બહેરૂપિયો- ડરના ઓથાર હેઠળ જીવતા શ્રાપિત ગામની રહસ્યમયી વાર્તા:ધારદાર એક્ટિંગ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને વર્લ્ડ ક્લાસ VFX રૂંવાડા ઊભા કરી દેશે

Entertainment4/25/2026, 10:50:15 AM
બહેરૂપિયો- ડરના ઓથાર હેઠળ જીવતા શ્રાપિત ગામની રહસ્યમયી વાર્તા:ધારદાર એક્ટિંગ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને વર્લ્ડ ક્લાસ VFX રૂંવાડા ઊભા કરી દેશે
રેટિંગઃ 4/5 કાસ્ટઃ કિંજલ રાજપ્રિયા, ડેનિશા ઘુમરા, મૌલિક ચૌહાણ, જયેશ મોરે ડિરેક્ટરઃ રાજા સંજય ચોક્સી શું કોઈ શ્રાપ વર્ષો સુધી આખા ગામને બાનમાં લઈ શકે? કે પછી ભયાનક ઘટનાઓ પાછળ કોઈ શતરંજ જેવી ચાલ છુપાયેલી હોય છે? ગુજરાતી સિનેમા જ્યારે અવનવા પ્રયોગો કરી રહ્યું છે, ત્યારે ડિરેક્ટર રાજા સંજય ચોક્સી 'બહેરૂપિયો' દ્વારા એક એવી માઇથોલોજિકલ-હૉરર થ્રિલર ફિલ્મ લઈને આવ્યા છે, જે 1940ના રજવાડી ભૂતકાળથી લઈને 2026ના આધુનિક સમય સુધીની રહસ્યમયી સફર કરાવશે. કિંજલ રાજપ્રિયાની નિડરતા, મૌલિક ચૌહાણની બેવડી ભૂમિકા, જયેશ મોરેનો ધારદાર અભિનય, ડેનિશા ઘુમરા અને આશીમાના પાત્રો સતત 'બહેરૂપિયો'ની ગૂંચવણ જાળવી રાખશે. 24 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થયેલી 'બહેરૂપિયો'નો રન ટાઇમ 2 કલાક અને 32 મિનિટનો છે. દિવ્ય ભાસ્કરે ફિલ્મને 5માંથી 4 સ્ટાર આપ્યા છે. ફિલ્મની વાર્તા કેવી છે? ફિલ્મની વાર્તા બે જૂદા જૂદા સમયગાળાને જોડે છે- એક તરફ 1940-60નો રજવાડી ભૂતકાળ છે, તો બીજી તરફ 2026ની આધુનિક દુનિયા. વાર્તાની શરૂઆત 3 મિત્રોથી થાય છે, જે મુંબઈથી પોતાના ગામમાં પૈતૃક ઘરે જાય છે. વર્ષો પહેલાં રાજાના પરિવાર સાથે ઘટેલી કેટલીક ઘટનાઓના કારણે આખું ગામ શ્રાપિત થઈ ગયું છે. ભાવિક અને માહી ડરના ઓથાર હેઠળ જીવે છે, જ્યારે આન્યા (કિંજલ રાજપ્રિયા) એક પત્રકાર હોવાથી વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કરે છે. આ બધા વચ્ચે એક પછી એક ડરામણી અને રહસ્યમયી ઘટનાઓ ઘટવા લાગે છે. એક તરફ આન્યા સચ્ચાઈ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે, તો બીજી તરફ ઘટનાઓ તેનું સૌથી ડરામણું સ્વરૂપ ધારણ કરી લે છે. શું ગામમાં બની રહેલી આ ઘટનાઓનું કારણ વર્ષો પહેલાનો શ્રાપ છે કે પછી કોઈ મુખોટા પાછળ છુપાયેલો ચહેરો? સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે? એક્ટિંગની વાત કરીએ તો, કિંજલ રાજપ્રિયાએ ખૂબ જ ઉત્સાહી, નીડર અને જિજ્ઞાસુ પત્રકારની ભૂમિકામાં જીવ રેડી દીધો છે. ડબલ રોલમાં મૌલિકે પોતાની વર્સેટિલિટી સાબિત કરી છે. બંને પાત્રો વચ્ચેનો તફાવત તેણે સુંદર રીતે નિભાવ્યો છે. દર વખતની જેમ જયેશ મોરેએ આ વખતે પણ પોતાની ધારદાર એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. ડેનિશા ઘુમરા, આશીમા વર્ધાન, આકાશ આહુજા, નીતા પર્યાણી અને દીપ શેઠે પણ પોતાના પાત્રોને ખૂબ સુંદર રીતે ભજવ્યા છે. ઉપરાંત જાનકી બોડીવાલાનો કેમિયો વાર્તાને નવા સ્તર પર લઈ જાય છે. ડિરેક્શન અને ટેકનિકલ પાસું કેવું છે? ડિરેક્ટર રાજા સંજય ચોક્સીએ માઇથોલોજિકલ-હૉરર જોનરાને ખૂબ સારી રીતે રજૂ કર્યો છે. ફિલ્મમાં તમામ પાત્રો સામાન્ય છતાં રહસ્યમયી લાગે છે. બે સમયગાળા વચ્ચે વાર્તાનું ટ્રાન્ઝિશન પણ સારી રીતે કરવામાં આવ્યું છે. દંતકથા અને VFX વચ્ચે પણ વાર્તાને ખૂબ સારી રીતે ગુંથવામાં આવી છે, જે છેલ્લે સુધી જકડી રાખે છે. ફિલ્મનું જમા પાસું તેના VFX છે, જે ગુજરાતી ફિલ્મો માટે એક નવું બેન્ચમાર્ક સેટ કરે છે. ફિલ્મના ડાયલોગ સહજપણે રજૂ થયા છે. કેમેરા એંગલ, ફ્રેમ, લોકેશન્સને ખૂબ સરસ રીતે વાર્તા સાથે વણી લેવામાં આવ્યા છે. 'બહેરૂપિયો' કોણ છે, તે જાણવાની તાલાવેલી છેલ્લે સુધી રહે છે. અંતમાં આવતું સરપ્રાઇઝ વાર્તાને એક નવા અધ્યાય તરફ લઈ જાય છે. મ્યુઝિક કેવું છે? ફિલ્મમાં મોટા શહેર અને નેહડાને જોડતી વાર્તાને 'મોંઘેરા મહેમાન' દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. બોલિવૂડ સિંગર સોનુ નિગમના અવાજમાં ગુજરાતીમાં ગવાયેલું 'પ્રેમની ભાષા' ગીત વાર્તાને એક નવો વળાંક આપે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ડરનો અનુભવ કરાવે છે અને વાર્તાના રહસ્યને વધુ ઘેરું બનાવે છે. ક્લાઇમેક્સ દરમિયાન એનર્જેટિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઉત્સાહને વધારી દે છે. ફાઇનલ વર્ડિક્ટઃ જોવી કે નહીં? સવનાથ એન્ટરટેઇનમેન્ટના બેનર હેઠળ બનેલી 'બહેરૂપિયો' પૌરાણિક દંતકથા, રહસ્યોથી ભરેલી દુનિયા અને ડરના સામ્રાજ્ય વચ્ચે પાંગરતી વાર્તા છે. ફિલ્મના સંવાદો, પાત્રોનું વર્તન, ઇશ્વરીય ચમત્કાર અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને બાંધી રાખશે. , બહેરૂપિયો સંબંધિત આ સમાચાર પણ વાંચો… મુખોટા પાછળના 'શૈતાન'ની કહાની!:'બહેરૂપિયો'ના શૂટિંગમાં મંડરાયો અદ્રશ્ય શક્તિનો પડછાયો; કિંજલ-મૌલિકનો ભાસ્કર સાથે એક્સક્લૂસિવ ખુલાસો શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે, તમારી આસપાસ કોઈની હાજરી છે પણ તમે તેને જોઈ શકતા નથી? કોઈ એવો અનુભવ જેણે તમારા શ્વાસ થંભાવી દીધા હોય? ભૂત-પ્રેત એ માત્ર માણસના મનની ઉપજ છે કે પછી ખરેખર કોઈ એવી અદ્રશ્ય શક્તિ છે, જે ખરેખર ચૂપચાપ મોતની જાળ પાથરે છે? કે આપણી આસપાસ રહેલા કોઈ એવા ચહેરાઓ છે, જેના ઘણા રૂપ છે, જે બહાર દેખાઈ રહ્યા છે, તે વાસ્તવિકતાથી તદ્દન વિપરીત છે? આવા અનેક પ્રશ્નોના જવાબ ગુજરાતી હોરર-થ્રિલર ફિલ્મ 'બેહરૂપિયો' આપી શકે છે. ફિલ્મના મુખ્ય કલાકારો, કિંજલ રાજપ્રિયા અને મૌલિક ચૌહાણે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી. સંપૂર્ણ સમાચાર વાંચો...
Read Original Article →