દ્વારકાની વાઇબ્સ સાથે કચ્છી ફોકનું ફ્યૂઝન!:'અઘોરી મ્યુઝિક' બેન્ડ 'વેલકમ ટુ ગુજરાત' આલ્બમ સાથે તૈયાર; 14 ગીતોમાં ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિની ઝલક
છેલ્લા એક દાયકાથી ગુજરાતના લોક સંગીતમાં હિપ-હોપ કલ્ચરનો પાયો નાખનાર પ્રખ્યાત બેન્ડ 'અઘોરી મ્યુઝિક' તેના વૈશ્વિક પ્રોજેક્ટ 'વેલકમ ટુ ગુજરાત'ને લોન્ચ કરવા તૈયાર છે. ગુજરાતી વારસાને ગ્લોબલ લેવલે નવતર ઓળખ અપાવવાના લક્ષ્ય સાથે તૈયાર થયેલા આ નવા આલ્બમ સાથે બેન્ડ પોતાની પહેલી 'વર્લ્ડ ટૂર'ની પણ સત્તાવાર જાહેરાત કરવા જઈ રહ્યું છે. 14 ગીતોમાં આદિવાસી અને ગ્રામીણ સંસ્કૃતિનો પણ સમાવેશ આગામી આલ્બમ 'વેલકમ ટુ ગુજરાત'માં કુલ 14 ગીતોનો સમાવેશ કરાયો છે, જેમાં પરંપરાગત સંસ્કૃતિ અને આધુનિક વેસ્ટર્ન સંગીતનો અદભુત સમન્વય જોવા મળશે. આલ્બમમાં મુખ્યત્વે 'હું (લાયન્સ રોર)', 'ચરણ કન્યા', 'ના છાંડ્યા હથિયાર', દિવાળીબેન આહીર સાથેનું 'કચ્છ - ચાંદની ની ચાદર', 'સાથે કૃષ્ણ તો શેનો પ્રશ્ન?', 'માણકી- ગરબા ઘેલી', 'ડમ્મર ડાક-6 (ડાકલા)', આદિવાસી અને ગ્રામીણ સંસ્કૃતિને આબેહૂબ રજૂ કરતું ખાસ ગીત 'સમથિંગ ટ્રાયબલ', 'સોના વાટકડી ફ્રીસ્ટાઈલ', 'જૂના જૂના જોગી', 'ગીરની કેડી વાંકી', 'ચરજ' અને આલ્બમની મુખ્ય થીમને દર્શાવતું ટાઈટલ ટ્રેક 'વેલકમ ટૂ ગુજરાત'નો સમાવેશ થાય છે. એક દાયકાથી પ્રાદેશિક ગીતોની હિપ-હોપ સ્ટાઇલમાં રજૂઆત અઘોરી મ્યુઝિકે 2016માં આ અલગ પ્રકારના સંગીત સફરની શરૂઆત કરી હતી. આ બેન્ડે અત્યારસુધીમાં 100થી વધુ ઓરિજનલ ગીતો આપ્યા છે. બેન્ડના મુખ્ય આર્ટિસ્ટ્સ ક્રુઝ, કે.ડીપ અને હાર્ડ-ડી તમામ ગીતોનું લેખન, મ્યુઝિક કમ્પોઝિશન, સિંગિંગ અને વીડિયો શૂટિંગ જાતે કરે છે. પરંપરાગત ગરબાને આધુનિક રેપ બીટ્સ સાથે જોડીને 'હિપ-હોપ ગરબા' રજૂ કરનાર અઘોરી મ્યુઝિક વિશ્વનું એકમાત્ર સત્તાવાર મ્યુઝિક બેન્ડ છે. 'ગુજરાતી સંસ્કૃતિનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ કરીશું' મ્યુઝિક આર્ટિસ્ટ્સે કહ્યું કે, ‘આપણી પ્રાદેશિક ભાષા અને સંસ્કૃતિ એટલી સક્ષમ છે કે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ પ્લેટફોર્મ પર ગર્વભેર રજૂ કરી શકાય છે. માત્ર સોશિયલ મીડિયા કે ડિજિટલ પ્લેટફોર્મ પૂરતા મર્યાદિત રહેવાને બદલે, અમે આગામી વર્લ્ડ ટૂર દ્વારા લાઈવ સ્ટેજ પર આ અનોખા મ્યુઝિકલ કલ્ચરને જીવંત કરવા માંગીએ છીએ. આ આલ્બમ અને ગ્લોબલ ટૂર ગુજરાતી કલ્ચરને વૈશ્વિક સ્તરે રિપ્રેઝન્ટ કરવાની દિશામાં માઈલસ્ટોન સાબિત થશે તેવો બેન્ડને સંપૂર્ણ વિશ્વાસ છે.’ 'અત્યારસુધીનો સૌથી પડકારજનક પ્રોજેક્ટ રહ્યો' અઘોરી મ્યુઝિકના ક્રિએટિવ હેડ દેવર્ષ કોઠારીએ આલ્બમની ક્રિએટિવ જર્ની વિશે વાત કરતા કહ્યું કે, 'એક ક્રિએટિવ ટીમ તરીકે 'વેલકમ ટુ ગુજરાત' અમારા માટે અત્યાર સુધીનો સૌથી પડકારજનક અને અનોખો પ્રોજેક્ટ રહ્યો છે. આ આલ્બમના 14 ગીતો પાછળ મહિનાઓનું સંશોધન અને સંગીતના અખતરા (મ્યુઝિકલ એક્સપેરિમેન્ટ્સ) જોડાયેલા છે, જ્યાં અમે દ્વારકાની આધ્યાત્મિક વાઇબ્સથી લઈને કચ્છના ફોક એલિમેન્ટ્સ અને આદિવાસી સંગીતને વેસ્ટર્ન હિપ-હોપ ડ્રમ્સ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરના સાઉન્ડમાં ઢાળ્યા છે. આ આલ્બમ અને લાઈવ વર્લ્ડ ટૂર દ્વારા અમે ઓડિયન્સને એવો વિઝ્યુઅલ અને ઓડિયો એક્સપિરિયન્સ આપવા જઈ રહ્યા છીએ, જે પ્રાદેશિક સંગીત જગતમાં આ પહેલાં ક્યારેય જોવા કે સાંભળવા નથી મળ્યો.'
Read Original Article →