'આર્મી સાથે મળીને આતંકવાદીઓ સામે લડ્યા, સરકારે ઘર ઉજાડ્યું':મંત્રીએ કહ્યું, ખબર નથી કોણે આદેશ આપ્યો; વન વિભાગે 60 વર્ષ જૂની વસાહત તોડી પાડી

DvB Original6/6/2026, 12:30:00 AM
'આર્મી સાથે મળીને આતંકવાદીઓ સામે લડ્યા, સરકારે ઘર ઉજાડ્યું':મંત્રીએ કહ્યું, ખબર નથી કોણે આદેશ આપ્યો; વન વિભાગે 60 વર્ષ જૂની વસાહત તોડી પાડી
80 વર્ષના અબ્દુલ રજાક પોતાના તૂટેલા ઘરના કાટમાળ પાસે ઉદાસ બેસી રહે છે. 2001માં તેઓ કાશ્મીરથી ભાગીને જમ્મુ આવ્યા હતા. સિધરા વિસ્તારમાં ઘર બનાવ્યું. તેમને રહેતા રહેતા 25 વર્ષ થઈ ગયા. 19 મેના રોજ વન વિભાગવાળા બુલડોઝર લઈને આવ્યા અને અબ્દુલ સહિત અંદાજે 25 ઘરો તોડી પાડ્યા. આ બીજી વખત છે, જ્યારે અબ્દુલ બેઘર થયા છે. આ પહેલાં આતંકવાદીઓના ડરથી ઘર છોડ્યું હતું. આતંકવાદીઓએ હિન્દુસ્તાની બાતમીદાર ગણાવીને તેમના ત્રણ મિત્રોના ગળા કાપી નાખ્યા હતા. જીવ બચાવવા માટે અબ્દુલ જમ્મુ આવી ગયા. અત્યારે જમ્મુમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે. અબ્દુલ પતરાની જે છત નીચે બેઠેલા મળ્યા, તે 43 ડિગ્રી સેલ્સિયસની ગરમીમાં શેકાઈ રહી હતી. બાળકો જમીન પર સૂતા હતા. આવો જ હાલ બાકીના પરિવારોનો પણ છે. આ તમામ ગુજ્જર અને બકરવાલ સમુદાયના છે, જેઓ આતંકવાદથી બચવા માટે કાશ્મીરથી સ્થળાંતર કરીને આવ્યા હતા. તેમનો આરોપ છે કે અમને જણાવવામાં જ ન આવ્યું કે આખરે ઘર શા માટે તોડવામાં આવ્યા. બીજી તરફ, વહીવટીતંત્રનું કહેવું છે કે આ ઘરો વન વિભાગની જમીન પર અતિક્રમણ કરીને બનાવ્યા હતા. અબ્દુલની વાર્તા પરથી સમજો સિધરામાં શું થયુું… અબ્દુલ દક્ષિણ કાશ્મીરના કોકેરનાગમાં રહેતા હતા. કાશવાન ગામમાં ઘર હતું. અબ્દુલે 2001માં કાશ્મીર છોડ્યું, ત્યારે આતંકવાદ ચરમસીમાએ હતો. તે જ વર્ષે જમ્મુ-કાશ્મીર વિધાનસભા અને શ્રીનગર એરપોર્ટ પર હુમલો થયો હતો. તે જ વર્ષે આતંકવાદીઓએ શ્રીનગરના મહજૂર નગરમાં 6 શીખો, ડોડામાં 43 અને રાજૌરીમાં 15 હિન્દુઓની હત્યા કરી દીધી હતી. અબ્દુલ જણાવે છે, 'આતંકવાદીઓને રોકવા માટે અમે સેનાને અમારા ગામમાં બોલાવી હતી. તેથી અમે તેમના નિશાન પર આવી ગયા. આતંકવાદીઓ કહેતા હતા કે તમે આર્મી સાથે રહો છો. હિન્દુસ્તાની બાતમીદાર છો. તમારો વંશ ખતમ કરી દઈશું. તેથી મારે ઘર છોડવું પડ્યું. ઘર કાચું હોય કે પાકું, કોણ છોડી શકે, પરંતુ અમારે છોડવું પડ્યું.' અબ્દુલ થોડીવાર શાંત થાય છે, પછી કહે છે, 'હવે આ સમય આવ્યો છે. ફરી ઘર તૂટી ગયું. કોઈ નોટિસ ન મળી. વન વિભાગના કર્મચારીઓ સાથે પોલીસવાળા આવ્યા અને બહાર નીકળવા માટે કહ્યું. ત્યારે ખબર પડી કે ઘર તૂટવાનું છે. અમને દૂર ધકેલી દેવામાં આવ્યા. સામાન પણ બચાવી ન શક્યા. વાસણો, દસ્તાવેજો બધું કાટમાળ નીચે દબાઈ ગયું. રિલીફ કમિશનર ઑફિસમાંથી માઇગ્રન્ટ રાશનકાર્ડ મળ્યું હતું, તે પણ માટીમાં દબાયેલું છે.' રજાક અને તેમના પત્ની ખાતૂન રજિસ્ટર્ડ કાશ્મીરી માઇગ્રેન્ટ છે. મફત રાશન સાથે પરિવારના દરેક સભ્યને દર મહિને 3,250 રૂપિયાની સરકારી સહાય મળે છે. જમાઈ મંજૂર અહમદ, દીકરી ઝરીના બેગમ, બાળકો સમીર અને અફસાના, તમામ રજિસ્ટર્ડ માઇગ્રેન્ટ છે. તેમનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું. બધા તૂટેલા ઘરોની જમીન પર લગાવેલા તંબુઓમાં રહી રહ્યા છે. બીજું પાત્ર: સમીયા અસરગ્રસ્ત લોકોમાં સમીયાનો પરિવાર પણ સામેલ છે. ઘરમાં કુલ 9 લોકો છે, 6 બહેનો, એક ભાઈ અને માતા-પિતા. સમીયા કહે છે, 'અમે અહીં જ જન્મ્યા અને અહીં જ મોટા થયા. જે રાત્રે અમારું ઘર તોડી પડાયું, ત્યારથી જ ખુલ્લા આકાશ નીચે રહી રહ્યા છીએ. દિવસમાં ગરમીથી બચવા માટે ઝાડ નીચે બેસી રહીએ છીએ અને રાત્રે ખુલ્લામાં સૂઈએ છીએ. બાળકો બીમાર પડી રહ્યા છે. તેમની હાલત ખૂબ ખરાબ છે.' 30 વર્ષના ઈનાયત અલી જણાવે છે, 'બુલડોઝરની કાર્યવાહી સવારે ખૂબ જ વહેલી કરવામાં આવી. અમે લોકો આના માટે તૈયાર નહોતા. સવારે અંદાજે 4:30 વાગ્યે હું નમાઝ પઢીને ઊભો જ થયો હતો કે બહાર ઘોંઘાટ સંભળાયો. બુલડોઝર પહેલાથી જ આવી ગયા હતા. પોલીસવાળા લોકોને બહાર ખેંચી રહ્યા હતા. બાળકોને પણ બહાર કાઢી મૂક્યા. 40થી 50 પોલીસવાળા હતા. અમને કંઈ પણ સામાન કાઢવાનો સમય ન મળ્યો. બધું જ બરબાદ થઈ ગયું.' ‘જમ્મુ-કાશ્મીરમાં અંદાજે એક લાખ પ્રવાસીઓ નોંધાયેલા છે. અમે સરકારી સહાય પર જ જીવીએ છીએ. દર મહિનાની સહાય અને રાશન, અમારી પાસે બસ આ જ છે. અમને નથી ખબર સરકારે અમારા ઘર કેમ તોડ્યા. ફરી એ જ સરકારે અમને તંબુ અને ચાદરો આપી છે. લોકો પણ જમવાનું અને જરૂરી સામાન આપી રહ્યા છે. આ રીતે જ ગુજારો ચાલી રહ્યો છે.’ ત્રીજું પાત્ર: ફાતિમા બી 60 વર્ષના ફાતિમા બીનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું. તેઓ જણાવે છે, 'અમે બેઠા હતા, ત્યાં જ અચાનક વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો. થોડી જ મિનિટોમાં ઘર તોડવાનું શરૂ કરી દીધું. અમે પૂછતા રહ્યા કે અમારો વાંક શું છે. અમારી પાસે બધા કાગળો છે. વીજળી અને પાણીના બિલ જોઈ લો. આખરે કયા આધારે અમને હટાવી રહ્યા છો. અમે ઘર બનાવવા માટે 30 લાખ રૂપિયાની લોન લીધી છે.' 'અમને કહ્યું કે તમે કાશ્મીરી છો. અહીં 50 વર્ષથી ગુજ્જર અને બકરવાલ રહી રહ્યા છે. જો અમે કાશ્મીરી છીએ, તો અમારી પણ ઓળખ હોવી જોઈએ. કોઈએ અમારી વાત ન સાંભળી.' BJPનો આક્ષેપ: ઉમર અબ્દુલ્લા સરકાર અતિક્રમણથી ડેમોગ્રાફી બદલી રહી છે સિધરાની આ વસાહત વિશે દાવો છે કે તે ગેરકાયદે કબજો કરીને વસાવવામાં આવી હતી. તેને હટાવવા માટે મે મહિનામાં પ્રદર્શન પણ થયું હતું. 13 મેના રોજ ભાજપના ધારાસભ્ય વિક્રમ રંધાવાના નેતૃત્વમાં પ્રદર્શનકારીઓએ સિધરામાં જમ્મુ-નાગરોટા નેશનલ હાઈવેને બે કલાક સુધી બંધ કરી દીધો હતો. પ્રદર્શનકારીઓએ ઉમર અબ્દુલ્લા સરકાર પર જમ્મુમાં અતિક્રમણને પ્રોત્સાહન આપવાનો અને ક્ષેત્રની ડેમોગ્રાફી બદલવાનો આક્ષેપ કર્યો હતો. તેના તરત જ બાદ વહીવટીતંત્રે કાર્યવાહી શરૂ કરી દીધી. વન વિભાગના અધિકારીઓ પોલીસ સાથે બુલડોઝર લઈને આવ્યા અને મહામાયા મંદિર પાસે વસેલી વસાહત હટાવીને વિસ્તાર ખાલી કરાવી લીધો. મંત્રીએ કહ્યું- સરકારને નથી ખબર વસાહત ઉજાડવાનો આદેશ કોણે આપ્યો આ એક્શન પર સવાલો પણ ઉઠી રહ્યા છે કે કાર્યવાહીનો આદેશ કોણે આપ્યો હતો. અસરગ્રસ્તોને મળવા પહોંચેલા વન, પર્યાવરણ અને આદિજાતિ બાબતોના મંત્રી જાવેદ રાણાએ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું, 'આ કાર્યવાહી સરકારની જાણ વગર કરવામાં આવી છે. મેં અધિકારીઓ સાથે વાત કરી, તેનાથી સમજાયું કે કોઈ પણ વિભાગે ઘર તોડવાનો આદેશ આપ્યો ન હતો. સરકારમાં કોઈએ પણ નિર્દેશ જાહેર કર્યા નથી, તો આ કેવી રીતે થયું. આ મામલાની તપાસ માટે બે સમિતિઓ બનાવી છે, જે જવાબદારી નક્કી કરશે. અબ્દુલ્લા સરકાર બન્યા બાદ સરકારી જમીન પર બનેલા 1400 ઘર-દુકાનો તોડી પડાયા ઑક્ટોબર 2024માં ઉમર અબ્દુલ્લાની સરકાર બન્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં 1400થી વધુ ઘર અને દુકાનો ગેરકાયદે ગણાવીને તોડી પાડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વિધાનસભાના શિયાળુ સત્રમાં જણાવ્યું કે આમાં 1,194 ઘર અને 231 વ્યાપારી મિલકતો સામેલ છે. તાજેતરમાં જ સરકારે વિધાનસભામાં જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં 17.27 લાખ કનાલ સરકારી જમીન પર ગેરકાયદે કબજો હતો. આમાંથી 14.29 લાખ કનાલ જમીન ખાલી કરાવવામાં આવી ચૂકી છે. જમ્મુ વિસ્તાર આ યાદીમાં સૌથી ઉપર છે, જ્યાં 14 લાખ કનાલથી વધુ સરકારી જમીન પર ગેરકાયદે કબજો છે.
Read Original Article →