બંગાળમાં 'દાદા' વગર પ્રોપર્ટી ડીલ શક્ય નથી:15 કરોડમાં એક કરોડ નેતાના, TMCના જે નેતાઓ પર આરોપ તેઓ હવે BJPમાં છે

DvB Original4/1/2026, 12:30:00 AM
બંગાળમાં 'દાદા' વગર પ્રોપર્ટી ડીલ શક્ય નથી:15 કરોડમાં એક કરોડ નેતાના, TMCના જે નેતાઓ પર આરોપ તેઓ હવે BJPમાં છે
‘જે જમીન તમે પસંદ કરી છે, તેની કિંમત 15 કરોડ 60 લાખ છે. નેતાને 50 હજાર પ્રતિ કટ્ઠા અને માફિયાને 30 હજાર પ્રતિ કટ્ઠા આપવા પડશે.’ ‘એટલે કે સાડા છ વીઘા જમીન પર નેતાને 1 કરોડ અને માફિયાને 40 લાખ આપવા પડશે. ત્યારબાદ કોઈ તકલીફ નહીં પડે. સિન્ડિકેટ બધું સંભાળી લેશે.’ ભાસ્કરના હિડન કેમેરા પર સિન્ડિકેટ માફિયાઓએ આ ખુલાસો કર્યો છે. આમાંના મોટાભાગના પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ એટલે કે TMC સાથે જોડાયેલા છે. જોકે, શુભેન્દુ અધિકારી, અર્જુન સિંહ, વૈશાલી ડાલમિયા, રુદ્રનીલ ઘોષ જેવા જે TMC નેતાઓ પર પહેલા BJP સિન્ડિકેટ ચલાવવાનો આરોપ લગાવતી હતી, તેઓ હવે BJPમાં જ સામેલ થઈ ચૂક્યા છે. 4 નેતા અને 4 માફિયા ભાસ્કરના કેમેરા પર વાત કરતા રેકોર્ડ થયા છે. ભાસ્કર રિપોર્ટરે કન્સલ્ટન્સી કંપનીના મેમ્બર બનીને સિન્ડિકેટ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરી. 'જમીન પસંદ કરો, બાકી અમે સંભાળી લઈશું' પહેલી મુલાકાત: રાજુ પાલ આ કોણ છે: મોગરા ગ્રામ-2, હુગલીના સરપંચના પતિ છે. TMCના સક્રિય કાર્યકર્તા છે રિપોર્ટર: કોલકાતામાં સ્કૂલ ખોલવા માટે જમીન જોઈએ છે. રાજુ પાલ: કેટલી જોઈએ? રિપોર્ટર: 5 વીઘા. રાજુ પાલ: ઠીક છે, તમે નંબર આપી જાવ. 4-5 જગ્યા બતાવી દઈશું. જે પસંદ આવે, તેના જ માલિક સાથે વાત કરાવી દઈશું. રિપોર્ટર: પેપર સાચા હશેને? રાજુ પાલ: બિલકુલ સાચા હશે. રિપોર્ટર: સાંભળ્યું છે કે અહીં સિન્ડિકેટ સિસ્ટમ પણ મેનેજ કરવાની હોય છે. રાજુ પાલ: તે અમારા પર છોડી દો. સિન્ડિકેટના લોકો અમારી સાથે છે. રિપોર્ટર: તેમને શું આપવું પડે છે? રાજુ પાલ: બધું જણાવી દઈશું, પહેલા જમીન પસંદ કરો. અહીં સિન્ડિકેટના માલિકને ‘ચાચા’ કહે છે. રિપોર્ટર: તેમના દ્વારા જ કામ થશે? રાજુ પાલ: બિલકુલ, જ્યાં જમીન પસંદ આવશે, ત્યાંથી જ બધું થશે. અન્ય વ્યક્તિ: જે બિલ્ડરને જોઈએ, તે બધું મળશે. રાજુ પાલ: ચાચાની ઈંટની ભઠ્ઠી છે; ઈંટ, સિમેન્ટ, પથ્થર, બધું મળશે. ‘અહીં પૂરો કંટ્રોલ અમારો છે, કોઈ તકલીફ નથી’ બીજી મુલાકાત: દેવરાજ પાલ આ કોણ છે: બાંસબેરિયામાં TMCના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ રહ્યા છે, અત્યારે એક્ટિવ મેમ્બર રાજુના સાથી સૂરજે જમીન બતાવી. પછી રાજુ મળ્યો અને મોગરામાં સિન્ડિકેટ ચલાવતા દેવરાજ પાલની ઓફિસે લઈ ગયો. રાજુએ વાતચીતમાં કહ્યું કે તેઓ બધા એક જ સિન્ડિકેટનો ભાગ છે અને દેવરાજ પાલ આ વિસ્તારમાં સિન્ડિકેટ ચલાવે છે. રાજુ પાલ: સિંગૂરમાં તમને તકલીફ પડી રહી છે, અહીં નહીં થાય. અમે બધા સિન્ડિકેટના માણસો છીએ. દેવરાજ સિન્ડિકેટના માલિક છે, અને ‘ચાચા’ હેડ છે. દેવરાજ પાલ: કોઈ ડિસ્ટર્બ નહીં કરે. અહીં પૂરો કંટ્રોલ છે. જમીન પસંદ આવવાની વાત કહીને અમે સિન્ડિકેટ ચાર્જ અને બાંધકામ પ્રક્રિયા સમજી... રિપોર્ટર: કામ શરૂ થશે તો સિન્ડિકેટ સિસ્ટમ કેવી રીતે ચાલશે? રાજુ પાલ: પોલિટિકલ અને સિન્ડિકેટ ચાર્જ અમે સંભાળી લઈશું. રિપોર્ટર: કેટલા આપવા પડશે? રાજુ પાલ: 25 લાખ રૂપિયા. રિપોર્ટર: આમાં બધું સામેલ હશે? રાજુ પાલ: હા, બધું જ. રિપોર્ટર: શું બાંધકામ સામગ્રી સિન્ડિકેટ પાસેથી જ લેવી પડશે? રાજુ પાલ: હા, જે જોઈએ તે- રેતી, કપચી બધું અમે આપીશું. સૂરજ સિંહ: કોન્ટ્રાક્ટર પણ અમારો જ છે, બહારથી કરાવશો તો ખર્ચ વધશે. રાજુ પાલ: દેવરાજ ભાઈ કોન્ટ્રાક્ટર છે. રિપોર્ટર: જો અમે અમારો કોન્ટ્રાક્ટર રાખીએ તો? રાજુ પાલ: તો પૂછવું પડશે. પરંતુ માલ તો સિન્ડિકેટ પાસેથી જ લેવો પડશે. રિપોર્ટર: જો સિન્ડિકેટ પાસેથી માલ ન લીધો તો? સૂરજ સિંહ: તમારું કોઈ કામ નહીં થાય. રાજુ પાલ: એક ગાડી રેતી પણ નહીં મળે. રિપોર્ટર: પેમેન્ટ કેવી રીતે થશે? રાજુ પાલ: 25 લાખ કેશમાં આપવા પડશે. અમારા ઉપર પણ એક બોસ છે, જે આખા જિલ્લાને જુએ છે. તેનું નામ ‘કેડી’ ચાલે છે. તે નક્કી કરે છે કે કોને ટિકિટ મળશે અને કોણ આગળ જશે. 'નેતા અને માફિયા બંનેને હું કંટ્રોલ કરું છું' ત્રીજી મુલાકાત: સુબ્રત દાસ આ કોણ છે: નદિયા દક્ષિણ યુથ તૃણમૂલ કોંગ્રેસ એક્સટેન્ડેડ કમિટીના જિલ્લા સચિવ હોટલ પ્રોજેક્ટ માટે જમીન ખરીદવાની વાત કહીને અમે સુબ્રતને મળ્યા... રિપોર્ટર: અમને લગભગ 5 વીઘા જમીન જોઈએ છે, ફ્રન્ટ સારો હોય અને મેન રોડ પર હોય. સુબ્રત દાસ: કલ્યાણી મોડ પાસે એક જમીન છે, લગભગ સાડા છ વીઘા, 80 ફૂટ ફ્રન્ટ. રિપોર્ટર: અમે હોટલ-રિસોર્ટ બનાવવા માંગીએ છીએ, બજેટનો કોઈ ઇશ્યૂ નથી. અન્ય વ્યક્તિ: તમે અહીં હોટલ બનાવશો તો AIIMSના ડોક્ટર પણ રોકાશે, ફાયદો થશે. રિપોર્ટર: અહીં સિન્ડિકેટ કેવી રીતે ચાલે છે? સુબ્રત દાસ: અહીં પણ બાહુબલી અને નેતા મળીને સિન્ડિકેટ ચલાવે છે. સુબ્રત ભાઈ જિલ્લાના યુથ સેક્રેટરી છે, બધું મેનેજ થઈ જશે. સુબ્રત દાસ: તમને કોઈ તકલીફ નહીં પડે, પોલિટિકલ અને લોકલ બંને અમે સંભાળી લઈશું. જે માફિયા રાજ છે, એ બધું ભાઈના અંડરમાં છે. નેતા અને માફિયા બંનેને હું કંટ્રોલ કરું છું. જમીન બતાવ્યા પછી જ્યારે અમે કુલ ખર્ચ પૂછ્યો તો સિન્ડિકેટ અને નેતાઓને અપાતી રકમનો ખુલાસો થયો: રિપોર્ટર: જમીનની કિંમત? સુબ્રત દાસ: લગભગ 15 કરોડ 60 લાખ. રિપોર્ટર: સિન્ડિકેટના કેટલા? સુબ્રત દાસ: નેતાને 50 હજાર પ્રતિ કટ્ઠા, માફિયાને 30 હજાર પ્રતિ કટ્ઠા. (સાડા છ વીઘા જમીન પર આ રકમ લગભગ 1 કરોડ રૂપિયા થાય છે, જે કેશમાં આપવી પડશે) રિપોર્ટર: માફિયાનું કામ શું હોય છે? સુબ્રત દાસ: કોઈ ડિસ્ટર્બન્સ થશે તો માફિયા સંભાળશે, જરૂર પડી તો મારામારી પણ. રિપોર્ટર: નેતાઓને કેમ આપવા પડશે? સુબ્રત દાસ: આ TMCનો જમાનો છે, જે પાવરમાં હશે તેને આપવા પડશે. MLA, MP બધા સામેલ છે. રિપોર્ટર: જો ન આપીએ તો? સુબ્રત દાસ: કામ અટકાવી દેશે, લેબર ભગાડી દેશે, ડિસ્ટર્બન્સ કરશે. રિપોર્ટર: શું અમે અમારો માલ જાતે લાવી શકીએ? સુબ્રત દાસ: ના, લોકલથી જ લેવો પડશે. અમે કહીશું કે કોની પાસેથી લેવાનો છે. બધું પેમેન્ટ કેશમાં થશે. 50% રજિસ્ટ્રેશન સમયે અને બાકીનું કામ શરૂ થવા પર. '10 લાખ લઈશ, બધી માથાકૂટ સંભાળીશ' ચોથી મુલાકાત: એમડી ઝાકિર આ કોણ છે: TMC કાર્યકર્તા અને સિન્ડિકેટ ઓપરેટર ઝાકિર સાથે તેના ઘરે મુલાકાત થઈ. વાતચીતમાં ઝાકિર સિન્ડિકેટથી અંતર રાખતો દેખાયો, પરંતુ તેના સાથીએ સ્પષ્ટ કરી દીધું કે નેતા અને સિન્ડિકેટ એક જ છે. એમડી ઝાકિર: આ એરિયામાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. રિપોર્ટર: નેતા કે સિન્ડિકેટ? સાથી: નેતા અને સિન્ડિકેટ બધું એક જ છે. એમડી ઝાકિર: તે નેતા પણ છે અને સિન્ડિકેટ પણ. સાથી: અહીંના નેતા પણ ઝાકિર દા અને સિન્ડિકેટ પણ તે જ છે. રિપોર્ટર: એટલે કે ઝાકિર દા પોતે જ સિન્ડિકેટ છે. એમડી ઝાકિર: તમને કોઈ તકલીફ નહીં પડે. બાદમાં ઝાકિરે જમીન સાથે જોડાયેલી કોઈપણ માથાકૂટને સંભાળવા માટે 10 લાખ રૂપિયા માંગ્યા. એમડી ઝાકિર: કુલ સાડા પાંચ વીઘા જમીન છે, 10 લાખ લાગશે. રિપોર્ટર: કોને આપવાના છે? એમડી ઝાકિર: હું જ બધું સંભાળી લઈશ. અત્યાર સુધી એવા ત્રણ લોકો સાથે મુલાકાત થઈ ચૂકી હતી, જે નેતા પણ છે અને સિન્ડિકેટનો ભાગ પણ. આનાથી સ્પષ્ટ થયું કે આ સિસ્ટમ રાજકીય સંરક્ષણ વગર શક્ય નથી. 'થાણા-ધારાસભ્ય બધાને પૈસા જશે' પાંચમી મુલાકાત: બિભાકર પ્રસાદ ઉર્ફે મોનૂ આ કોણ છે: સિન્ડિકેટ ઓપરેટર, સ્થાનિક ધારાસભ્ય સાથે સંબંધી હોવાનો દાવો કર્યો બિભાકર: હોટલ લાઈન માટે જમીન થઈ જશે. રિપોર્ટર: રેટ શું છે? બિભાકર: 3 વીઘા તૈયાર (રેડી) પ્રોપર્ટી 10 કરોડ. બિભાકર: ખર્ચ 50 લાખ થશે. રિપોર્ટર: શાનો? બિભાકર: થાણા, લોકલ, એમએલએ (MLA) બધા. રિપોર્ટર: સિન્ડિકેટ કોણ જુએ છે? બિભાકર: અમે જ. રિપોર્ટર: પૈસા કેવી રીતે આપવા પડશે? બિભાકર: કેશમાં. રિપોર્ટર: જો અમારો પોતાનો કોન્ટ્રાક્ટર લાવીએ તો? બિભાકર: આખા બાંધકામ બજેટના 10% આપવા પડશે. રિપોર્ટર: જો ન આપ્યા તો? બિભાકર: તકલીફ થશે... અહીં 200 રૂપિયામાં મર્ડર થઈ જાય છે. બિભાકરે એવો પણ દાવો કર્યો કે સ્થાનિક ધારાસભ્ય તેના સંબંધી છે (ભાસ્કર આની પુષ્ટિ કરતું નથી). આ પછી અમે બામનગાછી પહોંચ્યા, જ્યાં હુસૈન અલી, માસૂમ અલી અને મફિઝુલ ઇસ્લામ સાથે મુલાકાત થઈ. આ ત્રણેય સિન્ડિકેટ ઓપરેટર છે. માસૂમ અલી: જમીન સિન્ડિકેટની છે. હુસૈન અલી: અમે સિન્ડિકેટના સભ્યો છીએ. રિપોર્ટર: સિન્ડિકેટને શું આપવું પડશે? હુસૈન અલી: પ્રોજેક્ટના 2%. રિપોર્ટર: આ સિવાય? હુસૈન અલી: રેતી, પથ્થર, કપચી અમારી પાસેથી જ લેવી પડશે. રિપોર્ટર: પૈસા કેવી રીતે જશે? હુસૈન અલી: કેશમાં. રિપોર્ટર: પૈસા કોને જાય છે? મફિઝુલ ઇસ્લામ: નાનાથી લઈને મોટા સુધી... એમએલએ સુધી જાય છે. રિપોર્ટર: સિસ્ટમ કેવી રીતે બની? મફિઝુલ ઇસ્લામ: નેતા લોકોએ બનાવી... સીધી રીતે ન લઈ શકે, એટલે સિન્ડિકેટથી જાય છે. મફિઝુલના જણાવ્યા મુજબ, કોઈપણ મોટો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા સિન્ડિકેટની પરવાનગી જરૂરી છે. એકવાર પરવાનગી મળી જાય પછી પોલીસ, પ્રશાસન કે નેતા કોઈ દખલગીરી કરતા નથી. તપાસમાં એ પણ સામે આવ્યું કે આ લોકો ભલે સત્તાવાર રીતે પાર્ટીમાં કોઈ પદ પર ન હોય, પણ રાજકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. સિન્ડિકેટ સાથે જોડાયેલા સપ્લાયર્સ પાસેથી માલ ખરીદવાનું દબાણ કોલકાતાના દમદમ વિસ્તારમાં પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતા એક ડીલર કહે છે, ‘સિન્ડિકેટ સિસ્ટમ માત્ર કોલકાતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ આખા પશ્ચિમ બંગાળમાં અલગ-અલગ સ્તરે છે.’ ‘આ સિસ્ટમને કારણે બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરો પર એવું દબાણ કરવામાં આવે છે કે તેઓ બાંધકામ સામગ્રી માત્ર સિન્ડિકેટ સાથે જોડાયેલા સપ્લાયરો પાસેથી જ ખરીદે. જો કોઈ કોન્ટ્રાક્ટર આવું કરવાની ના પાડે, તો તેને એકસાથે મોટી રકમ આપવા માટે કહેવામાં આવે છે.’ ‘તેથી કોન્ટ્રાક્ટરનો ખર્ચ ઘણો વધી જાય છે. પછી બિલ્ડરે પ્રોપર્ટીની કિંમત વધારવી પડે છે, જેની અસર ખરીદદારો પર પડે છે.’ ડીલરે એ પણ જણાવ્યું કે ‘સિન્ડિકેટના આ આખા તંત્રમાં કોઈ એક રાજકીય પક્ષનું વર્ચસ્વ હોતું નથી, પરંતુ જે વિસ્તારમાં જેનો પ્રભાવ છે, ત્યાં તેનું સિન્ડિકેટ કામ કરે છે.’ સિન્ડિકેટવાળા નેતાઓ જ હવે BJPમાં સામેલ થઈ રહ્યા છે સિનિયર જર્નાલિસ્ટ ગૌતમ લાહિરી કહે છે કે, ‘જે પણ સરકારી યોજનાઓ છે, જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના, તેનો ફાયદો કોઈ ત્યારે જ લઈ શકે જ્યારે તે સ્થાનિક સિન્ડિકેટ સાથે મળીને કામ કરે. નહિતર તમને યોજનાનો ફાયદો જ મળી શકશે નહીં. સિન્ડિકેટના લોકો જ ચૂંટણી વખતે મતદારોને બોલાવવા, બૂથ પર હંગામો કરવા, ક્યાંક-ક્યાંક બોગસ વોટ નંખાવવા જેવા કામ કરે છે.’ ‘કેટલાય એવા નેતાઓ છે, જેમના પર સિન્ડિકેટ રાજના આરોપ લાગ્યા અને હવે તેઓ બીજેપીમાં સામેલ થઈ ગયા. TMCએ ઘણા નેતાઓ પર એક્શન પણ લીધા છે. જેમ કે, પાર્થ ચેટર્જીને આ વખતે ટિકિટ આપી નથી. કોલકાતામાં નાના વેપારીઓએ પણ સ્થાનિક નેતાઓને હપ્તો આપવો પડે છે. સિન્ડિકેટમાં સીધા પૈસા લેવામાં આવતા નથી, પરંતુ સામાન અને સેવાઓ લેવા માટે મજબૂર કરવામાં આવે છે.’ એક લાખથી વધુ કંપનીઓ બંગાળમાં રજિસ્ટર્ડ થઈ TMC પ્રવક્તા પ્રદીપ્ત મુખર્જી કહે છે કે, ‘2020 પહેલા જે નેતાઓ પર બીજેપી સિન્ડિકેટ ચલાવવાનો આરોપ લગાવતી હતી, તેમાંથી ઘણા આજે પોતે બીજેપીમાં સામેલ થઈ ચૂક્યા છે. શુભેન્દુ અધિકારી આમાં મોટું નામ છે.’ ‘કોર્પોરેટ અફેર્સ મંત્રાલય મુજબ, મમતા બેનર્જીના કાર્યકાળમાં એક લાખથી વધુ કંપનીઓ બંગાળમાં રજિસ્ટર્ડ થઈ. જો કોઈ માત્ર આરોપ લગાવવા માંગતું હોય તો તે અલગ વાત છે, પરંતુ જે લોકો ડેટાના આધારે વાત કરવા માંગે છે, તેમણે સામે આવવું જોઈએ.’ બીજી તરફ બીજેપીના મીડિયા પેનલિસ્ટ સજલ ઘોષ કહે છે, ‘તમે ઘરમાં એક શૌચાલય બનાવો કે એક પ્રાર્થના ખંડ, તમારી મરજીથી ઈંટ, રેતી, કપચી ખરીદી શકતા નથી. મમતા દીદી કહે છે કે જે સિન્ડિકેટ કરશે તે TMCમાં નહીં રહે, પરંતુ તે જ લોકો ધારાસભ્ય, મેયર, ચેરમેન બની રહ્યા છે.’ નિષ્કર્ષ: ભાસ્કરની તપાસમાં જાણવા મળે છે કે, પશ્ચિમ બંગાળમાં જમીન ખરીદવી હોય, બાંધકામ કરવું હોય કે બિઝનેસ શરૂ કરવો હોય, સિન્ડિકેટનો સાથ જરૂરી છે. બાંધકામ સામગ્રીથી લઈને સુરક્ષા અને કામ અટકાવવા-ચલાવવા સુધીની આખી સિસ્ટમ આ જ નેટવર્કના હાથમાં છે. સરકાર સિન્ડિકેટ સિસ્ટમ ખતમ કરવાની વાત ચોક્કસ કરે છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી (વાસ્તવિકતા) આનાથી અલગ છે.
Read Original Article →