'ભૂત બંગલા'ના પ્રમોશન દરમિયાન ભીડ બેકાબૂ:અક્ષય કુમારને જોવા ફેન્સ એસ્કેલેટરની રેલિંગ પર ચડ્યા, અફરાતફરી મચી; સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉઠ્યા

Entertainment4/11/2026, 11:27:43 AM
'ભૂત બંગલા'ના પ્રમોશન દરમિયાન ભીડ બેકાબૂ:અક્ષય કુમારને જોવા ફેન્સ એસ્કેલેટરની રેલિંગ પર ચડ્યા, અફરાતફરી મચી; સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉઠ્યા
અક્ષય કુમાર હાલમાં તેની ફિલ્મ 'ભૂત બંગલા'ને લઈને પ્રમોશનમાં વ્યસ્ત છે. શુક્રવારે એક્ટર ગ્રેટર નોઇડા ખાતે પ્રમોશન માટે ગયો હતો. આ દરમિયાન ચાહકોની દીવાનગીનું ખતરનાક સ્વરૂપ જોવા મળ્યું હતું. ઇવેન્ટ દરમિયાન મોલમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. કેટલાક લોકો જીવ જોખમમાં મૂકી એસ્કેલેટર પર ચડી ગયા હતા. જો કે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી, પરંતુ આ ઘટનાને કારણે લોકોની સુરક્ષા પર પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગ્રેટર નોઇડાના મોલમાં અફરાતફરી મચી વાસ્તવમાં, અક્ષય કુમાર તેની 'ભૂત બંગલા' ફિલ્મની સ્ટારકાસ્ટ, રાજપાલ યાદવ અને વામિકા ગબ્બી સાથે શુક્રવારે ગ્રેટર નોઇડાના ગૌર સિટી મોલમાં પ્રમોશન માટે પહોંચ્યો હતો. સ્ટાર્સને જોવા માટે મોલમાં લોકો એકઠા થવા લાગ્યા. જોતજોતામાં ભીડ બેકાબૂ બની ગઈ. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે, નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. લોકો જીવ જોખમમાં મુકતા જોવા મળ્યા. ચાહકોએ સ્ટાર્સ માટે જીવ જોખમમાં મૂક્યો આ અંગેના કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે. આ વાયરલ વીડિયોમાં જોવા મળ્યું કે, કેટલાક ચાહકો સ્ટાર્સને જોવા માટે એસ્કેલેટરની રેલિંગ પર ચઢી ગયા. ગ્રાઉન્ડ ફ્લોર પર બેરિકેડ્સ તૂટ્યા અને લોકો એકબીજાને ધક્કા મારતા આગળ વધ્યા. આ સ્થિતિ મોટા અકસ્માતમાં બદલાઈ શકી હોત. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું આવા પબ્લિક ઇવેન્ટ્સ માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા હતી? બંધ જગ્યામાં હજારોની ભીડ એકઠી થવી અને નિયંત્રણ તૂટવું, મોલ મેનેજમેન્ટ અને ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સની તૈયારીઓ પર પ્રશ્ન ઉઠાવે છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ નારાજ દેખાયા. ઘણા લોકોએ તેને ગેરજવાબદાર ગણાવ્યું અને કહ્યું કે, સ્ટાર્સ અને તેમની ટીમે આવા ઇવેન્ટ્સમાં ચાહકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જોઈએ. જોકે, આ દરમિયાન અક્ષય કુમાર સ્ટેજ પર શાંત દેખાયો અને ચાહકો સાથે વાતચીત કરતો રહ્યો. પરંતુ ભીડનું બેકાબૂ થવું એક મોટી ચેતવણી છે. ફિલ્મ ‘ભૂત બંગલા’ 17 એપ્રિલે રિલીઝ થવાની છે. પરંતુ પ્રમોશન દરમિયાન સામે આવેલી તસવીરો પ્રશ્ન ઉભા કરે છે કે શું સ્ટારડમના નામે લોકોના જીવ જોખમમાં મૂકવા યોગ્ય છે? અગાઉ પણ સેલિબ્રિટીઝની રેલી અને ઇવેન્ટ્સ દરમિયાન નાસભાગ મચતા ચાહકોએ જીવ ગુમાવ્યા છે. થલાપતિ વિજયની રેલીમાં નાસભાગ થતાં 40 લોકોના મોત થયા હતા સાઉથસ્ટાર થલાપતિ વિજયે ગત વર્ષે 27 સપ્ટેમ્બર 2026ના રોજ તમિલનાડુના કરુરમાં એક રેલી યોજી હતી. વિજયે 'તમિલગા વેત્રી કઝગમ' (TVK) નામની પાર્ટીની સ્થાપના કરી હતી. બાદમાં તેણે 2026ની વિધાનસભા ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો હતો. પરિણામે તેણે રાજ્યભરમાં રેલીઓ કરી, તે જ અંતર્ગત કરુરમાં પણ રેલીનું આયોજન કરાયું હતું. તે સમયે ટીવીકેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું કે વિજય બપોરે 12 વાગ્યા સુધીમાં સ્થળ પર પહોંચી જશે. તેથી સવારે 11 વાગ્યાથી જ ભીડ એકઠી થવા લાગી હતી. જોકે, વિજય સાંજે 7:40 વાગ્યે પહોંચ્યો. રેલીમાં 10,000 લોકો માટે પરવાનગી હતી, પરંતુ 50,000 લોકો ભેગા થયાં હતાં. વિજયને રેલીમાં જાણ કરવામાં આવી કે એક 9 વર્ષની છોકરી ગુમ છે. તેણે મદદ માટે અપીલ કરી, જેના કારણે નાસભાગ મચી ગઈ. આ દુર્ઘટનામાં 16, મહિલાઓ, 10 બાળકો સહિત 40 લોકોના મોત નિપજ્યાં હતાં, જ્યારે 95 લોકોને ઈજા પહોંચી હતી. તેમાંથી 51 લોકોને ICUમાં દાખલ કરાયાં હતાં. 'પુષ્પા'ના સરપ્રાઇઝે મહિલાનો જીવ લીધો હતો 'પુષ્પાઃ ધ રૂલ' ફિલ્મ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. રિલીઝ પહેલા હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું. પ્રીમિયર દરમિયાન અલ્લુ અર્જુન ચાહકોને સરપ્રાઈઝ કરવા આવ્યો હતો. અલ્લુ અર્જુનને જોવા માટે એટલી બધી ભીડ એકઠી થઈ ગઈ કે નાસભાગ મચી ગઈ હતી. ભીડ બેકાબૂ બની જવાને કારણે ઘણા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ઘણા લોકો બેભાન થઈ ગયા. આ દરમિયાન રેવતી નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો દીકરો શ્રેતેજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
Read Original Article →