ગુજરાતી 'કાનસેન'નું 'કાન'માં ડેબ્યૂ!:સોનાલી દોશીની સેક્સવર્કર પર આધારિત ફિલ્મ વિદેશમાં ચમકી, મોરબીની દીકરીએ અમેરિકનોને હિન્દી ગીતોના રસિયા બનાવ્યા

Entertainment5/22/2026, 12:30:00 AM
ગુજરાતી 'કાનસેન'નું 'કાન'માં ડેબ્યૂ!:સોનાલી દોશીની સેક્સવર્કર પર આધારિત ફિલ્મ વિદેશમાં ચમકી, મોરબીની દીકરીએ અમેરિકનોને હિન્દી ગીતોના રસિયા બનાવ્યા
'હું મારી જાતને કાનસેન કહું છું, કારણ કે મને જે કંઈ પણ સંગીતમાં આવડે છે, તે સાંભળીને જ આત્મસાત કર્યું છે.' આ શબ્દો ગુજરાતના મોરબીના વતની અને અમેરિકામાં ભારતીય સંગીતને અલગ ઓળખ અપાવી રહેલાં મ્યુઝિક સ્ટોરી ટેલર અને પોડકાસ્ટર સોનાલી દોશીના છે, જેઓ આ વર્ષે પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય ફિલ્મનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સોનાલી સેક્સવર્કર પર બનેલી ફિલ્મ 'બોમ્બે સ્ટોરીઝ'ના કૉ-પ્રોડ્યુસર છે, જેમાં મૌની રોય અને અનુપ્રિયા ગોયંકા મુખ્ય ભૂમિકામાં છે. લોકડાઉનમાં 5 મિત્રો સાથે 'સોનાલી મ્યુઝિક રૂમ'ની શરૂઆત કરનારા સોનાલી આજે ડિજિટલ સ્પેસમાં 15 મિલિયનથી વધુ ઇમ્પ્રેશન્સ સાથે અગ્રણી ભારતીય મ્યુઝિક સ્ટોરીટેલર અને ઇન્ફ્લુએન્સર તરીકે ઉભરી આવ્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં તેમણે કાન ફિલ્મ ફેસ્ટિવલનો અનુભવ, ગુજરાતથી અમેરિકા સુધીની સફર, બિઝનેસવુમનમાંથી મ્યુઝિક સ્ટોરીટેલર બનવાની જર્ની વિશે ખૂલીને વાત કરી છે. 'કાનમાં ભારતીય સંસ્કૃતિને રજૂ કરવી મોટી જવાબદારી છે' અમેરિકાના બોસ્ટનમાં છેલ્લાં 20 વર્ષથી સ્થાયી થયેલાં સોનાલી દોશીએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા વિશે ગર્વ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, 'જ્યારે મને 'બોમ્બે સ્ટોરીઝ' ફિલ્મનું પ્રપોઝલ આવ્યું, ત્યારે ડિરેક્ટર રાહત શાહ કાઝમીએ કહ્યું હતું કે, 'આપણે આ ફિલ્મને કાનમાં જ પ્રીમિયર કરીશું.' ફિલ્મની સ્ટોરીલાઇન ખૂબ સરસ છે, અને કાન એવી તક છે, જેને છોડી શકાય તેમ નથી. તેથી મેં ફિલ્મનો ભાગ બનવાનું નક્કી કર્યું.' તેમણે આગળ કહ્યું, 'આ પ્રકારની તક જ્યારે મળે છે, ત્યારે ભારતીય સંસ્કૃતિને સહજતા અને સંપૂર્ણતાથી રજૂ કરવાની જવાબદારી વધી જાય છે. મને ભારતીય તરીકે અને ખાસ કરીને મહિલા તરીકે પોતાના પર ખૂબ ગર્વ અનુભવાય રહ્યો છે કે આટલી મોટી તકનો હું ભાગ બની શકી.' 'સેક્સવર્કની વાર્તાને ખૂબ ઊંડાણપૂર્વક રજૂ કરાઈ છે' ફિલ્મ વિશે વાત કરતા સોનાલી કહે છે કે, ''બોમ્બે સ્ટોરીઝ' ફિલ્મ સઆદત હસન મન્ટોની જાણીતી ટૂંકી વાર્તા 'હતક' પર આધારિત છે. ફિલ્મમાં મૌની રોય, અનુપ્રિયા ગોયંકા, સુષ્મિતા સિંહ અને તાની દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત શોહેલ શાહ કાઝમી અને રાહુલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મ આર્ટ સાઇડ ઓફ સિનેમાને દર્શાવે છે. આ ફિલ્મ સેક્સવર્કરની વાર્તા પર આધારિત છે. દરેક મહિલાની ઇચ્છા હોય છે કે, તે દરેક કાર્યક્ષેત્રમાં સૌથી સારું કામ કરે અને સફળતા મેળવે. જેના માટે તે પોતાની ક્ષમતાઓનો સંપૂર્ણપણે ઉપયોગ કરે છે. પરંતુ એ સફળતા મેળવવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડે છે.' વાતને આગળ વધારતા તેમણે કહ્યું, 'જ્યારે વાત સેક્સવર્કરની આવે, ત્યારે લોકો માત્ર તેમના શરીરને જુએ છે, તેમનું મન, હૃદય, આમાં આવવા પાછળનું કારણ કોઈ જોતું નથી. આ ફિલ્મનો હેતુ તેમના પ્રત્યે સન્માન દર્શાવવાનો અને એમ્પથી ઊભી કરવાનો છે. ફિલ્મના અંતે એક લાઇન છે, જે મને ખૂબ ગમે છે કે, 'ઇન્સાન કભી અપને પરિવાર કી મહિલાઓ કે સિવા બહાર કી ઔરતોં કો અચ્છી નઝર સે નહીં દેખતા.' 'હું ખુશ છું કે, આટલા સુંદર મેસેજ સાથેની આ ફિલ્મનું 'માર્શે દુ ફિલ્મ' (કાન ફિલ્મ ફેસ્ટિવલના ફિલ્મ માર્કેટ)માં પ્રિમિયર થયું છે.' કાનમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા! કાનમાં થયેલા અનુભવ વિશે વાત કરતા સોનાલી કહે છે કે, 'ભારત પેવેલિયનમાં ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું, તે સમયે ફાયરસાઇડ ચેટનું મેં હોસ્ટિંગ કર્યું, જેમાં મૌની રોય અને અનુપ્રિયા ગોયંકા હાજર રહ્યાં હતાં. આટલા મોટા મંચ પર આટલી મોટી તક મેળવીને હું ખૂબ ભાગ્યશાળી અનુભવી રહી છું. ભગવાનનો આભાર માની રહી છું.' 'પણ એક અનુભવ એવો થયો છે, જે મને આખી જિંદગી યાદ રહેશે. કાનમાં આવવા માટે એક બેજ જોઈએ છે. મારું આ બેજ બે વખત ડિક્લાઇન થઈ ગયું (અસ્વીકાર થયો). જે મંચ પર આવવા માટે મેં ઘણી તૈયારીઓ કરી, તેના દરવાજા સુધી પહોંચી અને તેની જ ટિકિટ ખોવાઈ ગઈ તેવું લાગ્યું. જોકે, સદનસીબે ફિક્કી (ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી)એ મારું પ્રપોઝલ આપ્યું અને ડિરેક્ટરની મદદથી બધું સમુસુતરું પાર પડી ગયું.' મોરબીથી કાન સુધીની રસપ્રદ સફર પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી પરિસ્થિતિને યાદ કર્યાં બાદ સોનાલીએ તેમના ગુજરાતથી અમેરિકા સુધીની સફર વિશે જણાવ્યું. તેમણે કહ્યું, 'મારા મૂળિયા ગુજરાતમાં છે. મારા પપ્પા જશવંત દોશી અને મમ્મી નૈના દોશી મોરબીના છે. મારો ઉછેર ભારતના વિવિધ ભાગોમાં થયો છે. અમારા અમારા દોશી પરિવારમાં પહેલાંથી જ મ્યુઝિકમાં બધાને રસ હતો, બધાને ગાવાનો શોખ છે પણ ક્યારેય કોઈએ સંગીતમાં તાલીમ મેળવી નથી.' 'મારા પપ્પા ખૂબ સરસ ગાતા હતા. તેમણે કોઈ તાલીમ વિના જાતે હાર્મોનિયમ શીખ્યું હતું. ત્યારે તો એવું હતું નહીં કે યુટ્યુબ પરથી શીખી લઈએ. તેમણે જે સાંભળ્યું, તેના પરથી શીખ્યું. હું પણ મારી જાતને 'કાનસેન' કહું છું. કારણ કે મ્યુઝિકની સેન્સિબિલિટી આપણા કાનથી હોય છે. સંગીત આપણા કાનથી મગજ સુધી પહોંચે છે અને ત્યાંથી આપણી નર્વસ સિસ્ટમમાં તેનો અનુભવ થાય છે.' સોનાલીએ આગળ કહ્યું, 'મેં બીએમાં ગ્રેજ્યુએશન કર્યું. 20 વર્ષ પહેલાં લગ્ન કરીને પતિ સાથે અમેરિકા શિફ્ટ થઈ ગઈ. મારા પતિનો જન્મ અને ઉછેર અમેરિકામાં થયો છે. હું પર્યાવરણ પ્રેમી છું, તો સસ્ટેનેબલ અને ઇકો-ફ્રેન્ડલી વસ્તુમાંથી બનેલા ટોટ બેગ્સનો બિઝનેસ કરતી હતી. મેં તો મ્યુઝિકને પ્રોફેશન બનાવવાનું સ્વપ્નેય વિચાર્યું નહોતું.' કોરોનાકાળમાં 5 મિત્રોથી શરૂ થયેલી સફરમાં લાખો લોકો જોડાયા કોરોના કાળમાં શરૂ કરેલા સોનાલી મ્યુઝિક રૂમ (SMR) દ્વારા તેમણે કૈલાશ ખેર, અનુપ જલોટા સહિતના દિગ્ગજ સિંગર્સના ઇન્ટરવ્યૂ લીધા છે. અરિજિત સિંહ, એ.આર. રહેમાનના શોને આ મંચ થકી પ્રમોટ કર્યા છે. ત્યારે SMRની શરૂઆત વિશે વાત કરતા સોનાલીએ કહ્યું, '2019માં મારા પપ્પાનું નિધન થયું. 2020માં જ્યારે ગ્લોબલ લોકડાઉન લાગ્યું, ત્યારે બધા લોકો તણાવ અને ચિંતામાં હતા. આ મુશ્કેલ સમયનો સામનો કરવા માટે મને થયું કે, લાવને એક પ્લે-લિસ્ટ બનાવું અને ઝૂમ કૉલ પર બધાની સાથે મ્યુઝિક સાંભળું. અમે 5 મિત્રોએ ઝૂમ કૉલ પર ગીતો સાંભળ્યા. તેના 2 દિવસ પછી ફરી મારા મિત્રોએ કહ્યું કે, 'તું ફરી આવો કાર્યક્રમ રાખને...' સંગીત લોકોને સાજા થવામાં ખૂબ મદદ કરે છે. ઘણા લોકોને તેનાથી ભાવનાત્મક ટેકો મેળ છે.' 'અમે એક અઠવાડિયા દરમિયાન પાંચેય મિત્રોએ 3 વાર ઝૂમ કૉલ કર્યા અને સાથે મ્યુઝિક સાંભળ્યું. જ્યારે ત્રીજુ સેશન થયું, ત્યારે એક મિત્રએ કહ્યું કે, 'સોનાલી તારે આને મોટી કમ્યુનિટી સુધી પહોંચાડવું જોઈએ.' તે સમયે હું માત્ર મારી પ્લે-લિસ્ટ જ શેર નહોતી કરતી, પણ તે મ્યુઝિકના કમ્પોઝર, ગીતકાર સહિતની બાબતોના નોટ્સ બનાવતી અને બધાની સાથે શેર કરતી.' 'હું કહીશ કે હું પહેલી મ્યુઝિક ઇન્ફ્લુએન્સર હતી, પહેલી ભારતીય જેણે આ રીતે લોકોને મ્યુઝિક સાંભળવા માટે પ્રોત્સાહિત કર્યાં હોય. હું લોકોને એક-એક બીટ સાંભળવાનું કહેતી હતી. ઉદાહરણ તરીકે, શાહરુખ ખાનની ફિલ્મ 'ઝીરો'નું ગીત 'જબ તક જહાં મે સુબહ શામ હૈ' શરૂ થાય છે, તે પહેલાં એક ફ્લુટ વાગે છે. તો એ ફ્લુટ ગીતનું હુક છે, જ્યારે એ વાગે છે, ત્યારે એ સંગીતની તમારી નર્વસ સિસ્ટમ પર પહેલેથી અસર થવા લાગે છે.' ઓટિસ્ટિક બાળકના માતાએ SMR શરૂ કરવા પ્રેરણા આપી સોનાલીએ ઉમેર્યું, 'પછી આ રીતે પાંચ મિત્રોમાંથી 50 લોકો, પછી 75 લોકો ઝૂમ કૉલમાં જોડાયા. આ બધામાં એક વાત મારા હૃદયને સ્પર્શી ગઈ, જેના વિશે હું આજે પણ વિચારું છું, તો આંખો ભરાઈ આવે છે. તે સમયે એક ઓટિસ્ટિક બાળકના મમ્મી દરેક સેશન અટેન્ડ કરતા. અમે તે સમયે દર અઠવાડિયે એક વાર આ સેશન કરતા. એમણે મને એક દિવસ હૃદય પૂર્વક આભાર માનતો મેસેજ મોકલ્યો, કારણ કે તેમનો દીકરો 3 મહિના ફેસિલિટી (ઓટિસ્ટિક બાળક માટેનું ખાસ સેન્ટર)માં હતો, જેથી તેઓ તેને મળી શકતા નહોતા.' 'તેમણે મને મેસેજ લખ્યો કે, 'તું જે કંઈ પણ કરી રહી છે, તેનો મારા અને મારા દીકરા પર ખૂબ સારો પ્રભાવ પડી રહ્યો છે. જે રીતે તું અમારા માટે મ્યુઝિક પ્લે કરે છે, હું પણ મારા દીકરા સાથે ઝૂમ કોલ પર મ્યુઝિક પ્લે કરું છું. અને આ આઇડિયા મને તારી પાસેથી આવ્યો છે.' તેમણે મને ઘણા આશીર્વાદ આપ્યા. એ દિવસે મને લાગ્યું કે હું સાચું કરી રહી છું. ત્યાંથી સોનાલી મ્યુઝિક રૂમની શરૂઆત થઈ.' અરિજિત સિંહ- એ. આર. રહેમાનના શો પ્રમોટ કર્યાં 'આ બધું ખૂબ કુદરતી રીતે થયું. અમે કોઈ સ્ટ્રેટેજીથી કર્યું એવું નહોતું. હાલમાં ઇસ્ટ-કોસ્ટ રિજન ઓફ અમેરિકા એટલે કે ન્યુયોર્ક, ન્યુજર્સી, બોસ્ટનમાં કોઈપણ આર્ટિસ્ટ આવે, તો હું આઉટરીચ અને માર્કેટિંગમાં મદદ કરું છું. સોનાલી મ્યુઝિક રૂમના સોશિયલ મીડિયા પર 15 મિલિયન પ્લસ ઇમ્પ્રેશન છે. અરિજિત સિંહથી લઈને એ.આર. રહેમાન, બધા આર્ટિસ્ટ્સના શો પ્રમોટ કર્યા છે. અમે ગયા વર્ષે સોનાલી મ્યુઝિક રૂમના બેનર હેઠળ પહેલો અનુપ જલોટાજીનો શો કર્યો હતો.' મ્યુઝિક સ્ટોરી ટેલરે આગળ કહ્યું, 'એક ગુજરાતી તરીકે હું ગર્વ અનુભવું છું કે ગુજરાતનું રિપ્રેઝેન્ટેશન ખૂબ સરસ રીતે થાય છે. તાજેતરમાં બોસ્ટનમાં આયોજિત સુગમ સંગીત કાર્યક્રમમાં મેં ગાવાનું શરૂ કર્યું છે. આ કાર્યક્રમ દ્વારા મને ગુજરાતી મ્યુઝિક ખાસ કરીને લોકગાયક સાથે વધુ સારી રીતે જોડાવાની તક મળી છે.' ગીતા રબારી, કિર્તીદાન ગઢવી સાથે કામ કરવાની ઇચ્છા ગુજરાતી ગીતો અને ગઝલ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, 'વિજય પ્રકાશ અને મહાલક્ષ્મી ઐયરે ગાયેલી ગઝલ 'શરૂઆતમાં કંઈ સ્પંદન થવા દો' મારી ગમતી ગઝલ છે. 'વ્હાલમ આવો રે' અને સોનું નિગમનું 'મિસરી' ગીત પણ મને ખૂબ ગમે છે. મને ગીતા રબારી, કિર્તીદાન ગઢવી, ઐશ્વર્યા મજુમદાર સહિતના દરેક ગુજરાતી કલાકારો ગમે છે. મેં બોસ્ટનમાં ગીતા રબારીનો શો પ્રમોટ કર્યો છે. હું તમામ લોકો સાથે કામ કરવા માંગું છું.' બે દાયકાથી વધુ સમયથી અમેરિકામાં રહેતા સોનાલી દોશી આજની NRI યુવા પેઢી વિશે વાત કરતા કહે છે કે, 'ગુજરાતી સુગમ સંગીતના ગ્રુપમાં મોટાભાગે યુવા પેઢી જોડાયેલી છે. તેઓ 10માં અને 11માં ધોરણમાં ભણે છે પણ બધા જ સંગીત સાધનો સુંદર રીતે વગાડે છે. તેમનામાં ભારતીય સંગીતની પરિપક્વતા ખૂબ સારી છે. આમાં માતા-પિતાનો પણ મોટો ફાળો છે. હું પણ મારી દીકરીને ભારતીય સંગીત પ્રત્યે પ્રોત્સાહિત કરું છું.' અમેરિકામાં વસતા ભારતીય યુવાનોની સંગીતમાં રુચિ જોકે, તેમણે આજની યુવા પેઢી અને ત્રણ-ચાર દાયકા પહેલાં ભારત છોડીને અમેરિકામાં ગયેલી પેઢી વચ્ચેના અંતર વિશે વાત કરતા કહ્યું, 'અત્યારે જે જનરેશન છે, જે છેલ્લા 20-25 વર્ષથી અમેરિકામાં રહે છે, તેમનું ટ્રાન્ઝિશન અગાઉની પેઢી કરતાં ઘણી સારી રીતે થયું છે. એમને બધું રેડિમેડ મળ્યું છે. પણ મારા પતિ અમેરિકામાં જ જન્મ્યા અને મોટા થયા છે, તો જ્યારે મારા સાસરિયા યુએસ આવ્યા હતા, ત્યારે તેમને આખા કલ્ચરલ એસ્પેક્ટને અપનાવવાના હતા, તેમને અહિંયાની સંસ્કૃતિમાં ભળવાનું હતું. આ માટે તેમને ભારતીય સંસ્કૃતિમાંથી ઘણું ડિસ્કનેક્ટ થવું પડ્યું હતું.' 'પણ તેમ છતાં તેમણે પોતાની સંસ્કૃતિઓને ખૂબ સંભાળીને રાખી છે, જેથી આગળની પેઢી સુધી તેને પહોંચાડી શકાય. પણ છેલ્લા 25 વર્ષથી ખૂબ ટ્રાન્ઝિશન આવ્યું છે. અહિંયા રહેતી યુવા પેઢીને બે દુનિયા વચ્ચેની સીમાઓ દેખાતી નથી. તેઓ માતા-પિતાને દબાણ કરીને કહે છે કે, 'અમને ઇન્ડિયા લઈને જાઓ.' તો આર્ટિસ્ટિક એસ્પેક્ટથી કહીએ તો વિદેશમાં વસતા યુવાન ભારતીયોનું સંસ્કૃતિ સાથે સારું જોડાણ છે.' AIનું મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર તોળાતું જોખમ હાલમાં દરેક ક્ષેત્રમાં વધી રહેલા AIના ઉપયોગ વિશે પોતાનો મંતવ્ય વ્યક્ત કરતા સોનાલીએ કહ્યું, 'મને એક વખત કૈલાશ ખેરે કહ્યું હતું કે, 'AI એટલે આર્ટિફિશિયલ, જે આર્ટિફિશિયલ છે, તે લાંબું ટકી શકે નહીં. તે મૂળ સંગીતને બદલી શકતું નથી.' મ્યુઝિકના કમ્પોઝિશનને વધુ સારું બનાવવા માટે AIની મદદ લઈ શકાય છે, પણ AIનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. હાલમાં ઘણા બધા સિંગર્સ આ પડકારોનો સામનો કરી રહ્યા છે. જોકે, તાજેતરમાં જ્યારે મહાલક્ષ્મી ઐયરે બોસ્ટનમાં શો કર્યો, ત્યારે તેમણે મ્યુઝિશિયન્સ સાથે જે રીતે ક્લાસિકલ અને અન્ય જોન્રાને બ્લેન્ડ કરીને અદભુત ગાયું હતું, તેવું તો AI નહીં જ કરી શકે.
Read Original Article →