવી હતી. મારી પાસે ફક્ત મારી બેગ હતી, અને હું તેને લઈને આમતેમ ભટકતી રહેતી હતી. હું મોડી રાત સુધી કામ કરતી હતી અને સૂટકેસ લઈને કેબમાં બધે જતી હતી. ઘણી વાર હું તે જ કેબમાં સૂઈ જતી હતી.' કન્નડ ફિલ્મથી એક્ટિંગ ડેબ્યૂ મોડેલિંગમાં સફળતા મળ્યા બાદ દીપિકાને ફિલ્મની ઓફર મળી. તેણે 2006માં કન્નડ ફિલ્મ ‘ઐશ્વર્યા’થી એક્ટિંગ કરિયર શરૂ કર્યું. આ ફિલ્મ મોટી હિટ ન રહી, પરંતુ તેની સ્ક્રીન પ્રેઝન્સે ફિલ્મમેકર્સનું ધ્યાન ખેંચ્યું. બોલિવૂડમાં એન્ટ્રી અને પડકારો મોડેલિંગ દરમિયાન દીપિકા પાદુકોણે હિમેશ રેશમિયાના મ્યુઝિક વીડિયો ‘નામ હૈ તેરા’માં કામ કર્યું હતું. આમાં તેની સ્ક્રીન પ્રેઝન્સ અને કોન્ફિડન્સે ડિરેક્ટર ફરાહ ખાનનું ધ્યાન ખેંચ્યું. ફરાહ ખાન નવા અને ફ્રેશ ચહેરાની શોધમાં હતી. તેમને લાગ્યું કે 70ના દાયકાની એક્ટ્રેસ શાંતિ પ્રિયાના પાત્ર માટે દીપિકા યોગ્ય છે. આ પછી તેનું ઓડિશન થયું અને તેને ફિલ્મ માટે ફાઇનલ કરવામાં આવી. ડાયલોગ ડિલિવરી અને એક્ટિંગ સ્કિલ્સ પર પ્રશ્નો ઉઠ્યા શાહરુખ ખાન સાથે તેની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ બની, જે 2007ની મોટી હિટ ફિલ્મોમાંની એક રહી અને દીપિકા સ્ટાર બની ગઈ. આ દરમિયાન તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેના ઉચ્ચારણ (એક્સેન્ટ) અને ડાયલોગ ડિલિવરીની મજાક ઉડાવવામાં આવી, એક્ટિંગ સ્કિલ્સ પર પ્રશ્નો ઉઠ્યા અને આઉટસાઇડર હોવાનું દબાણ રહ્યું. દીપિકા પાદુકોણે 'ઇન્ડિયા ટીવી'ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'જ્યારે મારી ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ રિલીઝ થઈ, ત્યારે મારા ઉચ્ચારણ (એક્સેન્ટ) અને ડિક્શનને લઈને લોકોએ ઘણી મજાક ઉડાવી. આ મારા માટે ખૂબ જ દુઃખદાયક હતું, અને તે સમયે આવી વાતો સાંભળવી સહેલી નહોતી. ઘણા રિવ્યુમાં મારી એક્ટિંગ, એક્સેન્ટ અને ટેલેન્ટ પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા. મને ટ્રોલ પણ કરવામાં આવી, અને તેનાથી હું માનસિક રીતે ઘણી પરેશાન થઈ ગઈ હતી.' નકારાત્મકતાને પોતાને પર હાવી થવા દીધી નહીં દીપિકાએ કહ્યું કે, 'તે સમયે મને લાગ્યું હતું કે લોકો મારા પર્ફોર્મન્સથી ખુશ નથી અથવા મને રાઇટ ઓફ કરી દેવામાં આવી હતી. હું તૂટી શકતી હતી, નિરાશ થઈ શકતી હતી, અથવા કહી શકતી હતી કે, હવે હું આ કરી શકતી નથી. પરંતુ મેં તે નકારાત્મકતાને મારા પર હાવી થવા દીધી નહીં.' 'એક ખરાબ રિવ્યૂએ મને મારા પર કામ કરવા પ્રેરિત કરી. હું માનું છું કે નકારાત્મકતા પણ સારી હોઈ શકે છે- તે તમે તેને કેવી રીતે લો છો તેના પર નિર્ભર કરે છે.' મુશ્કેલ સમયમાંથી બહાર આવીને ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી ‘ઓમ શાંતિ ઓમ’ પછી દીપિકા પાદુકોણે ‘બચના ઐ હસીનો’, ‘ચાંદની ચોક ટુ ચાઈના’, ‘લવ આજકલ’, ‘કાર્તિક કોલિંગ કાર્તિક’, ‘હાઉસફુલ’, ‘લફંગે પરિંદે’, ‘બ્રેક કે બાદ’, ‘ખેલે હમ જી જાન સે’, ‘આરક્ષણ’ અને ‘દેસી બોયઝ’ જેવી ફિલ્મો કરી. આમાંથી ‘લવ આજકલ’, ‘હાઉસફુલ’ અને ‘બચના ઐ હસીનો’ હિટ રહી, બાકીની ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ ન રહી. 2012માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કોકટેલ’ને તેના કરિયરનો મોટો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. તેમાં તેના વેરોનિકા ડી’કોસ્ટાના પાત્રની પ્રશંસા કરવામાં આવી હતી અને તેને ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી (બેસ્ટ એક્ટ્રેસ) માટે નોમિનેશન મળ્યું હતું. આ પછી ‘યે જવાની હૈ દીવાની’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’ અને ‘ગોલિયોં કી રાસલીલા- રામલીલા’ જેવી હિટ ફિલ્મો આપીને તેણે પોતાને ટોચની એક્ટ્રેસ તરીકે સ્થાપિત કરી. કરિયરની ટોચ પર તૂટી, ડિપ્રેશને ઘેરી લીધી કારકિર્દીના ટોચના સમયે દીપિકા પાદુકોણ 2014ની આસપાસ ડિપ્રેશનથી ઝઝૂમી રહી હતી. તે અંદરથી તૂટી ગઈ હતી. 'KBC'માં દીપિકાએ કહ્યું હતું કે, 'હું મારી કારકિર્દીના ટોચ પર હતી, બધું બહારથી એકદમ પરફેક્ટ લાગી રહ્યુ હતું, ત્યારે એક સવારે મને અચાનક ખૂબ જ વિચિત્ર અનુભવ થયો. થોડા દિવસોમાં મને સમજાયું કે, હું ડિપ્રેશનમાં છું.' એકલતામાં જંગ, કોઈને વાત ન કરી તેણે આગળ કહ્યું, 'મેં કોઈને જણાવ્યું નહીં. હું એકલી મુંબઈમાં રહેતી હતી અને અંદરથી તૂટી રહી હતી. ઘણા દિવસો સુધી હું રડતી રહેતી હતી, મને જીવવાનું મન થતું ન હતું અને બધું ખાલી લાગવા માંડ્યું હતું. હું કોઈની સાથે વાત કરતી ન હતી.' માતા સામે ધીરજ તૂટી, ઓળખ શરૂ થઈ 'જ્યારે મારી માતા મુંબઈ આવી અને પાછા જવા લાગી, ત્યારે હું પોતાને રોકી શકી નહીં અને તેમની સામે રડી પડી. ત્યારે તેમને સમજાયું કે, કંઈક ખોટું થઈ રહ્યું છે. આ પછી મને ખબર પડી કે આ ડિપ્રેશન છે અને મેં થેરાપી લેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેને છુપાવીને રાખ્યું, પરંતુ ધીમે ધીમે સમજાયું કે તેના વિશે વાત કરવી જરૂરી છે.' થેરાપી પછી ‘લિવ લવ લાફ’થી નવી રાહ 'ડિપ્રેશન દરમિયાન મેં ‘લિવ લવ લાફ ફાઉન્ડેશન’ શરૂ કર્યું. મારા દર્દને સમજતા મેં ડિપ્રેશનથી ઝઝૂમી રહેલા લોકોની મદદ કરવાનો નિર્ણય કર્યો. મેં ફાઉન્ડેશન એટલા માટે ખોલ્યું, જેથી આવા લોકો સુધી મદદ પહોંચી શકે. અહીં આવનારા લોકો સાથે મેં મારો અનુભવ શેર કર્યો, જેથી તેઓ પણ તેમાંથી બહાર આવી શકે.' ડિપ્રેશનમાંથી વાપસી, કરિયરને મળ્યો નવો વળાંક ડિપ્રેશનમાંથી બહાર આવ્યા પછી દીપિકા પાદુકોણે કરિયરમાં વાપસી કરી. 2014 પછી તેની સફર નવા વળાંક પર પહોંચી, જ્યાં તેણે કન્ટેન્ટ-ડ્રિવન અને મોટા બજેટની ફિલ્મોમાં પોતાને સાબિત કરી. સતત સફળ ફિલ્મોથી તેણે ઇન્ડસ્ટ્રીમાં મજબૂત પકડ બનાવી અને વિવેચકો તથા દર્શકોનો વિશ્વાસ જીત્યો. હિટ ફિલ્મોની લાંબી યાદી, ઇન્ટરનેશનલ ઓળખ દીપિકાની ફિલ્મોમાં ‘પીકુ’ અને ‘બાજીરાવ મસ્તાની’ને પ્રશંસા મળી, જ્યારે ‘તમાશા’માં તેના અભિનયની ચર્ચા થઈ. 2017માં તેણે હોલીવુડ ફિલ્મ ‘એક્સએક્સએક્સ: રિટર્ન ઓફ ઝેન્ડર કેજ’થી આંતરરાષ્ટ્રીય ઓળખ બનાવી. 2018માં રિલીઝ થયેલી ‘પદ્માવત’ તેના કરિયરની બ્લોકબસ્ટર રહી. જોકે, આ ફિલ્મ દરમિયાન સૌથી મોટો વિવાદ પણ થયો હતો. ફિલ્મમાં દીપિકા રાણી પદ્માવતીના પાત્રમાં હતી. ઘણા રાજપૂત સંગઠનોએ આરોપ લગાવ્યો કે, ફિલ્મ ઐતિહાસિક તથ્યોને તોડી-મરોડી રહી છે. વિરોધ એટલો વધ્યો કે સેટ પર હુમલા, દીપિકાનું નાક કાપી નાખવાની ધમકીઓ અને ફિલ્મને બેન કરવાની માંગ સુધી થઈ. આ પછી તેણે ‘છપાક’, ‘83’ અને ‘ગહેરાઈયાં’માં અલગ-અલગ પાત્રો ભજવ્યા. ‘છપાક’ની રિલીઝ સમયે દિલ્હીના JNUમાં વિદ્યાર્થીઓ પર હુમલા પછી દીપિકાનું ત્યાં જવું ચર્ચા અને વિવાદ બંનેનો વિષય બની ગયું. આ પછી સોશિયલ મીડિયા પર તેને સમર્થન અને વિરોધ, બંને પ્રકારની પ્રતિક્રિયાઓ મળી, અને કેટલીક જગ્યાએ ફિલ્મને બોયકોટ કરવાની પણ માંગ ઉઠી. બોક્સ ઓફિસ પર દબદબો, મોટા પ્રોજેક્ટ્સ લાઇનઅપમાં તાજેતરના વર્ષોમાં દીપિકાનો સ્ટારડમ વધ્યો છે. ‘પઠાણ’એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરી, જ્યારે ‘જવાન’માં તેનો કેમિયો ચર્ચામાં રહ્યો. ફિલ્મ ‘પઠાણ’ના ગીત ‘બેશરમ રંગ’માં તેણે ભગવા રંગની બિકીની પહેરવા પર મોટો વિવાદ ઊભો થયો. ઘણા જૂથોએ તેને વાંધાજનક ગણાવ્યું અને ફિલ્મના બહિષ્કારની માંગ કરી. ત્યારબાદ ‘ફાઇટર’ અને ‘કલ્કિ 2898 AD’માં તેની મહત્વની ભૂમિકા રહી. આવનારા સમયમાં તે ‘કિંગ’માં શાહરૂખ ખાન સાથે જોવા મળશે. સાથે જ ‘રાકા’માં અલ્લુ અર્જુન સાથે તેની જોડી જોવા મળશે, જે પાન ઇન્ડિયા સ્તરે બની રહી છે. નેટવર્થ 500 કરોડ રૂપિયાથી વધુ એક્ટિંગની સાથે દીપિકા બિઝનેસ અને સોશિયલ વર્ક સાથે જોડાયેલી છે. તેની સ્કિનકેર બ્રાન્ડ 82°E ચર્ચામાં છે, જ્યાં તે સ્કિન અને વેલનેસ પ્રોડક્ટ્સથી સીધો બિઝનેસ કરે છે. તે ફિલ્મ પ્રોડક્શન અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ કમાણી કરે છે. લાઇફસ્ટાઇલ એશિયા હોંગકોંગ અનુસાર તેની નેટવર્થ 500 કરોડ રૂપિયાથી વધુ છે.
Read Original Article →