બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરી 250 માછીમારોના જીવ બચાવ્યા:દરિયામાં વાવાઝોડા સામે ઝઝૂમી, કચ્છની પૂજાએ કહ્યું પાયલટ કરતાં ગૃહિણીનું કામ અઘરું

Gujarat6/4/2026, 12:30:00 AM
બાંગ્લાદેશ બોર્ડર ક્રોસ કરી 250 માછીમારોના જીવ બચાવ્યા:દરિયામાં વાવાઝોડા સામે ઝઝૂમી, કચ્છની પૂજાએ કહ્યું પાયલટ કરતાં ગૃહિણીનું કામ અઘરું
કચ્છનું કાળી તલાવડી ગામ. એક એવો અંતરિયાળ વિસ્તાર જ્યાં આહીર સમાજમાં દીકરીઓનું શિક્ષણ ખૂબ જ મર્યાદિત હતું. આવા રૂઢિચુસ્ત વાતાવરણમાંથી આવતી એક દીકરી એટલે પૂજા આહીર (પૂજા પટેલ) . જેણે તમામ સામાજિક બંધનો અને પડકારોનો સામનો કર્યો ને પોતાનો માર્ગ જાતે બનાવ્યો. ને માત્ર કચ્છના આહીર સમાજની જ પ્રથમ મહિલા પાયલોટ નથી બની, પરંતુ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ગુજરાતની સર્વપ્રથમ મહિલા પાયલોટ બનવાનું ગૌરવ પણ મેળવ્યું છે. હાલમાં તે ઇન્ડિગો એરલાઇન્સમાં કોમર્શિયલ પાયલોટ તરીકે ફરજ બજાવે છે. ‘જન્મ સમયે દાદાએ કહ્યું આપણા ઘરમાં બેનઝીર ભુટ્ટો આવી છે’ પૂજાનો જન્મ કચ્છના એક એવા માહોલમાં થયો હતો જ્યાં દીકરીના જન્મને બહુ ઉત્સાહથી વધાવવામાં આવતો નહોતો. પૂજાના પિતા રમેશભાઇ કાનજીભાઇ આહીર ક્રેઇન અને હાઇડ્રોલિક મશીનનો બિઝનેસ કરતા હતા. જ્યારે પૂજાનો જન્મ થયો બરાબર તે જ દિવસે પાકિસ્તાનમાં બેનઝીર ભુટ્ટો પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા. પૂજાના દાદા ભલે બહુ ભણેલા નહોતા પણ ટ્રાન્સપોર્ટના બિઝનેસને કારણે વૈશ્વિક પ્રવાહોથી વાકેફ હતા. તેમણે દીકરીના જન્મ સમયે જ ગર્વથી કહ્યું કે આપણા ઘરમાં બેનઝીર ભુટ્ટો આવી છે અને તેમણે પૂજાનું ઉપનામ જ બેનઝીર પાડી દીધું. એક નાનકડા ગામડામાંથી નીકળીને આંતરરાષ્ટ્રીય સરહદ પર મિલિટરી એરક્રાફ્ટ ઉડાડવા અને દેશની પ્રથમ મહિલા કોસ્ટ ગાર્ડ પાયલોટ બનવા સુધીની અદભૂત સફર વિશે જાણવા દિવ્ય ભાસ્કરે પૂજા, તેમના માતા સરસ્વતીબેન, પિતા રમેશભાઈ આહીર અને મોટી બહેન નિરાલી સાથે વાત કરી હતી. ‘હું નાની હતી ત્યારે ફ્લાઇંગ સ્કૂલ સર્ચ કરતી હતી’ પૂજા કહે છે કે, હું જ્યારે સાવ નાની હતી અને ધોરણ 3-4માં ભણતી હતી ત્યારથી જ હું એક જ રટણ કરતી હતી કે મમ્મી, મારે મોટી થઇને પાયલોટ જ બનવું છે. એ જમાનામાં સ્માર્ટફોન કે ઇન્ટરનેટનો આટલો પ્રભાવ નહોતો પણ હું ન્યૂઝપેપરમાં આવતા એવિએશનના સમાચાર કાપીને બૂકમાં સાચવી રાખતી. હું ધોરણ-3માં હતી, ત્યારે અમારી ઓફિસમાં બિઝનેસના કામ માટે રાખેલું કોમ્પ્યુટર જાતે જ ઓપરેટ કરવા બેસી જતી. જ્યારે મમ્મી મોડી રાત્રે જાગવા બદલ ટોકતી ત્યારે હું કહેતી કે ઇન્ડિયામાં ભલે રાત હોય, અમેરિકામાં તો અત્યારે દિવસ છે ને. હું મારા માટે અમેરિકાની ફ્લાઇંગ સ્કૂલ સર્ચ કરી રહી છું. હું ત્યાં જઇને જ પાયલોટ બનીશ. ‘પપ્પાએ શરત મુકી કે અમેરિકા જવાની પ્રોસેસ જાતે જ કરવાની’ શરૂઆતમાં પૂજાએ અમદાવાદમાં ફ્લાઇંગ ટ્રેનિંગ શરૂ કરી પણ તેને મજા નહોતી આવતી. તેણે પપ્પાને સાફ કહી દીધું કે પપ્પા, અહીં મારું અસલી સપનું પૂરું નહીં થાય. પાયલોટ ટ્રેનિંગ માટે ઇન્ડિયા કરતાં અમેરિકા ઘણું સારું છે, મારે ત્યાં જવું છે. આના પછી તેના પપ્પાએ શરત મૂકી કે હું ફાઇનાન્સિયલી સપોર્ટ કરીશ પણ અમેરિકા જવાની બધી પ્રોસેસ તારે જાતે જ કરવાની રહેશે. ‘મેં જાતે જ અમેરિકાની ફ્લાઇંગ સ્કૂલમાં એડમિશન લીધુ’ કોઇપણ એજન્ટ રાખ્યા વગર પાસપોર્ટ કઢાવવાથી માંડીને વિઝા એપ્લિકેશન અને અમેરિકાની ટોપ ફ્લાઇંગ સ્કૂલમાં એડમિશન મેળવવા સુધીની પ્રોસેસ પૂજા અને તેની મોટી બહેને જાતે જ કરી છે. કોઇ સગા સંબંધી ન હોવા છતાં 17-18 વર્ષની ઉંમરે 2 ઇન્ટરનેશનલ ફ્લાઇટ બદલીને પૂજા અમેરિકા એકલી ગઇ હતી. અમેરિકામાં કોઈ સગાં નહોતા એટલે તેના પિતા ડરતા હતા પણ માતાએ દીકરી પર ભરોસો મૂક્યો હતો. ‘અમેરિકામાં મેં વિઝ્યુલ ફ્લાઇંગ અને નાઇટ ફ્લાઇંગની ટ્રેનિંગ લીધી’ પૂજા કહે છે કે અમેરિકામાં સોલો ફ્લાઇટ મળ્યાં બાદ નિયમો પ્રમાણે કુલ 200 કલાકની ટ્રેનિંગ લેવાની હોય છે, જેમાંથી 100 કલાક એકલા પ્લેન ઉડાડવાનું હોય. આ ટ્રેનિંગ દરમિયાન વાદળોની અંદર પ્લેન ઉડાડવાનું હોય છે, જેને 'ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લાઇંગ' કહેવાય છે. આ ઉપરાંત 'વિઝ્યુઅલ ફ્લાઇંગ' અને 'નાઇટ ફ્લાઇંગ' પણ કરવાનું રહે છે. અમેરિકામાં ઘણી બધી એરફિલ્ડ હતી, જ્યાં કોઇ 'એર ટ્રાફિક કંટ્રોલર' (ATC) ન હોય. તમારે ત્યાં એકલા જવાનું અને પોતે જ રેડિયો પર એનાઉન્સ કરવાનું કે 'હું અહીંયા લેન્ડિંગ કરવા આવી રહી છું.' ત્યાં મદદ માટે કોઈ માણસ ન હોય. પ્લેનમાં ફ્યૂઅલ પણ જાતે જ ભરવાનું હોય અને ત્યાંના ફ્રિક્વન્સી કોડનો ઉપયોગ કરો ત્યારે જ ત્યાંની ઓફિસ ખુલે. મેં ત્યાં એક અલગ જ પ્રકારની ઇન્ડિપેન્ડન્ટ લાઇફ જોઇ. ‘ક્યારેક એકલતા સાલતી એટલે રડવું પણ આવતું’ અમેરિકામાં બહાર બધે નોન-વેજ મળતું હોવાથી પૂજાને જાતે જ રાંધવું પડતું. તે આશરે 9થી 10 ભારતીય વિદ્યાર્થીઓ સાથે એક ફ્લેટમાં રહેતી અને ભેગા મળીને કામ મેનેજ કરતી. પૂજા રોટલી વણતી અને બીજા વિદ્યાર્થીઓ શાક બનાવતા. એ દિવસોમાં ક્યારેક એકલતા સાલતી અને પૂજાને રડવું પણ આવી જતું કે ઘરે મમ્મી હોત તો પ્રેમથી પીરસત. ‘માત્ર 10 મહિનામાં મારી ટ્રેનિંગ પૂરી કરી લીધી’ પૂજા આગળ કહે છે કે, ઓનલાઇન રિટર્ન એક્ઝામ કરતાં ફ્લાઇંગની પ્રેક્ટિકલ એક્ઝામ વધારે ટફ હોય છે કારણ કે દિવસ દરમિયાન એક્ઝામિનર તમારી સાથે પ્લેનમાં બેસે છે અને તમને હવામાં જ એવી અણધારી કટોકટીની પરિસ્થિતિઓ આપે છે. જેમ કે એન્જિન ફેલિયર કે સિસ્ટમ ક્રેશ, જેમાંથી પ્લેનને સુરક્ષિત બહાર કાઢી અલગ-અલગ રીતે લેન્ડિંગ કરીને બતાવવાનું હોય છે. આ બધા જ ટેસ્ટ મેં પાસ કર્યા અને માત્ર 10 મહિનામાં મારી ટ્રેનિંગ પૂરી કરી લીધી. દિલ્હીમાં દિવસ-રાત એક કર્યા અને ડિફેન્સ ક્ષેત્રે એન્ટ્રી પૂજા સાથે અમેરિકામાં એક બનાવ બન્યો હતો. આ બનાવ અંગે વાત કરતા તે કહે છે કે, ટ્રેનિંગ પૂરી થવાના ગાળામાં અમેરિકામાં અમારી સાથે એક પ્લેનનો ઇન્સિડન્ટ બન્યો. જેના કારણે એ મલ્ટી-એન્જિન પ્લેન મેઇન્ટેનન્સમાં જતું રહ્યું. અમારે બે એન્જિનવાળા પ્લેન 25 કલાક ઉડાડવાના બાકી હતા. સમય બચાવવા મેં અમેરિકાના લાયસન્સને ઇન્ડિયન લાયસન્સમાં કન્વર્ટ કરાવવા વચ્ચે ઇન્ડિયા આવવાનો ક્રિટિકલ નિર્ણય લીધો. ઇન્ડિયામાં DGCAની પરીક્ષા દર 3 મહિને આવતી અને બધા 3-3 મહિનાના ક્લાસીસ કરતા પણ મારી પાસે માત્ર 1 જ મહિનાનો સમય હતો. ‘મંદીના કારણે એક વર્ષ ઘરે બેસી રહી’ પૂજાને આશા હતી કે તે લાઇસન્સ લઇને ભારત આવી પાયલટ ટ્રેનિંગ પાછળ સવા કરોડ ખર્ચનારા પિતાને આર્થિક રીતે મદદ કરીશ પરંતુ વર્ષ 2009ની વૈશ્વિક મંદીને કારણે કિંગફિશર અને એર ડેક્કન જેવી મોટી એરલાઇન્સ કંપનીઓ ડૂબી ગઇ અને પાયલટ્સની નોકરીઓ જ ન રહી.આ મંદીના કારણે એક આખું વર્ષ ઘરે બેસી રહેવું પડ્યું. એ મુશ્કેલ સમયમાં આસપાસના લોકો પણ પિતાને મહેણાં મારતા કે દીકરી પાછળ આટલો મોટો ખર્ચ કેમ કર્યો? ‘PSB તેમજ FSBની અત્યંત અઘરી પરીક્ષાઓમાં પાસ કરી’ આ મંદીના સમયમાં જ પૂજાની લાઇફમાં નવો વળાંક આવ્યો. તે કહે છે કે દિલ્હીમાં મને ખબર પડી કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં પાયલટ તરીકે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ડાયરેક્ટ ભરતી આવી છે. મેં વર્ષ 2010માં ત્યાં એપ્લાય કર્યું. ઇન્ટરવ્યૂ દરમિયાન ત્યાં બેઠેલા એક ઓફિસરે મારા ડોક્યુમેન્ટ્સ જોઇને પૂછ્યું કે, 'તમે તો પટેલ છો?. તમે લોકો તો માત્ર બિઝનેસ જ કરો છો. તમે ક્યાંથી દેશની સેવામાં આવશો?' મેં તેમની આંખમાં આંખ મિલાવીને નીડરતાથી કહ્યું: 'સાહેબ, હું અહીં પૈસા કમાવવા નથી આવી, પાયલટ બનવું એ મારું પૅશન છે અને જો પાયલટ બનીને મને દેશની સેવા કરવાની તક મળતી હોય, તો હું કેમ ન આવું?' મારો જવાબ સાંભળીને તેઓ પ્રભાવિત થયા અને હું PSB તેમજ FSBની અત્યંત અઘરી પરીક્ષાઓમાં પાસ થઇ ગઇ. ‘ડોનિયર પ્લેન ચસાવવાની એડવાન્સ ટ્રેનિંગ કરી’ ઇન્ડિયન નેવલ એકેડેમીમાં કેરળના એઝિમાલા ખાતે પૂજાએ 6 મહિના સુધી આકરી ફિઝિકલ ટ્રેનિંગ લીધી હતી. સવારે 3 વાગ્યાથી શરૂ કરીને રાત્રે 9 કે 10 વાગ્યા સુધી સતત પરેડ, પીઠ પર ભારે વજન અને હાથમાં મશીનગન સાથે પહાડોમાં દોડવાનું રહેતું. સાથે ઇન્ડિયન નેવલ લો અને મેરિટાઇમ લો ભણવાના હતા. ત્યાંથી પાસ થઇને કોચીમાં બીજા 6 મહિના સ્પેશિયલ કોસ્ટ ગાર્ડની ટ્રેનિંગ ચાલી. જ્યાં તેમને શિપ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી. ત્યારબાદ પ્રથમ પોસ્ટિંગ દમણ ખાતે થયું, જ્યાં ડોનિયર (Dornier-228) પ્લેન ચલાવવાની એડવાન્સ ટ્રેનિંગ પૂરી થતાં જ મને એઝ એ પાયલોટ વિંગ્સ મળ્યા. ‘સરહદો પર મેરિટાઇમ પેટ્રોલિંગ કર્યું હતું’ પૂજાએ કોસ્ટ ગાર્ડમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટના રેન્ક પર સ્પેશિયલાઇઝ્ડ પાયલટ તરીકે 8 વર્ષ સુધી દેશની સેવા કરી. જેમાં 'ડોનિયર' પ્લેન દ્વારા દરિયાઈ સરહદો પર મેરિટાઇમ પેટ્રોલિંગ કર્યું હતું. તેમની પાસે સ્પેશિયલાઇઝ્ડ ચાર્ટ હોય. જેમાં આંતરરાષ્ટ્રીય સરહદોના લેટિટ્યૂડ, લોન્જિટ્યૂડ માર્ક કરેલા હોય છે. તેમનું મુખ્ય કામ માછીમારોની સુરક્ષા કરવાનું હતું. જો કોઇ માછીમાર ભૂલથી સરહદ તરફ આગળ વધે તો પ્લેનમાં રહેલા ખાસ સાયરન અને રેડિયો દ્વારા મેરિટાઇમ ફ્રિક્વન્સી પર તેમની સાથે સીધી વાતચીત કરીને તેમને પાછા મોકલવાનું કામ કરતા હતા. 250 જિંદગીઓ બચાવવાનું મહામિશન એક મિશન વિશે વાત કરતા પૂજા કહે છે કે દરિયામાં કોઇ ડૂબી જાય તો તેને બચાવવા માટે દર વર્ષે અમારે હેલિકોપ્ટરથી દોરડા મારફતે દરિયાના તોફાની મોજાં વચ્ચે ખુદ સ્વિમિંગ કરવાની અને જાન બચાવવાની કડક તાલીમ લેવાની રહેતી. પાછળથી આ અઘરી ટ્રેનિંગ હું પોતે જ સેફ્ટી ઓફિસર તરીકે અન્ય જવાનોને કરાવતી હતી. મિશન દરમિયાન જો અમને દરિયામાં કોઇ ડૂબતા માણસનું લોકેશન મળે તો અમે પ્લેનને માત્ર 50 ફૂટની ઊંચાઇ પર એકદમ લો-લેવલ પર લઇ જતા અને પ્લેનનો દરવાજો ખોલીને નીચે લાઇફ ક્રાફ્ટ ફેંકતા. જેથી હેલિકોપ્ટર આવે ત્યાં સુધી જીવ બચે. દરિયામાં જ્યારે જહાજો વચ્ચે અકસ્માત થાય ત્યારે અમે 100 થી 150 ફૂટની નીચી ઊંચાઇએ ઉડીને ખાસ પોડ્સ દ્વારા કેમિકલ સ્પ્રે કરતા જેથી ઓઇલનું લેયર તૂટી જાય અને દરિયાઇ જીવ સૃષ્ટિ બચે. પૂજાએ વાવાઝોડા સમયનો એક કિસ્સો પણ શેર કર્યો. તેણે જણાવ્યું, એકવાર જ્યારે હું સિનિયર ઓફિસર તરીકે કોલકાતામાં તૈનાત હતી ત્યારે ઓગસ્ટ મહિનામાં સમુદ્રમાં એક ભયાનક વાવાઝોડું આવ્યું હતું. આપણા ઘણા માછીમારો ભટકીને બાંગ્લાદેશની સરહદમાં જતા રહ્યાં હતા. મેં એ કપરા સમયે આખું અઠવાડિયું દરરોજ 4-4 કલાક સુધી પ્લેનમાં ફૂલ ફયૂઅલ ભરાવીને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. લો-લેવલ પર સર્ચ કરતી વખતે આંતરરાષ્ટ્રીય સરહદના નિયમોને કારણે બાંગ્લાદેશના ઢાકા અને ઇન્ડિયાના કોલકાતાના ATC પ્રોટોકોલ નડતા હતા. બીજા બધા પ્લેન પાછા આવી ગયા હતા પરંતુ મેં રેડિયો પર ઘણી દલીલો કરીને બાંગ્લાદેશના એટીસી પાસે મંજૂરી મેળવી અને સરહદ ક્રોસ કરીને લો-લેવલ ફ્લાઇટ કરી. દરિયામાં લાશો તરતી જોઇને પણ ભયને હાવી થવા દીધા વિના અમે આ ઐતિહાસિક મિશન દરમિયાન અંદાજે 250 જેટલા માછીમારોના જીવ બચાવ્યા હતા. ‘ડોનિયર એરક્રાફ્ટમાં ડાયમંડ ફોર્મેશનમાં ઉડાન ભરી’ આ સર્વિસ દરમિયાન પૂજાને ફોર્મેશન ફ્લાઇંગ કરવાનો પણ મોકો મળ્યો. તે કોસ્ટ ગાર્ડની પહેલી લેડી પાયલટ છે જેને ફોર્મેશન ફ્લાઇંગની સ્પેશિયલ ટ્રેનિંગ મળી હતી. વિશાખાપટ્ટનમ કોસ્ટ પર ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ફ્લીટ રિવ્યુ (PFR)માં પ્રાઇમ મિનિસ્ટર સામે તેણે ડોનિયર એરક્રાફ્ટમાં ડાયમંડ ફોર્મેશનમાં ઉડાન ભરી હતી. ‘શ્રીલંકન નેવી ચીફ મને પર્સનલી મળવા આવ્યા હતા’ તે કહે છે કે ચાર પ્લેનને એકબીજાની અત્યંત નજીક હવામાં એક જ સ્પીડમાં રાખવા માટે થ્રસ્ટ લીવર એટલે કે સ્પીડ કંટ્રોલર સતત સહેજ આગળ-પાછળ કરવું પડે છે. જેના કારણે અડધા કલાકના ઓપરેશન પછી લેન્ડિંગ વખતે અમારા હાથ આખા લાલચોળ થઇ જતા. આ ઉપરાંત ભારત સરકાર તરફથી અમારું પ્લેન બે વાર સ્પેશિયલ મિશન માટે માલદીવ્સ ગયું હતું. શ્રીલંકા, ઇન્ડિયા અને માલદીવ્સની આ સંયુક્ત ત્રિપક્ષીય કવાયતમાં હું એકમાત્ર મહિલા પાયલટ હતી. ત્યાં શ્રીલંકન નેવી ચીફ મને પર્સનલી મળવા આવ્યા અને તેમણે ગૌરવપૂર્વક કહ્યું કે મને જોઇને પ્રેરણા મળી છે અને હવે તેઓ પણ પોતાના દેશમાં દીકરીઓને પાયલટ બનાવશે. આ રીતે કોમર્શિયલ એરલાઇન્સમાં નોકરી મળી કોસ્ટ ગાર્ડમાં શોર્ટ સર્વિસ કમિશન (SSC) ઓફિસર તરીકે 8 વર્ષ પૂરા થવાના હોવાથી તેણે નિવૃત્ત થતા પહેલાં જ ફ્રી ટાઇમમાં સિવિલ એરલાઇન્સના હાયર લાઇસન્સ એરલાઇન ટ્રાન્સપોર્ટ પાયલોટ લાયસન્સ (ATPL)ની બધી અઘરી પરીક્ષાઓ પાસ કરી લીધી હતી. પૂજા પાસે પ્લેન ઉડાડવાનો 3000 કલાકનો બહોળો અનુભવ હતો. જાન્યુઆરી-2018માં તેને ઇન્ડિગો એરલાઇન્સમાં કોમર્શિયલ પાયલોટ તરીકે નોકરી મળી હતી. પૂજા કહે છે કે મેં ઇન્ડિગો સાથે સિંગાપોર, ફૂકેટ, ચીન તેમજ મિડલ ઇસ્ટના દેશોમાં દુબઇ, અબુધાબી, કતાર અને દોહા જેવા અનેક આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર સફળતાપૂર્વક વિમાનો ઉડાડ્યા છે. ઇન્ડિગોના ATR ફ્લાઇટ્સમાં કેપ્ટન તરીકે 3000 કલાકનો અનુભવ મેળવ્યા બાદ, છેલ્લા 1 વર્ષથી મેં પ્રમોશન મેળવીને મોટા અને આધુનિક એરબસ-320 અને એરબસ-321 પ્લેન ઉડાડવાનું શરૂ કર્યું છે. આખા વર્લ્ડમાં મેક્સિમમ લેડી પાયલટ્સ ઇન્ડિયામાં છે અને તેમાંય સૌથી વધુ ઇન્ડિગોમાં છે. આ જોબમાં બસ કડક ડિસિપ્લિન છે. દર 6 મહિને તમારી સિમ્યુલેટર ટ્રેનિંગ અને અઘરા ટેસ્ટ ચાલતા જ રહે છે. ભૂલનો કોઇ ઓપ્શન નથી હોતો. ‘સંકલ્પ કર્યો હતો કે હું જે નથી કરી શકી તે મારી દીકરીઓ કરશે’ પૂજાના માતા સરસ્વતીબેનના લગ્ન માત્ર 18 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા હતા. નાના હતા ત્યારે ભણવામાં હંમેશા ફર્સ્ટ રેન્ક લાવતા અને સ્પોર્ટસમાં કબડ્ડી-ખોખોના કેપ્ટન હતા. જ્યારે તેમનું દિલ્હી નેશનલ લેવલે રમવા માટે સિલેક્શન થયું ત્યારે એ જમાનાના રૂઢિચુસ્ત માહોલને કારણે પરિવારે બહાર મોકલી નહીં અને ધોરણ-10 પછી તરત જ લગ્ન થઇ ગયા. તેમની એક ઇચ્છા અધૂરી રહી ગઇ હતી કે હું લાઇફમાં કંઇક મોટું ન કરી શકી, તેથી જ સંકલ્પ કર્યો હતો કે હું જે નથી કરી શકી, તે મારી દીકરીઓ પાસે કરાવીશ. ‘મેં મારા ત્રણેય સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂક્યા’ આજે તેઓ પોતાના ભૂતકાળના સંઘર્ષ અને દીકરીની સફળતા વિશે ગર્વથી કહે છે કે પહેલાં અમારા ગામડાંઓમાં દીકરીઓને માત્ર ધોરણ-4 સુધી જ ભણાવતા પણ મારી પૂજાને જોઈને હવે આખા આહીર સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ આવી છે. હું પોતે ગુજરાતી મીડિયમમાં ભણેલી હતી પરંતુ મેં મારા ત્રણેય સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂક્યા. શરૂઆતમાં પેરેન્ટ્સ-ટીચર્સ મીટિંગમાં જતી ત્યારે વાતચીત કરવામાં બહુ પ્રોબ્લેમ થતો. મેં હાર ન માની અને ઘરે એકસાથે બે ટીચર્સ રાખ્યા. એક બાળકો માટે અને બીજા મને સ્પેશિયલી સ્પોકન ઇંગ્લિશ શીખવતા. હું પોતે અંગ્રેજી શીખીને પછી રાત્રે બાળકોને ભણાવતી. ‘ હું મારી પોતાની દીકરીને ઓળખી જ ન શકી’ તેઓ કહે છે કે પૂજા જ્યારે અમેરિકા ગઇ ત્યારે તેને ખાવાનું બનાવતા બિલકુલ નહોતું આવડતું. તે સવારે-સાંજે મને નિયમિત વીડિયો કોલ કરતી અને હું અહીં ઇન્ડિયામાં બેઠા-બેઠા તેને વીડિયો કોલ પર શાક બનાવતા અને રસોઇ રાંધતા શીખવાડતી હતી. જ્યારે અમે તેની પ્રમોશનની સ્ટ્રાઇપ સેરેમની માટે કેરળ ગયા અને તે પરેડ ગ્રાઉન્ડમાં આવી ત્યારે આકરી મિલિટરી ટ્રેનિંગને કારણે તેનો આખો ચહેરો કાળો પડી ગયો હતો. હું મારી પોતાની દીકરીને ઓળખી જ ન શકી. પિતા રમેશભાઈ આહીર એ સમયની વાત વાગોળતા ઉમેરે છે કે અમારા સમાજમાં એ સમયે દીકરીના જન્મને બહુ સારો ગણવામાં નહોતો આવતો. લોકો મહેણું મારતા કે બીજો પથ્થરો આવ્યો. મારી વાઇફને પણ આવું સાંભળવું પડતું. મારા પિતા ટ્રાન્સપોર્ટ બિઝનેસના કારણે થોડું અંગ્રેજી શીખ્યા હતા અને કહેતા કે આ દુનિયામાં એજ્યુકેશન સિવાય કશું જ નથી. બાળકોને સર્વોચ્ચ શિક્ષણ આપજો. ‘ટ્રેનિંગના 20-25 દિવસ પછી તે ફોન પર ધ્રુસકે-ધ્રુસકે રડી પડી’ તેઓ કહે છે કે જ્યારે કોસ્ટ ગાર્ડમાં સિલેક્શન થયું અને સ્ટાર્ટિંગ સેલેરી માત્ર 35 હજાર રૂપિયા હોવાથી પૂજાને સંકોચ થયો ત્યારે મેં જ તેને કહ્યું કે તું અત્યારે માત્ર ધોરણ-12 પાસ છે. છતાં ભારત સરકાર તને સીધી ક્લાસ-1 ઓફિસર એટલે કે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ આપે છે. દેશની સેવા કરવાનો આ મોકો કરોડો રૂપિયા કરતાં વધુ કિંમતી છે. ટ્રેનિંગના 20-25 દિવસ પછી તે ફોન પર ધ્રુસકે-ધ્રુસકે રડી પડી કે પપ્પા અહીં પહાડોમાં ગન અને વજન સાથે દોડવું બહુ ટફ છે. નાની ભૂલમાં આકરી સજા મળે છે. મેં તેને કહ્યું કે તું પાછી આવી જા, 8 લાખનો બોન્ડ હું ભરી દઇશ પણ મારી વાત સાંભળીને તેણે આંસુ લૂછી નાખ્યા અને કહ્યું કે ના પપ્પા, હું રમેશભાઇની દીકરી છું. આવી રીતે હારીને ક્યારેય પાછી નહીં આવું. પૂજાને બહાદુરી માટે ડાયરેક્ટર જનરલ કોસ્ટ ગાર્ડ મેડલ મળ્યો. જે અમારા પરિવાર માટે ગૌરવ સમાન છે. ‘200 જેટલા વિદ્યાર્થીઓમાંથી માત્ર મારી પસંદગી’ મોટી બહેન નિરાલી આહીર જણાવે છે કે મને પણ એવિએશનનો શોખ હતો અને ગ્રેજ્યુએશન સાથે એર હોસ્ટેસનો પ્રોફેશનલ કોર્સ કર્યો હતો. વર્ષ 2006માં આશરે 200 જેટલા વિદ્યાર્થીઓમાંથી માત્ર મારી પસંદગી એર ડેક્કન એરલાઇન્સમાં થઇ હતી અને ઓફિશિયલ જોબ લેટર મળ્યો હતો. અમારી બંને બહેનોની ઇચ્છા હતી કે એક જ ફ્લાઇટમાં પૂજા પાયલટ હોય અને હું એર હોસ્ટેસ હોઉં! ફ્રેન્ડ્સ કહેતા કે પપ્પાને કહો ફેમિલી એરલાઇન્સ શરૂ કરે પરંતુ તે સમયે દાદાજી હયાત હતા અને સગાઈ નક્કી થઇ ગઇ હતી. વેવાઈ પક્ષ લગ્ન પછી જોબ કરાવવા નહોતો માંગતો એટલે પરિવારની મર્યાદા માટે મેં જોબ છોડી દીધી. ક્યારેક મનમાં અધૂરી ઇચ્છાનો અહેસાસ થાય છે પણ હું હાઉસવાઇફ અને પ્રાઉડ મધર તરીકે ખુશ છું. જો આપણે પોતે પોઝિટિવ નજરથી જોઇએ તો આપણને કોઇ પ્રોફેશનમાં કશું જ ખરાબ નહીં લાગે. ‘દેશની લાખો દીકરીઓ માટે પ્રેરણારૂપ બની’ તેઓ કહે છે કે આજે પરિસ્થિતિ એવી સુંદર છે કે જો તમે અમારા કાળી તલાવડી ગામમાં જઇને માત્ર એટલું જ કહો કે 'મારે પૂજા પાયલટના ઘરે જવું છે' તો ગામના લોકો તમને માનભેર છેક અમારા ઘરના દરવાજા સુધી મૂકી જશે. તેઓ કહે છે કે મને પર્સનલી પાયલટ બનવા કરતાં ગૃહિણીનું કામ વધુ અઘરું લાગે છે. રોજ શાક બનાવવું, રોટલી કરવી, પ્લેટફોર્મ સાફ કરવું. આ કામ ક્યારેય ખતમ જ નથી થતું. પાયલટ તરીકે મને અઠવાડિયામાં એક વીકલી ઓફ મળે છે. જેને એવિએશન ક્ષેત્રમાં ગોલ્ડન ડે ઓફ કહેવામાં આવે છે. જેમાં કંપનીનો કોઇ ફોન નથી આવતો. મને નાનપણમાં જ એ ખબર પડી ગઇ હતી કે જો હું આર્થિક રીતે આત્મનિર્ભર થઇશ તો જ મને જીવનમાં ફ્રીડમ મળશે. હું કમાઉં છું એટલે ઘરકામ માટે મેડ રાખી શકું છું પરંતુ એક હાઉસવાઇફ તરીકે 24 કલાક કામ કરવું એ દુનિયાની સૌથી ડિફિકલ્ટ જોબ છે. અઠવાડિયામાં 1 દિવસ ઘરના સભ્યોએ ભેગા મળીને ગૃહિણીને રસોડામાંથી મુક્તિ આપવી જ જોઇએ.
Read Original Article →