TCS કેસ- હિન્દુઓને નમાજ પઢાવનારો તૌસીફ માસ્ટરમાઈન્ડ:શિવ-બ્રહ્માનું અપમાન, પણ ધર્માંતરણનો કેસ નબળો, ઓફિસમાંથી 20 રાજીનામા
26 માર્ચથી 3 એપ્રિલ 2026 દરમિયાન નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની 9 મહિલા કર્મચારીઓએ FIR નોંધાવી. 9માંથી 6 FIRમાં TCS નાસિકના ટીમ લીડર તૌસીફ અત્તારનું નામ છે. તૌસીફ પર જાતીય સતામણી, બળજબરીથી ધર્મ પરિવર્તન અને કાર્યસ્થળ પર ધમકાવવા જેવા ગંભીર આરોપો લાગ્યા છે. આ ઉપરાંત 6 ટીમ લીડર્સ અને HR મેનેજર નિદા ખાનને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. કેસ સામે આવ્યાના લગભગ એક મહિના પછી તપાસનું અપડેટ જાણવા અને TCS ઓફિસનો માહોલ જાણવા માટે અમે નાસિક પહોંચ્યા. નોકરી શોધવાના બહાને અમે અશોકા બિઝનેસ ઇન્ક્લેવ બિલ્ડિંગમાં TCSની ઓફિસે પહોંચ્યા. ગાર્ડે જણાવ્યું કે અહીં BPO ચાલે છે, અત્યારે ઘણી ખાલી જગ્યાઓ છે. અધિકારીને મળવા કહ્યું તો તેમણે ના પાડી. કેટલાક કર્મચારીઓ સાથે ચોક્કસ વાત થઈ. ઓફિસમાં ટેલિકોલર તરીકે કામ કરતા એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ‘કેસ સામે આવ્યા પછી લગભગ 20 લોકોએ રાજીનામું આપી દીધું છે. પરિસ્થિતિ હવે સામાન્ય થવા લાગી છે, પરંતુ ઓફિસમાં કેસ વિશે કોઈ વાત કરતું નથી. એ ચોક્કસ છે કે પહેલા ક્યારેય એકસાથે આટલા રાજીનામા પડ્યા નથી. નવી ભરતીઓ થઈ રહી છે, પરંતુ પહેલા આવતા હતા તેટલા લોકો નથી આવતા.’ નિદા ખાન નહીં, તૌસીફ અત્તાર માસ્ટરમાઈન્ડ તૌસીફ પર હિંદુ દેવી-દેવતાઓના અપમાનનો પણ આરોપ છે. TCSના એક પીડિત પુરુષ કર્મચારીએ આરોપ લગાવ્યો છે કે તૌસીફ તેને જબરદસ્તી પોતાના ઘરે લઈ ગયો, જ્યાં તેને નમાઝ પઢાવી અને ટોપી પહેરવા માટે મજબૂર કર્યો. ડરાવી-ધમકાવીને માંસ પણ ખવડાવ્યું. કેસની તપાસ કરી રહેલી નાસિક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)માં સામેલ અમારા સોર્સે જણાવ્યું, ‘પહેલો કેસ સામે આવ્યા પછી અમે TCS જઈને કર્મચારીઓને વિશ્વાસમાં લીધા. આ પછી બાકીના પીડિતો સામે આવ્યા એટલે એક દિવસમાં 8 FIR નોંધવામાં આવી. જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ વધુ પીડિતો સામે આવી શકે છે કારણ કે કેટલાક લોકો હજુ પણ ડરેલા છે. ‘મીડિયામાં નિદા ખાન કેસની માસ્ટરમાઇન્ડ હોવાના સમાચાર આવ્યા હતા. જોકે સોર્સનો દાવો છે, ‘અત્યાર સુધી તૌસીફ જ માસ્ટરમાઇન્ડ તરીકે સામે આવ્યો છે. બધા પીડિતો અને સાથી કર્મચારીઓએ વાતચીતમાં નિદા ખાનની જગ્યાએ તૌસીફનું નામ લીધું છે. નિદા તેની સાથી હતી પરંતુ માસ્ટરમાઇન્ડ તૌસીફ જ લાગી રહ્યો છે. ‘‘પીડિતોનું કહેવું છે કે તે જ છોકરીઓને લલચાવી-ફોસલાવીને ધર્માંતરણ માટે દબાણ કરતો હતો અને બાકીના આરોપીઓને પણ સંરક્ષણ આપતો હતો. પોલીસને જે વીડિયો મળ્યા છે તેમાં પણ તૌસીફ જ ધર્માંતરણ કરાવતો દેખાઈ રહ્યો છે.‘ કેસમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તૌસીફ અત્તાર સહિત 4 આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે જ્યારે નિદા ખાન ફરાર છે. પિતાએ કહ્યું- વહુ પ્રેગનન્ટ છે, તૌસીફને જામીન મળે 2 મેના રોજ અમે નાસિક કોર્ટમાં તૌસીફના પિતા અને ભાઈને મળ્યા. તેમણે વાત કરી પરંતુ કેમેરા પર આવવાનો ઇનકાર કર્યો. પિતા બિલાલ ફકીર મોહમ્મદ અત્તાર દાવો કરે છે કે પરિવારને આવા કોઈ કેસની જાણ નહોતી. પરિવારને પણ FIR નોંધાયા પછી જ ખબર પડી. તેઓ પુત્ર પર લાગેલા આરોપોને ખોટા ગણાવતા કહે છે કે, 'આખો મામલો ખોટો છે. અમને અફેર કે આવી કોઈ પણ પ્રવૃત્તિ વિશે ખબર નથી. છોકરીઓ કોઈના દબાણમાં આ આરોપો લગાવી રહી છે. તૌસીફની પત્નીની આગામી 4-5 દિવસમાં ડિલિવરી થવાની છે. આ આધારે અમે જામીન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.' તૌસીફના પિતા મીડિયામાં આવી રહેલા સમાચારો પર પણ નારાજગી વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે ખબર નથી આ મલેશિયાવાળી વાત ક્યાંથી આવી, પોલીસે પણ આવું કંઈ કહ્યું નથી. હકીકતમાં, તૌસીફ અને નિદા પર આરોપ છે કે તેણે ધર્માંતરણ કરાવવા માટે એક પીડિતને મલેશિયામાં નોકરી અને પ્રમોશન અપાવવાની લાલચ આપી હતી. હવે જાણો કેસની તપાસમાં શું બહાર આવ્યું... ‘ધર્માંતરણ તપાસનું કેન્દ્ર, પણ અલગથી રેસ નહીં’ SITમાં અમારા સૂત્રોનો દાવો છે કે પોલીસ 20 મે સુધીમાં કેસમાં ચાર્જશીટ દાખલ કરી દેશે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ અને પીડિતોની પૂછપરછ કરી છે. TCSના અન્ય કર્મચારીઓના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. સૂત્રો જણાવે છે કે, ‘કેસ સંબંધિત કેટલાક વીડિયો રિકવર કરવામાં આવ્યા છે. TCS પાસેથી બાકીના CCTV ફૂટેજ પણ માંગવામાં આવ્યા છે. 2022 થી અત્યાર સુધીના તમામ CCTV મળવા મુશ્કેલ છે. ગુડી પડવા પર જ્યારે સ્ટાફને ટોપી પહેરાવવામાં આવી હતી, ત્યારે પોલીસને તે સમયનો વીડિયો મળ્યો છે. આ સોશિયલ મીડિયા પર પણ વાયરલ છે.’ સૂત્રો દાવો કરે છે કે તપાસનો મુખ્ય એંગલ ધર્માંતરણ જ છે. પોલીસ પાસે તેના પાક્કા પુરાવા પણ છે, પરંતુ ધર્માંતરણનો અલગથી કાયદો નથી, તેથી પોલીસ BNSની કલમ-299 હેઠળ કેસ બનાવવાની તૈયારીમાં છે. આમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ બનશે. નિદાની ધરપકડ થાય, તો ખુલી શકે છે ફંડિંગનો એન્ગલ કેસમાં ફરાર આરોપી નિદા ખાનની શોધમાં પોલીસે 4 ટીમો બનાવી છે. મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં શોધખોળ ચાલુ છે. સૂત્રો અનુસાર, નિદા ખાનની પૂછપરછ કરવાથી ફંડિંગનો એંગલ વધુ ખુલી શકે છે. અત્યારે કંઈપણ કહેવું વહેલું ગણાશે પરંતુ શક્ય છે કે આ વિદેશી ફંડિંગનો કેસ પણ નીકળે. જોકે, આ મામલામાં હજુ વધુ આરોપીઓ જોડાઈ શકે છે. નિદા ખાને પોતાની ગર્ભાવસ્થાનો હવાલો આપતા કોર્ટમાંથી પ્રી-અરેસ્ટ જામીનની માંગ કરી હતી, પરંતુ નાસિકની નીચલી અદાલતે 2 મેના રોજ તેની અરજી ફગાવી દીધી હતી. વકીલ બોલ્યા- એક દિવસમાં 8 FIR અસામાન્ય, ધર્માંતરણનો કેસ નબળો તૌસીફ, નિદા ખાન સહિત 4 આરોપીઓ વતી કેસ લડી રહેલા સિનિયર એડવોકેટ રાહુલ કાસલીવાલ નિદાના સરેન્ડર ન થવા પર કહે છે કે, 'તેમની પાસે આગોતરા જામીનનો હક્ક છે. અરજી નીચલી અદાલતમાં રદ થઈ છે તો હાઈકોર્ટ જશે. જો નિદા પોલીસને પોતાની વાત જણાવે પણ તો પણ તેને અરેસ્ટ કરી લેશે, જ્યારે જામીન તેમનો પહેલો હક્ક છે.' વકીલ ધર્માંતરણનો કેસ ન હોવાનો દાવો કરતાં કહે છે કે, '9 કેસોમાંથી કોઈ પણ પીડિતાએ ધર્મ પરિવર્તન કર્યું નથી. ન કોઈનું ધર્માંતરણ થયું છે, તેથી કાયદેસર રીતે ધર્માંતરણનો મામલો હાલ નબળો છે. મહારાષ્ટ્રમાં બળજબરીપૂર્વક કે ગેરકાયદેસર ધર્માંતરણ વિરુદ્ધ કોઈ વિશેષ કાયદો પણ નથી.
પોલીસે કલમ-299 લગાવી છે, તે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા સંબંધિત છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી અને ધર્માંતરણ કરાવવું, બંને અલગ-અલગ વાતો છે.' રાહુલ એક દિવસમાં 8 FIR નોંધાવાને પણ અસામાન્ય ગણાવે છે. તેઓ કહે છે કે જો બધી ઘટનાઓ એકબીજા સાથે જોડાયેલી હતી તો એક FIRમાં તપાસ થઈ શકતી હતી. તેમનો એ પણ આરોપ છે કે જો 2022થી આવી ઘટનાઓ બની રહી હતી, તો પીડિત પક્ષ ચાર વર્ષ સુધી કેમ ચૂપ રહ્યો? તેઓ કંપની છોડી શકતા હતા અથવા ઓફિસમાં લેખિત ફરિયાદ કરી શકતા હતા. ચાર વર્ષ સુધી કોઈ ફરિયાદ કેમ ન કરવામાં આવી. 'આ સિસ્ટમેટિક બ્રેનવોશ, નિદાની પૂછપરછ જરૂરી' કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અજય મિશ્ર જણાવે છે કે તેમણે કોર્ટમાં દલીલ કરી કે આ માત્ર વ્યક્તિગત વિવાદ નથી પરંતુ એક યોજનાબદ્ધ રીતે કરવામાં આવી રહેલું વ્યવસ્થિત બ્રેઈનવોશ છે. નિદા ખાન પર આરોપ છે કે તેણે એક પીડિતાને મલેશિયામાં નોકરી અને પ્રમોશન અપાવવાની લાલચ આપી હતી જેથી તેનું ધર્માંતરણ કરાવી શકાય. તેઓ દાવો કરે છે કે આરોપીઓએ એક પીડિતાનું નામ બદલીને 'હાનિયા' રાખી દીધું હતું. તેને બુરખો પહેરવા જેવી ધાર્મિક ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું છે કે આખા રેકેટ પાછળ વિદેશી ફંડિંગની શંકા છે. એટલા માટે નિદા ખાનની પૂછપરછ જરૂરી છે. પીડિતાઓને મીડિયા સાથે વાત ન કરવાની સૂચના પીડિતાઓનો પક્ષ જાણવા માટે અમે એક પીડિતાના ઘરે પણ પહોંચ્યા. TCS કર્મચારી દાનિશ વિરુદ્ધ ફરિયાદ કરનાર પીડિતાએ અમારી સાથે વાત કરવાનો ઇનકાર કર્યો. અન્ય પીડિતાઓએ પણ જણાવ્યું કે પોલીસે તેમને મીડિયાથી દૂર રહેવાની સૂચના આપી છે. આ ઉપરાંત અમે આરોપી નિદા ખાનના પિતા સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે પણ ઇનકાર કર્યો. TCSની આંતરિક તપાસ ક્યાં સુધી પહોંચી છે, તે જાણવા માટે અમે કંપનીને પણ મેલ કર્યો છે પરંતુ સમાચાર લખાયા ત્યાં સુધી કોઈ જવાબ મળ્યો નથી. આગળ મળશે તો ઉમેરવામાં આવશે.
Read Original Article →