કોંગ્રેસમાં મેન્ડેટનું સસ્પેન્સ, છેલ્લી ઘડીએ ખેલાયો ખેલ!:ભાજપમાં બળવાનો ડર, સિનિયરની બાદબાકી અને Gen-Z પર દાવ; ટીમ જગદીશ વિશ્વકર્માને શેની ચિંતા?

Gujarat4/12/2026, 12:30:00 AM
કોંગ્રેસમાં મેન્ડેટનું સસ્પેન્સ, છેલ્લી ઘડીએ ખેલાયો ખેલ!:ભાજપમાં બળવાનો ડર, સિનિયરની બાદબાકી અને Gen-Z પર દાવ; ટીમ જગદીશ વિશ્વકર્માને શેની ચિંતા?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી માટે રાજકીય પક્ષોમાં પડાપડી થઇ. જેના કારણે રાજકીય પક્ષો માટે લોઢાંના ચણાં ચાવવા જેવી સ્થિતિ સર્જાઇ હતી. અત્યારસુધી એવું થતું કે બળવાના ડરથી કોંગ્રેસ ઉમેદવારોના નામ જાહેર કરવાના બદલે ડાયરેક્ટ મેન્ડેટ આપી દેતી હતી પણ આ વખતે તો શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી ભાજપાએ પણ બળવાના ડરે સાવ છેલ્લે ઉમેદવારોની જાહેરાત કરી હતી. શનિવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ભાજપ, કોંગ્રેસ અને આપના સત્તાવાર ઉમેદવારોએ ફોર્મ તો ભરી દીધા છે પણ આ ચૂંટણીએ તમામ પક્ષોને ટિકિટવાંચ્છુઓનો કડવો અનુભવ કરાવી દીધો છે. સ્થિતિ તો એવી છે કે ફોર્મ ભરાઇ ગયા હોવા છતાં કોંગ્રેસ ઘણી જગ્યાએ પોતાના ઉમેદવારોના નામ હજુ સુધી જાહેર નથી કરી શકી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ વખતે શેની મૂંઝવણમાં હતી? સ્થાનિક નેતાઓની નારાજગી કેટલી ભારે પડી શકે? ભાજપ અને કોંગ્રેસનો મદાર કેવા ચહેરાઓ પર હતો? એ જાણવા દિવ્ય ભાસ્કરે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર સાથે ખાસ વાતચી કરી હતી. પહેલાં વાત રાજ્યની 6 મુખ્ય મહાનગરપાલિકાઓની કેટલીક ચર્ચિત ઘટનાઓ વિશે. અમદાવાદ મહાનગરપાલિકા માટે અનેક અસમંજસ, સસ્પેન્સ બાદ ગુજરાત ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં 18 મહિલા ઉમેદવારો સહિત કુલ 37 જેટલા કોર્પોરેટરોને રિપીટ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે અમદાવાદના અમુક ઉમેદવારો જાહેર જ ન કર્યાં આ તરફ કોંગ્રેસે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 48 વોર્ડમાંથી માત્ર 34 વોર્ડમાં જ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી. જોધપુર, દરિયાપુર, નિકોલ, વિરાટનગર, બાપુનગર, સરસપુર, જમાલપુર, વાસણા, સરખેજ, મકતમપુરા, બહેરાપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, રામોલ એમ કુલ 14 વિવાદિત વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત અંતિમ ઘડી સુધી નહોતી કરાઇ. સુરતમાં ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલ્યાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય ડ્રામા ચરમસીમાએ પહોંચ્યો હતો. કોંગ્રેસે રણનીતિ બદલીને 70% ઉમેદવારોને હાથોહાથ મેન્ડેટ આપ્યો હતો. જેથી ભાજપ અને આમ આદમી પાર્ટી પણ અસમંજસમાં મુકાઇ ગયા હતા કે સામે કોણ લડી રહ્યું છે. બીજી તરફ ભાજપે વોર્ડ-21માં છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલતા ચર્ચાઓ જાગી હતી. આ બધાની વચ્ચે ટિકિટ ન મળતા ભાજપના યુવા નેતા નરેન્દ્ર ચૌધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વડોદરામાં ભાજપે 53 નવા ચહેરાઓને સ્થાન આપ્યું હતું. જો કે અંતિમ સમયે એક ઉમેદવાર બદલવાની ફરજ પડી હતી. વોર્ડ નં.1માં રાગ મછારનું નામ મતદાર યાદીમાં ન હોવાથી વોર્ડ નં.16માંથી આવતા ભૂરસિંગ રાઠવાનું નામ જાહેર કરાયું હતું. જેનું નામ હતું તેણે સ્ટેજ પરથી નીચે ઉતરવું પડ્યું રાજકોટમાં તો ભાજપે વિજય વિશ્વાસ સંમેલનમાં સ્ટેજ પર બેઠેલા ઉમેદવાર શૈલેષ જાનીના બદલે બીજા ઉમેદવાર નેહલ શુકલને મેન્ડેટ આપ્યો હતો. જેથી શૈલેષ જાની સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા. જેના પછી સાંસદ મોકરિયા અને શહેર ભાજપ પ્રમુખે તેમની સાથે બંધ બારણે બેઠક યોજીને મનાવ્યા હતા. રાજકોટમાં ભાજપે 72 ઉમેદવારો પૈકી 22 ઉમેદવારને રિપીટ કર્યા હતા. જ્યારે 50 નવા ઉમેદવારો પર દાવ અજમાવ્યો હતો. રાજકોટના પૂર્વ મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર, પૂર્વ દંડક મનીષ રાડિયા અને સુરેન્દ્રસિંહ વાળા, શાસક પક્ષના પૂર્વ નેતા લીલુબેન જાદવ અને વિનુભાઇ ધવા તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરાની બાદબાકી કરીને નવા ચહેરાને તક આપી હતી. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપે 52 કોર્પોરેટરમાંથી 9 ને જ રિપીટ કર્યા હતા. બાકીના તમામ નવા ચહેરા પર દાવ લગાવ્યો હતો. જામનગરમાં ઉમેદવારે આપને ચકમો આપ્યો જામનગરમાં ભાજપે 14 જેટલા આયાતી ઉમેદવારોને મેદાને ઉતારતા કાર્યકરોમાં રોષ હતો. વોર્ડ નં-6ના વોર્ડ પ્રમુખ અને ભાજપના 31 વર્ષ જૂના કાર્યકર જીવા કનારાએ નારાજ થઇને પાર્ટી છોડી દીધી હતી. ભાજપે જેની ટિકિટ કાપી તેમાં દિગ્ગજ અને સક્ષમ નેતાઓ પણ કપાઇ ગયા હોવાનો કચવાટ છે. જો કે વોર્ડ નં-1ના આપના ઉમેદવાર જયદીપસિંહ ઝાલાએ છેલ્લા દિવસે કોંગ્રેસના મેન્ડેટ પરથી ફોર્મ ભરીને આપને ચકમો આપ્યો હતો! કોંગ્રેસે યુવા પાંખ અને NSUIના કાર્યકરોને ટિકિટ આપી આ ચૂંટણીમાં યુથ કોંગ્રેસમાં ગુજરાતભરમાંથી 300થી વધુ યુવા નેતાઓએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ટિકીટ માંગી હતી. જેમાંથી કોંગ્રેસે 20 થી 30% લોકોને ટિકિટ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એ જ રીતે NSUIમાંથી 35 દાવેદારોએ ટિકિટ માંગી હતી. જેમાંથી 20 ઉમેદવારોને ટિકિટ મળી છે. ભાવનગરમાં યુવા કોંગ્રેસના 35 નેતાઓએ ટિકિટ માંગી હતી. કોંગ્રેસે આ વખતે યુથ કોંગ્રેસ અને NSUIના લડાયક કાર્યકરો અને નેતાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસની આ સ્ટ્રેટેજી કેટલી કારગર સાબિત થશે એ અંગે પૂછતાં રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરે કહ્યું, આજના સમયમાં ભાજપ સત્તામાં હોવા છતાં અને તેની વિદ્યાર્થી પાંખ ABVP હોવા છતાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI કોલેજ લેવલે મજબૂતાઇથી કામ કરી રહી છે. અહીંથી જે-તે કાર્યકરો મુખ્ય પાર્ટીમાં જોડાતા હોય છે પણ પછી તેમને પાર્ટી સાઇડલાઇન કરી દેતી હોય છે. આવી ફરિયાદો કોંગ્રેસમાં ખૂબ લાંબા સમયથી હતી. જેને અમિત ચાવડાની ટીમે નિવારવાની કોશિષ કરી છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસે ફ્રેશ બ્લડ આપવાની કોશિષ કરી છે. જેમાં કેટલાક તો એવા સામાન્ય કાર્યકરો પણ છે જેને તક મળી છે. આવું અત્યાર સુધી કોંગ્રેસમાં ક્યારેય નહોતું બન્યું. તેની સાથે સાથે નોન પોલિટિકલ લોકો હોય અને પાર્ટીની વિચારધારા ધરાવતા હોય તેવાને પણ તક આપવામાં આવી છે. જેને કોંગ્રેસ પાર્ટીએ નવસર્જન શબ્દ આપ્યો છે. ભાજપે આ ચૂંટણીમાં જાતિગત સમીકરણોને સારી રીતે બેસાડ્યા છે. તેમણે કહ્યું, ભાજપે ત્રણ કે ચાર નિયમો બનાવ્યાં હતા. જેમાં 60 વર્ષથી ઉપર અને જેની 3 ટર્મ પૂર્ણ થઇ ગઇ હોય તેને ટિકિટ ન આપવાનો નિયમ હતો. જેની સામે તેમણે આ વખતે Gen-Zને આકર્ષી શકે તેવી કેટલીક ટિકિટો આપીને યુવાનોને ભાજપ તરફ આકર્ષવાની કોશિષ કરી છે. આ સાથે જ ભાજપે સિનિયર અને જુનિયરનું પણ કોમ્બિનેશન કર્યું છે. આ બધાની વચ્ચે તેમણે જાતિગત સમીકરણો પણ સારી રીતે બેસાડ્યાં છે. ટીમ વિશ્વકર્મા માટે પહેલી મોટી ચૂંટણી ભાજપ સામે કયા કયા પડકારો હતા તેની વાત કરતાં તેમણે કહ્યું કે, 27% OBC અનામત બાદ આ પહેલી ચૂંટણી યોજાઇ રહી છે. આમાં ચેલેન્જ એ હતી કે 27% ઓબીસી ઉમેદવાર આપવાના જ હતા પણ અન્ય કેટેગરીની સીટ છે ત્યાં OBC કેન્ડિડેટને ટિકિટ આપવાનો વિરોધ દરેકે દરેક પક્ષમાં હતો. સી.આર.પાટીલના ગયા પછી જગદીશ વિશ્વકર્મા માટે આ પહેલી મોટી ચૂંટણી છે એટલે આ પણ ચેલેન્જ હતી. બીજી તરફ આંતરિક અસંતોષ હતો તેને પણ ડેમેજ કંટ્રોલ કરવાનો હતો. અત્યાર સુધીમાં ભાજપમાં આ પ્રકારનું ચિત્ર જોવા મળ્યું છે. કોંગ્રેસ સામે સંગઠનને જીવતું રાખવાનો પડકાર કોંગ્રેસ સામે મહાનગરપાલિકામાં સંગઠનને જીવતું રાખવાની ચેલેન્જ હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસની વાત કરીએ તો ગત 2021ની ચૂંટણીમાં 2015ની તુલનામાં 50% ધોવાણ વોટ શેર અને બેઠકો પર થઇ ગયું હતું. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ 4 મોટી મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાસે માત્ર 46 કોર્પોરેટર હતા. જ્યારે સુરતમાં તો એક પણ કોર્પોરેટરે ન હોય તેવી સ્થિતિનું સર્જન થયું હતું. ‘આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે મહાનગરપાલિકામાં સંગઠનને જીવતું રાખવું. અમદાવાદ પશ્ચિમમાં ઉમેદવારો શોધવા એ ખૂબ મોટી કવાયત હતી. જે જગ્યાએ કોંગ્રેસની જીતવાની શક્યતાઓ છે ત્યાં તેમનો જૂનો જૂથવાદ અને મારા તારાવાળી લડાઇને હતી. જેના કારણે ફોર્મ ભરવાના છેલ્લા સમય સુધી ન તો ઉમેદવાર જાહેર કર્યા કે ન તો કોઇ લિસ્ટ જાહેર કર્યું.’ આપ ટક્કર આપશે તેમના મતે, આમ આદમી પાર્ટીએ ગયા વર્ષે સુરત સિવાય બીજે ક્યાંય સારો દેખાવ નહોતો કર્યો. અમદાવાદમાં પણ તેઓ થોડા વિસ્તાર પૂરતી સિમિત છે. સુરતથી નવસારી સુધી આમ આદમી પાર્ટીની ટક્કર રહી શકે છે. અત્યાર સુધી ભાજપનો આંતરિક ડખો બહાર નહોતો આવતો પણ આ વખતે બહાર આવેલા ભાજપનો ડખો કેવા સમીકરણો રચી શકે છે તે અંગે તેમણે કહ્યું કે, 2022ની વિધાનસભાની ચૂંટણીને યાદ કરો તો ત્યારે પણ આવી જ સ્થિતિ થઇ હતી. એક સમય એવો પણ આવ્યો હતો કે કમલમના દરવાજા બંધ કરવા પડ્યાં હતા. લોકસભાની ચૂંટણીમાં પણ આવું જ બન્યું હતું. તેમણે ભાજપ અને કોંગ્રેસની ડેમેજ કન્ટ્રોલ કરવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો. તેઓ કહે છે કે, ભાજપના જ સાંસદ મનસુખ વસાવાએ પક્ષના નિયમો સામે પ્રશ્નો ઉઠાવ્યાં હતા કે આવા નિયમોના કારણે ક્યાંક ભાજપ જ ભાજપને ન હરાવે તેવો મને ડર છે. ભાજપમાં એવું છે કે જ્યારે કોઇ નિર્ણય થાય એ પછી તેનો ડેમેજ કન્ટ્રોલ કરવાની પ્રોસેસ પણ પેરેલલ શરૂ કરી દેવાય છે. ભાવનગરના પૂર્વ મેયરની બાબતમાં પણ ભાજપે ડેમેજ કન્ટ્રોલ કરી લીધું હતું. ભાજપ મોટો થઇ રહ્યો છે પણ સ્થિતિ એવી સર્જાય છે કે રસોઇ લિમિટેડ લોકોની બને છે અને સામે ખાવાવાળાની સંખ્યા વધી જાય છે. આ કારણે અસંતોષ જોવા મળે. ‘કોંગ્રેસમાં આ બાબતે ઉંધી પરિસ્થિતિ છે. અહીં મેન્ડેટ આપ્યાં પછી નેતાઓના ફોન બંધ કરી દે છે. પ્રદેશ કાર્યાલય પર છેલ્લા 3 દિવસથી કોઇ નેતાઓ ફરક્યાં નથી. તેઓ ખાનગી જગ્યા પર બેસીને મિટિંગો કરે છે અને તેમાં પણ તેઓ ઝૂમ પર જોડાઇને અને ફોન પર વાત કરી લે છે.’ તેમણે ભાજપની સ્ટ્રેટેજી વિશે વાત કરતાં કહ્યું કે, પશ્વિમ બંગાળમાં મુખ્ય પાર્ટી ડાબેરી, TMC અને કોંગ્રેસ હતી. જ્યારે ભાજપની એન્ટ્રી થઇ ત્યારે તેનો ફાયદો TMCને થયો હતો. કોંગ્રેસ અને ડાબેરીના પક્ષો ભાજપ તરફ ડાયવર્ટ થયા હતા. ધીરે ધીરે તેમાં વધારો થતો ગયો અને અત્યારે ભાજપ ત્યાનો મુખ્ય વિપક્ષ બની ગયો છે. દિલ્હીમાં પણ આવું જ થયું હતું. ગુજરાતમાં પણ આવી જ પ્રોસેસ ચાલી રહી છે. 'આ પ્રોસેસ કેટલી સફળ થાય છે તેના પર આપ અને કોંગ્રેસનું ભવિષ્ય નક્કી છે કેમ કે ભાજપના મતના ભાગલા નથી પડતા. ભાજપના શહેરી મતો અકબંધ છે. જે લોકો ભાજપને મત નથી આપતા અને કોંગ્રેસને પણ મત આપવા નથી માગતા તેના મત આપ તરફ જાય છે. સ્વભાવિક છે કે ફાયદો ભાજપનો દેખાય પણ ધીરે ધીરે સ્થિતિ એવી થાય કે આપ કોંગ્રેસની જગ્યા લઇ લે તો ભાજપ માટે એક નવી ચેલેન્જ ઊભી થાય. આ વાત ભાજપ પણ જાણે છે એટલે તેણે કોંગ્રેસની સાથે સાથે આપને પણ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું છે.' અત્યારે મુખ્ય વિપક્ષ થવાની પ્રોસેસ ચાલે છે. આ પ્રોસેસ જ્યારે પૂરી થશે ત્યારે ભાજપ સામે એક ચેલેન્જ ઊભી થશે એટલે ભાજપની કોશિષ છે કે આપને પણ નબળી પાડવી. કોંગ્રેસ તો નબળી છે જ એટલે મતના ભાગલા જ્યાં પડતાં હોય ત્યાં પડવા દેવા. બિનહરિફ પેનલ લોકશાહી માટે કમનસીબી કોઇ પેનલ બિનહરિફ થવાની ઘટનાને તેઓ લોકશાહી માટે મોટી કમનસીબી માને છે. તેમણે કહ્યું કે, આખી પેનલ બિનહરિફ થઇ જાય તેનો અર્થ એ કે જેને ટિકિટ મળી હતી તેણે પહેલેથી સામેવાળી પાર્ટી સાથે સેટિંગ કરી જ રાખ્યું હતું. આવું થાય એટલે જનતાનો મત આપવાનો અધિકાર છીનવાઇ જાય છે. જે લોકશાહી માટે મોટી કમનસીબી છે. 'આટલા વર્ષો પછી પણ જો વિપક્ષ સરખી રીતે મેન્ડેટ ન આપી શકે તો એવો સંદેશ જાય કે કોંગ્રેસને ઇલેક્શન મેનેજમેન્ટ જ નથી આવડતું. આના કારણે પ્રજામાનસમાં એક મનોવૈજ્ઞાનિક કારણ ઊભું થાય કે કોંગ્રેસને મત આપ્યા પછી પણ જો તે જીતી જાય તો ભૂતકાળની જેમ ભાજપમાં ભળી નહીં જાય તેની શું ગેરેન્ટી? લોકોને લાગે કે કોંગ્રેસને મત આપીને ભાજપને ઇનડાયરેક્ટ મત આપવો તેના કરતા તો ભાજપને જ ડાયરેક્ટ મત આપી દેવો સારૂં.'
Read Original Article →