હવે આજની મિટિંગ પર યુદ્ધનો મદાર:ઈઝરાયલ અને લેબનોન વચ્ચે અમેરિકામાં વાટાઘાટો; બંને દેશ વચ્ચે ડીલ થઈ જાય તો હિઝબુલ્લાહની પાંખો કપાઈ જાય

International4/14/2026, 12:30:00 AM
હવે આજની મિટિંગ પર યુદ્ધનો મદાર:ઈઝરાયલ અને લેબનોન વચ્ચે અમેરિકામાં વાટાઘાટો; બંને દેશ વચ્ચે ડીલ થઈ જાય તો હિઝબુલ્લાહની પાંખો કપાઈ જાય
પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની મિટિંગ ફેઈલ ગઈ. દુનિયાનો જીવ ફરી તાળવે ચોંટ્યો. પાછું યુદ્ધ થશે તો? ઈસ્લામાબાદની મિટિંગ બે મુદ્દે ફેઈલ ગઈ. હોર્મુઝ અને લેબનોન. હવે બીજી મિટિંગ 14 એપ્રિલે અમેરિકાના વોશિંગ્ટનમાં મળવાની છે. આ મિટિંગ એવા બે દેશો વચ્ચે મળવાની છે જેની કલ્પના પણ ન કરી શકાય. આ મિટિંગ ઈઝરાયલ અને લેબનોન વચ્ચે થવાની છે. આ સમાચાર સામે આવતાં જ હિઝબુલ્લાહના પેટમાં ફાળ પડી છે. જો ઈઝરાયલ અને લેબનોન વચ્ચે મિટિંગ સફળ રહી તો હિઝબુલ્લાહને લેબનોનમાં રહેવું ભારે પડી જાય. ઈઝરાયલ અને લેબનોનના ડેલિગેશન વચ્ચે સીધી વાતચીત અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં 14 એપ્રિલે થવાની છે. અમેરિકાના વિદેશ મંત્રાલયમાં આ મિટિંગ થવાની છે. મિટિંગમાં અમેરિકામાં ઈઝરાયલના રાજદૂત યેચિલ લીટર અને લેબનોનના રાજદૂત નાદા હમદેહ-મુઆવાદ સામેલ થવાના છે. આ મિટિંગમાં સીઝફાયર, બંને દેશોની બોર્ડર નક્કી કરવી અને ભવિષ્યમાં નિયમિત આવી મિટિંગ થતી રહે તેનું આયોજન કરવું, એવા મુદ્દા છે. નેતન્યાહૂ તો એક જ વાત પકડીને બેઠા છે. જો હિઝબુલ્લાહ હથિયારો હેઠા મૂકી દેશે તો હુમલા રોકાશે. આ મિટિંગ ગોઠવવા પાછળનું ભેજું અમેરિકામાં ઈઝરાયલના રાજદૂત યેચિલ લીટર છે. ઈઝરાયલની દુશ્મની સીધી લેબનોન સાથે નથી. લેબનોનમાં ફૂલેલા-ફાલેલા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ સામે વાંધો છે. હિઝબુલ્લાહનું ભરણ પોષણ ઈરાન કરે છે. અત્યારે ઈરાનની હાલત કફોડી છે. ઈઝરાયલને પણ હુમલા કરી-કરીને ફીણ આવી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ વાતો મોટીમોટી કરે છે પણ મનમાં તો એ પણ ઈચ્છે છે કે યુદ્ધ પૂરું થાય. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ થયો ત્યારે લેબનોનમાં યુદ્ધ વિરામ ન થયો. દુનિયાએ માગણી કરી કે, આ ન ચાલે. લેબનોન પર હુમલા બંધ કરો. પણ નેતન્યાહૂ માને એવા છે નહીં. ઈઝરાયલે લેબનોન પર હુમલા ચાલુ જ રાખ્યા છે. UNના એડ ચીફ ટોમ ફ્લેચરે એવું કહ્યું કે, ગયા વર્ષે 2 લાખ લોકો લેબનોન છોડીને સિરિયા જતા રહ્યા. છેલ્લા 10 મહિનામાં 4 લાખ લોકો લેબનોન છોડીને અલગ અલગ દેશોમાં રહેવા જતા રહ્યા છે. લેબનોનનો વિસ્તાર બહુ મોટો પણ વસ્તી ઓછી. અમદાવાદ કરતાં ય ઓછી. માંડ 60 લાખ. લેબનોનની સરકાર અને લેબનોનના લોકો પણ ઈચ્છે છે કે લેબનોનમાં શાંતિ થાય. પણ શિયા મુસ્લિમ સંગઠનો અને હિઝબુલ્લાહ નથી ઈચ્છતા કે ઈઝરાયલ અને લેબનોન વચ્ચે શાંતિ સ્થપાય. એટલે જ જ્યારે અમેરિકામાં બંને દેશોની મિટિંગ મળવાની છે તેના વિરોધમાં સંખ્યાબંધ હિઝબુલ્લાહ સંગઠનના લોકો રસ્તા પર ઉતર્યા ને લેબનોન સરકારનો વિરોધ કર્યો. કારણ કે હિઝબુલ્લાહ જાણે છે કે જો ઈઝરાયલ સાથે શાંતિની વાત સફળ થશે તો લેબનોનમાંથી હિઝબુલ્લાહે ઉચાળા ભરવા પડશે. હિઝબુલ્લાહને આ મિટિંગથી ભય કેમ લાગે છે? હિઝબુલ્લાહનો જન્મ જ થયો હતો ઈઝરાયલ સામે લડવા. હવે લેબનોન અને ઈઝરાયલ હાથ મિલાવી લે તો હિઝબુલ્લાહ કરે શું? તેનું અસ્તિત્વ અને મૂળ વિચાર જ ખતમ થઈ જાય. ઈરાન યુદ્ધથી થાકી ગયું છે, ખામેની સહિતના મોટા માથાં ગુમાવ્યા છે. છતાં ટંગડી ઊંચી રાખે છે. એટલે ઈરાને નવી રીત અપનાવી છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને ડિસ્ટર્બ કરે છે. એટલે મિડલ ઈસ્ટમાં તણાવ થયા કરે. બીજું, હિઝબુલ્લાહને ફંડ અને હથિયારો આપ્યા કરે છે એટલે ઈઝરાયલ સાથે માથાકૂટ ચાલતી રહે. પણ અમેરિકામાં રહેલા ઈઝરાયલના રાજદૂતે હિંમત કરીને આ કોલ લીધો કે લેબનોન સાથે મિટિંગ કરવી જોઈએ. લેબનોન અને ઇઝરાયલ વચ્ચે શાંતિની સહેજ પણ શક્યતા ઊભી થાય તો હિઝબુલ્લાહનું અસ્તિત્વ દાવ પર લાગશે. હિઝબુલ્લાહનો મુખ્ય વૈચારિક પાયો ખંડિત થઈ જશે. હવે તો લેબનીઝ સરકાર પણ ઈચ્છે છે કે હિઝબુલ્લાહની દાદાગીરીમાંથી બહાર નીકળી જાય. ઇઝરાયલ સ્વીકારે છે કે એકલા હવાઈ હુમલાઓ હિઝબુલ્લાહ અને લેબનોનમાં તેના નેટવર્કને તોડી શકે તેમ નથી. સરહદી વિસ્તારોની બહાર જમીન પર આક્રમણ કરવાથી આરબ અને આંતરરાષ્ટ્રીય સ્તરે માહોલ વધારે બગડશે. એટલે નેતન્યાહૂ પણ તેના રાજદૂતની વાત માનીને લેબનોન સરકાર સાથે વાતચીત કરવા તૈયાર થયા છે. જે લેબનોન પર યુદ્ધનો મદાર ટકેલો છે તે લેબનોન વિશે જાણવું જરૂરી છે… લેબનોનની રાજધાની છે વાઈબ્રન્ટ સિટી બેરૂત. અહીંયા અરબી ભાષા બોલાય છે. કોઈ ચોક્કસ ધર્મ નથી. લેબનોન તેની ધાર્મિક વિવિધતા માટે જાણીતો છે. લેબનોનની વસ્તી અમદાવાદ શહેર જેટલી છે. અંદાજે 60 લાખ. અહીંની કરન્સી લેબનીઝ પાઉન્ડ છે. લેબનોન દેશ 10 હજાર વર્ગ કિમીમાં ફેલાયેલો છે. લેબનોન એક સમયે પ્રાચીન ફોનિશિયન સભ્યાતાનું ઘર હતું. આ સભ્યતા લગભગ 3 હજાર ઈસાપૂર્વની છે. અહીં રહેતા લોકો સઢવાળી હોડીથી વેપાર કરતા. લેબનોન રોમન ઓન્ટોમન અને ફ્રેન્ચ શાસનને આધિન રહ્યું ને આખરે 1945માં ફ્રાન્સથી તેને આઝાદી મળી. 1975થી 1990 સુધી દેશમાં ભયાનક ગૃહયુદ્ધ થયું. તેના કારણે તે સેન્સિટિવ પોલિટિકલ લેન્ડસ્કેપ માટે જાણીતું છે. લેબનોન મેડિટેરેનિયન (ભૂમધ્ય) સમુદ્ર કિનારે વસેલું છે. જ્યાં પહાડ, ઘાટી છે અહીં આબોહવા અલગ જ છે. લેબનાની ગીરીમાળાઓ બરફથી ઢંકાયેલી રહે છે. લેબનોનનો અર્થ છે- સફેદ. કારણ કે પર્વતો સફેદ બરફથી ઢંકાયેલા રહે છે. લેબનોનમાં અરબ, ફ્રેન્ચ, તુર્કી અને પોનિશિયન સંસ્કૃતિનો પ્રભાવ દેખાય છે. સંગીત હોય કે ફેશન કે કલા, લેબનોનની યૂનિક ઓળખ છે. લેબનાની વ્યંજન પ્રખ્યાત છે. ખાસ કરીને હમસ ફલાફેલ, દબોલે, કબાબ અને મેનેકી. અહીંના લોકો મહેમાનગતિ સારી કરી જાણે છે. સીંગર શકીરા અને લેખક ખલિલ જિબ્રાન મૂળ લેબનીઝ છે. મુખ્ય ધર્મોમાં સુન્ની, શિયા બંને છે. ઉપરાંત બીસીઈ ધર્મ, મેરોનાઈટ ગ્રીક અને ઓર્થોડોક્સ વગેરે છે. લેબનોનના રાષ્ટ્રપતિ મેરોનાઈટ બીસી ધર્મના છે, વડાપ્રધાન સુન્ની મુસ્લિમ અને સંસદ અધ્યક્ષ શિયા મુસ્લિમ છે. બેન્કિંગ, ટુરિઝમ, કૃષિના કારણે લેબનોનનું અર્થતંત્ર દોડતું રહે છે. એક સમયે લેબનોનની રાજધાની બેરૂતને મિડલ ઈસ્ટનું પેરિસ કહેવામાં આવતું હતું, ખાસ કરીને 1960ના દાયકામાં. જોકે 2019થી લેબનોન ગંભીર આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે. લેબનોન મિડલ ઈસ્ટનો એકમાત્ર દેશ છે જ્યાં કોઈ રણ નથી. આ બાઈબ્લોસ, બાલબેક અને અંજાર જેવી યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળોનું ઘર છે. દુનિયામાં સૌથી વધારે ટુરિસ્ટ લેબનોનમાં પહોંચે છે. યુદ્ધ વિરામ પછી પણ ઈઝરાયલે લેબનોનમાં તબાહી મચાવી આખી દુનિયાની નજર લેબનોન પર છે. લેબનોનમાં હિઝબુલ્લા પર હુમલા થઈ રહ્યા છે તેનાથી ઈરાન ગુસ્સે છે. જો ઈરાન ઈઝરાયલ પર હુમલા કરશે તો અમેરિકા પણ ચૂપ નહીં બેસે. આખરે લેબનોન તબાહીમાં કેમ ધકેલાઈ ગયું? બેરૂતને 1970માં પશ્ચિમ એશિયાનું પેરિસ કહેવાતું હતું. જે બેરૂતની ગલીઓમાં ફૂલ વેચાતા હતા ત્યાં બારુદ છે. લેબનોનમાં હવે ટુરિસ્ટને બદલે ટેરરિસ્ટ આવે છે. સીઝફાયર પછી ઈઝરાયલે લેબનોન પર તરત જોરદાર હુમલા શરૂ કરી દીધા છે. બેરૂત, બેક્કાવેલી, માઉન્ટ લેબનોન, સેડોન અને દક્ષિણ લેબનોનના ઘણા ગામો પર આ હુમલા કરવામાં આવ્યા. ઈઝરાયલના મિસાઈલ હુમલામાં ઘણી રહેણાક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. લેબનોનના વડા પ્રધાન નવાબ સલામે રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી. જે દિવસે સીઝફાયરનું એલાન થયું તે જ દિવસે ઈઝરાયલે લેબનોનને ધણધણાવી નાખ્યું. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે તો કહી દીધું, યુદ્ધ વિરામ ઈરાન પૂરતો છે. લેબનોન પર હુમલા ચાલુ રહેશે. ઈઝરાયલનું દુશ્મન હિઝબુલ્લાહ છે, લેબનોનના નાગરિકો નહીં લેબનોનમાં એક આતંકી સંગઠન છે. નામ એનું હિઝબુલ્લાહ. આ સંગઠન ઈઝરાયલનું દુશ્મન છે અને છાસવારે ઈઝરાયલમાં હુમલા કર્યા કરે છે. યુદ્ધ છેડાયા પછી ઈઝરાયલને તક મળી ગઈ. તેણે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલા કરવાનું શરૂ કરી દીધું. હિઝબુલ્લાહ બહુ મજબૂત સંગઠન છે. તેની પાસે ભરપૂર પૈસા અને હથિયારો છે. તેની ખાસિયત એ છે કે લેબનોનના શહેરોના ગીચ વિસ્તારમાં હિઝબુલ્લાહ પોતાના ઠેકાણા બનાવે છે. એટલે કે લેબનોનના માણસોને જ શિલ્ડ બનાવીને પોતાને બચાવે છે. પણ આ વખતે ઈઝરાયલે માનવ વસ્તી વચ્ચે પણ હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કર્યા. તેમાં હિઝબુલ્લાહના કમાન્ડ સેન્ટર, ઈન્ટલિજન્સ ઓફિસ, મિલિટરી બેઝ નાશ પામ્યા. આ જગ્યાઓનો ઉપયોગ હિઝબુલ્લાહ ઈઝરાયલી નાગરિકો પર હુમલાના પ્લાન ઘડવા કરતું હતું. ઈઝરાયલી સેનાના વડાએ કહ્યું છે કે અમારી લડાઈ માત્ર હિઝબુલ્લાહ સામે છે, લેબનોનના નાગરિકો સામે નહીં. ઈઝરાયલ લેબનોન પર સતત હુમલા કેમ કરે છે? આ રહ્યો 5 કારણો... હવે એ સવાલનો જવાબ, જે દરેકના મનમાં ઘૂમે છે. આખરે ઈઝરાયલની હિઝબુલ્લાહ સાથે, લેબનોન સામે દુશ્મની શું છે? આ સવાલનો જવાબ જાણવા ભૂતકાળમં જઈને લેબનોનના ઈતિહાસના ટર્નિંગ પોઈન્ટને સમજવો પડશે. જિસસે લેબનોનની ધરતી પર દુનિયાને પહેલીવાર ચમત્કાર બતાવ્યો હતો મિડલ ઈસ્ટ એટલે ઈસ્લામિક દેશો, પણ લેબનોન ઈસ્લામિક દેશ નહોતો. એક સમયે ઈસાઈ ધર્મના લોકો વધારે હતા. એવું માનવામાં આવે છે કે પ્રભુ ઈશુએ લેબોનોનના ટાયર વિસ્તારમાંથી યાત્રા કરી હતી. આ એ જ ટાયર શહેર છે જ્યાં હિઝબુલ્લાહનો કબજો છે અને ઈઝરાયલ અહીંયા જ બોમ્બ વરસાવી રહ્યું છે. બાઈબલ મુજબ જિસસે લેબનોનની ધરતી પર પહેલીવાર દુનિયાને ચમત્કાર બતાવ્યો હતો. જિસસે લગ્નના સમારોહમાં પાણીને વાઈનમાં બદલી નાખ્યું હતું. કહેવાય છે કે જ્યારે જિસસને મારવાની કોશિશ કરવામાં આવી ત્યારે તેમણે અનુયાયીઓ સાથે દક્ષિણ લેબનોનની એક ગુફામાં આશરો લીધો હતો. પણ લેબનોનના આ ભાગ પર કટ્ટરપંથી ગ્રુપ હિઝબુલ્લાહનો કબજો થઈ ચૂક્યો છે. લેબનોનની જે ધરતી પર પ્રભુ ઈશુ વિહાર કરતા હતા, તેમની સાથે જ ઈસાઈ ધર્મ લેબનોનમાં પહોંચી ગયો હતો ત્યાં આજે ઈસ્લામિક કટ્ટરપંથી જૂથ હિઝબુલ્લાહ રાજ કરે છે. એક સમય એવો હતો કે લેબનોનની સંસદમાં 60 ટકા ઈસાઈ સાંસદો હોવા જોઈએ, તેવો નિયમ હતો. પણ હવે લેબનોનમાં ઈસાઈ લઘુમતીમાં આવી ગયા છે અને આઈસોલેશનમાં જીવવા મજબૂર છે. લેબનોનમાં 90 વર્ષમાં ઈસાઈ ઘટી ગયા ને મુસલમાન વધી ગયા લેબનોનમાં છેલ્લીવાર 1932માં વસ્તી ગણીતરી થઈ હતી. તેમાં ઈસાઈ 51% અને મુસલમાન 42% હતા. ત્યારે મુસલમાનો લઘુમતીમાં હતા. હવે 90 વર્ષ પછી બધું બદલાઈ ગયું છે. 2022માં લેબનોનમાં 32% ઈસાઈ છે અને 65% મુસલમાનો છે. હવે ઈસાઈઓ લઘુમતીમાં આવી ગયા છે. આ ડેમોગ્રાફિક ચેન્જની લેબનોનની સંસ્કૃતિ, જિઓપોલિટલ પર બહુ મોટી અસર થઈ. 1943માં લેબનોન આઝાદ થયું, સેક્યુલર મોડેલને અપનાવ્યું. એટલે ધર્મનિરપેક્ષતાના માર્ગે ચાલવાનું નક્કી કર્યું. આઝાદી પછી નક્કી થયું કે રાષ્ટ્રપતિ પદે ઈસાઈ રહેશે. વડા પ્રધાન પદે સુન્ની મુસલમાન રહેશે અને સંસદના સ્પીકર તરીકે શિયા મુસલમાન રહેશે. 1948 સુધી બધું બરાબર ચાલ્યું. 1948માં ઈઝરાયલનો જન્મ થયો ને અરબ દેશોએ ઈઝરાયલ પર હુમલો કરી દીધો. નવાઈની વાત એ છે કે ઈસાઈની બહુમતી હોવા છતાં લેબનોને ઈઝરાયલ સામે યુદ્ધમાં ભાગ લીધો. પણ એ યુદ્ધમાં ઈઝરાયલની જીત થઈ અને પેલેસ્ટાઈન પર કબજો કર્યો. જેના કારણે 1 લાખ 10 હજાર ફિલિસ્તીની શરણાર્થી લેબનોનમાં આવી ગયા. ત્યારથી પહેલીવાર લેબનોનમાં વસ્તીના અસંતુલનની શરૂઆત થઈ. આજે પણ લેબનોનમાં 4 લાખથી વધારે ફિલિસ્તીની રહે છે. 1950 અને 1960ના દાયકા સુધી લેબનોનમાં બધું બરાબર ચાલતું રહ્યું. આ બંને દાયકા તેનો સ્વર્ણિમકાળ ગણાય છે. 40 હજાર ફિલિસ્તીની લડવૈયા લેબનોનમાં દાખલ થયા ત્યારથી દેશનું પતન શરૂ થયું 1970 પહેલાના લેબનોનમાં મહિલાઓ બિકીની પહેરીને સમુદ્રતટે ફરી શકતી હતી. બેરૂત શહેર તેની નાઈટ લાઈફ, ક્લબ, કેસિનો, બિચ માટે જાણીતું બન્યું. 1968માં રામાનંદ સાગરે બનાવેલી આંખે ફિલ્મ આવી. એ ફિલ્મને ભારતની પહેલી જેમ્સ બોન્ડ મૂવી માનવામાં આવે છે. આ ફિલ્મનું 80% શૂટિંગ લેબનોનની રાજધાની બેરૂતમાં થયું હતું. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, માલા સિન્હા, મહેમૂદ, સુજિત કુમાર જેવા સ્ટાર હતા. પણ 1970 આવતાં આવતાં લેબનોનને નજર લાગી ગઈ અને તેનું કારણ હતું PLO એટલે ફિલિસ્તીન લિબરેશન ઓર્ગેનાઈઝેશન. ત્યારે યાસર અરાફાતના PLOએ જોર્ડનમાં કેમ્પ બનાવી રાખ્યા હતા. 1970માં PLOએ જોર્ડનમાં સરકાર ઉથલાવવાની કોશિશ કરી. એ પછી જોર્ડનની સેનાએ PLOને લોબનોનમાં ખદેડી દીધા હતા. એ પછી 1970માં 40 હજાર ફિલિસ્તીની લડવૈયાઓ લેબનોનમાં દાખલ થયા. લેબનોનની સરકાર અને લડવૈયાઓ વચ્ચે એક કરાર થયો. આ સમજૂતી હેઠળ ફિલિસ્તીની લડવૈયાઓને લેબનોનમાં આઝાદીથી ફરવાનો અધિકાર મળ્યો. તે ખુલેઆમ ઈઝરાયલ પર હુમલા કરવા લાગ્યા. તેના કારણે લેબનોન અને ઈઝરાયલના સારા સંબંધોમાં તિરાડ પડી. PLO અને ફિલિસ્તીની લડવૈયાઓેને શરણ આપવાથી લેબનોનના ઈસાઈઓ નારાજ થયા. લેબનોનના ઈસાઈઓને પોતાની નબળાઈનો અહેસાસ થયો. 15 વર્ષ ગૃહયુદ્ધ ચાલ્યું, મોટાભાગના ઈસાઈઓ લેબનોન છોડીને નીકળી ગયા બીજી તરફ PLO ફિલિસ્તીની લિબરેશન ફ્રન્ટે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો તેનો બદલો લેવા ઈઝરાયલે લેબનોન પર હુમલો કરી દીધો. એપ્રિલ 1975માં PLOના લડવૈયાઓએ લેબનોનમાં ચર્ચ બહાર ફાયરિંગ કર્યું જેમાં ચાર ઈસાઈ માર્યા ગયા. તેના બદલામાં ઈસાઈઓના સંગઠન 'ફાલંગિસ્ટ'એ ફિલિસ્તીનીઓ પર હુમલો કરી દીધો. આ બંને ઘટના પછી લેબનોનમાં સિવિલ વોર શરૂ થઈ. આ ગૃહયુદ્ધમાં એક તરફ ઈસાઈ મિલિશિયા હતા તો બીજી તરફ PLO જેવા મુસ્લિમ મિલિશિયા સંગઠન. ગૃહયુદ્ધના પહેલા એક જ વર્ષમાં 10 હજાર લોકોનાં મોત થયા. આ દરમિયાન 1 લાખ જેવા ઈસાઈ નાગરિકો અમેરિકા, યુરોપ જેવા દેશોમાં જઈને વસી ગયા. લેબનોનનું આ ગૃહયુદ્ધ 1975થી લઈને 1990 સુધી ચાલ્યું. ગૃહયુદ્ધ ખતમ થયું ત્યાં સુધીમાં લેબનાનમાં 1 લાખ લોકો માર્યા ગયા હતા. આ રીતે લેબનોનમાં જન્મ થયો હિઝબુલ્લાહનો ગૃહયુદ્ધ ખતમ કરવા જે સમજૂતી થઈ તેમાં ઈસાઈ રાષ્ટ્રપતિની મોટાભાગની સત્તા સંસદને સોંપવામાં આવી. સંસદમાં ઈસાઈ સાંસદોની સંખ્યા ઘટાડીને મુસ્લિમ સાંસદોની સંખ્યા વધારી દેવામાં આવી. એ પછી જે લેબનોનમાં ઈસાઈઓની બહુમતી હતી ત્યાં મુસલમાનોનું રાજ થઈ ગયું. લેબનોનમાં રહેતા PLO (ફિલિસ્તીની લિબરેશન ઓર્ગેનાઈઝશન) સંગઠને ઈઝરાયલ પર સતત હુમલા ચાલુ રાખ્યા. 11 માર્ચ 1978એ તેમણે હદ કરી નાખી અને ઈઝરાયલની રાજધાની તેલઅવીવમાં ઘૂસીને એક બસ હાઈજેક કરીને 38 નિર્દોષોને મારી નાખ્યા. ત્યારે PLO ના લડવૈયા દક્ષિણ લેબનોનમાં રહેતા હતા. ઈઝરાયલે બસની ઘટના પછી દક્ષિણ લેબનોનમાં હુમલા કર્યા. ઈઝરાયલે એ ઓપરેશનને 'ઓપરેશન લિટાની' નામ આપ્યું. લિટાની એ ઈઝરાયલની નદીનું નામ છે. આ હુમલામાં 1100 મોત થયા ને અઢી લાખ લોકો વિસ્થાપિત કરવામાં આવ્યા. જુલાઈ 1982માં ઈઝરાયલે લેબનોન વિરુદ્ધ ફૂલ સ્કેલ યુદ્ધ શરૂ કર્યું જેને નામ આપ્યું, ઓપરેશન પિસ ફોર ગેલેલી. આ યુદ્ધમાં 3 હજાર ફિલિસ્તીની અને લેબનાની માર્યા ગયા. આ યુદ્ધ પછી PLO નેતા યાસર અરાફાત અને તેના લડવૈયાઓએ લેબનોન છોડી દેવું પડ્યું. પણ આ સાથે જ લેબનોનની ધરતી પર ઈઝરાયલના બીજા દુશ્મનનો જન્મ થયો. નામ હતું- હિઝબુલ્લાહ. સતત 18 વર્ષ સુધી લેબનોનની ધરતી પર વારંવાર ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ થયા અને હજારો લોકો માર્યા ગયા. 2023માં ગાઝાએ જ્યારે ઈઝરાયલ પર હુમલો કર્યો ત્યારે હિઝબુલ્લાહે પણ ઈઝરાયલ પર હુમલા કર્યા. ત્યારથી લઈને આજ સુધી ઈઝરાયલ લેબનોન પર હુમલા કરતું આવ્યું છે. ઈરાને ઉછેરેલો સાપ લેબનોનને નડે છે, લેબનોનની સરકાર ઘેરા સંકટમાં લેબનોનમાં હિઝબુલ્લાહનો જન્મ તો થઈ ગયો પણ તેને ફંડ અને હથિયારની જરૂર હતી જે ઈરાને પૂરી પાડી. વર્ષોથી ઈરાન હિઝબુલ્લાહને ફંડ અને હથિયારો આપે છે. લેબનોનમાં ગુપ્ત રીતે આ પહોંચાડવામાં આવે છે. ઈરાન પોતાના રક્ષણ માટે એક સાપ ઉછેરી રહ્યું હતું. ઈરાને આવું એટલા માટે કર્યું કે જ્યારે ઈઝરાયલ સામે સામનો થાય તો હિઝબુલ્લાહ કામમાં આવે. થયું પણ એવું જ. લેબનોન અને ઈઝરાયલની સરહદ એક જ છે. એટલે લેબનોનની જમીન પરથી ગમે ત્યારે ઈઝરાયલ પર હુમલા કરી શકાય. ઈરાને પોતાના હિત માટે હિઝબુલ્લાહનો ઉછેર કર્યો. ઈઝરાયલ માટે ઈરાન તો દુશ્મન છે જ પણ હિઝબુલ્લાહ મોટો દુશ્મન છે. હિઝબુલ્લાહના મોટાભાગના ઠેકાણા લેબનોનમાં છે. અહીંથી જ ઈઝરાયલ વિરુદ્ધ કાવતરાં ઘડાય છે. ઈઝરાયલને લેબનોન સામે વાંધો નથી, વાંધો હિઝબુલ્લાહ સામે છે. અત્યારે ઈરાને ઉછેરેલો હિઝબુલ્લાહ નામનો સાપ લેબનોનને નડે છે. ઈઝરાયલના સતત હુમલા પછી સ્થિતિ એવી છે કે લેબનોનની સરકાર ઘેરા સંકટમાં આવી ગઈ છે. હવે વોશિંગ્ટનમાં મળનારી મિટિંગના નિર્ણયો જ શાંતિ લાવી શકે તેમ છે… જિસસે જે લેબનોનની ધરતી પર પહેલો ચમત્કાર બતાવ્યો હતો, ત્યાં ફરી કોઈ ચમત્કાર થશે?
Read Original Article →