PM મોદીએ નેધરલેન્ડમાં પૂછ્યું-રાયપુરના ભજીયાં ભાવે?:પ્રોટોકોલ તોડી ગુજરાતી પરિવારને મળ્યાં, જૂની તસવીરો જોઇ બોલ્યા- આ મારી મેમરી, દિલ્હી લઇ જઇશ

Gujarat5/20/2026, 12:30:00 AM
PM મોદીએ નેધરલેન્ડમાં પૂછ્યું-રાયપુરના ભજીયાં ભાવે?:પ્રોટોકોલ તોડી ગુજરાતી પરિવારને મળ્યાં, જૂની તસવીરો જોઇ બોલ્યા- આ મારી મેમરી, દિલ્હી લઇ જઇશ
નરેન્દ્ર મોદી: રાયપુરના ભજીયાં ભાવે છે? તનાયાઃ હા, રાયપુરના ભજીયાં તમારી વેઇટ કરે છે. નરેન્દ્ર મોદીઃ ગુજરાતી આવડે છે? તનાયાઃ હા, આવડે છે. નરેન્દ્ર મોદીઃ તું ખાડિયા જાય છે? તનાયાઃ હા,જઉં છું ને. નરેન્દ્ર મોદીઃ તને ખાડિયા ગમે છે? તનાયાઃ હા, ગમે છે ને. નરેન્દ્ર મોદીઃ તુ ઇન્ડિયા ક્યારે જાય છે? તનાયાઃ એવરી સમર વેકેશનમાં. આ જુલાઇ-ઓગસ્ટમાં પણ ઇન્ડિયા આવવાની છું. તનાયાઃ નેધરલેન્ડ પાછાં જલ્દી આવજો. માર ઘરે આવજો. નરેન્દ્ર મોદીઃ નેક્સ્ટ ટાઇમ આવીશ. આના પછી નરેન્દ્ર મોદીએ તનાયાની નાની બહેન સાથે વાતચીત કરી હતી. શું વાતચીત થઇ હતી તે અંગે પણ તનાયાએ કહ્યું. તનાયાઃ તેમણે (PM મોદીએ) મારી નાની બહેનને પૂછ્યું હતું કે તને ગુજરાતી આવડે છે? મારી નાની બહેને કહ્યું કે હા, આવડે છે. તનાયા આગળ કહે છે કે મોદી અંકલે મારી સાથે પણ ગુજરાતીમાં જ વાત કરી હતી. છેલ્લે મને અને મારી બહેનને ચોકલેટ પણ આપી હતી. આ એ વાતચીત છે જે PM મોદીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન થઇ હતી. વડાપ્રધાન મોદી 15મી તારીખથી વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન તેઓ નેધરલેન્ડ ગયા હતા. નેધરલેન્ડની મુલાકાત સમયે તેઓ પ્રોટોકોલ બાજુ પર મૂકીને ભાજપના દિવંગત નેતા અશોક ભટ્ટની પૌત્રી મીકિતા અને તેના પરિવારને વન ટુ વન મળ્યાં હતા. અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટ ખાડિયાના પૂર્વ ધારાસભ્ય છે. તેની પુત્રી મીકિતાના લગ્ન RSSના સંનિષ્ઠ કાર્યકર અશોક ખંડેલવાલના પુત્ર રૂચિર સાથે 2011માં થયા હતા. લગ્ન બાદ આ કપલ નેધરલેન્ડ સ્થાયી થયું હતું. તેમને બે દીકરીઓ છે. રૂચિર અત્યારે નેધરલેન્ડમાં સીનિયર સાયન્ટિસ્ટ તરીકે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. જ્યારે મીકિતા પિકનિક નામની કંપનીમાં એડમિનિસ્ટ્રેટિવ વિભાગમાં લીગલ એડવાઇઝર તરીકે નોકરી કરે છે. મીકિતાએ ગાંધીનગરની નેશનલ લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. રજિસ્ટ્રેશન કરવામાં મોડું થઇ ગયું આ પરિવાર દર વર્ષે ઉનાળુ વેકેશનમાં અમદાવાદ આવે છે. આ વખતે પણ તેઓ અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમને ઇન્ડિયન એમ્બેસીની લીંકથી ખબર પડી હતી કે PM મોદી નેધરલેન્ડના પ્રવાસે જવાના છે, આ પ્રવાસ દરમિયાન મોદી ભારતીય સમુદાયને પણ મળવાના છે. આ સમયે મીકિતા અને તેનો પરિવાર અમદાવાદમાં હતો. તેમને આ કાર્યક્રમ માટે રજિસ્ટ્રેશન કરવામાં મોડું થઇ ગયું હતું. ઇવેન્ટ હાઉસફૂલ થઇ ગઇ પરિવારે PM મોદીને નેધરલેન્ડમાં મળી શકાય તે માટે ત્યાંની ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરીને મેઇલ પણ કર્યો હતો પરંતુ ઇવેન્ટ હાઉસ ફૂલ થઇ ગઇ હોવાથી તેમને નિરાશા હાથ લાગી હતી. આના પછી આખી વાત PMO સુધી પહોંચી હતી. PMOમાંથી સૂચના મળી કે મીકિતા નેધરલેન્ડમાં શું કરે છે તેની વિગતો અને અશોક ભટ્ટ તેમજ ભૂષણ ભટ્ટની વિગતો જણાવતો મેઇલ કરો. જેથી મીકિતાએ મેઇલ કર્યો હતો અને પછી PM મોદીના કાર્યક્રમમાં તેમને એન્ટ્રી મળી હતી. આ સમયે PM મોદી અને મીકિતા તેમજ તેના પરિવારની મુલાકાત થઇ હતી. મીકિતા અને તેના પરિવારને મોદી મળ્યાં હોવાની જાણ થતાં દિવ્ય ભાસ્કરે તેમની સાથે વાતચીત કરી હતી. પરિવારને જોતાં જ મોદી બોલ્યા- આવો... આવો... PM મોદી સાથેની મુલાકાતને યાદ કરતા મીકિતાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, જ્યારે અમે તેમને મળ્યાં ત્યારે તેમણે પર્સનલી નોંધ લીધી હતી. પરિવારના એક વ્યક્તિને મળી રહ્યાં હોય તે રીતે તેઓ અમને મળ્યાં હતા. આવો... આવો... આવો... કહીને તેમણે અમારું દિલથી સ્વાગત કર્યું હતું. PM મોદીએ કહ્યું કે ભૂષણનો 2-3 વખત કોલ આવ્યો હતો. મારે તેની સાથે વાત થયેલી પછી તમારો અંગત પત્ર મેં વાંચ્યો હતો. તમને મળવાની મને પણ ખૂબ ઇચ્છા હતી એટલે મેં મારા સ્ટાફને જણાવ્યું કે આપણે દીકરી-જમાઇ અને તેમની દીકરીઓને મળવાનો સમય આપીશું. સંસ્કાર ધામમાં સેવા આપવાનું કહ્યું નરેન્દ્ર મોદીએ શું પૂછ્યું હતું તેની વાત કરતાં મીકિતાએ કહ્યું કે, નરેન્દ્ર મોદી બોલ્યા કે મને પણ તમને મળવાની ખૂબ ઇચ્છા હતી પછી મને તેમજ મારા હસબન્ડને પૂછ્યું કે તમે અહીંયા શું કરો છો? મારા હસબન્ડને પહેલેથી જ સંસ્કાર ધામથી જ ગુરુ-શિષ્ય તરીકેનો નાતો હતો. એટલે તેમણે પૂછ્યું કે સંસ્કાર ધામ જાય છે કે નહીં? છેલ્લે સંસ્કાર ધામ ક્યારે ગયો હતો ? તેના જવાબમાં રૂચિરે કહ્યું કે કોવિડ વખતે હું સંસ્કાર ધામ ગયો હતો પછી ગયો નથી. તો PM મોદીએ બોલ્યા કે ભૂષણને કહીને સંસ્કાર ધામ સાથે જોડાઇ જાઓ અને તેમાં સેવા આપો. PM મોદીએ પરિવાર પાસેથી પૂરી માહિતી મેળવી મીકિતાએ વધુમાં કહ્યું કે, PM મોદીએ અમને પૂછ્યું કે કેટલાં સમયથી અહીં છો? અહીંયા શું કરો છો? તેના જવાબો આપ્યા તો કહ્યું કે, તમે જોબ કરો છો તો કેવી રીતે પરિવારનું મેનેજ કરો છો અને કેવી લાઇફ સ્ટાઇલ છે? ત્યારપછી એ પણ પૂછ્યું કે કોમ્યુનિટી સાથે જોડાયેલા છો અને કેવી રીતે તમે અહીંયા સેવા આપો છો? ઇન્ડિયા આવો છો તેવું પૂછવાની સાથે મારા હસબન્ડ રૂચિરને કહ્યું કે તારા ભણતર પ્રમાણે તું જે કામ કરી રહ્યો છે તેવા જ પ્રોજેક્ટ માટે ભારતને સેવા આપો. આવું કરશો તો ઘણો આનંદ થશે. વડાપ્રધાન મોદીએ મીકિતાને કહ્યું હતું કે દીકરી હું તો તને તારા સાસરે મળવા આવ્યો છું. અહીંયા આવું તો તને મળવું જ પડે. તમે મારો એપ્રોચ કરીને મને મળવાની ઇચ્છા દાખવી તે જાણીને મને આનંદ થયો. મોદીએ કહ્યું તને ગુજરાતી નહીં આવડતું હોય! નરેન્દ્ર મોદીએ મીકિતાની 2 પુત્રીઓ સાથે પણ વાતચીત કરી હતી. આ વાતચીત કેવી રહી તેના વિશે મીકિતાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે ગુજરાતીમાં બોલો છો, ઘરમાં ગુજરાતીમાં વાતચીત કરો છો ? દીકરીઓને પણ પૂછ્યું તમે કઇ ભાષામાં વાતચીત કરો છો? ત્યારે દીકરીઓએ કહ્યું કે અમે ઘરે ગુજરાતીમાં વાતચીત કરીએ છીએ. મારી નાની દીકરીને પૂછ્યું કે તને ગુજરાતી આવડે છે તો તેણે કહ્યું હા. તો નરેન્દ્ર મોદીએ હસતાં હસતાં કહ્યું કે ના, તને નહીં આવડતું હોય, મને ખબર છે. જેના જવાબમાં મારી નાની દીકરીએ પણ નિખાલસતાથી કહ્યું ના, આવડે છે. એટલે PM મોદીએ કહ્યું કે અચ્છા, કઇ સ્કૂલમાં જાઓ છો? કયા સ્ટાન્ડર્ડમાં છો? ત્યાં શું કરો છો? આવતી વખતે ઘરે આવવાનું પ્રોમિસ આપ્યું જ્યારે મીકિતાની પુત્રીએ નરેન્દ્ર મોદીને કહ્યું કે દાદા અમારા ઘરે આવો એટલે તે હસ્યાં અને કહ્યું કે આ વખતે તો હું ઘણાં ટૂંકા સમય માટે આવ્યો છું પણ ફરીવાર આવીશ ત્યારે ચોક્કસ તારા ઘરે આવીશ. હવે તમે ઇન્ડિયા આવો ત્યારે જણાવજો. આપણે ઇન્ડિયામાં મળીએ. અશોક ભટ્ટ અને રાયપુરના ભજીયાંને યાદ કર્યાં નરેન્દ્ર મોદીએ અશોક ભટ્ટ અને રાયપુરના ભજીયાં વિશે પણ વાતચીત કરી હતી. મીકિતા જણાવે છે કે, અશોક દાદા વિશે નરેન્દ્ર મોદીએ ઘણી જૂની વાતો યાદ કરીને કહી. તેમની સાથેનો જૂનો કાર્યકાળ યાદ કર્યો. કેવી રીતે તેઓ સાથે રહેતાં હતા. કામ કરતા હતા. અશોકભાઇને ભજીયાં ભાવે એટલે ભજીયાં તો અમારે પ્રાણ પ્રિય હતા. અશોકભાઇની સાથે બેસીએ એટલે રાયપુરના ભજીયાં તો ખાવાના પાક્કા જ હોય. ઘણા જૂના સંસ્મરણો તાજા કર્યા હતા. મારા સસરા અશોક ખંડેલવાલ પણ આરએસએસ સાથે જોડાયેલાં હતા. તેઓ કાર્યકર તરીકે જોડાયેલા હતા ત્યારે તેમનો જૂનો કાર્યકાળ યાદ કરીને કહ્યું કે અમે એક સ્કૂટર પર બેસીને સાથે જતાં હતા. આ મુલાકાત દરમિયાન એક રસપ્રદ ઘટના પણ બની. પરિવારે નરેન્દ્ર મોદીનો ઓટોગ્રાફ લેવા માટે 3 જૂની તસવીરો કાઢી હતી. જેના પછી PM મોદીએ ઓટોગ્રાફ આપવાને બદલે તે તસવીરો પોતાની પાસે રાખી લીધી. PM મોદીએ પૂછ્યું- આ શું લઇને આવ્યા છો? આ કિસ્સાને યાદ કરતાં મીકિતાએ કહ્યું કે, અમે તો અમારી યાદગીરી માટે સાથે ફોટા લઇ ગયા હતા. અમને એમ હતું કે આ ફોટો પર PM મોદીનો ઓટોગ્રાફ લઇને આવીએ. આ ફોટો જોઇને નરેન્દ્ર મોદીએ પૂછ્યું કે આ શું લઇને આવ્યા છો, બતાવો? જેથી અમે અશોક દાદા સાથેનો તેમનો જૂનો ફોટો આપ્યો. પપ્પા સાથેનો જૂનો ફોટો હતો અને અમારા મેરેજમાં જ્યારે તેઓ આવ્યા તે ફોટો હતો. 'આ ત્રણેય ફોટો કાઢ્યા એટલે નરેન્દ્ર મોદી અમારી દીકરીઓને ફોટો બતાવતાં ગયા અને પૂછ્યું કે તમે આમને ઓળખો છો? પછી કહ્યું કે અશોકભાઇ સાથે તો દીકરીઓને મળવાનો કે રહેવાનો મોકો નહીં મળ્યો હોય એટલે મેં કહ્યું કે હા, તેમને મોકો નથી મળ્યો પછી અમે કહ્યું કે અમારી યાદગીરી માટે તમારો ઓટોગ્રાફ આપો.' તસવીરો જોઇને વડાપ્રધાન જૂની યાદોમાં ખોવાઇ ગયા આ ઘટના પછી આગળ શું થયું તેના વિશે મીકિતા જણાવે છે કે, આના પછી તેઓ અમારી સામે જોઇને 2 મિનિટ હસ્યા. એ ફોટો જોઇને જાણે કે PM મોદી જૂની યાદોમાં ખોવાઇ ગયા હોય તેવું લાગ્યું. પછી તેઓ બોલ્યા કે આ તો મારી મેમરી છે. આ મારી સાથે દિલ્હી જશે. હું આ મેમરી મારી સાથે લઇ જઉં છું. આમાં મારી ઘણી જૂની યાદો છે. તમે ત્રણ પેઢી સાથે લાવ્યા છો. આ તો મારા માટે એક યાદ છે. ઓટોગ્રાફ અંગે કહ્યું કે હું તમને આ ફોટાની પ્રિન્ટ દિલ્હીથી મોકલાવીશ પણ આ ફોટા તો હું મારી સાથે લઇ જઉં છું. આ રીતે નરેન્દ્ર મોદીને મળ્યાં નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાત ક્યાં અને કેવી રીતે થઇ હતી તે અંગે મીકિતાએ કહ્યું કે, નેધરલેન્ડમાં 2 દિવસનો કાર્યક્રમ હતો. 15મી તારીખે સાંજે જ્યારે PM મોદી નેધરલેન્ડ પહોંચ્યા ત્યારે મેરિયોટ હોટલમાં સાંજે બોર્ડ રૂમમાં વેલકમ રિસેપ્શન હતું. જેમાં 100થી 120 જેટલા લિમીટેડ લોકો જ હતા. અમે લોકો પણ પરિવાર સાથે ત્યાં ગયા હતા. એ સમયે નરેન્દ્ર મોદી આવ્યા અને બધાને વન ટુ વન મળ્યાં હતા. PMએ 15 મિનિટથી વધુ સમય સુધી વાત કરી મેરિયોટ હોટલમાં જ બપોરે 12:45 કલાકે મીકિતા અને તેના પરિવારની PM મોદી સાથે મુલાકાત થઇ હતી. PM મોદી ફક્ત 2 જ પરિવારને વન ટુ વન મળ્યાં હતા.નરેન્દ્ર મોદીએ મીકિતાના પરિવાર સાથે 15 મિનિટથી વધુ સમય સુધી વાત કરી હતી. બીજા દિવસે એટલે કે 16મી તારીખે હેગમાં તેમની વર્લ્ડ ફોરમ ઇવેન્ટ હતી. જેમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. મારી વાત સાંભળી નરેન્દ્ર મોદી ઇમોશનલ થઇ ગયાઃ મીકિતા આ મુલાકાત અંગે મીકિતા કહે છે કે, અમારી મુલાકાત બહુ યાદગાર રહી. અમને એવું હતું કે તેમના આટલા વ્યસ્ત શિડ્યુલમાં 2-5 મિનિટ મળશે પણ તેમણે ઘણો સમય આપ્યો. પરિવાર અંગે પૂરેપૂરી જાણકારી મેળવી. બધાંના ખબર-અંતર પૂછ્યાં હતા. ત્યારે મેં PM મોદીને કહ્યું કે સંબંધો સ્મશાન સુધી હોય છે પણ 17 વર્ષથી દાદા તમે અમારો આવી રીતે ખ્યાલ રાખો છો. દરેક નાના મોટા પ્રસંગોએ, પોડકાસ્ટમાં, ઇન્ટરવ્યૂમાં અશોક દાદાને યાદ કરો છો. તે જાણીને અમને ખૂબ આનંદ થાય છે. મારી આ વાત સાંભળીને તેઓ પણ થોડાં ઇમોશનલ થયા હતા. જતી વખતે મોદીએ કહ્યું- તમે બેસો હું નીકળું છું પોતાની વાત પૂરી કરતાં મીકિતાએ જણાવ્યું કે, જાણે કે એક સપનું હતું અને તે સાકાર થયું તેવું લાગે છે. અમારા માટે વન્સ ઇન એ લાઇફ ટાઇમ મેમરી થઇ ગઇ. નરેન્દ્ર મોદીને મળવાનું બિગેસ્ટ ઓપર્ચ્યુનિટી બની ગઇ. નેધરલેન્ડમાં મળ્યા એટલે આપણી કોઇ વ્યક્તિ, આપણા કોઇ સ્વજનને મળ્યાં હોય તેવું લાગ્યું. જ્યારે તેઓ નેક્સ્ટ ઇવેન્ટ માટે નીકળી રહ્યાં હતા અને અમને કહ્યું તમે બેસો હું નીકળું છું. નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાત મીકિતા અને તેના પરિવાર માટે કાયમી સંભારણું બની ગઇ છે.
Read Original Article →