મૌની રૉયે દિશા પટની સાથે લગ્ન કર્યા?:પ્લાસ્ટિક સર્જરીને કારણે આખો ચહેરો બદલાયો! 'દેવોં કે દેવ મહાદેવ' ફૅમ મોહિત રૈના સાથે હતું અફેર

DvB Original5/22/2026, 12:30:00 AM
મૌની રૉયે દિશા પટની સાથે લગ્ન કર્યા?:પ્લાસ્ટિક સર્જરીને કારણે આખો ચહેરો બદલાયો! 'દેવોં કે દેવ મહાદેવ' ફૅમ મોહિત રૈના સાથે હતું અફેર
બોલિવૂડ ને ટીવી એક્ટ્રેસ મૌની રૉય આજકાલ પોતાના ડિવોર્સને કારણે ચર્ચામાં છે. મૌની રૉયે થોડા દિવસ પહેલા જ સો.મીડિયામાં પતિ સૂરજ નામ્બિયારથી અલગ થવાની વાત કરીને ચાહકોને આંચકો આપ્યો હતો. આ સાથે જ મૌનીએ ચાહકોને પ્રાઇવસી જાળવવાની અપીલ પણ કરી છે. આ દરમિયાન મૌની ને દિશા પટની વચ્ચે સંબંધો હોવાની વાતો થવા લાગી હતી. ડિવોર્સ વાત કર્યાના ચાર દિવસ બાદ જ મૌની રૉય કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી હતી. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું રૉય પરિવારની. મૌની રૉયે કેમ અધવચ્ચે ભણવાનું છોડી દીધું? મૌની રૉયના પેરેન્ટ્સ શું કરે છે? મૌની રૉયે શરૂઆતમાં કેવો સંઘર્ષ કર્યો? મૌની રૉયનું નામ કોની કોની સાથે જોડાયું? મૌની રૉયે કેટલા વર્ષા ડેટિંગ બાદ લગ્ન કર્યા? દાદા ને માતા થિયેટર આર્ટિસ્ટ 28 સપ્ટેમ્બર, 1985માં પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં બંગાળી પરિવારમાં જન્મેલી મૌની રૉયના દાદા શેખર ચંદ્ર રૉય થિયેટર આર્ટિસ્ટ હતા. જાત્રા થિયેટરમાં તેમનું નામ જાણીતું હતું. જાત્રા થિયેટરની શરૂઆત ભારતમાં 15-16મી સદીમાં થઈ હતી. મોટાભાગે પૂર્વ ભારતના રાજ્યો જેવા કે બંગાળ, બિહાર, ઓરિસ્સામાં આ જોવા મળે છે. જાત્રા થિયેટરમાં સંગીત, એક્ટિંગ, ગીતો ને ડાન્સ આ ચારેય કળાને એક સાથે પ્રસ્તુત કરવામાં આવે છે. સંગીતમય નાટક અંદાજે ચાર કલાક જેટલું હોય છે. મૌનીના પિતા અનિલ રૉય કૂચ બિહાર જિલ્લા પરિષદના સુપ્રીટેન્ડન્ટ હતા. જ્યારે માતા મુક્તિ થિયેટર આર્ટિસ્ટ હતી. મૌનીને એક્ટિંગ ગળથૂથીમાં મળી છે. નાનો ભાઈ મુખર લાઇમ લાઇટથી દૂર છે. દિલ્હી જઈને અભ્યાસ કર્યો મૌનીએ 12 ધોરણ સુધી કૂચ બિહારમાં જ કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે દિલ્હીમાં મિરાન્ડા હાઉસમાંથી ગ્રેજ્યુએશન કર્યું. મૌની રૉયને નાનપણથી જ માતા ને દાદાની જેમ એક્ટિંગમાં રસ હતો. અલબત્ત, મૌનીના પેરેન્ટ્સની ઈચ્છા એવી હતી કે દીકરી પત્રકાર બને. આ જ કારણે મૌનીએ દિલ્હીની જામીયા મિલિયા ઇસ્લામિયા કોલેજમાં માસ કમ્યુનિકેશનના કોર્સમાં એડમિશન લીધું. આ દરમિયાન મૌનીને મોડલિંગ પ્રોજેક્ટની ઑફર થતાં તે મુંબઈ આવતી રહી. મૌનીને નાનપણથી મધુબાલા, માધુરી દીક્ષિત ને વહીદા રહેમાનની ફિલ્મમાંથી એક્ટિંગની પ્રેરણા મળી. કોલેજ ને સ્કૂલમાં મૌની અવાર-નવાર નાટકોમાં ભાગ લેતી. બેકગ્રાઉન્ડ ડાન્સરથી કરિયરની શરૂઆત મૌની રૉય મુંબઈ તો આવી ગઈ. કોઈ ગોડફાધર ના હોવાથી શરૂઆતના વર્ષોમાં મૌનીને ઘણી જ તકલીફ પડી. તેણે 2004માં તેણે અભિષેક બચ્ચન-ભૂમિકા ચાવલાની ફિલ્મ 'રન'ના ગીત 'નહીં હોના, નહીં હોના...'માં બેકગ્રાઉન્ડ ડાન્સરથી કરિયરની શરૂઆત કરી. આ ગીતમાં મૌની રૉય કોઈના ધ્યાનમાં પણ આવી નહોતી. મુંબઈમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહી મૌની પાસે ખાસ પૈસા હતાં નહીં એટલે મુંબઈમાં તે પેઇંગ ગેસ્ટ તરીકે એક રૂમમાં બે ત્રણ-છોકરીઓ સાથે રહેતી. ફિલ્મ 'રન' બાદ મૌનીએ ઘણી ફિલ્મમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું. તે લોકલ ટ્રેનના ધક્કા ખાતી ને વહેલી સવારથી મોડી સાંજ સુધી પ્રોડ્યુસર્સની ઑફિસમાં ઑડિશન આપતી. આ દરમિયાન તે વચ્ચે વચ્ચે દિલ્હીમાં કોલેજ પણ જતી. 2006માં એકતા કપૂરની સિરિયલમાં રોલ મળ્યો મૌની રૉય દિલ્હીમાં યુનિવર્સિટીના કેમ્પસમાં હતી અને એક દિવસ અચાનક જ યુવતીએ મૌનીના ખભે હાથ મૂકીને નજીકમાં જ ઑડિશન થતાં હોવાની વાત કહીને આગ્રહ કર્યો કે તે પણ આપે. મૌનીએ નાનપણમાં સ્ટ્રીટ થિયેટર ને કોલેજ પ્લેમાં કામ કર્યું હોવાથી તેના માટે એક્ટિંગ કરવી મુશ્કેલ નહોતી. મૌનીને તે સમયે એ વાતનો અંદાજો પણ નહોતો કે આ કોઈ સિરિયલનું ઑડિશન છે કે કોઈ ફિલ્મનું? બેનર કોનું છે? તેણે બસ મસ્તીમાં આવીને એમ જ ઑડિશન આપી દીધું. તેની પાસે કોઈ સ્ક્રિપ્ટ પણ નહોતી. તે ત્યારે કોઈ ડેઇલી સોપ પણ જોતી નહોતી. અચાનક જ 'ક્યૂંકી..'માં ક્રિશ્ના તુલસીનો રોલ મળ્યો મૌની ઑડિશન આપ્યાની વાત પછી તો ભૂલી ગઈ ને મુંબઈ પણ આવી ગઈ. અલબત્ત, આ દરમિયાન તેને બાલાજી ટેલિફિલ્મ્સમાંથી સિરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં ક્રિશ્ના તુલસીના રોલ માટે સિલેક્ટ થયાની જાણ થઈ. મૌનીએ બાલાજી ટેલિફિલ્મ્સમાં 'કસ્તૂરી' સિરિયલ માટે પણ ઑડિશન આપ્યું હતું. મૌની શરૂઆતમાં 'ક્યૂંકી...'માં કામ કરવા તૈયાર નહોતી. તેને ડર હતો કે જો તે આ સિરિયલમાં કામ કરશે તો બહુ બધા કલાકારોની વચ્ચે ઢંકાઈ જશે અને ચાહકોના ધ્યાનમાં આવશે નહીં. પ્રોડ્યુસર એકતા કપૂરે જ્યારે ઑડિશન જોયું ત્યારે તેણે મૌનીને જ લેવાની વાત કરી. સિરિયલમાં તે તુલસી એટલે કે સ્મૃતિ ઇરાનીની દીકરીના રોલમાં જોવા મળી હતી. બાલાજી ટેલિફિલ્મ્સે ભણવાની વ્યવસ્થા કરી આપી પણ... મૌની જ્યારે 'ક્યૂંકી...' સિરિયલ કરતી હતી ત્યારે એકતા કપૂરના પ્રોડક્શન હાઉસે એક્ટ્રેસના ભણવાનુ્ં પણ ધ્યાન રાખ્યું હતું. એક્ટ્રેસ ત્યારે દિલ્હી યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશનનો કોર્સ કરતી હતી. મૌની ભણવાનું અધવચ્ચે મૂકીને આવી હતી. મૌનીના પેરેન્ટ્સની ઈચ્છા હતી કે દીકરી ભણવાનું પૂરું કરે અને આ જ કારણે બાલાજી ટેલિફિલ્મ્સે પણ ખાસ વ્યવસ્થા કરી આપી હતી પણ યુનિવર્સિટીએ ક્લાસમાં ફરજિયાત હાજરીનો નિયમ આગળ ધર્યો હતો. મૌની ડેઈલી સોપમાં કામ કરતી હતી એટલે તેના માટે ક્લાસમાં હાજરી આપવી શક્ય જ નહોતી. મૌનીએ યુનિવર્સિટીને એક્ઝામ આપવા દેવાની વિનંતી કરી, પરંતુ નિયમોને કારણે એક્ટ્રેસ આગળ ભણી શકી નહીં. સ્મૃતિ ઈરાની ચોકલેટ્સ- આઇસક્રીમ આપતાં 'ક્યૂંકી..'ના સેટ પર મૌનીને શરૂઆતમાં ઘણું જ અસહજ લાગતું. આ જ કારણે સ્મૃતિ ઇરાની સેટ પર બંગાળીમાં જ મૌની સાથે વાત કરતાં. આટલું જ નહીં, સ્મૃતિ અવારનવાર મૌની માટે આઇસક્રીમ ને ચોકલેટ્સ લઈને આવતાં. મૌની ટીવી ઇન્ડસ્ટ્રીમાં ન્યૂ કમર હતી અને આ જ કારણે ઘણીવાર તે સેટ પર પરિવારને યાદ કરીને રડી પડતી. આ સમયે સ્મૃતિ ઈરાની તથા એકતા કપૂર તેને શાંત પાડતા. સિરિયલમાં મૌનીની એક્ટિંગના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા હતા. આ શો બાદ મૌનીએ 'ઝરા નચકે દિખા' શોમાં ભાગ લીધો ને તે વિનર રહી. સિરિયલ 'કસ્તૂરી'માં શિવાની સભરવાલનો રોલ પ્લે કર્યો. આ દરમિયાન તેણે રિયાલિટી શો 'પતિ પત્ની ઔર વોહ' તથા સિરિયલ 'દો સહેલિયાં'માં કામ કર્યું. 2011માં મૌનીએ પંજાબી ફિલ્મ 'હીરો હિટલર ઇન લવ' કરી. અલબત્ત, આ ફિલ્મથી મૌનીને ખાસ ફાયદો થયો નહીં. ત્યારબાદ 'દેવોં કે દેવ મહાદેવ'માં સતીનો રોલ કર્યો હતો. મહાદેવના રોલમાં મોહિત રૈના હતો. આ સિરિયલ તે સમયે ખાસ્સી લોકપ્રિય થઈ હતી અને મૌની રૉય ઘેર-ઘેર જાણીતી બની હતી. આ સિરિયલમાં મોહિત ને મૌનીની અફલાતૂન કેમિસ્ટ્રી જોવા મળી હતી. ત્યારબાદ મૌની અલગ અલગ સિરિયલમાં જોવા મળી. 'નાગિન'થી સિતારો ચમકવા લાગ્યો 2015માં મૌની ફરી એકવાર એકતા કપૂરની સુપરનેચરલ સિરીઝ 'નાગિન'માં શિવન્યાના રોલમાં જોવા મળી. આ સિરિયલમાં તે નાગિન બની હતી. TRPમાં આ સિરિયલ માત્ર ભારતમાં જ નહીં, દુનિયાના અનેક દેશમાં ટોચ પર રહી હતી. આ સિરિયલમાં મૌનીએ અર્જુન બિજલાની સાથે જોડી જમાવી હતી. સિરિયલ બાદ મૌની એક્ટર અર્જુનની બોક્સ ક્રિકેટ લીગની ટીમ મુંબઈ ટાઇગર્સમાં પ્લેયર તરીકે પણ જોડાઈ હતી. આ ઉપરાંત તેણે ડાન્સ શો 'સો યુ થિંક યુ કેન ડાન્સ' પણ હૉસ્ટ કર્યો હતો. મૌની 'નાગિન 2'માં પણ જોવા મળી હતી અને 'નાગિન 3'માં કેમિયો કર્યો હતો. 2018માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું 2004માં 'રન' ફિલ્મમાં આઇટમ સોંગ કર્યા બાદ 14 વર્ષે મૌનીએ બોલિવૂડ ફિલ્મ 'ગોલ્ડ'થી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતો. ફિલ્મ આઝાદી પહેલા ભારતે હૉકીમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો તેના પર આધારિત હતી. આ ફિલ્મ બોક્સઑફિસ પર સુપરડુપર હિટ રહી હતી. આ ફિલ્મ બાદ મૌની 'KGF ચેપ્ટર 1'ના હિંદી વર્ઝનના આઇટમ સોંગ 'ગલી ગલી..'માં જોવા મળી હતી. 2019માં મૌનીએ બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ સાથે 'રોમિયો અકબર વૉલ્ટર'માં રૉની એજન્ટ બની હતી. 2022માં મૌની રૉય ડિરેક્ટર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નેગેટિવ રોલમાં જોવા મળી. ફિલ્મમાં અમિતાભ, રણબીર તથા આલિયા લીડ રોલમાં હતી. મૌનીએ નેગેટિવ રોલથી ચાહકોના દિલ જીતી લીધાં હતાં. મૌનીએ 2023માં 'સુલતાન ઑફ દિલ્હી'થી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું. ગયા વર્ષે મૌની વેબ સિરીઝ 'સલાકાર'માં જોવા મળી હતી. મૌનીએ અલગ અલગ મ્યૂઝિક આલ્બમ પણ કર્યા છે. વાત હવે મૌનીના અંગત જીવનની.... એક્ટર્સ સાથે જોડાઈ ચૂક્યું છે નામ 'દેવોં કે દેવ મહાદેવ'માં લીડ રોલ પ્લે કરનાર મોહિત રૈના સાથે મૌની રૉયનું નામ જોડાયું હતું. સિરિયલમાં બંનેની કેમિસ્ટ્રી જામી હોવાથી તેઓ ડેટિંગ કરતા હોવાની વાતો વહેતી થઈ હતી. જોકે, તેમણે સારા મિત્રો હોવાની વાત જ કહી હતી. મૌનીનું નામ ગૌરવ ચોપરા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. પુલકિત સમ્રાટ સાથે પણ અફેર હોવાની વાતો થતી હતી. દુબઈની પાર્ટીમાં પહેલી જ વાર સૂરજ-મૌનીની મુલાકાત 2018માં મૌની ને સૂરજની પહેલી મુલાકાત દુબઈમાં થઈ. બંને ન્યૂ યર પાર્ટીમાં મળ્યા હતા. મૌની પોતાની ખાસ ફ્રેન્ડ સાથે ગઈ હતી. તેમની આજુબાજુ નવ કપલ્સ બેઠાં હતાં અને તે એકલી જ સિંગલ હતી. તમામ કપલ્સને એકબીજામાં ખોવાયેલા જોઈને મૌનીને લાગતું કે તે ક્યારેય બોયફ્રેન્ડ શોધી શકશે નહીં. તેણે આ જ વાત પોતાની ફ્રેન્ડને કહી. ફ્રેન્ડે તરત જ પાર્ટીમાંથી કોઈ એકને શોધવાની વાત કરી અને આસપાસ તેણે નજર ફેરવીને વ્હાઇટ શર્ટમાં એક યુવકને પોઇન્ટ આઉટ કર્યો. આ સમયે મૌની ને તે યુવકની આંખો સામસામે મળી અને અચાનક જ તે યુવક મૌની જ્યાં બેઠી હતી ત્યાં આવી ગયો. મૌની એકદમ જ અજાણ્યા યુવકને સામે જોઈને થોડી અચરજ પામી, પરંતુ તેને પહેલી નજરમાં જ આ યુવક ગમી ગયો. તે ઘણો જ દેખાવડો હતો. આ દરમિયાન મૌનીનો મોબાઇલ ફોન સતત વાગતો હતો અને અચાનક જ તે યુવકે મૌનીના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો ને પછી પોતાનો નંબર ડાયલ કરીને પરત આપ્યો. થોડીક ક્ષણોમાં બનેલી આ ઘટનાથી મૌની તે યુવકની પર્સનાલિટીથી અંજાઈ ગઈ. આ યુવક બીજું કોઈ નહીં પણ સૂરજ નામ્બિયર જ હતો. પછી તો મૌની અવારનવાર કામને કારણે દુબઈ આવતી રહેતી. આ દરમિયાન સૂરજ ને મૌની અનેકવાર મળવા લાગ્યા. સતત મળવાને કારણે બંને વચ્ચે ધીમે ધીમે પ્રેમ પાંગર્યો. મૌની મુંબઈમાં તો સૂરજ દુબઈમાં રહેતો, પરંતુ બંને લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપથી ટેવાઈ ગયા હતા. બંને અવારનવાર એકબીજાને મળતા. કોરોનામાં બંને નજીક આવ્યા 2020માં દુનિયાભરમાં કોરોનાએ ભરડો લીધો. આ દરમિયાન મૌની દુબઈમાં હતી. આ જ કારણે સૂરજ ને મૌની વચ્ચે ગાઢ સંબંધો બંધાયા. આટલું જ નહીં સૂરજના પરિવારને મૌની ઘણી જ ગમી ગઈ. સૂરજ લગ્ન માટે હજી રાહ જોવા માગતો હતો, પરંતુ પેરેન્ટ્સ એક્ટ્રેસથી ઘણા જ ઇમ્પ્રેસ થતાં તેમણે લગ્નની વાત નક્કી કરી. બે વર્ષના ડેટિંગ બાદ મૌનીએ એક્ટ્રેસ મંદિરા બેદીના ઘરે સૂરજ તથા પેરેન્ટ્સની મુલાકાત કરાવી ને તેમને પણ આ સંબંધ સામે કોઈ જાતનો વિરોધ નહોતો. જાન્યુઆરી, 2022માં સૂરજ ને મૌનીએ પરિવાર ને નિકટના મિત્રોની હાજરીમાં બંગાળી ને મલયાલી એમ બે વિધિથી ગોવામાં ધામધૂમથી લગ્ન કર્યા. કોણ છે સૂરજ? સૂરજ નામ્બિયાર મૂળ મલયાલી છે અને બેંગલુરુનો છે. તેણે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ ને પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તે દુબઈમાં પિતાનો બિઝનેસ સંભાળવા લાગ્યો. આ ઉપરાંત તે દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ બેંકર તરીકે પણ કામ કરે છે. લગ્ન બાદ સૂરજ ને મૌનીએ ફેબ્રુઆરી, 2022માં અલ્ટીમેટ ગુરુસ, અ ગ્લોબલ એજ્યુકેશન ટેક પ્લેટફોર્મ લૉન્ચ કર્યું. સૂરજની નેટ વર્થ અંદાજે 60 કરોડની આસપાસ છે. મે, 2026માં અલગ થવાની વાત કરી મે, 2026માં સૂરજ તથા મૌનીએ વેડિંગ ફોટો ડિલિટ કર્યા ને પછી બંનેએ સો.મીડિયામાં એકબીજાને અનફોલો કરી દીધા હતા. મૌનીએ પ્રાઇવસીની અપીલ કરી હતી. જોકે, આ દરમિયાન એવી ચર્ચા થવા લાગી કે મૌનીએ એલિમની માટે કરોડો રૂપિયા માગ્યા હતા. મૌની ને સૂરજ વચ્ચે ત્રીજી વ્યક્તિ આવતા આ લગ્ન તૂટી ગયા. કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે મૌનીની ખાસ ફ્રેન્ડ ને બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીને કારણે ડિવોર્સ થયા. જાતજાતની વાતો થતાં અંતે કંટાળીને સૂરજે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી, 'અમે અલગ થયા બાદથી પાયાવિહોણી વાતો થઈ રહી છે અને આખી વાતને ખોટી રીતે દર્શાવવામાં આવી રહી છે. હું સ્પષ્ટતા કરવા માગું છું કે મૌનીને કોઈ એલિમની આપવામાં આવી નથી. અમારી વચ્ચે કોઈ વિવાદ નથી અને કોઈ થર્ડ પાર્ટી સામેલ નથી. મૌની અને મેં એકબીજાની ભલાઈને કારણે અલગ થવાનો નિર્ણય સાથે મળીને લીધો છે. બંને લોકોને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.' થોડા દિવસ બાદ જ મૌની ને સૂરજ એકબીજાને સો.મીડિયામાં ફોલો કરવા લાગ્યા. દિશા પટની સાથે લગ્ન કર્યાની વાતો વહેતી કરવામાં આવી! મૌનીના ડિવોર્સ થતાં જ એક તસવીર સો.મીડિયામાં આગની જેમ વાઇરલ થઈ હતી. આ તસવીરમાં મૌની ને દિશા પટનીએ લગ્ન કર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બંનેએ ગળામાં માળા પહેરી હતી ને બંને એકબીજા સામે જોઈને હસતી હતી. આ સાથે જ એમ કહેવામાં આવ્યું હતું, 'એક ચેપ્ટર પૂર્ણ થયા બાદ મને તેનામાં હંમેશાંનો પ્રેમ મળી ગયો. દિશા અને હું આ લવ સ્ટોરીને લગ્નનું નામ આપવા તૈયાર છીએ. હીલિંગથી જ ખુશીની શરૂઆત થાય છે.' ખોટી રીતે વાઇરલ કરવામાં આવી મૌની ને દિશાની આ તસવીર સાચી હતી, પરંતુ બંનેએ લગ્ન નથી કર્યા. આ તસવીર મૌની ને દિશા ઇસ્કોન મંદિરમાં પૂજા કરવા ગયા તે સમયની હતી. દિશા કે મૌનીએ આ અંગે હજી સુધી કોઈ વાત કરી નથી. કાનમાં પટોળામાં જોવા મળી મૌની રૉય કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહેલા દિવસે બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. બીજા દિવસે મૌની પટોળામાં સુંદર લાગતી હતી. મૌનીનો ડ્રેસ 240 કલાક એટલે કે 10 દિવસે તૈયાર થઈ રહ્યો હતો. આ આઉટફિટમાં મૌની ઘણી જ સુંદર લાગતી હતી. ફિલ્મ ફેસ્ટિવલમાં મૌનીએ આગામી ફિલ્મ 'બોમ્બે સ્ટોરીઝ'ને પ્રેઝન્ટ કરી હતી. આ પ્રોજેક્ટ ઓથર સાદત હસન મંટોના કામ પર આધારિત એક સટાયર છે. મૌની આ પહેલા 2023 તથા 2025માં પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી ચૂકી છે. પ્લાસ્ટિક સર્જરીને કારણે પણ વિવાદમાં રહે છે મૌનીએ 'ક્યૂંકી..'માં જ્યારે કામ કર્યું તે સમયના અને હાલના લુકમાં આસામન-જમીનનું અંતર જોવા મળે છે. એવી ચર્ચા છે કે મૌનીએ હોઠ તથા જૉ લાઇન વ્યવસ્થિત બનાવવા કોસ્મેટિક સર્જરી કરાવવી છે. આ ઉપરાંત તે ફિલર્સનો પણ ઉપયોગ કરે છે. આ ઉપરાંત મૌનીએ નોઝ સર્જરી પણ કરાવી છે. મૌની કપાળમાં પણ બોટોક્સ લીધા હોવાની ચર્ચા છે. અલબત્ત, મૌનીએ સર્જરીની વાતને બકવાસ ગણાવી છે. તેણે એવો દાવો કર્યો છે કે યોગ, સ્ટ્રિક્ટ ડાયટ ને વર્ક આઉટને કારણે તેનો ચહેરો શાર્પ બન્યો છે. મુંબઈમાં મૌની પાસે બે ઘર મૌની પાસે મુંબઈના પોશ એરિયા બાંદ્રામાં લક્ઝરી અપાર્ટમેન્ટ છે અને તેની કિંમત 25 કરોડની આસપાસ હોવાની ચર્ચા છે. આટલું જ નહીં, મુંબઈમાં જ મૌનીનું પેન્ટહાઉસ છે અને તેની કિંમત પણ કરોડોમાં છે. મૌની બ્રાન્ડ એન્ડોર્સ માટે સામાન્ય રીતે 1-2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત કેમિયો મ્યૂઝિક વીડિયોમાં કામ કરવાની ફી ત્રણ કરોડ ને ફિલ્મમા કામ કરવા 5-6 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. મૌની પ્રીમિયમ રેસ્ટોરાં બદમાશની કો-ઑનર પણ છે.
Read Original Article →