જામનગરની દીકરી જજની ખુરશી સંભાળશે:2 વાર નિષ્ફળતા મળી છતાં હિંમત ન હારી, ઘૂંઘટની મર્યાદા પણ પાળી અને ઇતિહાસ પણ રચ્યો
જ્યારે કોઇ સ્ત્રીના સપનાને પિયરની શિસ્ત અને સાસરી પક્ષ તરફથી અતૂટ વિશ્વાસ મળી જાય છે ત્યારે તે સ્ત્રી ઇતિહાસ રચવા માટે સક્ષમ બની જાય છે. આવું જ કંઇક કરી બતાવ્યું છે જામનગરની દીકરી અને રાજસ્થાનના બાડમેરની પુત્રવધુ દીપુ કંવર ચૌહાણે. દીપુએ રાજસ્થાની પરંપરા પ્રમાણે ઘૂંઘટ તાણવાની મર્યાદા પાળવાની સાથોસાથ જજ બનવા સુધીની સફર ખેડી છે પણ તેની આ સફર કંઇ સામાન્ય નહોતી. કેમ કે 2-2 વાર પરીક્ષામાં ફેલ થવા છતાં તેમણે હિંમત હારવાને બદલે નિષ્ફળતાને જ સફળતાની ચાવી બનાવી દીધી. જજ બનવાનું સપનું જોવાથી લઇને સફળતા મેળવવા સુધીની સફર વિશે દિવ્ય ભાસ્કરે દીપુ કંવર ચૌહાણ સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી હતી. એક માતા હોવા છતાં પોતાની દીકરીથી દૂર રહીને પણ તેમણે ઘરના એક રૂમને હોસ્ટેલમાં ફેરવી નાખ્યો. જેના કારણે તેનું સપનું સાકાર થયું છે. દીપુના લગ્ન બાડમેરના જાલીપાના રહેવાસી લોકેન્દ્રસિંહ સાથે થયા છે. જ્યારે દીપુ કંવર સાસરે ગયા ત્યારે જ તેમના મનમાં જજ બનવાની ઇચ્છા હતી. ત્રીજા પ્રયત્ને સફળતા મળી
તેમણે વર્ષ 2022માં પહેલીવાર ગુજરાત ન્યાયિક સેવા માટેની પરીક્ષા આપી ત્યારે પ્રિ અને મેઇન્સ બન્ને ક્લીયર કરી લીધી હતી પણ ઇન્ટરવ્યૂમાં સફળતા નહોતી મળી. આના પછી 2023માં ફરીથી પરીક્ષા આપી ત્યારે મેઇન્સ ક્લીયર ન થઇ. 2025માં તેમણે ત્રીજીવાર પરીક્ષા આપી અને 79મો રેન્ક મેળવીને સફળતા હાંસલ કરી હતી. રિઝલ્ટ આવ્યું ત્યારે મોબાઇલ હાથમાં જ હતો
10મી માર્ચે જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવ્યું ત્યારે દીપુ કંવર જામનગરમાં હતા. તેમના હાથમાં મોબાઇલ હતો. તેમણે મોબાઇલમાં જોયું પણ ખરા કે રિઝલ્ટ આવ્યું છે પણ રિઝલ્ટ જોતાં પહેલાં મંદિરે ગયા અને પ્રાર્થના કરી કે મારૂં નામ આવી જાય. આના પછી રિઝલ્ટ જોયું તો તેમાં નામ હતું. તેમને તો વિશ્વાસ જ ન થયો. દીપુએ સૌથી પહેલાં પિતાને જાણ કરી અને રાત્રે જ જામનગરથી બાડમેર જવા નીકળી ગયા. સાસરિયામાં પહોંચીને જાણ કરી તો ત્યાં ખુશી છવાઇ ગઇ હતી. પિતાની શિસ્તે સફળતાનો પાયો નાખ્યો
દીપુ કંવરને નાનપણથી જ મોટા ઓફિસર બનવાની ઇચ્છા હતી.
તેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું, હું જ્યારે ત્રીજા કે ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારથી ભણવામાં મને ખૂબ જ રૂચિ હતી. ત્યારે એવી કોઇ ખબર નહોતી પડતી કે મારે જજ બનવું છે કે બીજું કંઇ બનવું છે પણ મેં એટલું ચોક્કસ નક્કી કર્યું હતું કે મારે કોઇ મોટા ઓફિસર બનવું છે. મારૂં બાળપણ ખૂબ જ સારા ઉછેર સાથે થયું છે. મારા પિતા પહેલેથી જ ડિસિપ્લીન અને વેલ મેનરમાં માને છે એટલે મારી સફળતાનો પાયો ત્યાંથી જ નંખાયો હતો. સાસરિયા તરફથી સારો સહકાર મળ્યોઃ દીપુ કંવર
જ્યારે LLBના બીજા વર્ષમાં હતા ત્યારે તેમના લગ્ન થયા હતા. તેમણે જણાવ્યું કે, હું જેમ જેમ આગળ ભણતી ગઇ તેમ તેમ ડિસિપ્લીન સાથે આગળના અભ્યાસ પર ફોકસ કર્યું અને નક્કી કર્યું કે મારે જજ બનવું છે. આ માટે મેં પહેલાં LLBનો અભ્યાસ શરૂ કર્યો. જ્યારે હું બીજા વર્ષમાં આવી ત્યારે મારા પરિવારે મારા લગ્ન કરાવ્યાં. લગ્ન નક્કી થયા એ પહેલાંથી જ મારા સાસરિયાઓને ખબર હતી કે હું જજ બનવા માંગુ છું. મારા પતિનો પરિવાર ખૂબ જ સારો હતો. તેમનો મને સારો સહકાર મળ્યો છે. લગ્ન બાદ દીપુને તેના સાસરિયાઓએ કહ્યું હતું કે તમારી પ્રેક્ટિસ જામનગરમાં ચાલે છે તો તમે ત્યાં જ રહો અને જજ બનવા માટેની તૈયારી કરો. સસરાએ કહ્યું- તમારે કોઇ કામ નથી કરવાનું
સસરાએ ઘરકામને બદલે ભણવા પર ધ્યાન આપવા કહ્યું તે ક્ષણ કેટલી મહત્વની હતી? તેના વિશે પણ દીપુએ વાત કરી.
તેઓ જણાવે છે કે, મારા સસરા મને કહેતાં હતા કે બેટા તમારે કંઇ કામ નથી કરવાનું. જેથી મને હંમેશા એક મોટિવેશન મળતું હતું કે મારો પરિવાર પણ ભણતરમાં ખૂબ જ સપોર્ટ કરી રહ્યો છે. આના કારણે જજ બનવાના મારા લક્ષ્ય સુધી પહોંચવાની મારી આશા વધુ સ્પષ્ટ બનતી હતી. જ્યારે પરિવાર સપોર્ટમાં આવે છે ત્યારે આપણું સપનું એ આપણા પૂરતું સિમિત નથી રહેતું પણ તે પરિવારનું સપનું બની જાય છે. માતા બન્યા પછી પણ કેવી રીતે સપનાને સાકાર કરી બતાવ્યું એ અંગે તેમણે જણાવ્યું કે, આ સમય મારા માટે પડકાર જેવો તો હતો જ પણ મારા પિતાએ બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે શીખવ્યું છે. એટલે મેં મારા બાળકનો ઉછેર પણ એવી રીતે જ કર્યો કે તે મારાથી અલગ રહી શકે છે. મારી દીકરી મારા વગર બધું જ કામ કરી શકે છે. તેના નાના-નાની અને દાદા-દાદી સાથે રહી શકે છે. હાલમાં પણ મારી દીકરીને ખબર છે કે મારા મમ્મી જજ બન્યાં છે તો હવે તેમણે ટ્રેનિંગમાં જવું પડશે તો એ સામેથી જ કહે છે કે હું તો નાના-નાની સાથે જ રહીશ. પુસ્તકોની વચ્ચે દિવસો પસાર કર્યા
પરીક્ષા પહેલાંની તૈયારી માટે દીપુએ ઘરના જ એક રૂમને હોસ્ટેલ બનાવી દીધો હતો. આ અંગે તેમણે કહ્યું, જ્યારે પરીક્ષા આવતી ત્યારે હું ઘરના એક રૂમને હોસ્ટેલ બનાવી દેતી હતી. એ રૂમમાં મને ચા, કોફી, જમવાનું મળી જતું બાકી એ રૂમમાં હું સતત ભણવાનું જ કામ કરતી હતી. જ્યાં ખાલી મારું ટેબલ અને બુક્સની વચ્ચે જ મેં દિવસો પસાર કર્યાં હતા. મેં એટલા સમય દરમિયાન મારા પરિવારના સભ્યો સાથે પણ કટ ઓફ કરી દીધો હતો. ભૂલો સુધારવાથી સફળતા મળે જ છેઃ દીપુ કંવર
આ સફળતા માટે કેવી રીતે પોતાની જાતને માનસિક રીતે તૈયાર કરી એ અંગે તેમણે કહ્યું, જ્યારે હું બે વાર ફેલ થઇ ત્યારે એ સમય દરમિયાન મને મનમાં સતત થતું હતું કે હું ફેલ થઇ ગઇ છું. પણ મારા કિસ્સામાં આ વસ્તુ ટેમ્પરરી જ રહી હતી. એ પછી ફરી પાછી ભણવા માટે એનર્જી આવી ગઇ કેમ કે એક્ઝામ આવતી હતી એટલે એવું જ હતું કે મારે એક્ઝામની તૈયારી કરવાની છે. બાકી પ્રેક્ટિસ તો ચાલતી જ હતી. જેમાંથી મને મોટિવેશન મળતું હતું. મારા મતે તો નિષ્ફળતા એ જ સફળતાની ચાવી છે. 'સપનું પૂરૂં કરવાની જીદ હોવી જોઇએ'
તેમણે અન્ય સ્ત્રીઓને લગ્ન બાદ પોતાના સપનાને અભેરાઇએ ચડાવી દેવાને બદલે પોતાની ક્ષમતા અને લાયકાત સાબિત કરવાની અપીલ કરી.
દીપું કંવરે કહ્યું, આજે પણ લોકોને ન્યાયતંત્ર પર શ્રદ્ધા અને વિશ્વાસ છે. તે જાળવી રાખવા અને કાયદાને આધિન રહીને હું આ ફિલ્ડમાં આગળ વધીશ. લગ્ન પછી પોતાના સપનાઓને સાઇડમાં મૂકી દેતી અનેક સ્ત્રીઓને હું કહેવા માંગુ છું કે તમે તમારા પરિવાર સામે એ સાબિત કરી બતાવો કે તમારૂં સપનું પૂરૂં કરવાની તમારામાં ક્ષમતા અને લાયકાત છે. આના પછી બધુ ફેમિલી ઉપર છે. જો એ લોકોને ખરેખર વિશ્વાસ આવી જશે તો ફેમિલી ચોક્કસ સપોર્ટ કરશે જ. તમારું સપનું પૂરૂં કરવાની જીદ તમારામાં હશે તો તમે ચોક્કસ તે પૂરૂં કરી શકશો.
Read Original Article →