વિક્કી કૌશલ બનશે બોલિવૂડનો ચોથો 'ઇડિયટ'!:'3 ઇડિયટ્સ'ની સીક્વલમાં આમિર ખાન, માધવન અને શરમન જોશીની કહાની 10 વર્ષ આગળ વધશે
ભારતીય સિનેમાના ઈતિહાસની સૌથી યાદગાર અને બ્લોકબસ્ટર ફિલ્મ '3 ઇડિયટ્સ' (2009)ના ફેન્સ માટે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષોની રાહ જોયા બાદ આખરે આ ફિલ્મના સીક્વલની તૈયારીઓ તેજ થઈ ગઈ છે, અને તેમાં એક નવો જ વળાંક જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, ફિલ્મના ચોથા 'ઇડિયટ' તરીકે બોલિવૂડ સુપરસ્ટાર વિક્કી કૌશલનું નામ ચર્ચામાં છે. '4 ઇડિયટ્સ'માં વિક્કી કૌશલની એન્ટ્રી! રિપોર્ટ્સ મુજબ, ડિરેક્ટર રાજકુમાર હિરાણી આ સીક્વલ માટે વિક્કી કૌશલ સાથે વાતચીત કરી રહ્યા છે. જો બધું બરાબર રહ્યું, તો વિક્કી કૌશલ આ ફિલ્મમાં આમીર ખાન, આર. માધવન અને શરમન જોશીની ત્રિપુટી સાથે ચોથા મિત્ર તરીકે જોડાશે. વિક્કીએ પણ આ પ્રોજેક્ટમાં ઘણો રસ દાખવ્યો છે. તે અગાઉ હિરાણી સાથે 'સંજુ' અને 'ડંકી'માં કામ કરી ચૂક્યો છે, તેથી આ જોડી ફરી એકવાર જાદુ કરવા તૈયાર છે. શું હશે ફિલ્મની સ્ટોરી? ખુદ આમીર ખાને તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આ પ્રોજેક્ટની પુષ્ટિ કરી છે. આમીરના જણાવ્યા અનુસાર- આ ફિલ્મ '3 ઇડિયટ્સ' જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી 10 વર્ષ આગળની વાર્તા બતાવશે. દાયકાઓ પછી આ પાત્રોના જીવનમાં શું બદલાવ આવ્યા, તે કેવી નવી મુસીબતો અને પડકારોનો સામનો કરી રહ્યા છે, તે આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ હશે. વિક્કી કૌશલનું પાત્ર વાર્તામાં એક નવો ઈમોશનલ ફેક્ટર અને ફ્રેશ કેમિસ્ટ્રી ઉમેરશે તેવી આશા છે. શૂટિંગ ક્યારે શરૂ થશે? વિક્કી કૌશલ હાલમાં તેના આગામી પ્રોજેક્ટ 'મહાવતાર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે પૂર્ણ કર્યા પછી જ '4 ઇડિયટ્સ'નું કામ શરૂ થશે. બીજી તરફ, આમીર ખાન પણ આ સીક્વલ શરૂ કરતા પહેલા પોતાની એક અન્ય ફિલ્મ પૂર્ણ કરી લેવા માંગે છે જેથી તમામ કલાકારોના શિડ્યુલ યોગ્ય રીતે સેટ થઈ શકે. 2009ની '3 ઇડિયટ્સ'નો જાદુ રાજકુમાર હિરાણીની '3 ઇડિયટ્સ' માત્ર ફિલ્મ નહીં પણ એક ઈમોશન હતી. એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ પર શિક્ષણ પ્રણાલીનું દબાણ, દોસ્તી અને સપનાઓની આ વાર્તાએ આખા વિશ્વમાં ધૂમ મચાવી હતી. કરીના કપૂર, બોમન ઈરાની અને મોના સિંહ જેવા કલાકારોએ પણ ફિલ્મમાં જીવ રેડ્યો હતો. હવે '4 ઇડિયટ્સ' સાથે આ વાર્તા કેવી રીતે આગળ વધશે તે જોવું રસપ્રદ રહેશે.
Read Original Article →