બંગાળી એક્ટરના મોત મામલે નવો વળાંક:રાહુલ બેનર્જીને દરિયામાંથી જીવતો બહાર કાઢ્યો હોવાનો પ્રોડ્યુસરનો દાવો, ડોક્ટર ક્લિનિકમાં હાજર ન હોવાનો આરોપ
બંગાળી એક્ટર રાહુલ અરુણોદય બેનર્જીનું 29 માર્ચે સમુદ્રમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. સીરિયલ 'ભોલે બાબા પાર કરેગા'ના શૂટિંગ દરમિયાન ઓડિશાના તાલસારી બીચ પર આ દુર્ઘટના બની હતી. ‘રાહુલને પાણીમાંથી જીવતો બહાર કઢાયો હતો’ પરંતુ હવે શોના મેકર્સે દાવો કર્યો છે કે, રાહુલને પાણીમાંથી જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો અને તે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને તરત જ નજીકના ક્લિનિક લઈ જવામાં આવ્યો, પરંતુ ત્યાં કોઈ ડોક્ટર હાજર નહોતો. ત્યારબાદ તેને દીઘા સ્ટેટ જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. પ્રોડ્યુસર્સે એ રિપોર્ટ્સને નકારી કાઢ્યા જેમાં કહેવામાં આવ્યું હતું કે, એક્ટર લાંબા સમય સુધી પાણીની અંદર રહ્યો હતો. તાલસારી બીચ પર બનેલી દુર્ઘટના રાહુલ બેનર્જી ઓડિશાના બાલેશ્વર જિલ્લામાં સિરિયલનું શૂટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી તેનો જીવ ગયો. પ્રોડક્શન હાઉસે પીટીઆઈ (ન્યૂઝ એજન્સી)ને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું, 'અમારા ક્રૂના તમામ સભ્યો ઊંડા દુઃખમાં છે. અમે થોડા દિવસનો સમય માંગીએ છીએ, જેથી ત્યાં હાજર લોકો સાથે વાત કરીને એક તટસ્થ અને વિસ્તૃત રિપોર્ટ રજૂ કરી શકીએ.' મેકર્સે એક્ટરના પરિવાર અને વેસ્ટ બંગાળ મોશન પિક્ચર આર્ટિસ્ટ ફોરમને પણ તપાસ પ્રક્રિયાનો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે. આ સાથે જ પ્રોડક્શન હાઉસે પોતાનું સત્તાવાર નિવેદન જાહેર કરીને નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે. તેમણે કહ્યું છે કે, ઘટના સમયે હાજર ક્રૂ મેમ્બર્સની પૂછપરછ કરીને એક સચોટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. બેદરકારીના દરેક પાસાની તપાસ થશે પ્રોડક્શન હાઉસે સ્પષ્ટ કર્યું છે કે, આ મામલે બેદરકારીની દરેક નાનીમાં નાની સંભાવનાની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું, 'શૂટિંગ સંબંધિત તમામ પરવાનગીઓ અને જરૂરી દસ્તાવેજો તપાસ ટીમને સોંપવામાં આવશે. અમે અધિકારીઓ સાથે સંપૂર્ણ સહયોગ કરી રહ્યા છીએ.' કો-સ્ટારનો દાવો- 'પેકઅપ પછી થયો અકસ્માત' પોલીસના જણાવ્યા અનુસાર શૂટિંગ દરમિયાન એક્ટરનું મૃત્યુ થયું હતું, પરંતુ કો-સ્ટાર દિંગતા બાગચીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, 'પેકઅપ પછી તે એકલા દરિયામાં ગયા હતા, જ્યાં તેમનો પગ ફસાઈ ગયો હતો. મોજામાં ફસાયા બાદ સેટ પર અફરાતફરી મચી ગઈ હતી. ટીમ તેમને બહાર કાઢીને દીઘા હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા.' ઘણી બંગાળી ફિલ્મોમાં કામ કર્યું રાહુલ અરુણોદય બેનર્જીને 2008ની ફિલ્મ ‘ચિરોદિની તુમી જે અમાર’થી ઓળખ મળી. આ પછી તેમણે ‘તુમી અસબે બોલે’ (2014), ‘ઝુલ્ફીકાર’ (2016), ‘બ્યોમકેશ ગોત્રો’ (2018), ‘બિદાય બ્યોમકેશ’ (2018) અને ‘ધ એકેડમી ઓફ ફાઇન આર્ટ્સ’ (2025)માં કામ કર્યું. તેણે ટીવી સિરિયલ્સ ‘હોરોગૌરી પિસે હોટેલ’ અને ‘મોહોના’માં પણ કામ કર્યું હતું.
Read Original Article →