NEET પેપર લીકમાં NTA ઓફિસર પણ સામેલ:બ્યુટિશિયનથી મળ્યું કનેક્શન, CBI પાસે પુરાવા, શું બંને સેટ થયા લીક

DvB Original5/18/2026, 12:30:00 AM
NEET પેપર લીકમાં NTA ઓફિસર પણ સામેલ:બ્યુટિશિયનથી મળ્યું કનેક્શન, CBI પાસે પુરાવા, શું બંને સેટ થયા લીક
NEET પેપર લીકની કડીઓ હવે જોડાવા લાગી છે. આ મામલામાં પહેલા કેમિસ્ટ્રી પ્રોફેસર પીવી કુલકર્ણી અને ત્યારબાદ બોટની લેક્ચરર મનીષા માંધરેની ધરપકડ થઈ હતી. હવે NEET પરીક્ષા આયોજિત કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ઓફિસર પણ આમાં સામેલ હોવાની વાત સામે આવી રહી છે. દૈનિક ભાસ્કરને CBI તપાસના કેટલાક ઇન્ટરનલ રિપોર્ટ્સ મળ્યા છે, જેનાથી ખુલાસો થયો છે કે પેપર લીક કેસમાં પુણેથી ધરપકડ કરાયેલી બ્યુટિશિયન મનીષા વાઘમારે NTA ઓફિસરના સીધા સંપર્કમાં હતી. તેને NTA ઓફિસર અને અન્ય આરોપીઓ દ્વારા પરીક્ષાના 6 દિવસ પહેલા જ NEET-UG 2026નું ક્વેશ્ચન પેપર અને આન્સર કી મળી ગયા હતા. સૂત્રોએ એ પણ જણાવ્યું કે આ મામલામાં ધરપકડ કરાયેલા કેમિસ્ટ્રી પ્રોફેસર પીવી કુલકર્ણી દ્વારા બ્યુટિશિયન NTA ઓફિસરના સંપર્કમાં આવી હતી. આ ઓફિસર એ લોકોમાંથી હોઈ શકે છે, જેમના પર પેપર ફાઇનલ કરવાથી લઈને એક્સપર્ટ કમિટી બનાવવા સુધીની જવાબદારી હોય છે. સૌથી પહેલા જાણો NTA ઓફિસર પર કેમ શંકા છે… જ્યાં ઇલેક્ટ્રોનિક ગેજેટ-પેન પર પ્રતિબંધ છે, ત્યાંથી પેપર કેવી રીતે લીક થયું? CBI તપાસ કરી રહી છે કે લીક થયેલું પેપર શું ઓરિજિનલ પેપરની ફોટોકોપી છે કે પછી તેનો ફોટો પાડીને લીક કરવામાં આવ્યું છે. આ તપાસ એટલા માટે પણ થઈ રહી છે કારણ કે NTA ઓફિસમાં જ્યાં પેપર સેટ કરવામાં આવે છે, ત્યાં ઇલેક્ટ્રોનિક ગેજેટ કે પેન જેવી કોઈ વસ્તુ લઈ જઈ શકાતી નથી, જેમાં કેમેરો છુપાવી શકાય. તેથી ફોટોકોપી કરાવવી કે ફોટો પાડવો સરળ નથી. આ કોન્ફિડેન્શિયલ (ગોપનીય) એરિયામાં એક્સપર્ટ પ્રોફેસર અને લેક્ચરર પરીક્ષાનું પેપર સેટ કરે છે, જ્યારે NTA ઓફિસરોની જવાબદારી તેમના પર નજર રાખવાની હોય છે. આથી NTA સ્ટાફની સંડોવણી વિના પેપર લીક થવું અશક્ય છે, તેથી હવે ત્યાંના ઓફિસરો પણ શંકાના દાયરામાં છે. શંકા એટલા માટે પણ વધી ગઈ છે કારણ કે અત્યાર સુધી જે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી મોટાભાગના લોકોએ પોતાના ફોનની ચેટ સાથે ફોટો ગેલેરી પણ ડિલીટ કરી નાખી છે. લેપટોપમાંથી પણ ઘણી ફાઈલો ડિલીટ થયેલી મળી છે. આરોપી બ્યુટિશિયન મનીષા વાઘમારે અને દલાલ ધનંજય લોખંડેના ફોનમાંથી ઘણો ડેટા ડિલીટ છે. CBI આના ડિજિટલ પુરાવા એકત્રિત કરી રહી છે. NTA ઓફિસરના સંપર્કમાં હતી બ્યુટિશિયન, પરીક્ષાના 6 દિવસ પહેલા મળ્યું પેપર CBI સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, મનીષા વાઘમારે જ સૌથી પહેલા પેપર સેટ કરનારા એક્સપર્ટ્સ અને NTA ઓફિસરના સંપર્કમાં આવી હતી. આ જ મહિલાએ પ્રોફેસર મનીષા માંધરેને ઘરે ક્લાસ ચલાવીને પરીક્ષામાં પૂછાનારા બાયોલોજીના પ્રશ્ન-ઉત્તરો વિદ્યાર્થીઓને જણાવવા માટે તૈયાર કરી હતી. બીજી તરફ, પ્રોફેસર પીવી કુલકર્ણીએ પણ ક્લાસ લઈને વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રીના પ્રશ્નો જણાવ્યા હતા. આના બદલામાં પીવી કુલકર્ણીને મનીષા વાઘમારે દ્વારા લાખો રૂપિયા રોકડા મળ્યા હતા, જ્યારે બાકીની રકમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. CBIને આના પુરાવા પણ મળ્યા છે. બંને પ્રોફેસરે જે પેપરથી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા, તે 3 મેના રોજ NEET પરીક્ષા પૂરી થતાની સાથે જ સળગાવી દેવામાં આવ્યા હતા, જેથી કોઈ પુરાવો ન રહે. આનાથી જોડાયેલી વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટ પણ ડિલીટ કરી દેવામાં આવી હતી. કેમિસ્ટ્રી અને બોટનીના પ્રોફેસર અરેસ્ટ, ફિઝિક્સ વાળું કોણ? આ કેસમાં અત્યાર સુધી કેમિસ્ટ્રી અને બોટનીના પ્રોફેસરની ધરપકડ થઈ છે. એવામાં હવે સવાલ એ જ છે કે જો માત્ર આ બે વિષયોના પેપર સેટ કરનારા જ લીકમાં સામેલ હતા, તો ફિઝિક્સના પ્રશ્નો કેવી રીતે લીક થયા? તપાસમાં સામે આવ્યું છે કે નીટ પેપરના કુલ 720 માર્ક્સમાંથી 600 માર્ક્સના પ્રશ્નો પરીક્ષા પહેલા લીક થયા હતા. આમાં કેમિસ્ટ્રીના 45 માંથી 35 પ્રશ્નો બેઠા મળ્યા હતા. બાયોલોજીના તમામ 90 પ્રશ્નો બેઠા મળ્યા હતા, જ્યારે ફિઝિક્સના 15 પ્રશ્નો મેચ થયા છે. જોકે ફિઝિક્સના પ્રશ્નો કેવી રીતે મળ્યા, તેની સાથે જોડાયેલી કોઈ કડી અત્યાર સુધી સામે આવી નથી. બંને સેટ પેપર લીક થયાની શંકા, ગેસ પેપરમાં પ્રશ્નો સામેલ કર્યા નીટ પરીક્ષા માટે બે સેટ પેપર તૈયાર કરવામાં આવે છે. એક સેટ પરીક્ષા માટે સેન્ટર્સ પર મોકલવામાં આવે છે, જ્યારે બીજો રિઝર્વ (અનામત) રાખવામાં આવે છે, જેથી કોઈ ગડબડની આશંકા હોય તો પહેલા સેટને બીજા સેટ સાથે રિપ્લેસ (બદલી) કરી શકાય. CBIને આશંકા છે કે નીટના બંને સેટ લીક કરવામાં આવ્યા છે. આનાથી જ ગેસ પેપર (અંદાજિત પેપર) તૈયાર કરવામાં આવ્યું અને તેમાં બંને સેટના પ્રશ્નો મિક્સ કરી દેવામાં આવ્યા. આ જ કારણ છે કે લીક થયેલા પેપરમાં ઘણા પ્રશ્નો અને તેમના ઓપ્શન્સ (વિકલ્પો) એક જ ક્રમમાં જોવા મળે છે, જ્યારે કેટલાક અલગ-અલગ નંબર પર મળે છે. જોકે, લીક થયેલા પેપર અને NEET પરીક્ષામાં આવેલા પેપરના પ્રશ્નો અને તેમના ઓપ્શન્સ બિલકુલ એક સરખા છે. ફેબ્રુઆરીમાં પેપર સેટ થયું, 15-20 એપ્રિલ સુધી પ્રિન્ટિંગ, 27 એપ્રિલે લીક NTA સૂત્રોના જણાવ્યા અનુસાર, NEET પરીક્ષાની તૈયારી આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થઈ હતી. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી નીટ પેપર સેટ કરવાની ઇન્ટરનલ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન NTA ઓફિસમાં પેપર સેટિંગની મીટિંગ થાય છે, જેમાં પેપર સેટ કરનારી કમિટીના મેમ્બર્સ અને તેને ફાઇનલ કરનારા ચીફ હાજર હોય છે. જે કોન્ફિડેન્શિયલ જગ્યા પર પેપર સેટ કરવામાં આવે છે, ત્યાં કમિટી મેમ્બર્સ અને ઉચ્ચ અધિકારીઓ સિવાય બીજા કોઈની એન્ટ્રી હોતી નથી. અંદર ઇન્ટરનેટની પણ સુવિધા હોતી નથી. અંદર ફોન, કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ કે બ્લૂટૂથ સાથે લઈ જઈ શકાતા નથી. પેન-પેપર સુધીની વસ્તુઓ લઈ જવાની મનાઈ હોય છે. પેપરના બે સેટ બનાવવામાં આવે છે, પરંતુ પરીક્ષામાં આમાંથી કયો સેટ જશે, તેના પર આખરી નિર્ણય NTA ચીફનો હોય છે. પેપરના બે સેટ ફાઇનલ થયા બાદ 13 ભાષાઓમાં તેનો અનુવાદ કરવામાં આવે છે. ત્યારબાદ બંને સેટ પ્રિન્ટિંગ માટે મોકલવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 15-20 એપ્રિલ વચ્ચે બંને પેપરનું પ્રિન્ટિંગ થયું હતું. ત્યારબાદ ટ્રાન્સપોર્ટ દ્વારા તેને પરીક્ષા કેન્દ્રોની આસપાસની બેંકના લોકરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. અહીંથી 3 મેના રોજ પેપર પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યું હતું. જોકે આ પહેલા 27 એપ્રિલે જ પેપર લીક થઈને બ્યુટિશિયન મનીષા વાઘમારે સુધી પહોંચી ચૂક્યું હતું. ત્યારબાદ પેપર લીકની કડીઓ લાંબી થતી ગઈ. હવે CBI આ કડીઓને છેલ્લા છેડાથી લઈને શરૂઆતના છેડા સુધી જોડવામાં વ્યસ્ત છે. NEET પેપર લીક બાદ NTAમાં મોટો ફેરફાર પેપર લીક થયા બાદ કેન્દ્ર સરકારે NTAમાં ચાર મોટા અધિકારીઓની નિમણૂક કરી છે. જેમાં બે જોઈન્ટ સેક્રેટરી અને બે જોઈન્ટ ડિરેક્ટર સામેલ છે. અનુજા બાપટ અને રૂચિતા વિજને જોઈન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે, જ્યારે આકાશ જૈન અને આદિત્ય રાજેન્દ્ર ભોજગઢિયાને જોઈન્ટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. તમામ નિમણૂકોને ACCની મંજૂરી મળ્યા બાદ DoPTએ આદેશ જાહેર કર્યો છે.
Read Original Article →