ગુજરાતમાં વસતિ ગણતરી પાછી ઠેલાઇ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે સરકારનો નિર્ણય, નવી તારીખ હવે પછી જાહેર કરાશે
ગુજરાતમાં 5 મી એપ્રિલથી શરૂ થનારી વસતિ ગણતરી પાછી ઠેલાઇ છે. નવી તારીખ હવે પછી જાહેર કરાશે. રાજ્યમાં પહેલાં ઓનલાઇન વસતિ ગણતરી 5 એપ્રિલથી શરૂ થવાની હતી અને 20મી તારીખથી હાઉસ લિસ્ટિંગ થવાનું હતું. દરમિયાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે વસતિ ગણતરીનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખ્યો છે. આ કાર્યક્રમ ક્યારથી શરૂ થશે તેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેમ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે વસતિ ગણતરીની કામગીરીને અસર પહોંચે તેમ હોવાથી જનગણના વિભાગે આ કામગીરીને લંબાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હતી. જે દરખાસ્તને સરકારે મંજૂરીની મ્હોર મારી દીધી છે. દેશમાં વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ
દેશમાં વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી શરૂ થયો છે. જે 30 સપ્ટેમ્બર, 2026 સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં 'હાઉસ લિસ્ટિંગ' એટલે કે મકાનોની ગણતરી થશે. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં થશે. તેમાં લોકોને તેમની જાતિ પૂછવામાં આવશે. આઝાદી પછી પહેલીવાર જાતિનો ડેટા એકત્રિત કરવામાં આવશે. આ પહેલા 1931માં આવું થયું હતું. આ પ્રશ્નો પૂછાશે
વસતિ ગણતરી દરમિયાન તમને કુલ 33 પ્રશ્નો પૂછાશે. આ વસતિ ગણતરીમાં કયા પ્રકારના સવાલો પૂછવામાં આવશે તે અંગે સોશિયલ મીડિયામાં ધૂમ મેસેજો વાયરલ થઇ રહ્યાં હતા. જો કે ગુજરાત સરકારે આ કાર્યક્રમને મોકૂફ રાખવાનું નોટિફિકેશન બહાર પાડતાં જ સમગ્ર ચર્ચા પર હાલ પૂરતું પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. પહેલીવાર સંપૂર્ણપણે ડિજિટલ વસતિ ગણતરી
દેશમાં પહેલીવાર વસતિ ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી થશે. કર્મચારીઓ મોબાઇલ એપથી ડેટા સીધા તેમના સ્માર્ટફોન પર એકત્રિત કરશે. પહેલાં વસતિ ગણતરીના આંકડા કાગળ પર નોંધવામાં આવતા હતા અને પછી તેમને ડિજિટાઇઝ કરવામાં આવતા હતા. આમાં ઘણો સમય લાગતો હતો. મકાનોની ગણતરીમાં જિયો-રેફરન્સિંગ ટેકનિકનો ઉપયોગ થશે. દરેક ઘરનું લોકેશન ડિજિટલ મેપ પર નોંધવામાં આવશે. જેથી કોઇ મકાન છૂટી ન જાય અને કોઇની ફરીથી ગણતરી ન થાય. કર્મચારીઓ જો આ 3 સવાલ પૂછે તો જવાબ ન આપો આવક: મહિનાની કમાણી અથવા બેંક બેલેન્સ સંબંધિત કોઈ પણ પ્રશ્ન.
દસ્તાવેજો: આધાર, પાન અથવા અન્ય કોઇ પણ ઓળખપત્ર બતાવવાનું દબાણ.
બેંક વિગતો: બેંક ખાતા નંબર અથવા OTP (ઓટીપી) જેવી ખાનગી વિગતો. 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
રાજ્યમાં 26મી એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. જેમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10 હજારથી વધુ બેઠકો માટે મતદાન થશે. આ ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો કોઈ સ્થળે પુનઃ મતદાનની જરુર પડે તો 27 એપ્રિલે યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી થશે.
Read Original Article →