ધોનીએ ઉર્વિલને પૂછ્યું- તારા પિતા ગુસ્સે થતા હશે ને?:ફાસ્ટેસ્ટ ફિફ્ટી પછી રડી પડ્યો હતો, પરિવારે કહ્યું- ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તેની ખબર નહોતી
ચેન્નઇના ચેપોક સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મેચમાં ઉર્વિલ પટેલે 13 બોલમાં ફટકારેલા સ્ફોટક 50 રન જોઇને કરોડો લોકો મોંઢામાં આંગળા નાખી ગયા હતા. IPLના ઇતિહાસમાં આ જોઇન્ટ ફાસ્ટેસ્ટ ફિફ્ટી છે. ઉર્વિલે હાથમાં ચિઠ્ઠી બતાવી પોતાના પિતા અને ભગવાનનો આભાર માન્યો હતો. જે તસવીર વાયરલ થઇ છે પણ તમને જાણીને નવાઇ લાગશે કે જે ઘટનાનું સાક્ષી આખું વિશ્વ બન્યું એ ઘટના વિશે તેના પિતાને જ ખબર નહોતી કે દીકરાએ ફિફ્ટી તેમને ડેડિકેટ કરી છે. જ્યારે ઉર્વિલના પિતાના મોબાઇલ પર કોલ અને ફોટો આવવા લાગ્યા ત્યારે તેમને આ વાતની જાણ થઇ હતી. તેના પિતા એટલા ભાવુક થઇ ગયા હતા કે મેચ પછી ઉર્વિલ સાથે વાત પણ ન કરી શક્યાં. ઉર્વિલે અહીં સુધી પહોંચવા માટે કેવો સંઘર્ષ કર્યો છે? તેનામાં 4 વર્ષની ઉંમરે ક્રિકેટના બીજ કોણે રોપ્યાં? ફાસ્ટ બોલરથી શરૂ થયેલું કરિયર કેવી રીતે વિકેટ કિપર-બેટ્સમેન્ સુધી પહોંચ્યું? જે ચિઠ્ઠી લોકોએ જોઇ એ ચિઠ્ઠી તે ક્યારથી પોતાની પાસે રાખતો હતો? તેણે CSKમાં જ જવાનું કેમ નક્કી કર્યું? ધોની હવે ક્યારે મેદાન પર રમતો જોવા મળશે? આવા અનેક પ્રશ્નો અંગે માહિતી મેળવવા દિવ્ય ભાસ્કર મહેસાણા જિલ્લાના વડનગરના કહીપુર ગામે આવેલાં તેના ઘરે પહોંચ્યું હતું. જ્યાં તેના પિતા મુકેશભાઇ પટેલ અને ગીતાબેન સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. શિક્ષક દંપતીનું સંતાન ઉર્વિલ
ઉર્વિલના પિતા મુકેશ પટેલ 1999માં પાલનપુરની સી.બી.ગાંધી નૂતન હાઇસ્કૂલમાં પીટી શિક્ષક તરીકે જોડાયા હતા. હાલમાં તેઓ સ્કૂલના સુપરવાઇઝર તરીકે કાર્યરત છે. જ્યારે ઉર્વિલના માતા ગીતાબેન સાગ્રોસણા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યાં છે. 11 મહિનાની ઉંમરે ઉર્વિલ માતા-પિતાથી જુદો પડ્યો
મુકેશભાઇનું મૂળ વતન વડનગરનું કહીપુર ગામ છે. અહીં જ ઉર્વિલનો જન્મ થયો હતો. માતા-પિતા બન્ને સરકારી નોકરી કરતાં હોવાના કારણે તેમણે ઉર્વિલને માત્ર 11 મહિનાની ઉંમરમાં પોતાના ભાઇ શૈલેષભાઇ અને સુરેશભાઇને ત્યાં મૂકીને પાલનપુર જવું પડ્યું હતું. આ દરમિયાન ઉર્વિલ અઢી વર્ષ સુધી કહીપુર ગામે પોતાના મોટા પપ્પા અને કાકાના ઘરે ઉછર્યો હતો. જ્યારે ઉર્વિલની બાળમંદિરમાં ભણવાની ઉંમર થઇ ત્યારે તેના માતા પિતા તેને પાલનપુર લઇ ગયા હતા. એક જ દિવસે 2 ટીમમાંથી ઓફર
ઉર્વિલને RCB અને CSK એમ 2 ટીમમાંથી એક જ દિવસે ઓફર આવી હતી. તેણે CSK પસંદ કરી. જેનું કારણ જણાવતા તેના પિતાએ કહ્યું કે, આ બન્ને ટીમમાંથી કોલ આવ્યો હતો. RCBનો ખેલાડી દેવદત્ત પડીકલ ઇજાગ્રસ્ત હતો. તેની જગ્યાએ ઉર્વિલને લેવાનો હતો. RCB તો ટોપ પર હતી. RCB તરફથી તેને એવું કહેવાયું કે અમારી જે બાકીની મેચ છે તેમાં તને સાથે રાખીશું. જ્યારે CSKએ ઉર્વિલને 3 મેચ રમવાની ઓફર કરી હતી. જેથી તેણે CSK તરફથી રમવાનું નક્કી કર્યું હતું. ધોની સાથેની મુલાકાતનો કિસ્સો
ગયા વર્ષે ચેન્નઇની ટીમ અમદાવાદ રમવા માટે આવી ત્યારે ઉર્વિલે તેના પરિવારને ફોર્સ કર્યો કે તમારે ધોનીને મળવા આવવવાનું જ છે એટલે પરિવાર હોટલ પર મળવા માટે ગયો હતો.ઉર્વિલે ધોની સાથે તેમની મુલાકાત કરાવી હતી. ધોનીએ પૂછ્યું- તારા પિતા ગુસ્સો કરતા હશે ને?
તેના પિતા કહે છે કે, અમે ધોનીમાં એકદમ સાદગી જોઇ. આ જોઇને એવું થયું કે લોકો ધોનીને મળવા માટે કેમ આટલા બધા આતુર થતાં હોય છે. ધોનીએ અમને તેની સાથે બેસાડીને વાતો કરી આ દરમિયાન ધોનીએ એક પ્રશ્ન કર્યો કે ઉર્વિલ તું જ્યારે મેચમાં રન નહીં બનાવતો હો ત્યારે તારા પપ્પા ગુસ્સો કરતા હશે ને. 'આ સમયે મેં ધોનીને કહ્યું હતું કે ધોની સર મને ઉર્વિલે ક્યારેય એવો મોકો નથી આપ્યો. ક્યારેક તે સારું ન રમ્યો હોય તો ત્યારે અમે તેને ફોન કરીએ તો તેની ગેમ વિશે ક્યારેય કંઇ પૂછતાં નથી. આ વાત સાંભળીને ધોની પણ ખૂબ જ પ્રભાવિત થયો હતો. એ પછી મેં ધોનીને કહ્યું હતું કે, ઉર્વિલ હવે તમારી પાસે છે. વિશ્વના સફળ કપ્તાન હોય કે વિકેટ કિપર એ તમે જ છો એટલે તમારે તેને તૈયાર કરવાનો છે ત્યારે ધોનીએ કહ્યું હતું કે, ઉર્વિલમાં કોઈ કચાશ નથી. અમે તેને તૈયાર પણ કરી રહ્યાં છીએ.' તેના પિતા કહે છે કે, ધોની ક્યારે રમવાનો છે તેની ઉર્વિલ સાથે ક્યારેય વાત નથી થઇ. અમે તેને આવું કંઇ પૂછતા નથી. તેની ફિટનેસ સારી હોય તો તે રમવા આવે જ. હું તો માનું છું કે ધોનીએ એકાદ મેચ તો રમવી જ જોઇએ કેમ કે પબ્લિક તેની રાહ જોઇ રહી છે કે તે ફક્ત એક મેચ રમે. જો ધોની રમતો હોય તો ઉર્વિલ સહિતના ખેલાડીઓનો ઉત્સાહ પણ વધી જાય. ધોનીને કેમ ભગવાન માને છે?
નાનપણમાં ઉર્વિલને રાહુલ દ્રવિડની બેટિંગ ખૂબ ગમતી હતી. હવે તે ધોનીનો જબરો ફેન છે. તે ધોનીને ભગવાન માને છે. તેના પિતાએ કહ્યું કે, જ્યારે સચિન તેંડુલકર રમતો હતો ત્યારે ઉર્વિલ નાનો હતો. તેણે એવું સાંભળ્યું હોય કે સચિન ક્રિકેટના ભગવાન છે. 'ઉર્વિલના સમયગાળામાં ધોનીનો જમાનો હતો. ધોની વર્ષોથી તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમતો હતો. ધોની પાસે બહોળો અનુભવ છે. તેણે ઘણા બધા એવોર્ડ અને ટ્રોફી જીત્યા છે એટલે તેની પાસેથી ઘણું જાણવા મળે. ઉર્વિલ દરેક વાત અમને ન કરે પણ તેણે ચેન્નઇની એક પોસ્ટ પર એવું લખ્યું છે કે ધોનીને તો હું ભગવાન જેવો માનું છું.' 'ધોની જોડે કોને મજા ન આવે? આપણને મજા આવે, પબ્લિકને મજા આવે પણ ઉર્વિલને તો તેની સાથે રમવાનું છે. ઉર્વિલ પોતે એવું માને છે કે હું ક્રિકેટર નથી, ધોની અસલી ક્રિકેટર છે. હું તો હજુ રમું છું પણ ધોનીને તો કેટલીય મેચોનો અનુભવ છે એટલે તે ધોનીને ભગવાન માને છે.' ઉર્વિલે જ્યારે જોઇન્ટ ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી ત્યારે તેણે ચિઠ્ઠી બતાવી હતી. તે ક્ષણ વિશે તેના પિતા પાસેથી જાણીએ..... અમને ખબર નહોતી કે ચિઠ્ઠીમાં મારા વિશે લખ્યું છેઃ પિતા
IPLના ઇતિહાસમાં ઉર્વિલે જોઇન્ટ ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારીને એક ચિઠ્ઠી બતાવી પિતાને સમર્પિત કરી હતી. મેચ પૂરી થયા બાદ જ્યારે ઉર્વિલનો ફોન આવ્યો ત્યારે તે રડી પડ્યો હતો. તેના પિતાએ કહ્યું કે, પહેલા LSGની બેટિંગ હતી. તેના ઓપનર સારી બેટિંગ કરતા હતા. મેં 2 ઓવર સુધી બેટિંગ જોઇને જોવાનું બંધ કરી દીધું હતું. પહેલી ઇનિંગ પૂરી થઇ અને CSKની બેટિંગ આવી ત્યારે મેં ફરીથી મેચ જોવાની ચાલુ કરી. મેં અવાજ બંધ રાખ્યો હતો. અમે મોબાઇલમાં મેચ જોતા હતા. ઉર્વિલની બેટિંગ જોઇને મજા આવી ગઇ. આખું સ્ટેડિયમ ચિચિયારીઓ પાડી રહ્યું હતું. લોકો એવું કહેતા કે ઉર્વિલ એક વાવાઝોડા તરીકે ત્રાટક્યો છે, તે જોરદાર બેટિંગ કરે છે. 'તેણે 9 બોલમાં 41 રન બનાવ્યા ત્યારે મને એવું થયું કે જો હવે 11 બોલમાં 50 રન થાય તો હું ઘરમાં બધાને કહું કે 20-20માં ઉર્વિલે આ ઇતિહાસ બનાવ્યો પણ તેવું ન થયું. તેણે 13 બોલમાં ફિફ્ટી ફટકારી તેનો આનંદ છે. તેણે જ્યારે ચિઠ્ઠી કાઢી ત્યારે મને ખબર નહોતી કે એ ચિઠ્ઠીમાં મારા વિશે લખ્યું છે.' ‘મને એટલું ચોક્કસ હતું કે તે દેવી દેવતાને યાદ તો કરશે કેમ કે તે ખુદ પણ ભગવાનમાં એટલું માને છે. તે હંમેશા એવું કહે છે કે ભગવાનના આશીર્વાદ વગર ક્યારેય કોઇ કામ શક્ય નથી બનતું. મને હતું કે ચિઠ્ઠીમાં તેણે દેવી દેવતાઓના નામ જ લખ્યા હશે પણ 2-4 મિત્રોના ફોન આવ્યા અને તેમણે મને વોટ્સએપ પર ફોટો મોકલ્યો. જેમાં મેં જોયું કે ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે ધીસ ઇઝ ફોર યુ પાપા. મને કે મારા પરિવારને ચિઠ્ઠીમાં શું લખ્યું છે તેની કોઇ ખબર નહોતી.’ ઝંઝાવાતી બેટિંગ બાદ ઉર્વિલ રડી પડ્યો હતો
મેચ પૂરી થયા બાદ ઉર્વિલે ફોન કર્યો પણ તેના પિતા સરખી વાત નહોતા કરી શક્યા. તેમણે કહ્યું કે, એ દિવસે તેણે મારા માટે લખેલી ચિઠ્ઠી બતાવી હતી. તે જોઇને મને એમ થયું કે તેને મારા માટે આટલી લાગણી છે. ફોનમાં હું થોડો ગળગળો થઇ ગયો હતો અને ઉર્વિલ રડી પડ્યો હતો એટલે મેં આગળ વાત ન કરી અને તેના મમ્મીને ફોન આપી દીધો હતો. બીજા દિવસે મારે તેની સાથે વાત થઇ હતી.' તેના પિતાએ ગર્વ વ્યક્ત કરતાં કહ્યું કે, જ્યારે કોઇ દીકરો મેચમાં રમતો હોય અને ચિઠ્ઠી કાઢીને પપ્પાને રેકોર્ડ સમર્પિત કરી, બે હાથ જોડીને સૌને નમસ્કાર કરતો હોય તો ગર્વ થાય જ. આવો દીકરો કોને મળે? હું ભાગ્યશાળી છું કે ઉર્વિલનો જન્મ મારા ઘરે થયો છે. દીકરો તોફાની બેટિંગ કરતો હતો અને માતા ઘરની બહાર બેઠા હતા
એ મેચ વખતે ઉર્વિલના મમ્મી ગીતાબેન તો ઘરની બહાર બેઠા હતા અને પોતાનું રૂટિન કામ કરતા હતા. તેના મમ્મીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, હું મેચ જોતી નથી. ઉર્વિલે ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી ત્યારે હું ઘરની બહાર બેઠી હતી. ઉર્વિલે જે ચિઠ્ઠી બતાવી તેની ખબર તો મને ત્યારે પડી જ્યારે મેં એ ફોટો જોયો. ચિઠ્ઠીમાં શું લખ્યું હતું તેની પણ મને ખબર નહોતી. જ્યારે મેં એ ફોટો જોયો ત્યારે ખબર પડી કે ઉર્વિલે તેના પપ્પા માટે લખ્યું હતું. ઉર્વિલે આ લેવલે પહોંચીને આખા વિશ્વમાં અમારૂં નામ રોશન કર્યું છે. જેની મને બહુ ખુશી છે. માતાએ એટલું જ કહ્યું- બેસ્ટ ઓફ લક
તેના મમ્મીએ આગળ જણાવ્યું કે, જ્યારે તેની મેચ પૂરી થઇ એ પછી બધાના અમને ફોન આવવા લાગ્યા કે ઉર્વિલે સરસ બેટિંગ કરી, રેકોર્ડ તોડી નાખ્યો. અમને ખબર હતી કે ગમે ત્યારે ગમે તે રેકોર્ડ બનાવે તેવી તેનામાં ક્ષમતા છે. મેચ પૂરી થયા પછી મેં ઉર્વિલ સાથે કોઇ વધારે વાત નહોતી કરી. મેં તેને ફક્ત એટલું જ કહ્યું હતું કે બેટા, બેસ્ટ ઓફ લક. તે ખૂબ સારૂં કામ કર્યું છે. ઉર્વિલ કંઇ બોલ્યો નહીં પણ તેને લાગ્યું કે બસ હવે મારી મમ્મીને શાંતિ થઇ હશે. ઉર્વિલે 11 બોલમાં અડધી સદી કેમ ન કરી?
તેના પિતાએ તેને 11 બોલમાં ફિફ્ટી કેમ ન થઇ તેનું કારણ પણ પૂછ્યું હતું. જેના જવાબમાં ઉર્વિલે તેમને કહ્યું હતું કે હું IPL તો રમું છું પણ મારી એકપણ ફિફ્ટી નથી થઇ. જો 13 બોલમાં પણ મારી ફિફ્ટી થઇ જાય તો સારૂં. જો 11 બોલમાં ફિફ્ટી કરવા માટે હું ચોગ્ગો કે છગ્ગો મારવા જઇશ અને આઉટ થઇ જઇશ તો મારી ફિફ્ટી બાકી રહી જશે એટલે મેં 1-2 બોલ જતાં કર્યા. મારાથી 11 બોલમાં 50 રન પણ થઇ જાય તેમ હતા પણ મને એ રિસ્ક લાગતું હતું એટલે મેં નથી કર્યા. મેં રેકોર્ડ સામે નહોતું જોયું પણ મારે મારી ફિફ્ટી તમને સમર્પિત કરવી હતી. પરિવારે ઉર્વિલની પહેલી મેચ જ નહોતી જોઇ
ઘણી વખત ઉર્વિલના માતા-પિતા તેની મેચ નથી જોતા. તેમને ડર લાગે છે કે ઉર્વિલ ક્યાંક આઉટ થઇ જશે તો?
તેના પિતાએ કહ્યું કે, અમે તેની પહેલી મેચ જોઇ પણ નહોતી. હાલમાં પણ અમે ડરતા ડરતા તેની મેચ જોઇએ છીએ. દુનિયા એવું માનતી હોય કે ઉર્વિલ રમવો જોઇએ પણ અમને ડર હોય કે તે ક્યાંક આઉટ ન થઇ જાય. પહેલી મેચમાં તેણે 11 બોલમાં 31 રન ફટકાર્યા હતા. જેના પછી અમને વિશ્વાસ આવી ગયો હતો કે હવે ઉર્વિલ સારૂં પ્રદર્શન કરશે જ. આ અંગે તેના માતાએ કહ્યું કે, મને ડર લાગે છે કે મારો દીકરો જલ્દી આઉટ થઇ જશે તો એટલે હું તેની મેચ નથી જોઇ શકતી. મેં નક્કી કર્યું છે કે જ્યાં સુધી ઉર્વિલ ઇન્ડિયન ટીમમાં ન આવે ત્યાં સુધી મારે તેની કોઇપણ મેચ નથી જોવી. જ્યારે ઉર્વિલની મેચ હોય છે ત્યારે હું ઘરમાં દેવી દેવતાઓની પૂજા કરીને રૂટિન મુજબનું મારૂં ઘરકામ કરતી હોઉં છું. વિકેટ કિપર તરીકે નહીં પણ ફાસ્ટ બોલર તરીકે શરૂઆત
લોકો ઉર્વિલને વિકેટ કિપર-બેટ્સમેન તરીકે ઓળખે છે પણ તેની ક્રિકેટની જર્નીની શરૂઆત એક ફાસ્ટ બોલર તરીકે થઇ હતી. તેના પિતા મુકેશભાઈએ કહ્યું, મને શોએબ અખ્તરની બોલિંગ ખૂબ જ ગમતી હતી એટલે તેના કોચને બોલિંગની પ્રેક્ટિસ કરાવવાનું કહ્યું. કોચે એ પ્રમાણે પ્રેક્ટિસ શરૂ કરી તો એની ઉંમર પ્રમાણે તે ખૂબ જ સારી બોલિંગ કરતો હતો પણ સ્પીડ વધારવાના ચક્કરમાં તે થ્રો બોલિંગ કરવા લાગ્યો એટલે પછી તેને કિપિંગ અને બેટિંગની તાલીમ આપવાની શરૂઆત કરી. તેના કોચ પટણી સરે જે રીતની તાલીમ આપી અને મહેનત કરી તેના કારણે આજે IPLમાં પણ તેની ગેમ બધા જોઇ રહ્યાં છે.
પહેલીવાર સિલેક્શન થયું ત્યારે કેવો માહોલ હતો?
મુકેશભાઇએ ઉર્વિલની IPLમાં પસંદગી અને ટીમમાંથી છુટો કર્યો ત્યારની વાત પણ કહી. તેમણે જણાવ્યું કે,પહેલીવાર IPLના ઓક્શનમાં તેનું 2023માં નામ આવ્યું હતું. એ પછી તેની પસંદગી થઇ એ પણ મેં ટીવીમાં લાઇવ જોયું નથી. આ સમયે ઉર્વિલ અમારા ગામ કહીપુરમાં હતો ને રાત્રે લગભગ દસેક વાગ્યાની આસપાસ અમને ફોન કરીને કહ્યું કે પપ્પા, ગુજરાત ટાઇટન્સમાં 20 લાખ રૂપિયામાં મારૂં સિલેક્શન થયું છે. આ સાંભળીને અમે ખૂબ જ ગદગદ થઇ ગયા હતા. એ પછી રાત્રેને રાત્રે જ અમે પાલનપુરથી કહીપુર પહોંચીને ઉજવણી કરી હતી. ટીમમાંથી રિલીઝ કરાયો ત્યારે પરિવાર દુઃખી થયો
'અમે ઉર્વિલની પસંદગીથી ખૂબ જ ખુશ હતા કેમ કે ઉર્વિલને ઈન્ટરનેશનલ ખિલાડીઓ સાથે રૂમ શેરિંગ થી લઈને નેટ પ્રેક્ટીસ કરવા મળી હતી પણ તેને એ સિઝનની 14 મેચમાંથી એક પણ મેચમાં રમાડવામાં ન આવ્યો અને કોઇ તક આપ્યાં વગર જ ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો એટલે ખૂબ જ દુઃખ થયું હતું. ઉર્વિલ પણ ખૂબ દુઃખી હતો પણ જ્યારે અમે એકબીજા સાથે વાત કરીએ ત્યારે અમે પોતપોતાનું દુઃખ છુપાવતા. હું મારૂં દુઃખ છુપાવતો અને ઉર્વિલ પોતાનું દુઃખ છુપાવતો. 'જ્યારે ઉર્વિલને છૂટો કર્યો અને તેનો મને ફોન આવ્યો ત્યારે હું લોકલ બસમાં બેઠો હતો. હું મનથી રડી પડ્યો હતો તેમ છતાં મેં હિંમત ભેગી કરીને તેને કહ્યું કે બેટા, તુ ચિંતા ન કરીશ. આ વખતે નહીં તો આવતા વર્ષે તને તક મળશે. આના પછી તરત તેણે વિજય હજારે ટ્રોફીમાં 41 બોલમાં સદી ફટકારવાનો બીજા નંબરનો રેકોર્ડ બનાવ્યો હતો.' તેના પિતા માને છે કે કોઇ પ્લેયરનું કાયમી કોઇ એક પ્લેટફોર્મ નથી હોતું. તેમણે કહ્યું કે, ફ્રેન્ચાઇઝીને એવું લાગે તો સારા સારા પ્લેયર્સને પણ છૂટા કરી દે છે. હાર્દિક પંડ્યા ગુજરાતની ટીમમાંથી રમતો હતો તો પણ મુંબઇ ઇન્ડિયન્સમાં જતો રહ્યો. કોઇ પ્લેયરનું કાયમી પ્લેટફોર્મ એક જગ્યાએ નથી હોતું. જે ટીમને જ્યાં જરૂર હોય ત્યાં પ્લેયરને રમાડે. બધી ટીમ સારી છે. ધોનીની ફેન ફોલોઇંગ ઘણી સારી છે. ઉર્વિલ પણ ધોનીની જેમ કિપર હતો એટલે તેને ચોક્કસપણે લાભ તો મળે જ. માતાએ સંઘર્ષના દિવસો યાદ કર્યા
જ્યારે તેનું સિલેક્શન ન થતું અને તે સારૂં પર્ફોર્મ ન કરી શકતો એ દિવસો કેવા રહ્યાં તેની વાત કરતાં ગીતા પટેલે કહ્યું કે, અમને દુઃખ થતું કે છોકરો આટલો ક્ષમતાવાળો છે તો પછી કેમ તેનું સિલેક્શન નથી થતું. અમે પૂછીએ તો પણ કોને પૂછીએ? થોડો સમય વિતે એટલે બધું ભૂલાઇ જતું. જ્યારે તે નિરાશ થઇ જતો ત્યારે અમે તેને આશ્વાસન આપતા કે આ નહીં તો બીજી મેચમાં તુ સારૂં પર્ફોર્મ કરી શકીશ. આ વર્ષે નહીં તો આવતા વર્ષે સારૂં થશે. જ્યારે સમય પાકે ત્યારે આપણું કામ થાય. 'જુઓ ઉર્વિલ કેટલું જોરદાર બેટ ફેરવે છે'
ઉર્વિલે કેવી રીતે ક્રિકેટ શીખવાનું શરૂ કર્યું તે વાત પણ રસપ્રદ છે. ઉર્વિલ નાનો હતો ત્યારે કોઇ કામથી તેના પિતાના મોટાભાઇ સુરેશભાઇ ઉર્વિલને પાલનપુરના ઘરે લાવ્યા હતા. વાતવાતમાં તેમણે ઉર્વિલના પિતાને કહ્યું કે ઉર્વિલ હજુ આટલો નાનો છે છતાં કેટલું જોરદાર બેટ ફેરવે છે. જો તમારી ઇચ્છા હોય તો તેને ક્રિકેટ કે અન્ય સ્પોર્ટસમાં અજમાવી જુઓ. તેના પિતા કહે છે કે, અઢી વરસના બાળકને તો ક્રિકેટ શું ને ફૂટબોલ શું કંઈ જ ખબર ન પડે પણ મારું કોલેજ કાળનું એ વચન મને યાદ આવ્યું ને મારા મોટાભાઇએ મને આ વાત કહી એટલે મેં ત્યારથી જ નક્કી કર્યું કે મારે ઉર્વિલને એક સારો ક્રિકેટર બનાવવો છે ને મેં તેને તૈયાર કરવાનું શરૂ કર્યું. આ રીતે ક્રિકેટની દુનિયામાં પ્રવેશ થયો
'એક સ્પોર્ટસ શિક્ષક તરીકે મને ખબર હતી કે ક્રિકેટમાં અંડર 14ની ટૂર્નામેન્ટથી સ્ટાર્ટ મળે છે. જો હું ઉર્વિલને બાળમંદિરમાં મૂકું તો ત્યારે લગભગ તેની ઉંમર ચારેક વર્ષની હશે એટલે તેને તૈયાર કરાવવા માટે મારી પાસે 10 વર્ષનો સમય છે. આ તક મેં ઝડપીને તેને તૈયાર કરવાની શરૂઆત કરી અને બસ અહીંથી ક્રિકેટની દુનિયામાં ઉર્વિલનો પ્રવેશ થયો.' પહેલાં તેની પાસે પ્લાસ્ટિકનું બેટ હતું
ઉર્વિલના નાનપણને યાદ કરતા તેના માતાએ જણાવ્યું કે, સવારે તેને ક્રિકેટનું સેશન હોય. તે સ્કૂલે સવારે 9 વાગ્યા પછી જતો. 12-30 વાગ્યા આસપાસ છૂટીને ઘરે આવીને જમતો અને આરામ કરીને 3 વાગ્યે પાછો ક્રિકેટની પ્રેક્ટિસ માટે જતો રહેતો. સાંજે 7 વાગ્યે પાછો આવે. આખો દિવસ થાક્યો હોય એટલે વહેલો સૂઇ જતો. ઉર્વિલને નાનું બેટ બહુ ગમતું. પહેલા તેની પાસે પ્લાસ્ટિકનું બેટ હતું. અહીં (કહીપુરમાં) તેને મોટા પપ્પા રાખતા. જ્યારે અમે તેને પાલનપુર લઇ ગયા ત્યારે તેને લાકડના નાના સ્ટમ્પ અને બેટ લઇ આપ્યા હતા. જેનાથી તે આખો દિવસ રમતો હતો. સિલેક્ટર્સે કહ્યું હવે તારે રમવાની જરૂર નથી
પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે ઉર્વિલને નાનપણમાં બેટિંગ કરતાં જોયો છે. ઉર્વિલે સતત 10 વર્ષ સુધી નેટ્સમાં પરસેવો પાડ્યો હતો. જેના પછી અંડર 14નો ટ્રાયલ મહેસાણામાં આવ્યો. જેમાં તેના પિતા ઉર્વિલને સ્કૂટર પાછળ બેસાડીને લઇ ગયા હતા.
તેના પિતાએ કહ્યું કે, આ ટ્રાયલમાં લગભગ 200 છોકરાઓ આવ્યાં હતા. અહીં વડોદરાથી ઇરફાન સર આવ્યાં હતા. ટ્રાયલ શરૂ થયો લગભગ એકાદ કલાક પછી ઉર્વિલનો નંબર આવ્યો એટલે ઉર્વિલે કિટ પહેરીને તૈયાર થયો. જેવો તે વિકેટ પર ગયો એટલે તેણે સ્ટમ્પની લાઇન માંગી ને તરત જ સિલેક્ટર્સને થયું કે આ છોકરામાં ક્રિકેટની આવડત છે. તે માત્ર 3 બોલ રમ્યો ને સિલેકટર્સે કહ્યું કે હવે તારે રમવાની જરૂર નથી. તુ પેડ કાઢીને વિકેટ કિપિંગ કર. એ જ દિવસે સાંજે મેસેજ આવ્યો ને ઉર્વિલની પસંદગી થઇ. તેને સીધો જ મહેસાણા ડિસ્ટ્રિક્ટનો કેપ્ટન બનાવાયો હતો. આખી ટીમના 130 રન તેમાંથી એકલા ઉર્વિલના જ 101 રન
એક મેચમાં તો એવું બન્યું કે મહેસાણા ડિસ્ટ્રિક્ટની ટીમ 130 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેમાં 101 રન તો ફક્ત ઉર્વિલના હતા. જ્યારે બાકીના 29 રન આખી ટીમનાં હતા. આ જોઇને ઉર્વિલને સીધો જ સ્ટેટમાં રમવા માટે પસંદ કરી દીધો હતો અને અહીંથી જ તેની વિકેટકિપર બેટ્સમેન તરીકેની જર્નીની શરૂઆત થઇ હતી. અક્ષર પટેલે કહ્યું હતું એક દિવસ તેનું ટેલેન્ટ બહાર આવશે
અક્ષર પટેલ સાથેનો એક કિસ્સો વર્ણવતા મુકેશ પટેલે કહ્યું, એક વાર એક ટૂર્નામેન્ટમાં અક્ષર પટેલ અને ઉર્વિલ બન્ને સાથે હતા. આ દરમિયાન ઉર્વિલનો મારી સાથે વીડિયો કોલ ચાલી રહ્યો હતો. અચાનક ત્યાં અક્ષર પટેલ આવ્યાં એટલે મેં અક્ષર પટેલને કહ્યું કે કેમ છો? ઉર્વિલ તમારા અંડરમાં રમે છે તો તેને સારી રીતે તૈયાર કરજો ત્યારે અક્ષર પટેલે કહ્યું હતું કે જેના માતા પિતા શિક્ષક હોય તેને અમે શું તૈયાર કરીએ? એનામાં ખૂબ જ સારું ટેલેન્ટ છે અને એક દિવસ તે બહાર આવશે જ. ભણવાની સાથે ક્રિકેટને પણ બેલેન્સ કર્યું
જ્યારે ઉર્વિલની બોર્ડની પરીક્ષા હતી એ સમયે ભણવાની સાથે ક્રિકેટને કેવી રીતે બેલેન્સ કરતો એ અંગે પૂછતાં મુકેશ પટેલે કહ્યું, મેં એને ક્યારેય ભણવા માટે ફોર્સ કે પ્રેશર કર્યું નથી. એટલું ખબર જ છે કે, જો એ ક્રિકેટર નહીં બને તો પણ તેનું ફિટનેસ તો સારું થવાનું જ છે પણ નસીબજોગ બોર્ડની પરીક્ષા સમયે તેની કોઇપણ ટૂર્નામેન્ટ આવી નહીં અને તેણે સારું પરિણામ મેળવ્યું હતું. તેમણે આગળ કહ્યું, ઉર્વિલ રમતનો જીવડો તો પહેલેથી જ હતો.જ્યારે પેપર હોય કે ભણવાની ચોપડી વાંચતો હોય ત્યારે હું તેના હાથમાંથી ખેંચી લેતો અને તેને કહેતો હતો કે ચલ આપણે રમવા જઈએ. તેના હાથમાં હું કાયમ બેટ અને બોલ જ પકડાવતો હતો ચોપડી નહોતો પકડવા દેતો. કેમ કે મને ખબર છે કે જે બાળક ખૂબ સારું રમતું હોય તેનામાં એકાગ્રતા સારી હોય છે અને તેના કારણ શાંતિથી બેસીને તે ભણી જ લે છે. નિષ્ફળતા બાદ પિતાનો દૃઢ સંકલ્પ
તેના પિતાને સ્પ્રિન્ટ રનિંગમાં નિષ્ફળતા મળી હતી. જેના પછી તેમણે સંકલ્પ લીધો હતો કે મારું જે પણ સંતાન આવે તેને હું ઇન્ટરનેશનલ લેવલે લઇ જઇશ.
તેમણે કહ્યું કે, મારું ગ્રેજ્યુએશન 1993માં થયું હતું એ પછી મેં બીપીએડ કર્યું. આ દરમિયાન કોલેજમાં સ્પ્રિન્ટર હતો. કોલેજ લેવલે મારો પહેલો જ નંબર આવતો હતો. દરમિયાન મેં યુનિવર્સિટી લેવલે 100 મીટરની સ્પ્રિન્ટ રનિંગમાં ભાગ લીધો ત્યારે મને એમ જ હતું કે હું સારું દોડીશ અને સારું પર્ફોર્મન્સ કરી શકીશ પણ જ્યારે હું એ સ્પર્ધામાં ભાગ લેવા ગયો તો તેમાં પહેલો નંબર તો દૂરની વાત છે પણ હું આઠમાં નંબરે આવ્યો. 'મને ખબર પડી કે હજી મારામાં ઘણું બધું ખૂટે છે. આ ઘટના પછી મેં મનોમન વિચારી લીધું હતું કે મેં મહેનત કરી છે પણ મને સફળતા નથી મળી પણ ભવિષ્યમાં મારે જે પણ સંતાન આવે તેને હું ઇન્ટરનેશનલ લેવલે લઇ જઇશ. બસ, ઉર્વિલને એ જ રીતે તૈયાર કરવાનું શરૂ કર્યું ને આજે તેની સફળતા દુનિયા સમક્ષ છે.' ઘર બહાર નીકળે એટલે વડીલોને પગે લાગવાનું
ઉર્વિલ જ્યારે ઘરેથી ક્યાંય પણ જવા નીકળે છે ત્યારે બા, મમ્મી-પપ્પા અને ઘરના બધા વડીલોના પગમાં પોતાનું માથું મૂકે છે અને તેનું નાક પગમાં અડે તે રીતે પગે લાગે છે. તેના પિતા કહે છે કે, ઘણીવાર મને એમ થાય કે શું હું મારા પપ્પાને ક્યારેય આ રીતે પગે લાગતો? તેનામાં રહેલા આ ગુણથી મને પણ શીખવા મળ્યું છે. તેની જર્સી પાછળ 37નો જ નંબર હોય છે. આની પાછળ શું ખાસ કારણ છે તે મેં ક્યારેય પૂછ્યું નથી. ગીતાબેને ઉર્વિલના નાનપણની મસ્તીના 2 કિસ્સા પણ કહ્યા.
ઉર્વિલ નાનપણથી બહુ મસ્તીખોર હતો. એક દિવસ તે બહાર રમવા ગયો હતો. ત્યાં એક દીવાલ પર કુંડા મૂકેલા હતા. તે દીવાલ પર ચડ્યો અને કુંડા સાથે નીચે પડ્યો. તેને પેટમાં વાગ્યું પણ તેણે અમને કંઇ ન કીધું. તેને ખબર હતી કે જો હું મમ્મીને કહીશ તો મમ્મી મને 2 લાફા મારશે. બીજા દિવસે તેણે કહ્યું કે મમ્મી મને પેટમાં દુખે છે એટલે મેં તેના પપ્પાને કહ્યું કે ઉર્વિલને દવાખાને લઇ જાઓ. ઉર્વિલ નાનપણથી જ બહુ તોફાની હતો. એ બેટની જેમ એક લાકડી રાખતો. જ્યારે તે રસ્તામાં જતો હોય ત્યારે તે બધા ઝાડ-પાન તોડી નાખે. જેથી લોકો અમારી સાથે ઝઘડો કરવા આવતા કે જુઓ તમારો દીકરો ઝાડ-પાન તોડે છે, કુંડા તોડે છે. હું એ લોકોને સામે કહેતી કે આ તો બાળક છે. તે જેવો છે તેવો છે. 'મમ્મી તારે ચિંતા ન કરવી, હું તને સારૂ પ્રદર્શન કરીને બતાવીશ'
ઉર્વિલના પિતાની જેમ તેના મમ્મી પણ ક્યારેય તેને મેચ વિશે નથી પૂછતા. તેમણે કહ્યું કે, મેં તેને મેચ વિશે કે તે કેટલા રન કર્યા તેવું ક્યારેય પૂછ્યું નથી. ઉર્વિલ મને એવું કહે કે મમ્મી તારે બહુ ચિંતા નહીં કરવાની, ક્રિકેટ બાબતે તારે મને કંઇ નહીં પૂછવાનું, હું તને કરીને જ બતાવીશ. તેના માતાએ અન્ય બાળકો પણ ઉર્વિલની જેમ આગળ વધે તે માટેની ટિપ્સ આપતા કહ્યું કે, બાળક પાછળ માતા-પિતાએ મહેનત કરવી પડે. જેમ માતા-પિતાને સમજણ પડે તેમ આપણે બાળકને વાળવું પડે. હવે જે મેચ બાકી છે તે ત્રણેય મેચ જીતે. આગળની મેચમાં પણ સારૂં પર્ફોર્મન્સ કરે અને તેને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળે અને તેમાં પણ તે સારૂં પ્રદર્શન કરે.
Read Original Article →