આદિત્ય ધરને ચોર કહેનાર ફિલ્મમેકરનો યુટર્ન!:સંતોષ કુમારે ડિરેક્ટરની માફી માંગી, 'ધુરંધર 2'ની સ્ક્રિપ્ટ ચોરવાનો આરોપ લગાવ્યો હતો ; માનહાનિ કેસ રદ
‘ધુરંધર 2’ની સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ હવે સમાપ્ત થઈ ગયો છે. માનહાનિનો કેસ કર્યા પછી, આદિત્ય ધર પર સ્ક્રિપ્ટ ચોરવાનો આરોપ લગાવનાર સંતોષ કુમારે હવે માફી માંગી લીધી છે. જ્યારે એપ્રિલમાં તેમણે દાવો કર્યો હતો કે, આદિત્ય ધરે તેમની લખેલી સ્ક્રિપ્ટ ચોરીને ફિલ્મ બનાવી હતી. સંતોષ કુમારે બિનશરતી માફી રજૂ કરી 30 માર્ચે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં સંતોષ કુમારે આદિત્ય ધરને ચોર કહ્યો અને સ્ક્રિપ્ટ ચોરીનો આરોપ લગાવ્યો. આ પછી, આદિત્ય ધરે બોમ્બે હાઈકોર્ટમાં સંતોષ કુમાર વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. તાજેતરમાં થયેલી સુનાવણીમાં, આદિત્ય ધરનો કેસ લડી રહેલા સીનિયર એડવોકેટ ડો. બિરેન્દ્ર સરાફે કોર્ટમાં કહ્યું કે, 'જો સંતોષ કુમાર એ ખાતરી આપે કે તેઓ ભવિષ્યમાં આવી કોઈ માનહાનિકારક ટિપ્પણી નહીં કરે, તો તેઓ આ મામલો ઉકેલવા માટે તૈયાર છે.' આના પર, સંતોષ કુમારના વકીલે બિનશરતી માફી રજૂ કરી અને ખાતરી આપી કે, હવે આદિત્ય ધર વિરુદ્ધ કોઈ નિવેદન આપવામાં આવશે નહીં. માફી માંગવામાં આવ્યા પછી, આદિત્ય ધરે માનહાનિ અને વળતરની માંગને આગળ વધારવાનો ઇનકાર કર્યો. અદાલતે સંતોષ કુમારની માફી સ્વીકારીને કેસ રદ કર્યો છે. શું હતો સંતોષ કુમારનો અગાઉનો દાવો સંતોષ કુમારે માર્ચમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, 'ધુરંધર'ની સ્ક્રિપ્ટ તેમણે લખી હતી, પરંતુ બાદમાં આદિત્ય ધરે તે વાર્તા પર 'ધુરંધર 2' બનાવી દીધી. તેમણે કહ્યું, 'તમે બધાએ જોયું હશે કે ફિલ્મ ખૂબ સારી ચાલી રહી છે. આ મૂવી જોયા પછી મને ખબર પડી કે આ મારી સ્ક્રિપ્ટ છે. મારી વાર્તા છે. મેં આ ખૂબ જ મહેનતથી કર્યું હતું. 2023માં હું અહીં આવીને ઘણી બધી કંપનીઓને સ્ટોરી સંભળાવી હતી. મને કહેવામાં આવ્યું હતું કે, જો તમને મોટો એક્ટર જોઈતો હોય, તો મોટી કોર્પોરેટ કંપની લઈને આવો. હું સોની પાસે ગયો, ઝી પાસે ગયો, ટી-સિરીઝ પાસે ગયો, ધર્મા પ્રોડક્શન પાસે ગયો.' તેમણે આગળ કહ્યું, 'મને આ ફિલ્મની સ્ક્રિપ્ટ માટે આદિત્ય રોય કપૂર જોઈતો હતો. મેં ઘણા પ્રયત્નો કર્યા. મેં ઘણા ડિરેક્ટર્સને સ્ક્રિપ્ટ મોકલી. હું સ્ક્રીનરાઈટર એસોસિએશનનો ભાગ હતો, મેં ત્યાં પણ નવેમ્બર 2023માં સ્ક્રિપ્ટ રજિસ્ટર કરાવી છે. મારી પાસે બધા પુરાવા છે. મારી પાસે તસવીરો છે, સ્ક્રિપ્ટ છે, સ્કેચ છે. હું આ ફિલ્મ વિરુદ્ધ કેસ કરી રહ્યો છું. ફિલ્મ સારી છે, પરંતુ તે લોકોએ મારા કામનો દુરુપયોગ કર્યો છે. ફિલ્મ સિનેમા એન્ટરટેઈનમેન્ટ હતી, પરંતુ તેમણે તેને પોલિટિકલ પ્રોપેગન્ડા બનાવી દીધી.'
Read Original Article →