નગરપાલિકાઓના કરોડો રૂપિયા સેરવવાનું મોટું કૌભાંડ:કેન્દ્ર સરકારની કંપની સાઇડલાઇન, સૌરાષ્ટ્રમાં ખાનગી એજન્સીનો દબદબો, જવાબ આપવામાં અધિકારીઓ હાંફ્યા

Gujarat4/6/2026, 12:30:00 AM
નગરપાલિકાઓના કરોડો રૂપિયા સેરવવાનું મોટું કૌભાંડ:કેન્દ્ર સરકારની કંપની સાઇડલાઇન, સૌરાષ્ટ્રમાં ખાનગી એજન્સીનો દબદબો, જવાબ આપવામાં અધિકારીઓ હાંફ્યા
જ્યારે પાણીની ટાંકી ઉપયોગમાં લેવાતા પહેલાં જ તૂટી પડે… કે પછી બ્રિજની હાસ્યાસ્પદ ડિઝાઇનના ફોટા તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થાય ત્યારે જ સરકારી કામની પોલમપોલ ચર્ચામાં આવે છે. આ તો લોકોની નજરે ચડે એવા કામ છે. પણ દિવ્ય ભાસ્કરના આજના ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં વાંચો સામાન્ય લોકોની નજરે ન ચડે એવા સરકારી કામોના કોન્ટ્રાક્ટમાં થતી ગેરરીતિ અને અધિકારીઓની લાલિયાવાડીની બ્લૂપ્રિન્ટના પર્દાફાશ વિશે. આ કૌભાંડમાં કોન્ટ્રાક્ટ લેનાર એજન્સી એક ઇંટ પણ મૂકતી નથી અને લાખો-કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. લોકોએ ટેક્સ પેટે આપેલા કરોડો રૂપિયાનો બગાડ કરવામાં કોણ અને કોણ રીતે સામેલ છે એ સમજો. રોડ, ગટર, બિલ્ડિંગ જેવા કોઈપણ સરકારી પ્રોજેક્ટ માટે સૌથી પહેલું કામ PMC એટલે કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ અથવા તો પ્રોજેક્ટ મેપિંગ કંપનીનું હોય છે. જેમ કે કોઈ જગ્યાને ગટરલાઇન નાખવાની હોય તો પાઇપ કેટલી સાઇઝની નાખવી, તેની ડિઝાઇન કેવી હોવી જોઈએ, કેવા પ્રકારનું મટિરિયલ વાપરવાનું થશે, આ બધુ નક્કી કરવાનું કામ PMCનું હોય. જ્યારે સરકારી કામકાજમાં સૌથી છેલ્લો રોલ આવે છે TPIનો. એટલે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર કોન્ટ્રાક્ટ એજન્સી. જેમાં કોન્ટ્રાક્ટ લેનારી એજન્સીએ કેવું કામ કર્યું છે એ ચકાસવાની જવાબદારી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર એજન્સીનું હોય. આ બન્ને કામ એવા છે જેમાં ઓછી હરીફાઇ, સામાન્ય માણસની સીધી નજરમાં ન આવે અને કરોડો રૂપિયા કમાવી શકાય. દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં આવી જ એજન્સીઓનો પર્દાફાશ થયો, જેના પર નગરપાલિકાના પદાધિકારીઓથી લઈને ગાંધીનગરમાં બેસેલા અધિકારીઓ મહેરબાન હોય એમ લાગે છે. અમારા ધ્યાને “ડિઝાઇન પોઇન્ટ” નામની એક કોન્ટ્રાક્ટ એજન્સી આવી. જેને વર્ષોથી સૌરાષ્ટ્રમાં દામનગર, લાઠી, ધારી જેવી ઘણી બધી નગરપાલિકાઓમાં વટથી કોન્ટ્રાક્ટ મળે છે. પહોંચ તો એવી કે કોઈ બીજાને કોન્ટ્રાક્ટ મળી જાય તો પણ યેનકેન પ્રકારે આ જ એજન્સીને લાભ મળે. આ વાતના પુરાવા પણ મળ્યા. 3 ફેબ્રુઆરી, 2017ના રોજ માર્ગ અને મકાન વિભાગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. આ પરિપત્ર મુજબ 7 કરોડથી ઓછા રૂપિયાના પ્રોજેક્ટ માટે PQ એટલે કે પ્રિક્વોલિફિકેશન જરૂરી નથી. સરળ રીતે સમજીએ તો એવી શરતો જેમ કે, 100 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીએ જ ટેન્ડરમાં ભાગ લેવો. આવી કોઈ શરતની મનાઈ હતી. તેમ છતાં આ નિયમની અવગણના કરવામાં આવી. દામનગર નગરપાલિકાએ 2021ના વર્ષમાં ટેન્ડરમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે એક ટેન્ડર બહાર પાડ્યું, જે ટેન્ડર 7 કરોડથી ઓછી રકમનું હતું. તેમ છતાં નગરપાલિકાએ એવી શરતો રાખી જેના કારણે બીજી નાની એજન્સીઓ ટેન્ડરમાં ભાગ ન લઈ શકી. પરિણામ કદાચ જાણે ધાર્યા પ્રમાણે જ આવ્યું હોય એમ આ કામ પણ ડિઝાઈન પોઈન્ટને મળી ગયું. વાત માત્ર નવા કોન્ટ્રાક્ટ મેળવવાની નથી. જો અન્ય કોઈ એજન્સી અધવચ્ચે કામ છોડી દે તો પણ ડિઝાઇન પોઇન્ટને ચાંદી-ચાંદી થઈ જાય છે. કારણ કે જૂની એજન્સીએ મેળવેલા કોન્ટ્રાક્ટના ભાવ કરતા વધારે કિંમતે ડિઝાઇન પોઇન્ટને કામ આપી દેવાયું અને નગરપાલિકા તેને મંજૂર પણ કરે છે. આવો જ દાખલો ભાવનગર ઝોન હેઠળ આવતી નગરપાલિકાઓનો છે. જેમ કે ભાવનગર ઝોન હેઠળ આવતી નગરપાલિકાઓમાં 1.71%માં કામ કરવા માટે ગ્રેવિટાસ કંપનીને વર્કઓર્ડર મળ્યો હતો. પરંતુ ગ્રેવિટાસે થોડા સમય પછી કામ છોડી દીધું. તો બાબરા નગરપાલિકામાં આ જ કામ ડિઝાઇન પોઈન્ટે 2.60%માં રાખ્યું. જે બજારમાં ચાલતા ભાવ કરતા લગભગ બમણા હતા. ખાનગી કંપનીઓ જ નહીં સરકારી કંપની કરતા પણ ડિઝાઇન પોઇન્ટનું કામ સરકારી અધિકારીઓને સવાયુ લાગતું હોવાનો જીવતો જાગતો પુરાવો છે. વાપકોસ એટલે કે વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસિસ, જે ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત એક અગ્રણી ટેકનિકલ કન્સલ્ટન્સી સંસ્થા છે. ગુજરાત સરકારના મોટા પ્રોજેક્ટ્સમાં તે એક મુખ્ય સલાહકાર તરીકે કામ કરે છે. તે પ્રોજેક્ટના પ્લાનિંગથી લઈને તેના અમલીકરણ સુધીની દેખરેખ રાખે છે. જાણકારોના મતે આમ તો વાપકોસને કામ આપવા સરકારે ટેન્ડર બહાર પાડવાની જરૂર નથી. તેઓ સીધી રીતે કામ સોંપી શકાય છે. તેમ છતાં 2022માં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને (GUDM) ટેન્ડર દ્વારા ગાંધીનગર અને રાજકોટમાં મિશન અમૃત 2.Oનું કામ વાપકોસને સોંપ્યું. 29 ઓક્ટોબર, 2022ના રોજ વાપકોસને કામ કરવાનો પરવાનો મળી ગયો. પણ થોડા જ સમયમાં અસલી ખેલ શરૂ થયો વાપકોસે કહ્યું કે અમે આ કામ નહીં કરીએ. એટલે 29 એપ્રિલ, 2023ના રોજ ફરી એકવાર GUDMએ નવી એજન્સીની શોધ આદરી અને આખરે યેનકેન પ્રકારે આ કામ ડિઝાઇન પોઈન્ટને મળી ગયું. 7 નવેમ્બર, 2019ના રોજ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનના ધ્યાને ડિઝાઇન પોઇન્ટની કામમાં ગુણવત્તા બાબતની ગેરરીતિ આવી. એટલે આકરા પગલાં લઈને ડિઝાઇન પોઈન્ટ પર પ્રતિબંધ લગાવી દીધો. આ નિર્ણય સામે ડિઝાઇન પોઈન્ટ હાઈકોર્ટમાં ગઈ. 14 નવેમ્બર, 2019ના રોજ હાઈકોર્ટે કહ્યું કે પ્રતિબંધ યોગ્ય છે કે નહીં તે અંગે નિર્ણય ન આવે ત્યાં સુધી ડિઝાઇન પોઈન્ટ કામ કરી શકશે. આ કેસ થયાને 6 વર્ષ થયા છે. ત્યારથી માંડીને આજદિન સુધી આ કેસમાં એકપણ વખત સુનાવણી થઈ નથી. આશ્ચર્યની વાત એ છે કે જાણે GUDMને પણ જાણે આ કેસમાં રસ ન હોય એમ સુનાવણી માટે અપીલ કરી નથી. બીજી તરફ ડિઝાઇન પોઈન્ટને કોન્ટ્રાક્ટ મળતા જાય છે અને રૂપિયા ચૂકવાતા જઈ રહ્યા છે. એક અરજદારે 28 જૂન, 2025માં RTI મારફતે લાઠી નગરપાલિકાને અરજી કરી અને લાઠી નગરપાલિકા માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે કન્સલ્ટન્ટ કામ કરતી એજન્સીની વિગતો માગી. જેમાં લાઠી નગરપાલિકાએ 2011નો એક પરિપત્ર જોડી સોહમ કન્સલ્ટન્ટ સર્વિસ કામ કરતી હોવાનું જણાવ્યું હતું. એટલે કે 2011થી માંડીને 2025 સુધી સોહમ કન્સલ્ટન્ટ સર્વિસ સિવાય અન્ય કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો ન હોવાનું નગરપાલિકાના જવાબથી માલુમ પડે છે. પરંતુ 2019માં GUDMએ ગાંધીનગરથી પરિપત્ર કરી DPRમાં ખામી આવતા લાઠી નગરપાલિકામાં ડિઝાઇન પોઈન્ટને કામ રોકવા પરિપત્ર કર્યો હતો. હવે સવાલ એ છે કે RTIમાં નગરપાલિકાએ આપેલા જવાબ મુજબ ત્યાં સોહમ કન્સલટન્ટ કામ કરે છે તો પછી ડિઝાઇન પોઈન્ટે કેવી રીતે કામ કર્યું? જો ટેન્ડર અપાયું હતું તો RTIમાં લાઠી નગરપાલિકાએ કેમ માહિતી ન આપી? આ અંગે સરકારને રજૂઆત કરનાર RTI એક્ટિવિસ્ટ નિલેશ ગરેણિયા સાથે પણ વાતચીત કરી. તેમના જણાવ્યા પ્રમાણે 20-30 વર્ષ કે તેથી વધુ સમય સુધીની જરૂરીયાતોને ધ્યાને લઈને ડિઝાઇન સહિતનો રિપોર્ટ આવી એજન્સીઓએ બનાવવાનો હોય છે. તેના આધારે જે તે પ્રોજેક્ટની કિંમત, સમયસીમા નક્કી કરીને ટેન્ડર બહાર પાડવામાં આવે છે. ટેન્ડર મેળવનાર કંપની પર પણ આ એજન્સીઓ નજર રાખે છે. ટેન્ડરની શરતોનું યોગ્ય પાલન થાય છે કે નહીં, ક્વોલિટી જળવાય છે કે નહીં એ જોવાનું હોય છે. ત્યાર બાદ આ કામોનું બિલ બનાવીને નગરપાલિકામાં જમા કરવાનું હોય છે. નિલેશ ગરણીયાના જણાવ્યા પ્રમાણે આવી એજન્સીઓને જે તે પ્રોજેક્ટની ટકાવારીના અનુસંધાને પેમેન્ટ આપવામાં આવે છે. સામાન્ય રીતે નગરપાલિકાઓ સાથે તેમના દરેક કામને મેનેજ કરવાના પ્રોજેક્ટની કિંમતના 1.10 ટકાથી લઈને 1.60 ટકા સુધીની કિંમત વસૂલતી હોય છે. જેમ કે એક કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હોય તો એજન્સીને ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનના કામ માટે 1 લાખ 60 હજાર રૂપિયા મળે. આ રકમ કદાચ નાની લાગતી હોય પણ ગુજરાતની નાનામાં નાની નગરપાલિકામાં પણ વર્ષે ઓછામાં ઓછા દસ કરોડના કામ તો થતા જ હશે. જ્યારે મોટી નગરપાલિકાઓમાં તો દર વર્ષે 100 કરોડ ઉપરાંતના વિકાસકાર્યો થાય છે. ડિઝાઇન પોઇન્ટ એજન્સી અત્યાર સુધી એક નહીં અનેક નગરપાલિકાઓમાં કામ કરી ચૂકી છે. એટલે તેને મળેલા કામોનો આંકડો કેટલો મોટો હોઈ શકે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. નિલેશભાઈ GUDM પર ગંભીર આક્ષેપો લગાવતા કહે છે સરકારને આધીન સંસ્થા એવી વાપકોસ નહીં નફો, નહીં નુકસાનના ધોરણે કામ કરે છે. પરંતુ વાપકોસને સરખી રીતે કામ દેવામાં નથી આવતું. આ પ્રકારની ગેરરીતિઓમાં કેટલાક લોકોને GUDMએ સીધો સપોર્ટ કરવાનું કામ કર્યું છે. આ પ્રકારની સંસ્થામાં સીધી ગેરરીતિઓ જ થાય છે. નિલેશભાઈ કહે છે કે રાજકીય પીઠબળ વગર ડિઝાઇન પોઇન્ટને આટલા બધા કોન્ટ્રાક્ટ મળવા અને હજુ પણ કોઈ કાર્યવાહી ન થવી એ શક્ય નથી. અમે નગરપાલિકાના કામોમાં થયેલી ગેરરીતિ અંગે તપાસ કરવા માટે દામનગર અને લાઠી પહોંચ્યા. અમને જાણવા મળ્યું કે દામનગરના ચીફ ઓફિસરને લાઠીનો ચાર્જ પણ આપવામાં આવ્યો છે, તેઓ આજે લાઠીમાં છે. આમ, લાઠીમાં અમારી મુલાકાત નગરપાલિકાના ચીફ ઓફિસર વિજયભાઈ ડેર સાથે થઈ. ગેરરીતિ મુદ્દે પૂછેલા સવાલ અંગે તેમણે કહ્યું કે, મને આ વિશે વધારે ખબર નથી પરંતુ મને થોડો સમય આપો હું તપાસ કરાવી આપને માહિતી આપું છું. થોડા કલાકો પછી ટેલિફોનિક વાતચીતમાં ચીફ ઓફિસરે કહ્યું, તમારે અમારો જવાબ લેવા માટે લેખિતમાં તમારા પ્રશ્ન મોકલવો પડશે. આ પછી અમે તેમને લેખિતમાં સવાલો મોકલી આપ્યા. ચીફ ઓફિસરને અમે પૂછ્યું કે દામનગર નગરપાલિકામાં 2021માં TPI માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. જે 7 કરોડથી ઓછી કિંમતનું હતું. માર્ગ અને મકાનવિભાગના પરિપત્ર મુજબ 7 કરોડથી ઓછી કિંમતના ટેન્ડર માટે પ્રિ-ક્વોલિફિકેશન જરૂરી નથી. તેમ થતા આ ટેન્ડરમાં પરિપત્રની કેમ અવગણના કરવામાં આવી? અને આ સાથે 2021થી 2026 સુધી ડિઝાઇન પોઈન્ટને મળેલા કામોની વિગત આપો? તેમને કરેલા ચૂકવણાની પણ વિગત આપો. ચીફ ઓફિસર વિજયભાઈ ડેરે લેખિત તો આપ્યો પરંતુ આ જવાબ સંતોષકારક ન હતો. નગરપાલિકાએ નિયમોની અસ્પષ્ટતાનો પૂરો લાભ ઉઠાવ્યો હોય એમ લાગે છે. તેમણે જવાબમાં લખ્યું, આ પરિપત્ર માર્ગ અને મકાન વિભાગનો છે જે TPIના કામોને લાગુ પડતો નથી કારણ કે તે કન્સ્ટ્રકશન વર્ક નથી. TPIનું છેલ્લું ટેન્ડર 2025માં બહાર પાડવામાં આવ્યું હતું જે દિશા એન્જિનિયરિંગને મળ્યું હતું. જ્યારે દામનગરમાં ડિઝાઇન પોઈન્ટ PMCની કામગીરી કરે છે. જો કે જાણકારોના મતે જ્યારે મોટાભાગના કિસ્સામાં TPIના કામોમાં માર્ગ મકાન વિભાગ અને પાણી પુરવઠા વિભાગના પરિપત્રનું પાલન થતું હોય છે. ચીફ ઓફિસરના જવાબમાં સ્પષ્ટતા ન હતી એટલે અમે સવાલો અને શંકાના ઘેરામાં આવેલી ડિઝાઇન પોઇન્ટની ઓફિસે પહોંચ્યા. અમરેલીની બજારમાં એક કોમ્પ્લેક્સમાં આવેલી 3 દુકાનોવાળી આ ઓફિસ બંધ હાલતમાં જોવા મળી. ડિઝાઇન પોઇન્ટના સર્વેસર્વા ગણાતા હિમાંશુ ધાનાણી સાથે રૂબરુ મુલાકાત તો ન થઈ શકી. પરંતુ તેમની સાથે ટેલિફોનિક વાતચીત થઈ. જેમાં નીચે મુજબના સવાલ-જવાબ ચર્ચાયા. દિવ્ય ભાસ્કર- કઈ કઈ નગરપાલિકાઓમાં તમારું કામ ચાલુ છે? હિમાંશુ ધાનાણી- ઘણી બધી નગરપાલિકામાં કામ ચાલું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક ઝોનની નગરપાલિકામાં કામ ચાલુ છે. દિવ્ય ભાસ્કર- યેનકેન પ્રકારે ગોઠવણ કરી તમને જ કોન્ટ્રાક્ટ મળે તેવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ આરોપ પર શું કહેશો? હિમાંશુ ધાનાણી- આવું બિલકુલ નથી. હું 1992થી આ ક્ષેત્રમાં કામ કરું છું. સેટિંગ કે એવું કંઈ નથી. હું ફી સિવાય અન્ય કોઈ બાબતમાં પડતો નથી. મારા વિરુદ્ધની ઘણી બધી વાતો થતી હોય છે. મારા ભાઈ અને સંતાનો વિદેશમાં છે. હું મારી પત્ની અને મારા બા એમ અમે ત્રણ જણા રહીએ છીએ અને એ પૂરતું હું કમાઉં છું. દિવ્ય ભાસ્કર- 2020માં ડિઝાઇન પોઈન્ટને GUDMએ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પાછળનું કારણ શું હતું? હિમાંશુ ધાનાણી- એ કિસ્સામાં અમે સાચુ કહેવા ગયા અને ભોગ બન્યા હતા. તે સમયમાં ટેન્ડરને લઈ અમને ધ્યાન આવ્યું કે, જે તે કંપનીએ ટેન્ડરમાં આપેલા કાગળિયા ખોટા છે. પછી અમે અધિકારીઓને જાણ કરી. એટલે તેમણે કહ્યું કે, આપણે દરેક એજન્સીના કાગળો ચેક કરીએ. એટલે બીજી બે-ત્રણ એજન્સીના કાગળો પણ ખોટા નીકળ્યા. આ પછી તેમને લાગ્યું કે આ તો ઘણું મોટું થશે એટલે અધિકારીઓને અમારી જ કંપની પર પ્રતિબંધ લગાવી દીધો. આ નિર્ણયની સામે અમે કોર્ટમાં ગયા અને સરકારનું ધ્યાન દોર્યું. દિવ્ય ભાસ્કર- આ કેસ કોર્ટમાં કેમ આ આગળ નથી વધી રહ્યો? હિમાંશુ ધાનાણી- કોર્ટમાં શું કાર્યવાહી થતી હોય તેની મને કોઈ જાણ નથી. દિવ્ય ભાસ્કર- દામનગર નગરપાલિકામાં નિયમોની વિરુદ્ધ જઈને શરતો રાખીને જૂજ કંપનીઓ જ ટેન્ડરમાં ભાગ લઈ શકે તેવી ગોઠવણ થઈ? હિમાંશુ ધાનાણી- મારું કામ ટેન્ડર બનાવવાનું નથી. હું તો ખાલી ટેન્ડર પ્રક્રિયામનાં ભાગ લેતો હોવ છું. મને કંઈ વધારે ખ્યાલ નથી. દિવ્ય ભાસ્કર- બાબરામાં ગ્રેવિટાસે કામ છોડ્યું અને તે જ કામ તમને તેમનાથી વધારે ભાવે મળ્યું આ કેવી રીતે થયું? હિમાંશુ ધાનાણી- બાબરામાં ગ્રેવિટાસે ક્યારેય કામ કર્યું હોય તેવું મારા ધ્યાનમાં જ નથી. મને આ અંગે કંઈ જ જાણ નથી. દિવ્ય ભાસ્કર- તમારા રાજકીય સંબંધોને કારણે તમને જ કામો મળે છે તેવા આરોપ છે? હિમાંશુ ધાનાણી- મારે કોઈ પોલિટિકલ કનેક્શન નથી. હું રાજકીય વ્યક્તિ જ નથી. મેં ક્યારેય કોઈ રાજકીય ભલામણ પણ નથી કરી. અમે આ સમગ્ર મામલે GUDM, GUDC અને મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનના કમિશનર IAS અધિકારી રેમ્યા મોહન સાથે પણ મુલાકાત કરી અને જવાબ જાણવાનો પ્રયાસ કર્યો. રેમ્યા મોહને કહ્યું કે ગુજરાતમાં અનેક કંપનીઓ PMC, TPI સહિતના કામ સાથે જોડાયેલી હોય છે. આ તો આખો દરિયો છે, તેમાંથી કોઈ એક કંપની વિશેની માહિતી અમારી પાસે હોવી એ તાત્કાલીક શક્ય નથી. અમારે આ અંગે તપાસ કરવી પડશે. વધુમાં તેમણે અમને GUDCના ડેપ્યુટી ડાયરેક્ટર યોગેશ ચાવડા સાથે મુલાકાત કરવા કહ્યું. ચાવડાએ પણ અમને દરેક માહિતી એકત્ર કર્યા બાદ જવાબ આપવા માટે સમર્થતા દર્શાવી. અમે જ્યારે એક દિવસ પછી તેમની મુલાકાત કરવા આવ્યા તો તેમણે ઓફ ધી રેકોર્ડ તો અનેક વાતો સ્વીકારી અને કેટલાકના જવાબ પણ આપ્યા. પરંતુ જ્યારે તેમને લેખિત જવાબ કે વીડિયો ઇન્ટરવ્યૂ આપવા અંગે અમે કહ્યું તો બોલ્યા, “થોડો સમય આપો. મેડમને પૂછવું પડશે.” યોગેશ ચાવડાની વાતને ગંભીરતા લઈને અમે થોડા સમય બાદ ફરીથી જ્યારે તેમનો સંપર્ક કર્યો તો વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ તેમણે કોઈ જવાબ ન આપ્યા. અંતે તેમણે લેખિતમાં કે વીડિયોમાં આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો. હવે ગંભીર સવાલ એ છે કે ડિઝાઇન પોઈન્ટ સામે આટલી ગેરરીતિના આરોપ હોવા છતાં પણ સરકારી અધિકારીઓ કોઈ પ્રકારના આકરા પગલાં કેમ નથી લેતા. વળી, જો આરોપો ખોટા હોય તો પછી તેનું ખંડન કરવામાં પણ કેમ ખચકાચ અનુભવે છે?
Read Original Article →