સેલિના જેટલી દીકરાની કબર પાસે ધ્રુસકે ધ્રુસકે રડી પડી:છૂટાછેડા માટે ઓસ્ટ્રિયા પહોંચી, એક્ટ્રેસે કહ્યું- 'મારા 3 બાળકો અને સંપત્તિને છીનવી લેવાનું કાવતરું છે'

Entertainment5/7/2026, 6:44:41 AM
સેલિના જેટલી દીકરાની કબર પાસે ધ્રુસકે ધ્રુસકે રડી પડી:છૂટાછેડા માટે ઓસ્ટ્રિયા પહોંચી, એક્ટ્રેસે કહ્યું- 'મારા 3 બાળકો અને સંપત્તિને છીનવી લેવાનું કાવતરું છે'
બોલિવૂડ એક્ટ્રેસ સેલીના જેટલી માટે છેલ્લા કેટલાક મહિનાઓ અત્યંત પીડાદાયક રહ્યા છે. યુએઈમાં ભાઈની ધરપકડથી લઈને છૂટાછેડાની પ્રક્રિયા સુધી. હવે એક્ટ્રેસના છૂટાછેડાની સુનાવણી પણ શરૂ થઈ ગઈ છે, જેના સંબંધમાં તે અત્યારે ઓસ્ટ્રિયામાં છે. અહીં જ તેના દીકરાની કબર પણ છે. ઓસ્ટ્રિયામાં એક્ટ્રેસ પોતાના દીકરાની કબર પર ગઈ હતી અને ધ્રુસકે ને ધ્રુસકે રડતી જોવા મળી હતી. '2 અઠવાડિયા અત્યંત ક્રૂર હતા' સેલીના જેટલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર કબ્રસ્તાનનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં લખ્યું હતું, ‘છૂટાછેડાની સુનાવણી માટે ઓસ્ટ્રિયામાં વિતાવેલા છેલ્લા 2 અઠવાડિયા અત્યંત ક્રૂર હતા. જે એકમાત્ર બાળકને હું મળી શકી તે સ્વર્ગસ્થ શમશેર હતો. જજ સમક્ષ હાજર થયા હોવા છતાં મને મારા બાળકોને ઘરે લાવવા દેવામાં આવ્યા નથી. એટલું જ નહીં, મને મારા 3 બાળકોને જોવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી, જેમને મેં જન્મ આપ્યો છે અને જેમના માટે મેં અનેક બલિદાનો આપ્યા છે. મારા બાકી બચેલા લગ્ન પહેલાના એસેટ્સ (સંપત્તિ) છીનવી લેવા માટે મારા બાળકોને ફોસલાવવામાં આવી રહ્યા છે અને મારી વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે. આશા છે કે મને ઈજા પહોંચાડવાથી તેને રાહત મળશે, દુર્ભાગ્યે આ બધી વસ્તુઓ આપણા બાળકો માટે હંમેશ માટે એક ઘા બની જશે.’ તેણે લખ્યું, ‘મને ફક્ત મારા દિવંગત દીકરા શમશેરને મળવા દેવામાં આવી, જેનું થોડા સમય પહેલા અવસાન થયું છે. આ એક એવી માતાની દર્દભરી કહાણી છે, જેણે પોતાના બાળકો માટે તેમના જન્મથી જ બધું જ કર્યું. મેં મારો દેશ, મારા માતા-પિતા અને મારું કામ છોડી દીધું, અને મારા પતિના કરિયરને ટેકો આપવા માટે ભારતથી દુબઈ, સિંગાપોર, ઑસ્ટ્રિયા, પછી દુબઈ અને ફરીથી ઑસ્ટ્રિયા સુધી શિફ્ટ થતી રહી.’ ‘મેં એકલા મારા બાળકોનો ઉછેર કર્યો અને દરેક પગલે મારા પતિના સપના, કરિયર અને અમારા બનાવેલા જીવનને સાથ આપ્યો. પરંતુ લગ્ન અને બાળકો માટે મારું આખું જીવન સમર્પિત કરવાના બદલામાં, મેં મારી સંપત્તિને એક પછી એક છીનવાતી જોઈ અને ઘણું અપમાન અને અત્યાચાર સહન કર્યા.’ 'બાળકોને મારી વિરુદ્ધ બોલવા માટે ડરાવવામાં આવ્યા છે' સેલિના આગળ લખે છે, ‘મેં ઘણી વાર કાયદેસર અને પ્રામાણિક રીતે પરસ્પર સંમતિથી અલગ થવાનો પ્રયાસ કર્યો, પરંતુ દર વખતે મારા લગ્ન પહેલાંની બાકી રહેલી સંપત્તિ પર અયોગ્ય માંગણીઓ મૂકવામાં આવી. ઑસ્ટ્રિયાની ફેમિલી કોર્ટના સંયુક્ત કસ્ટડી આદેશ છતાં, આજે મને મારા ત્રણેય બાળકો સાથે વાત કરવાની પણ પરવાનગી નથી, અને તેનાથી મારું હૃદય તૂટી ગયું છે. વારંવાર મારા બાળકોને મારાથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમને એકતરફી મીડિયા વાતો બતાવવામાં આવી, જેથી તેઓ મારી સાથે સામાન્ય રીતે વાત ન કરી શકે. એટલું જ નહીં, તેમને મારા વિરુદ્ધ બોલવા માટે માનસિક રીતે પ્રભાવિત અને ડરાવવામાં પણ આવ્યા, જ્યારે મેં એક માતા તરીકે હંમેશા ફક્ત તેમનું ધ્યાન રાખ્યું છે.’ સેલિનાએ એમ પણ કહ્યું છે કે, તેને છેતરીને છૂટાછેડાની નોટિસ આપવામાં આવી હતી. અને હવે તેની લગ્ન પહેલાની સંપત્તિ છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોતાની પોસ્ટમાં સેલિનાએ લખ્યું, ‘સપ્ટેમ્બરની શરૂઆતમાં, મારા પતિએ મને છૂટાછેડાની નોટિસ આપી. બહાનું એ બનાવવામાં આવ્યું કે અમારી 15મી લગ્નની વર્ષગાંઠ માટે મંગાવવામાં આવેલી એક ભેટ પોસ્ટ ઓફિસમાંથી લેવાની છે, અને તેઓ પોતે મને ત્યાં લઈ ગયા હતા.’ ‘મેં વારંવાર બાળકોના ભલાને સૌથી ઉપર રાખીને શાંતિ અને પરસ્પર સમજદારીથી અલગ થવાનો પ્રયાસ કર્યો. પરંતુ દર વખતે મારી લગ્ન પહેલાની સંપત્તિને લઈને એવી માંગણીઓ અને શરતો મૂકવામાં આવી, જેનો હેતુ છૂટાછેડા પછી પણ મારી આઝાદી અને સન્માન છીનવી લેવાનો હતો.’ પતિ વિરુદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી નોંધનીય છે કે, સેલિના જેટલીએ 2010માં પીટર હાગ સાથે લગ્ન કર્યા હતા. સેલિનાએ 2012માં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. 5 વર્ષ પછી તેમને ફરીથી જોડિયા બાળકો થયા, જેમાંથી એકનું હાઈપોપ્લાસ્ટિક હાર્ટ કન્ડિશનના કારણે મૃત્યુ થયું. હાલમાં સેલિનાના ત્રણ બાળકો વિન્સ્ટન, વિરાજ અને આર્થર છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સેલિનાના પતિએ અચાનક તેને છૂટાછેડા આપી દીધા, જેના પછી સેલિનાએ નવેમ્બર 2025માં પતિ વિરુદ્ધ મારપીટ અને ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →