રોબોટિક લાઈફ છોડો અને 'લટકે હાલો':આદિત્ય ગઢવીનું નવું ગીત રિલીઝ, ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં કહ્યું- મોબાઇલ મૂકો અને મોજમાં જીવો!

Entertainment4/9/2026, 8:16:58 AM
રોબોટિક લાઈફ છોડો અને 'લટકે હાલો':આદિત્ય ગઢવીનું નવું ગીત રિલીઝ, ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં કહ્યું- મોબાઇલ મૂકો અને મોજમાં જીવો!
ગુજરાતના લોકલાડિલા ગાયક અને જેમણે ગુજરાતી સંગીતને વૈશ્વિક ફલક પર ગુંજતું કર્યું છે તેવા આદિત્ય ગઢવીનું નવું મ્યુઝિક વીડિયો ગીત ‘લટકે હાલો’ આજે ધૂમ મચાવવા રિલીઝ થઈ ગયું છે. ગઈકાલે અમદાવાદમાં એક ભવ્ય અને અનોખા પ્રીમિયર લોન્ચમાં આદિત્યએ દિવ્ય ભાસ્કર સાથે ગીતના શૂટિંગ પાછળ 12 કલાકની મહેનતથી લઈ અંગત સફર વિશે દિલ ખોલીને વાત કરી હતી. ફેન્સ માટે ખાસ સરપ્રાઈઝ: 50 વિજેતા સાથે પ્રીમિયર આ પ્રીમિયરની સૌથી મોટી વિશેષતા એ હતી કે આદિત્યએ કોઈ મોટા સેલેબ્રિટીઝને બદલે પોતાના ફેન્સને પ્રાધાન્ય આપ્યું. એક ખાસ ક્વિઝ દ્વારા પસંદ કરાયેલા 50 લકી ફેન્સની હાજરીમાં આ ગીત લોન્ચ કરાયું. આદિત્યએ જણાવ્યું કે, "મારા ગીતોને લોકો સુધી પહોંચાડનાર મારા ફેન્સ જ છે, તો આ ખુશી સૌથી પહેલા તેમની સાથે જ વહેંચવી જોઈએ." કવિરાજે એક્સક્લુઝિવ વાતચીતમાં ‘લટકે હાલો’ પાછળનો વિચાર અને મહેનત વિશે વાત કરી, જેના અંશ નીચે મુજબ છે… પ્રશ્ન: ‘લટકે હાલો’ ગીત પાછળનો મુખ્ય સંદેશ શું છે? આદિત્ય: આજના ડિજિટલ યુગમાં આપણે ટેક્નોલોજી અને મોબાઈલ પાછળ એટલા પાગલ થયા છીએ કે વાસ્તવિક જીવનની નાની નાની ખુશીઓ ભૂલી ગયા છીએ. આ ગીત દ્વારા હું એ જ કહેવા માંગુ છું કે આપણે મશીન કે રોબોટ નથી. આ ભાગદોડ ભરી જિંદગીમાંથી બહાર નીકળો અને માણસ તરીકે જીવતા શીખો. પ્રશ્ન: આ ગીત બનતા કેટલો સમય લાગ્યો અને શૂટિંગનો અનુભવ કેવો રહ્યો? આદિત્ય: આ કોઈ રાતોરાત બનેલું ગીત નથી. અમે લગભગ એક વર્ષથી આના ઓડિયો પર કામ કરી રહ્યા હતા. વીડિયો બનાવવામાં 3-4 મહિનાનો સમય લાગ્યો. નવાઈની વાત એ છે કે માત્ર 3 મિનિટના ગીત માટે અમે સતત 12-13 કલાક શૂટિંગ કર્યું હતું. દરેક સીન પરફેક્ટ આવે તે માટે મારે 3 થી 4 રીટેક આપવા પડતા હતા. પ્રશ્ન: વીડિયોમાં રીલ અને જમવા જેવા રોજિંદા દ્રશ્યો લેવાનો વિચાર ક્યાંથી આવ્યો? આદિત્ય: આ વિચારો અમારી ટીમની લાંબા સમયની મહેનતનું પરિણામ છે. આપણે રોજ જોઈએ છીએ કે લોકો જમતી વખતે પણ ફોનમાં પરોવાયેલા હોય છે. અમે આ નાની નાની બારીકાઈઓ પકડવાનો પ્રયાસ કર્યો છે જેથી યુવા વર્ગ આની સાથે કનેક્ટ થઈ શકે. પ્રશ્ન: ગીતના અંતે શ્રીકૃષ્ણની છબી પાછળનું કારણ? આદિત્ય: મૂળ તો આ ગીત ‘લટકે હાલો ને નંદલાલ...’ કૃષ્ણ ભક્તિ પર આધારિત છે. આધુનિક સમયના દ્રશ્યો વચ્ચે પણ અંતે આપણે જે મૂળ તત્વ (કૃષ્ણ) સાથે જોડાયેલા છીએ, તે દર્શાવવા માટે આ ખાસ છબી મૂકવામાં આવી છે. પ્રશ્ન: ગ્રેમી નોમિનેશન પર આદિત્યનું દિલ જીતનારું નિવેદન જ્યારે આદિત્યને પૂછવામાં આવ્યું કે ગ્રેમી એવોર્ડ ન જીતવાનો રંજ છે? ત્યારે તેણે ખૂબ જ સુંદર જવાબ આપતા કહ્યું: “મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે ગુજરાતી લોકગીતો ગાનારો કલાકાર ગ્રેમી સુધી પહોંચશે. ભારતમાંથી ઘણું સંગીત ત્યાં જાય છે, પણ ગ્રેમીમાં પહોંચનારું ગુજરાતી ભાષાનું આ પહેલું ગીત હતું. જીત-હાર કરતાં મને એ વાતનો ગર્વ અને આનંદ વધુ છે કે આપણી ભાષા સાત સમુદ્ર પાર ગાજી.” દિવ્ય ભાસ્કરના વાચકો માટે કવિરાજનો સંદેશ વાતચીતના અંતે આદિત્યએ પોતાના અંદાજમાં લલકાર્યું - “મોજમાં રેવું મોજમાં રેવું, જીવે જીવ મોજમાં રેવું રે....”
Read Original Article →