'મને થોડીવાર સૂવા દો':આશા ભોસલેના પૌત્રએ દાદી સાથેની અંતિમ વાતચીત જણાવી, કહ્યું- 'તેમણે નિધનના એક દિવસ પહેલાં જ નાટક જોયું હતું'

Entertainment4/28/2026, 4:30:00 AM
'મને થોડીવાર સૂવા દો':આશા ભોસલેના પૌત્રએ દાદી સાથેની અંતિમ વાતચીત જણાવી, કહ્યું- 'તેમણે નિધનના એક દિવસ પહેલાં જ નાટક જોયું હતું'
દિગ્ગજ સિંગર આશા ભોસલે તેમના નિધનથી એક દિવસ પહેલા મુંબઈમાં ત્રણ કલાકનું મરાઠી નાટક જોવા ગયાં હતાં. ત્યાં તેઓ સ્ટેજ પર પણ ગયાં હતાં અને નાટક જોવા આવેલા લોકોને ઠપકો આપતા કલાને જીવંત રાખવાની વાત કરી હતી. આ વાત આશા ભોસલેના પૌત્ર ચિન્ટુ ભોસલેએ સ્ક્રીનને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવી હતી. આશા ભોસલેનું 12 એપ્રિલે 92 વર્ષની વયે નિધન થયું હતું. તેમના પરિવારમાં દીકરો આનંદ ભોસલે અને પૌત્ર-પૌત્રી ઝનાઈ ભોસલે અને ચિન્ટુ ભોસલે છે. 'આશા ભોસલેનું નિધન ઊંઘમાં જ થયું' ચિન્ટુએ આશા ભોસલેની અંતિમ ક્ષણોને યાદ કરતા જણાવ્યું કે, મૃત્યુના 3-4 દિવસ પહેલા તેમની છેલ્લી વાતચીત થઈ હતી. તે સાંજે તેમણે ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધ પર વાત કરી હતી અને સાથે કેરી ખાધી હતી. તેમણે આગળ કહ્યું, ‘તેઓ ખૂબ શાંતિથી ગયાં. ઊંઘમાં જ તેમનું નિધન થયું. તેમને કોઈ પીડા નહોતી. અમે કહ્યું હતું કે અમે હોસ્પિટલ આવીશું, પરંતુ તેમણે કહ્યું હતું, ‘મને થોડીવાર સૂવા દો.’ તેમણે પોતાની શરતો પર એવી જ રીતે દુનિયા છોડી, જે રીતે તેમણે આખી જિંદગી જીવી હતી.’ પરિવાર દુઃખમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે પરિવાર વિશે વાત કરતા ચિન્ટુએ કહ્યું કે બધા આ દુઃખમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ઝનાઈ આ ઘટનાથી સંપૂર્ણપણે ભાંગી પડી છે, કારણ કે તે આશા ભોસલેની ખૂબ નજીક હતી. બંનેએ સાથે ઘણા શો કર્યા હતા. ચિન્ટુએ કહ્યું કે, પરિવાર દુઃખમાં પણ આશા ભોસલેના જીવનની ઉજવણી કરી રહ્યો છે. બધા લોકો સાથે બેસે છે, ડિનર કરે છે, વાતો કરે છે અને હસે છે. તેમણે કહ્યું કે આ જ રીત છે જેનાથી તેઓ આ દુઃખને સંભાળી રહ્યા છે.
Read Original Article →