ઉમરેઠમાં પેટાચૂંટણી લડતી અજાણી પાર્ટીને 923 કરોડનું ફંડિંગ:12 વર્ષમાં અબજોપતિ બનેલી BNJDના ઉમેદવાર મોપેડ લઈને ફરે છે, 2017માં પાર્ટી સ્થાપકને મળ્યા હતા 322 મત
9230000000 એટલે કે 923 કરોડ રૂપિયા… કોઈ આવે અને આટલા રૂપિયા આપી જાય… એ પણ દાનમાં… તો શું સમજવું? વાત જાણે એમ છે કે આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવિંદ પરમાર મૃત્યુ પામ્યા એટલે પેટાચૂંટણી આવી. ભાજપે એમના જ દીકરા હર્ષદ પરમારને ટિકિટ આપી છે, કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા. પરંતુ આ ચૂંટણીમાં સાવ અજાણી રાજકીય પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું, પાર્ટીનું નામ છે ભારતીય નેશનલ જનતા દળ. જેનું ચૂંટણી ચિન્હ ખભે હળ મૂકીને ઉભેલો ખેડૂત છે. જેને અબજો રૂપિયાનું દાન મળ્યું છે. ખૂબ ઓછા લોકોએ આ પાર્ટીનું નામ સાંભળ્યું હશે. એટલે ભારતીય નેશનલ જનતા દળ કોની પાર્ટી છે? પાર્ટીની ઓફિસ ક્યાં છે? અગાઉની ચૂંટણીમાં કેવું પરફોર્મન્સ હતું? અને ઉમરેઠની પેટા ચૂંટણીમાં ઉમેદવાર ઉભા રાખવા પાછળની રણનીતિ શું છે? આ સવાલોના જવાબ મેળવવા માટે દિવ્ય ભાસ્કરે પાર્ટીના પ્રમુખ તેમજ ઉમરેઠના ઉમેદવાર સાથે મુલાકાત કરી ગ્રાઉન્ડ રિયાલિટી જાણી. એટલું જ નહીં, ચૂંટણીપંચમાં પાર્ટીએ જમા કરાવેલા ડોક્યુમેન્ટ ચકાસ્યા. લગભગ એક અઠવાડિયાની તપાસમાં જેમ-જેમ આગળ વધતા ગયા એમ-એમ કોઈપણ સામાન્ય માણસના ભવાં ઊંચા થઈ જાય એવી "રાજકીય કુંડળી" બહાર આવી. સૌથી પહેલાં અમે ભારતીય નેશનલ જનતા દળની ઓફિશિયલ વેબસાઇટ પર પહોંચ્યા. ત્યાંથી જાણકારી મળી કે આ પાર્ટીના સંસ્થાપક વી.એમ.ગજેરા હતા. હાલમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રકુમાર ગજેરા છે. વેબસાઇટના હોમપેજ પર જ રાષ્ટ્રીય અધ્યક્ષનો એક મેસેજ હતો. આ સિવાય કોઈ ખાસ માહિતી ન દેખાઈ. વેબસાઇટના અન્ય સેક્શનમાં પણ ઘણી બધી માહિતી અસ્પષ્ટ હતી. એટલે અહીંથી મનમાં સવાલો ઉઠવાની શરૂઆત થઈ. પાર્ટીની વેબસાઇટ પર છેલ્લું સેક્શન Contact Us/Donation નામથી હતું. ત્યાં ક્લિક કરતા જ ગાંધીનગરમાં આવેલા આ પાર્ટીના મુખ્ય કાર્યાલયનું સરનામું મળ્યું. સાથે જ આ પાર્ટીને ડોનેશન કેવી રીતે આપી શકાય? એની સંપૂર્ણ માહિતી ડિટેલમાં લખી હતી. કોઈપણ રાજકીય પક્ષને કેટલા રૂપિયા દાન પેટે મળ્યા તેની જાણકારી પક્ષે પોતે જ ચૂંટણીપંચને આપવાની હોય છે. હવે અમે તપાસમાં ઊંડા ઉતર્યા અને ગુજરાત ચૂંટણીપંચની વેબસાઇટ પર પહોંચ્યા. એ જાણવા માટે કે ભારતીય નેશનલ જનતા દળને કયા વર્ષમાં કેટલું દાન મળ્યું છે અને આપનારા લોકોની સંખ્યા કેટલી? અમે 2013-14થી માંડીને 2023-24 સુધી ભારતીય નેશનલ જનતા દળને મળેલા દાનના આંકડા કાઢ્યા. ગુજરાત ચૂંટણીપંચની વેબસાઇટ પરથી મળેલો ડેટા સામાન્ય માણસ જ નહીં, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા પક્ષને પણ અચરજ પમાડે એવો છે. આમ, માત્ર એક જ દસકામાં સાવ ઓછી ચર્ચિત પાર્ટી ભારતીય નેશનલ જનતા દળને અધધ 923 કરોડ રૂપિયાથી પણ વધુનું દાન મળ્યું છે. આ દાન આપનારા લોકોમાં મોટાભાગના ગુજરાતના છે. લોકોએ 20 હજારથી માંડીને લાખો રૂપિયા એક ઝાટકે આ પાર્ટીને દાનમાં આપી દીધા. પાર્ટીને મળેલા દાન અને ચૂંટણીવર્ષ સાથે જબરું કનેક્શન!
જ્યારે અમે આ ડેટાનું વિશ્લેષણ કર્યું તો ધ્યાને આવ્યું કે 2013-14થી માંડીને 2017-18 સુધી એમ 5 વર્ષમાં માત્ર 21 હજાર રૂપિયાનું જ દાન મળ્યું હતું. અમુર વર્ષમાં તો એકપ રૂપિયાનું દાન નથી મળ્યું. આ જાણકારી ખુદ ભારતીય નેશનલ જનતા દળે ચૂંટણીપંચને આપેલી છે. 21 હજાર રૂપિયા પક્ષને એ વર્ષે મળ્યા હતા જ્યારે લોકસભાની ચૂંટણી હતી. ત્યાર પછીના વર્ષે તો પાર્ટીએ ડોનેશનની રકમની જાણકારી જ ચૂંટણીપંચને આપી નથી. કોવિડ પછી પાર્ટીને મળતા દાનમાં બમ્પર ઉછાળો આવ્યો
2018-19માં અચાનક આ પાર્ટીને 4 કરોડ 18 લાખ રૂપિયાનું દાન મળ્યું. ત્યાર પછીના બે વર્ષે 20 લાખ અને 35 લાખ મળ્યા. પરંતુ 2021-22માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે 188 કરોડ અને ત્યાર બાદ 2022-23માં વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે રેકોર્ડ બ્રેક 540 કરોડ રૂપિયાનું દાન મળ્યું. આ પછીના વર્ષે પણ દાનનો ધોધ રોકાયો નહીં, 2023-24માં આ ભારતીય નેશનલ જનતા દળને 190.5 કરોડ રૂપિયા દાન પેટે મળ્યા હોવાનું પાર્ટી પોતે જ ઓનપેપર કબૂલે છે. આવક સામે ખર્ચ કેટલો કર્યો? પાર્ટીએ સ્પષ્ટ વિગતો નથી આપી
ગુજરાત ચૂંટણીપંચના જ ડેટા પ્રમાણે અબજોપતિ પાર્ટીએ 2022ની ચૂંટણીમાં માત્ર 95 હજાર રૂપિયાનો ખર્ચ બતાવ્યો હતો. જ્યારે 2017માં તો કોઈ ખર્ચ જ નથી. હવે સવાલ એ છે કે, જો આ પાર્ટી ચૂંટણી લડવામાં ખર્ચ નથી કરતી તો ખર્ચ કરે છે ક્યાં? અથવા તો તેની જાણકારી ચૂંટણીપંચના જાહેર પ્લેટફોર્મ પર કેમ નથી? લોકો પાસેથી દાન લેનારી અબજોપતિ પાર્ટીનું મુખ્ય હેડક્વાર્ટર દિલ્હીમાં નહીં ગાંધીનગરમાં હોવાની જાણકારી તેની વેબસાઇટ પર જ હતી. પોતે ઉમરેઠની પેટાચૂંટણીમાં ઉમેદવાર પણ ઉભા રાખ્યા છે. એટલે ગાંધીનગરમાં આવેલા પાર્ટી હેડક્વાર્ટરની સ્થિતિ કેવી છે? ત્યાં કેવો ધમધમાટ છે? એ જાણવા અમે ગાંધીનગરના સરનામે પહોંચ્યા. ગાંધીનગરના સેક્ટર 11માં આવેલા મેઘમહ્લાર કોમ્પ્લેક્સના 7મા માળે 701/1માં પાર્ટીની ઓફિસ હોવાની માહિતી હતી. પરંતુ અમે ત્યાં પહોંચ્યા તો કંઈક જ હકીકત સામે આવી. એક જ સરનામે કંપની અને પાર્ટીની ઓફિસ!
અમે જોયું કે ઓફિસની બહાર એક જ ઓફિસમાં બે બોર્ડ મારેલા હતા. એક હતું શક્તિ એન્ટરપ્રાઇઝ અને બીજું હતું ભારતીય નેશનલ જનતા દળ. ઓફિસની બહાર માત્ર બે-ત્રણ લોકોના ચપ્પલ પડ્યા હતા. એટલે પહેલી નજરે એવું લાગ્યું કે શક્તિ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં જ આ પાર્ટીની ઓફિસ ચલાવવામાં આવતી હશે. અમારી ઉત્સુકતા વધી ગઈ! અમે ઓફિસમાં પ્રવેશ્યા તો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રકુમાર ગજેરા મળ્યા. તેમણે આપેલી જાણકારી પ્રમાણે શક્તિ એન્ટરપ્રાઇઝ એમની જ કંપની છે અને ચૂંટણી પ્રચારને લગતું મટિરિયલ જેમ કે ખેસ, ટોપી વગેરે બનાવે છે. સુરેન્દ્રકુમાર ગજેરાના દાવા પ્રમાણે તેઓ પોતે પણ 2012માં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી લડ્યા હતા પણ જીતી નહોતા શક્યા. એટલું જ નહીં, કેરળ વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે પાંચેક સીટ પર ઉમેદવાર ઉતાર્યા હોવાનું અને મુલાકાત થઈ એના આગલા દિવસે જ કેરળ જઈને આવ્યા છે, એમ કહ્યું. રાષ્ટ્રીય અધ્યક્ષના દાવામાં કેટલો દમ છે એ જાણવા BNJDએ અત્યાર સુધીમાં ક્યાં, કેટલા ઉમેદવાર ઉભા રાખ્યા અને તેમને કેટલા મત મળ્યા એ શોધી કાઢ્યું. આ હકીકતે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું. અબજોપતિ પાર્ટીએ ન જાણે કેમ 2024ની લોકસભા ચૂંટણી સમયે ભારતીય નેશનલ જનતા દળે દેશની 543 સીટ પરથી માત્ર ત્રણ પર જ પોતાના ઉમેદવાર ઉતાર્યા. ત્રણમાંથી બે સીટ પશ્ચિમ બંગાળની અને એક સીટ ગુજરાતની હતી. જુઓ કોને-કેટલા મત મળ્યા અને અન્ય ઉમેદવારોની તુલનામાં તેઓ કયા ક્રમે આવ્યા. 2022ની ચૂંટણીમાં પણ ધબડકો
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય નેશનલ જનતા દળે રાજ્યની કુલ 182 બેઠકમાંથી માત્ર 5 જ બેઠક પર ઉમેદવારો ઉભા કર્યા હતા. એમનું પર્ફોર્મન્સ કેવું રહ્યું એ પણ અમે ચકાસ્યું. ગરબાડા એકમાત્ર બેઠક એવી હતી જ્યાં 2130 મત મળ્યા બાકીની ચાર સીટમાંથી એક પર પણ 500થી વધુ મત મળ્યા નહોતા. ઉમરેઠથી ચૂંટણી લડી રહેલા મૌલિક શાહને 2022માં 210 મત મળ્યા હતા
ઉમરેઠ બેઠક પરથી અત્યારે પેટાચૂંટણી લડી રહ્યા છે એ ઉમેદવાર મૌલિક શાહ હાલમાં આણંદના જિલ્લા પ્રમુખ છે. તેઓ આણંદ સીટ પરથી 2022માં ચૂંટણી લડ્યા હતા, જાણીને આશ્ચર્ય થશે કે મૌલિક શાહને માત્ર 210 મત મળ્યા હતા. ચૂંટણીમાં કુલ 15 ઉમેદવારો ઉતર્યા હતા એમાં મત મેળવવામાં મૌલિક શાહનો 11નો ક્રમ હતો. 2017ની ચૂંટણીમાં BNJD ઊંધા માથે પટકાઈ હતી
2022ની ચૂંટણીમાં ભારતીય નેશનલ જનતા દળની ભૂમિકા સવાલો ઉપજાવનારી હતી. એટલે અમે વધું ઊંડાણથી તપાસ કરી અને 2017ની વિધાનસભા ચૂંટણીનો ડેટા કાઢ્યો. એ સમયે પણ પાર્ટીએ માત્ર 5 સીટ પર ઉમેદવાર ઉતાર્યા હતા. એમાંય અમરેલીની સીટ પરથી તો પાર્ટીના સંસ્થાપક વી.એમ.ગજેરા ચૂંટણી મેદાને હતા. આશ્ચર્યની વાત છે કે તેમને માત્ર 322 જ મત મળ્યા હતા. 2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય નેશનલ જનતા દળે નામ માત્ર ચાર બેઠક પર ઉમેદવાર ઉતાર્યા. તમામની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ હતી. 2012થી માંડીને 2024 સુધીની વિધાનસભા, લોકસભાની ચૂંટણીઓમાં એક માત્ર ઉમેદવાર એવા દેખાયા જે સતત આ પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા. નામ જગદીશ મેડા. માંડ બે-અઢી હજાર મત મળે પણ જગદીશભાઈ ચૂંટણી લડવાની હિંમત ભેગી કરી જ લે છે! આ તો થઈ ભૂતકાળની વાતો… મોટાભાગની ચૂંટણીમાં ડિપોઝિટ ગૂમાવતી આ પાર્ટી ઉમરેઠની પેટાચૂંટણીમાં કેવી રીતે પ્રચાર કરે છે, ઉમેદવાર મૌલિક શાહનું શું કહેવું છે, આ ચૂંટણીમાં ભાગ લેવા પાછળનું સચોટ કારણ શું છે? એ જાણવા માટે અમે ઉમરેઠ પહોંચ્યા. અબજોપતિ પાર્ટીના ઉમેદવાર મૌલિક શાહ ભરબપોરે 30 કિલોમીટર દૂર આણંદથી એક્ટિવા લઇને ઉમરેઠ આવ્યા. ન તો સાથે કોઈ કાર્યકતા... ના કોઈ સમર્થક. આ સ્થિતિ ઘણા સવાલો ઉભા કરી રહી હતી. તેમણે જણાવ્યું, 2015થી હું ભારતીય નેશનલ જનતા દળમાં આણંદ જિલ્લાનો પ્રમુખ છું. આણંદમાં આવતા છ-સાત તાલુકાઓનું હેન્ડલીંગ હું કરું છું. મૌલિક શાહ 2015માં આણંદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12ની ચૂંટણી લડ્યા હતા. એ પછી 2022માં તેઓ આણંદની વિધાનસભા ચૂંટણી લડ્યા અને હવે ઉમરેઠથી વિધાનસભાની પેટાચૂંટણી લડી રહ્યા છે. અગાઉની બન્ને ચૂંટણીમાં મૌલિક શાહ હાર્યા છે. તેમણે કહ્યું, દરેક ચૂંટણીમાં મને નવો અનુભવ થયો છે. નવા-નવા લોકોનો સાથ મળે, વિચારો મળે એ રીતે મારો બેઝ વધતો જાય છે. ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં ખેડૂતો વધારે છે એટલે હું ઉમરેઠમાં ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીશ. અમારી ટીમ છે. જે રીતે રૂટ નક્કી થશે એ પ્રમાણે રેલી કે સભા ગોઠવીશું. ઉમરેઠના 40થી 50 ગામડાઓમાં મારા અંગત સંબંધો છે. એટલે મને ચૂંટણીમાં ફાયદો થશે. જો કે તેમની પાર્ટીને કરોડો રૂપિયાનું ફંડ કોણ અને કેમ આપે છે? એ સવાલનો મૌલિક શાહ પાસે કોઈ જ જવાબ ન હતો. ચૂંટણી એફિડેવિટ પ્રમાણે ઉમરેઠથી પેટાચૂંટણી લડી રહેલા મૌલિક શાહ આણંદમાં 1995થી ન્યૂઝપેપર સપ્લાયર છે. 2026માં તેમણે પોતાની જંગમ મિલકત 1,27,065 રૂપિયા બતાવી છે, જ્યારે 2022માં 2,34 હજાર રૂપિયા હતી. એક વાત નોંધવા જેવી એ પણ છે કે મૌલિક શાહ પાસે કોઈ સ્થાવર મિલકત નથી. પોતાના ફેસબુક એકાઉન્ટ પર ચૂંટણીપ્રચારનો એક ફોટો મૂક્યો નથી, ઉમેદવારી નોંધાવી એનો એક માત્ર ફોટો છે. આ રાજકીય પક્ષને મળેલું અધધ દાન અને ચૂંટણીમાં કંગાળ પાછળનો અસલ ખેલ શું ચાલે છે? એ સમજવા માટે ADRના ગુજરાતના કોઓર્ડિનેટર પંક્તિ જોગને મળ્યા. ADR (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ)એ એક એવી સંસ્થા છે જે રાજકીય પક્ષો તેમજ નેતાઓની ‘કુંડળી’ બહાર કાઢે છે. ચૂંટણી લડતા ઉમેદવાર પાસે કેટલી મિલકત છે, તેના પર કેટલા કેસ છે અને તે કેટલું ભણેલો છે, તેની સાચી વિગતો તેઓ જનતા સામે લાવે છે. પંક્તિ જોગ કહે છે કે ભારતમાં અન-રેકોગ્નાઈઝ પાર્ટી હજારોની સંખ્યામાં છે. તેમણે 20 હજાર રૂપિયાથી વધારેની કિંમતની મળેલ ડોનેશનનો રિપોર્ટ અને ઓડિટ ચૂંટણી પંચને સમયમર્યાદામાં જમા કરવાનું હોય છે. પરંતુ અમારે ધ્યાને આવ્યું છે કે રાજકીય પક્ષો ઓડિટ રિપોર્ટ સોંપવામાં છ-છ મહિના મોડું કરે છે. અમારા ધ્યાને આવ્યું કે દેશના છ રાષ્ટ્રીય પક્ષોને 2022-23માં 3076 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે અન-રેકગ્નાઈઝ પાર્ટીની આવક 1581 કરોડ રૂપિયા જોવા મળી તેમજ સ્થાનિક પક્ષોની આવક 1700 કરોડ રૂપિયા હતી. એટલે કે અનરેકોગ્નાઈઝ પાર્ટીઓ રાષ્ટ્રીય પક્ષો કરતા અડધું અને સ્થાનિક પક્ષોની સમકક્ષનું દાન મેળવે છે. રાજકીય પક્ષને દાન આપો એટલે આવકવેરામાં બાદ મળે
પંક્તિ જોગે જણાવ્યું, નિયમ છે કે કોઈપણ પાર્ટી ડોનેશન લે તો ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે છે. એટલે કે આ રકમનું રાજકીય પક્ષો તેમજ દાન આપનાર બન્નેમાંથી કોઈએ ટેક્સ ચૂકવવો નથી પડતો. આ વાત દાન આપનારને કદાચ સૌથી વધુ આકર્ષિત કરતી હશે અને મોટા પ્રમાણમાં દાન મળતું હોય. જ્યારે આવી પાર્ટીઓ હજારો કરોડોનું દાન મેળવે છે અને ચૂંટણી પણ નથી લડતા છતાં ખર્ચ બતાવે છે, એવા સંજોગોમાં IT સ્ક્રુટીનીમાં આ બાબતો જવી જોઈએ. કંઈ ખોટું જણાય તો તેમની સામે પગલાં પણ લેવા જોઈએ. ચૂંટણી પંચ અનેકવાર આવી અનરિકગ્નાઇઝ પાર્ટીઓનું ડી-લિસ્ટિંગ કરવાની એટલે કે તેમનું ચૂંટણી ચિહ્ન છીનવવાની નોટિસ આપે છે. 1999માં ચૂંટણીપંચે આવી 200 જેટલી પાર્ટીને નોટિસ આપી હતી પરંતુ 150 જેટલી પાર્ટીને નોટિસ મળી પણ નહીં. કારણ કે બતાવેલા એડ્રેસ પર પાર્ટીની ઓફિસ હોતી જ નથી. 2016માં 255 અને 2022માં 537 પાર્ટીનું ચૂંટણીપંચે ડિલિસ્ટિંગ કર્યું. આ મામલે ADRએ માંગ કરી કે ચૂંટણી પંચ માત્ર ડિલિસ્ટિંગ કરીને સંતોષ ન માની લે. તેમને ડિ-રજીસ્ટર કરવાની કોઈ પ્રોસેસ શોધવામાં આવે, જે પાંચ વર્ષની ચૂંટણી નથી લડ્યા એવા પક્ષોની ફરીથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થાય એવા કોઈ પગલા લેવામાં આવે. પંક્તિ જોગ ભારતીય નેશનલ જનતા દળ વિશે વાત કરતા કહે છે કે આ પાર્ટીએ ગુજરાતની છે અને અનરેકગ્નાઈઝ છે. તેને ખૂબ મોટા પ્રમાણમાં દાન મળ્યું છે. જ્યારે કોઈ ચૂંટણી આવે ત્યારે પાર્ટી ઉપર ચૂંટણીમાં ખર્ચ કરવાની લઈ કોઈ મર્યાદા નથી. પરંતુ ઉમેદવાર પર મર્યાદા હોય છે. આ બાબતનો ફાયદો પાર્ટીઓ લેતી હોય છે. આપણે ત્યાં રાજકીય પક્ષો પર નિયંત્રણના બહુ ઓછા નિયમો છે. જેમ કે કોઈ રાજકીય પક્ષ પોતાનો ઓડિટેડ રિપોર્ટ સબમિટ કરે છે, તો ચૂંટણીપંચ માત્ર તેને વેબસાઇટ પર અપલોડ કરે છે. હકીકતમાં તેની સ્ક્રુટિની થવી જોઈએ. અંતમાં અન્ય એક નોંધવા જેવી વાત… સામાન્ય રીતે કોઈપણ રાજકીય પાર્ટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ત્રણ પ્રકારની પોસ્ટ થતી હોય છે.
1- પોતાની પાર્ટીના કાર્યક્રમો અને પ્રચાર
2- વિરોધી પક્ષ પર પ્રહારના વીડિયો કે લખાણ
3- જન્મતિથિ અને પુણ્યતિથિની પોસ્ટ અમને ભારતીય નેશનલ જનતા દળનું ઇન્ટાગ્રામ કે એક્સ (ટ્વીટર) એકાઉન્ટ ન મળ્યું પરંતુ ફેસબુક પર આ પાર્ટીનું એક ગ્રુપ મળ્યું. 8100 મેમ્બર ધરાવતા આ ગ્રુપમાં ન તો કોઈ રાજકીય કાર્યક્રમની પોસ્ટ હતી, ન તો કોઈ વીડિયો કે લખાણ રૂપે દેશ કે રાજ્યના મુદ્દે પક્ષે પોતાનો મત મૂક્યો હોય. માત્ર દેશના મહાનુભાવોની જન્મતિથિ અને પુણ્યતિથિની ઘણી બધી પોસ્ટ જોવા મળી. બિહારની ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કર્યા પણ ચૂંટણી ન લડ્યા?
આ ગ્રુપની એક્ટિવિટી ડિટેલમાં જાણવા માટે સ્ક્રોલ ડાઉન કર્યું તો છેક 13 ઓક્ટોબર, 2025ની એક પોસ્ટ મળી. જેમાં કુલ 10 ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા અને કેપ્શનમાં હિન્દી ભાષામાં લખ્યું હતું કે “ભારતીય નેશનલ જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ, રાષ્ટ્રીય પદાધિકારી તેમજ બિહાર પ્રદેશના અધ્યક્ષ સાથે બિહાર વિધાનસભાની ચૂંટણી-2025 માટે ઉમેદવારો નક્કી કરવા બેઠક કરી.” વિચારતા કરી દે એવી વાત તો એ છે કે ગયા વર્ષે બિહારમાં 162 રાજકીય પક્ષો વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. અમે આ તમામ પક્ષોના નામ ચકાસ્યા પણ એમાં ભારતીય નેશનલ જનતા દળનું નામ જોવા ન મળ્યું. ============================ જો તમારી પાસે પણ કોઈ જગ્યાએ ચાલતા ભ્રષ્ટાચાર કે ગેરરીતિના પુરાવા છે, કાર્યવાહી નથી થઈ રહી, તેમને કોઈના દ્વારા છાવરવામાં આવી રહ્યા હોય તો દિવ્ય ભાસ્કરને ઇ-મેલના માધ્યમથી પુરાવા સાથે જાણ કરો. dvbbhaskar123@gmail.com
Read Original Article →