તમન્ના ભાટિયાની સુંદરતાના વખાણ કરી અન્નૂ કપૂર ફસાયો:સોશિયલ મીડિયા પર ટ્રોલ થતા સ્પષ્ટતા આપી, કહ્યું- તે મારી દીકરી જેવી છે
એક્ટર અન્નુ કપૂરે એક્ટ્રેસ તમન્ના ભાટિયાના ગીત 'આજ કી રાત' પર કરેલી પોતાની 'દૂધિયા બદન' વાળી ટિપ્પણી પર સ્પષ્ટતા કરી છે. ભારે ટ્રોલિંગ પછી હવે એક્ટરનું કહેવું છે કે- તેની ટિપ્પણીને ખોટી રીતે લેવામાં આવી અને તેનો ઇરાદો ફક્ત વખાણ કરવાનો હતો. સિદ્ધાર્થ કનનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અન્નુ કપૂરે કહ્યું- “લોકોએ મને ગાળો આપી. મારું કહેવું માત્ર એટલું છે કે જો હું 'દૂધિયા બદન' કહું છું તો હોબાળો થઈ જાય છે, પરંતુ આ જ વાત અંગ્રેજીમાં 'મિલ્કી બોડી' કહેવામાં આવે તો કોઈને કોઈ મુશ્કેલી થતી નથી.” તેણે આગળ કહ્યું કે તમન્ના તેની દીકરીની ઉંમરની છે અને તેના મનમાં તેના માટે કોઈ ખોટી ભાવના નથી. 'જો ખરાબ લાગ્યું હોય તો પગે લાગવા તૈયાર છું'
પોતાની સ્પષ્ટતા દરમિયાન અન્નુએ એમ પણ કહ્યું કે જો તમન્ના ભાટિયા પોતે તેને આ વિશે પૂછશે, તો તે પોતાની વાત પર કાયમ રહેશે. તેણે કહ્યું, જો તમન્નાને મારી વાત ખરાબ લાગી છે, તો હું તેમના પગે લાગવા માટે પણ તૈયાર છું. જો એક 71 વર્ષનો માણસ તેના પગે લાગશે, તો તેઓ શું કહેશે? મારો ઇરાદો બિલકુલ સ્પષ્ટ છે અને મને મારું સત્ય ખબર છે. શું હતો આખો મામલો?
ફિલ્મ 'સ્ત્રી 2'ના સુપરહિટ ગીત 'આજ કી રાત'માં તમન્ના ભાટિયાના ડાન્સ અને લુકની ચારેબાજુ ચર્ચા થઈ હતી. એક જૂના પોડકાસ્ટ દરમિયાન અન્નૂ કપૂરે તમન્નાના લુક્સની પ્રશંસા કરતા 'દૂધિયા બદન' શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર લોકોએ તેને 'સેક્સિસ્ટ' ગણાવીને એક્ટરને ખૂબ ટ્રોલ કર્યો હતો.
Read Original Article →