સસ્પેન્સ ખુલ્યું, ધુરંધર-3 આવશે કે નહીં?:રણવીરને હમઝા બનાવનાર IB અધિકારી સાથે ભાસ્કરની વાતચીત; 'ધુરંધર'ના ગુજરાતી કલાકાર માનવનું નસીબ એક ફોનથી પલટાયું
એક કલાકારની સાચી ઓળખ ત્યારે બને છે, જ્યારે તે ભીડમાં પણ પોતાની હાજરી નોંધાવી જાય. માનવ ગોહિલએ આ વાતને ફરી એકવાર સાબિત કરી છે. ‘ધુરંધર 2’ જેવી મોટા કેનવાસની ફિલ્મમાં, જ્યાં દરેક ફ્રેમમાં સ્ટારડમ ઝળહળે છે, ત્યાં મર્યાદિત સ્ક્રીન ટાઈમ હોવા છતાં ગુજરાતના ‘ધુરંધર’ કલાકારની એક્ટિંગ લાંબા સમય સુધી યાદ રહી જાય તેવી છે. ફિલ્મના ઇન્ટેન્સ અને ગંભીર માહોલ વચ્ચે, તેમનું પાત્ર ઇન્ટેલિજન્સ ઓફિસર સુશાંત બંસલ માત્ર એક સાઇડ રોલ નથી રહેતું, પરંતુ સ્ટોરીને આગળ ધપાવતી એક મહત્વપૂર્ણ કડી બની જાય છે. અહીં શબ્દો કરતાં મૌન વધારે બોલે છે, આંખો ડાયલોગ્સ કરતાં વધુ અસરકારક સાબિત થાય છે. રણવીર સિંહને જસકિરતમાંથી ‘હમઝા’ બનાવનાર ફિલ્મના સુશાંત બંસલ એટલે કે માનવ ગોહિલની ‘દિવ્ય ભાસ્કર’ સાથેની ખાસ વાતચીતમાં પાત્રની તૈયારી, ફિલ્મને લઈને ઊઠતા સવાલો, ‘ધુરંધર 3’ અંગેના સંકેતો અને ફિલ્મ સુધી પહોંચવાની તેમની સફર સહિત સિક્રેટ અને રસપ્રદ વાતો શેર કરી છે. માનવ ગોહિલ આ ફિલ્મ માટે પહેલી પસંદ નહોતા આ વાત તેમણે ખુદ સ્વીકારી છે. એક સામાન્ય ફેમિલી વેકેશન દરમિયાન આવેલા ફોન કોલે તેમની કારકિર્દીને નવી દિશા આપી. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા તરફથી ડેટ્સ માગવામાં આવી અને થોડા સવાલો બાદ તેઓ બેંગકોક પહોંચી ગયા. ‘મુકેશનો ફોન આવ્યો ત્યારે મને પણ આશ્ચર્ય થયું. આમ તો તેમની સાથે કામ કરવાનું હોય તો પ્રશ્ન ઊભો થતો નથી, પરંતુ આ વખતે અચાનક બોલાવ્યો એટલે મનમાં મૂંઝવણ હતી, પણ વિશ્વાસ કરી પ્રોજેકટ જોઈન કર્યો અને થોડા જ દિવસોમાં શૂટિંગ શરૂ થઈ ગયું.’ આ વાત એક તરફ એ ઇશારો કરે છે કે સિનેમાની દુનિયામાં પ્રતિભા અને સમય, બંનેનો સંગમ જ તકના દરવાજા ખોલે છે. સ્ક્રિપ્ટમાં જ છુપાયેલો હતો ‘ધમાકો’ માનવ ગોહિલ કહે છે કે- ‘ફિલ્મની સફળતા તેમને અચંબામાં મૂકી ગઈ, પરંતુ સ્ક્રિપ્ટ વાંચતી વખતે જ કંઈક મોટું બનવાનું આભાસ થયો હતો.’ ‘વાંચન બાદ હું ખૂબ ખુશ થયો હતો. લાગ્યું કે કંઈક અલગ બનાવી રહ્યા છીએ, પરંતુ રિલીઝ પછી આટલી મોટી સફળતા મળશે, એનો અંદાજ નહોતો.’ તેમના મતે, આ ફિલ્મ માત્ર એક હિટ નથી, પરંતુ તે સિનેમાની ભાષામાં બદલાવ લાવવાનો પ્રયાસ છે એક એવી શરૂઆત, જ્યાં સ્ટોરી અને પ્રસ્તુતિ બંને નવા માપદંડ સેટ કરે છે. વાર્તા પહેલા, પછી પાત્ર ફિલ્મોની પસંદગી અંગે માનવ ગોહિલનો અભિગમ સ્પષ્ટ છે- વાર્તા પ્રથમ આવે છે, પછી પાત્ર. ‘હું સ્ક્રિપ્ટ અને તેની અંદર મારું સ્થાન જોઉં છું. પાત્ર કેટલું મોટું છે એ મહત્ત્વનું નથી, પરંતુ તે વાર્તામાં શું ઉમેરે છે તે મહત્ત્વનું છે.’ આ દૃષ્ટિએ જ તેમને આ ફિલ્મમાં એક એવો રોલ પસંદ કરાવ્યો, જે આમ તો બહુ નાનો હતો, પરંતુુ અસરમાં વિશાળ સાબિત થાય છે. ‘તૈયારી માટે સમય જ નહોતો’ આશ્ચર્યજનક રીતે, તેમને આ પાત્ર માટે ખાસ તૈયારી કરવાનો સમય મળ્યો નહોતો. પરંતુ અહીં ડિરેક્ટર આદિત્ય ધરનું વિઝન માર્ગદર્શક બન્યું. ‘આદિત્ય દરેક બાબતમાં ચોક્કસ હતો. સ્ક્રીનપ્લે હોય કે કેરેક્ટર. કેટલું ઈમોશન બતાવવું, ક્યારે રોકાવું તે સતત માર્ગદર્શન આપતો હતો.’ તેમ છતાં, ઘણીવાર પાત્રની અભિવ્યક્તિ અંગે મતભેદ પણ થયા. માનવ ગોહિલનો અભિગમ હતો કે એક ઇન્ટેલિજન્સ અધિકારી વધુ એક્સપ્રેસિવ ન હોય તેની અંદર શું ચાલી રહ્યું છે, તેની ઝલક પણ બહાર ન આવે. આ આંતરિક ખેંચતાણે જ કદાચ આ પાત્રને વધુ વાસ્તવિક બનાવ્યું. લોકોના વખાણ સાંભળી ખુશી અનુભવી ફિલ્મ રિલીઝ થયા બાદ મળેલા પ્રતિસાદે ખૂબ જ ચોંકાવી દીધો છે. ‘મને એવા લોકોના ફોન આવ્યા, જે સામાન્ય રીતે ખાસ પ્રસંગોએ પણ ફોન નથી કરતા. વખાણ સાંભળીને લાગ્યું કે મહેનત સફળ થઈ. એક કલાકાર માટે આ સ્વીકાર જ સૌથી મોટોં પુરસ્કાર હોય છે.’ સેટ પરના ‘સ્ટાર્સ’ અને સિક્રેટ સેટ પરના અનુભવો અંગે વાત કરતાં તે એક રસપ્રદ નિરીક્ષણ કરે છે, સ્ટારડમ ઘણીવાર એક ધારણા માત્ર છે. રણવીર સિંહનોી મોજીલો સ્વભાવ, માધવનનો અનુભવ અને આદિત્ય ધરનું દૃઢ વિઝન, આ ત્રણ તત્વોએ સેટનું વાતાવરણ ઘડ્યું. ‘રણવીર ખૂબ બિન્ધાસ્ત છે, જ્યારે માધવન મોટાભાઈની જેમ માર્ગદર્શન આપે છે. તેમની સાથે કામ કરતાં સમજાયું કે સ્ટારડમથી વધારે મહત્ત્વ ટીમવર્કનું છે.’ શૂટિંગ દરમિયાન ગપ્પા, ફિલ્મો અને પુસ્તકો આ બધું એક સર્જનાત્મક વાતાવરણ બનાવે છે, જ્યાં દરેક કલાકાર પોતાનું શ્રેષ્ઠ આપે છે. ફિલ્મનો સાચો ‘ધુરંધર’ કોણ છે? માનવ ગોહિલ માટે ફિલ્મનો સાચો ‘ધુરંધર’ ડિરેક્ટર આદિત્ય ધર છે. ‘તેમના વિઝન વગર આ શક્ય નહોતું. ફિલ્મના દરેક પાત્ર ‘રહેમાન ડકૈત’થી લઈને ‘હમઝા’ સુધી પોતપોતાના સ્તરે અસરકારક બને છે અને એ જ એક મજબૂત ડિરેક્ટરની નિશાની છે. કોઈ રિયલ લાઈફ અધિકારી સાથે મુલાકાત થઈ? ફિલ્મના ટેકનિકલ પાસાં સમજવા માટે આર્મી બેકગ્રાઉન્ડ ધરાવતા એક અધિકારી સાથે વાત કરવાનો મોકો મળ્યો. માનવે કહ્યું- ‘જે પાત્ર હું ભજવી રહ્યો છું, તેમની સાથે સીધી મુલાકાત થઈ નથી, પરંતુ ભવિષ્યમાં એવી તક મળે તો ગમશે.’ શું ‘ધુરંધર 3’ આવશે? ફિલ્મના ત્રીજા ભાગ અંગે ઉત્સુકતા વચ્ચે તેઓ સ્પષ્ટ કહે છે- ‘અત્યારે કોઈ પ્લાનિંગ નથી. મૂળ વિચાર તો એક જ ફિલ્મ બનાવવાનો હતો, પરંતુ વાર્તાની વ્યાપકતાને કારણે તેને બે ભાગમાં રજૂ કરવી પડી. આદિત્ય ધરે જે રીતે રિસર્ચ કર્યું હતું તે પ્રમાણે આ બંને પાર્ટ પણ ટ્રિમ અને ક્રિસ્પ વર્ઝનમાં રજૂ કરવામાં આવ્યા છે.’ ગુજરાતીની કઈ વાતને મુંબઈમાં યાદ કરો છો? ગુજરાતી કલાકાર આવેને ગુજરાતની વાતો ન થાય એવું તો કેવી રીતે બને, માનવ ગોહિલને જ્યારે સુરેન્દ્રનગરથી મુંબઈની સફર વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું- ઝાલાવાડમાં તો મારો ખાલી જન્મ જ થયો છે, બાકી ઉછેર વડોદરામાં થયો અને પછી મુંબઈને કર્મભૂમિ બનાવી. માનવ ગોહિલ માટે આ સફર સરળ નહોતી. ‘શરૂઆતમાં જુસ્સો તો હતો, પરંતુ સમજ ઓછી હતી. સમય સાથે બધું શીખતો ગયો. સ્પોર્ટ્સથી શરૂ થયેલી આ સફર મોડલિંગ અને પછી એક્ટિંગ સુધી આવી પહોંચી એક સ્વાભાવિક પરંતુ દૃઢ પરિવર્તન વિશે શરૂઆતથી તો મને કોઈ જ અંદાજ નહોતો. મુંબઈમાં વર્ષો વિતાવ્યા છતાં તેમનું ગુજરાતીપણું અડગ છે. નવરાત્રિ, ઉત્તરાયણ અને પરંપરાગત સ્વાદનો ચટકારો ખાસ કરીને ભાખરી મને મારા મૂળ સાથે જોડી રાખે છે. તેઓ કહે છે- ‘મુંબઈમાં ગુજરાતના ફેસ્ટિવલ અને ફૂડની બહુ યાદ આવે છે.’ ગુજરાતી સિનેમાનો પડકાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અંગે તેઓ આશાવાદી છે, પરંતુ વાસ્તવિક પણ છે. “અલગ-અલગ જોનરાની ફિલ્મો આવી રહી છે, પરંતુ હજી મેઈનસ્ટ્રીમ સાથે સરખામણી યોગ્ય નથી, મારા મતે પ્રેક્ષકોનો સપોર્ટ વધશે (ફિલ્મ થિએટરોમાં જોશે) ત્યારે જ મોટા બજેટ અને મોટા પ્રોજેક્ટ્સ શક્ય બનશે. પાત્રમાંથી બહાર આવી ગયો, પણ અસર છૂટતી નથી માનવ કહે છે- ‘ધુરંધર’ના પાત્રમાંથી બહાર આવવું સરળ હતું, પરંતુ ફિલ્મની ઓવરઓલ ઇમ્પેક્ટ હજી પણ અંદર ઘર કરી ગઈ છે. આટલી મોટી ફિલ્મનો ભાગ બનવું એ વાત હજી પણ સ્વપ્ન સમાન લાગે છે.’ શું આ ફિલ્મ પ્રોપેગેન્ડા છે? ફિલ્મને ‘પ્રોપેગેન્ડા’ કહીને ટીકા કરવામાં આવે છે. આ અંગે માનવ ગોહિલ સંયમિત અવાજમાં, પરંતુ તીખો પ્રતિભાવ આપે છે. કહ્યું- ‘આર્ટ અને પોલિટિક્સને અલગ રાખવા જોઈએ. તમે કઈ દૃષ્ટિએ જુઓ છો, એ તમારી માનસિકતા પર આધાર રાખે છે.” આ જવાબ માત્ર બચાવ નથી, પરંતુ એક દૃષ્ટિકોણ છે, જેમાં કલાને તેના મૂળ સ્વરૂપમાં સમજવાનો આગ્રહ છે. હા, તમે પ્રોપેગેન્ડાની નજરથી જોઈ શકો છો પણ આદિત્ય ધરનો આઈડિયા સારી ફિલ્મ બનાવવાનો હતો જે તેને બનાવી. તેમ છતાં શંકાની નજરે જોનારાઓને જોવા દેવું જોઈએ.’ 'ધુરંધર 2’માં તેની એક્ટિંગ એ યાદ અપાવે છે કે સિનેમામાં અવાજ કરતા સત્ય વધુ અસરકારક હોય છે અને કદાચ, એ જ એક સાચા કલાકારની ઓળખ છે.
Read Original Article →