'ખુદા ગવાહ' ફેમ ભરત કપૂરનું 80 વર્ષની વયે અવસાન:થોડા દિવસથી પીઢ એક્ટર બીમાર હતા; 'નૂરી', 'ગુલામી' સહિત 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું

Entertainment4/29/2026, 10:18:01 AM
'ખુદા ગવાહ' ફેમ ભરત કપૂરનું 80 વર્ષની વયે અવસાન:થોડા દિવસથી પીઢ એક્ટર બીમાર હતા; 'નૂરી', 'ગુલામી' સહિત 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું
પીઢ એક્ટર ભરત કપૂરનું સોમવારે નિધન થયું. 80 વર્ષની વયે તેમણે મુંબઈમાં પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા. તેમણે લગભગ ચાર દાયકાની કારકિર્દીમાં અમિતાભ બચ્ચન સ્ટારર 'આખરી રાસ્તા' અને 'ખુદા ગવાહ' સહિત 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 'નૂરી', 'આખરી રાસ્તા', 'બજાર', 'ઇનકાર', 'રામ બલરામ' જેવી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓ ભજવી હતી. લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર હતા 'આજ તક'ની રિપોર્ટ અનુસાર, ભરત કપૂરનું નિધન મલ્ટીપલ ઓર્ગન ફેલિયરને કારણે થયું. એક્ટર અવતાર ગિલે ન્યૂઝ એજન્સી ANI સાથે ભરત કપૂરના નિધનની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે, 'ભરત કપૂર છેલ્લા બે-ત્રણ દિવસથી બીમાર હતા. તેઓ ઘરે જ હતા અને સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે તેમનું નિધન થયું.' અવતાર ગિલે કહ્યું કે, તેમને સાંજે લગભગ 4 થી 4:30 વાગ્યે ભરત કપૂરના દીકરાનો ફોન આવ્યો હતો. ભરત કપૂરે ઘણા સમય પહેલા કામ કરવાનું બંધ કરી દીધું હતું. ગઈકાલે સાંજે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 'નૂરી' સહિત 200 ફિલ્મોમાં કામ કર્યું ભરત કપૂરે 1972માં પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું, જેમાં 'નૂરી' (1979), 'રામ બલરામ' (1980), 'લવ સ્ટોરી' (1981), 'બજાર' (1982), 'ગુલામી' (1985), 'આખરી રાસ્તા' (1986), 'સત્યમેવ જયતે' (1987), 'સ્વર્ગ' (1990), 'ખુદા ગવાહ' (1992) અને 'રંગ' (1993) નો સમાવેશ થાય છે. ભરત કપૂર ટીવી શોમાં પણ જોવા મળ્યા હતા ભરત કપૂરે 'બરસાત' (1995), 'સાજન ચલે સસુરાલ' (1996) અને 'મીનાક્ષી: અ ટેલ ઓફ થ્રી સિટીઝ' (2004) જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું. તેમજ, ફિલ્મો ઉપરાંત તેમણે ટેલિવિઝનમાં પણ કામ કર્યું. તે 'કેમ્પસ', 'પરંપરા', 'રાહત', 'સાસ', 'અમાનત', 'તારા', 'ચુનોતી' અને 'કહાની ચંદ્રકાંતા કી' જેવા શોમાં જોવા મળ્યા હતા.
Read Original Article →