'નાગિન' ફેમ ગુજ્જુ સ્ટાર આશકા ગોરાડિયા બીજીવાર મમ્મી બની:40 વર્ષની ઉંમરે દીકરાને જન્મ આપ્યો, સોશિયલ મીડિયા પર સુંદર તસવીર શેર કરી
એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ અને મૂળ ગુજરાતની દીકરી આશકા ગોરાડિયાએ ચાહકોને ખુશખબર આપી છે. 'નાગિન' અને 'કુસુમ' ફેમ આશકા ગોરાડિયા બીજી વખત માતા બની છે. તેણે 1 મે, 2026ના રોજ બીજા પુત્રને જન્મ આપ્યો છે. આશકા અને તેના પતિ બ્રેન્ટ ગોબલે સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર શેર કરીને આ ખુશખબરી ચાહકો સાથે વહેંચી છે. દીકરાનું રાખ્યું ખાસ નામ આશકાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવજાત શિશુના હાથની એક ભાવુક તસવીર શેર કરી છે. આ પોસ્ટમાં તેણે દીકરાના નામનો પણ ખુલાસો કર્યો છે. આશકાએ કેપ્શનમાં લખ્યું કે- 1 મે 2026ના રોજ અમારા જીવનમાં રિચર્ડ થિયોડોર ગોબલનું આગમન થયું છે. ભગવાનની કૃપા પર અમારો વિશ્વાસ વધુ મજબૂત થયો છે. અમને મળેલા આ આશીર્વાદ માટે અમે ઈશ્વરના અત્યંત આભારી છીએ. વિલિયમને મળ્યો નાનો ભાઈ આશકા અને બ્રેન્ટને પહેલેથી એક દીકરો છે, જેનું નામ વિલિયમ એલેક્ઝાન્ડર છે. હવે વિલિયમનો નાનો ભાઈ આવી ગયો છે. એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં ઉમેર્યું હતું કે- બે દીકરાઓ સાથે હવે પરિવારમાં ભાઈચારાનો એક નવો અધ્યાય શરૂ થયો છે અને તે આગામી દિવસોમાં આવનારા નવા અનુભવો માટે ખૂબ જ ઉત્સાહિત છે. ગુજરાત સાથે છે ગાઢ સંબંધ આશકા ગોરાડિયાનો જન્મ અમદાવાદમાં થયો હતો અને તેનો ઉછેર પણ અહીં જ થયો છે. ગ્લેમરની દુનિયામાં ટોચનું સ્થાન મેળવ્યા પછી પણ તે અવારનવાર ગુજરાત અને પોતાની માતૃભાષા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતી રહે છે. આ સમાચાર આવતા જ ગુજરાતમાં રહેતા તેના ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સ તેને અભિનંદન પાઠવી રહ્યા છે. વર્ષ 2017માં કર્યા હતા લગ્ન આશકા અને બ્રેન્ટ ગોબલે વર્ષ 2017માં હિન્દુ અને ખ્રિસ્તી બંને પરંપરા મુજબ લગ્ન કર્યા હતા. ગત વર્ષે ડિસેમ્બરમાં પોતાની લગ્નગાંઠની આઠમી વર્ષગાંઠ પર આ કપલે બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ઓક્ટોબર 2023માં તેમના પ્રથમ સંતાન વિલિયમનો જન્મ થયો હતો. આશકા લાંબા સમયથી ટીવી પડદાથી દૂર છે અને હાલમાં તે પોતાના બિઝનેસ અને ફેમિલી લાઈફ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે 'કુસુમ', 'લાગી તુજસે લગન' અને 'નાગિન' જેવા લોકપ્રિય શોમાં પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતી છે.
Read Original Article →