'કાન'ને લઈ ટ્રોલિંગ પર સ્ટાર્સ આલિયાના સમર્થનમાં ઉતર્યા:સોનુ સૂદે કહ્યું, 'આપણી વ્યક્તિની મહેનત પર ગર્વ કરો'; અલી ગોની-રાહુલ વૈદ્યે પણ ટ્રોલ્સને રોકડું પરખાવ્યું

Entertainment5/15/2026, 1:31:37 PM
'કાન'ને લઈ ટ્રોલિંગ પર સ્ટાર્સ આલિયાના સમર્થનમાં ઉતર્યા:સોનુ સૂદે કહ્યું, 'આપણી વ્યક્તિની મહેનત પર ગર્વ કરો'; અલી ગોની-રાહુલ વૈદ્યે પણ ટ્રોલ્સને રોકડું પરખાવ્યું
બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ 'કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026'માં તેના લુક્સને કારણે ચર્ચામાં રહી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. કેટલાક વીડિયો વાયરલ થયા બાદ દાવો કરવામાં આવ્યો હતો કે, ઇન્ટરનેશનલ પાપારાઝીએ તેને અવગણી હતી. હવે એક્ટર સોનુ સૂદ આલિયાના સમર્થનમાં ઉતર્યો છે. સોનુએ લોકોને અપીલ કરી છે કે, તેમણે ઇન્ટરનેશનલ સ્ટેજ પર ભારતીય કલાકારોનો ઉત્સાહ વધારવો જોઈએ, ન કે તેમની ખામીઓ શોધવી જોઈએ. 'કાનમાં ઊભા રહેવું એ જ મોટી સિદ્ધિ છે' સોનુ સૂદે સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કર્યો છે. જોકે, તેણે પોસ્ટમાં સીધું આલિયાનું નામ લીધું નથી, પરંતુ ચાહકો તેને આલિયાના સમર્થનમાં જોઈ રહ્યા છે. સોનુએ લખ્યું, 'જ્યારે આપણું કોઈ ઇન્ટરનેશનલ સ્ટેજ પર જાય છે, ત્યારે તે ગર્વની ક્ષણ હોવી જોઈએ, ખામીઓ કાઢવાની નહીં.' 'દરેક સિદ્ધિને કેમેરા, હેડલાઇન્સ કે અજાણ્યા લોકોની વાહવાહીની જરૂર હોતી નથી. ત્યાં ઊભા રહીને ગ્રેસ સાથે પોતાની કલાનું પ્રતિનિધિત્વ કરવું એ જ મોટી સિદ્ધિ છે.' 'બીજાને નીચા પાડનારાઓ પાસે સપના નથી હોતા' સોનુએ ટ્રોલિંગ કલ્ચર પર કટાક્ષ કરતા આગળ લખ્યું, 'આજની દુનિયાને ટ્રોલ કરવાની લત લાગી ગઈ છે, પરંતુ તમે બીજાનો ઉત્સાહ વધારવાનું પસંદ કરો. જે લોકો પોતાના સપના પૂરા કરવામાં વ્યસ્ત હોય છે, તેમની પાસે બીજાને નીચા પાડવાનો સમય નથી હોતો. ચમકતા રહો મારા મિત્ર, જેમણે તમારી રોશની જોવી હતી તેમણે જોઈ લીધી.' આલિયાએ પણ ટ્રોલને આપ્યો મજેદાર જવાબ આ પહેલા આલિયાએ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક ટ્રોલને જવાબ આપ્યો હતો. એક યુઝરે આલિયાની આઇવરી સાડીવાળી ફોટો પર કમેન્ટ કરી હતી- 'કેટલી દુઃખની વાત છે, ત્યાં કોઈએ તમને નોટિસ જ ન કર્યા.' આના પર આલિયાએ શાંતિ અને શાલીનતાથી જવાબ આપ્યો, 'દુઃખ કેવું જાન? તમે તો મને નોટિસ કરી.' અલી ગોની અને રાહુલ વૈદ્યએ પણ અવાજ ઉઠાવ્યો આલિયાના સપોર્ટમાં માત્ર સોનુ સૂદ જ નહીં, પરંતુ ટીવી એક્ટર અલી ગોની અને સિંગર રાહુલ વૈદ્ય પણ સામે આવ્યા. અલી ગોનીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'એ જોવું દુઃખદ છે કે જ્યારે કોઈ ભારતને ગ્લોબલ લેવલ પર રિપ્રેઝન્ટ કરી રહ્યુ હોય, ત્યારે આપણા પોતાના જ લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.' રાહુલ વૈદ્યએ પણ લોકોને ભારતીય કલાકારો પ્રત્યે દયાળુ રહેવાની અપીલ કરી. આલિયા સતત બીજી વખત કાન્સ પહોંચી આલિયા ભટ્ટે આ વર્ષે સતત બીજી વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાની હાજરી નોંધાવી. તેણે 2025માં અહીં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. આ વર્ષે આલિયાએ 'ભારત પેવેલિયન' માટે આઇવરી સિલ્ક સાડી-ગાઉન અને ફિલ્મ સ્ક્રીનિંગ માટે સિન્ડ્રેલા સ્ટાઇલનો બ્લુ ગાઉન પસંદ કર્યો હતો.
Read Original Article →