'ઇન્ડિયાના ભાયુ પેટ્રોલ ગોતે, મોદી કાકા તો વિદેશમાં ફરે':ગુજરાતના 2 ભાઇઓના કટાક્ષ ભરેલા ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી, 5 દિવસમાં 70 લાખથી વધુ વ્યૂઝ મળ્યાં
ગીત-1 ઇન્ડિયાના ભાયુ બધા પેટ્રોલ ગોતે
ઇન્ડિયાની બાયુ ગેસના બાટલા ગોતે
મોદી કાકા તો વિદેશમાં ફરે…. લેવા જાઉં ખાતર તો અંગૂઠો માગે
ગેસના બાટલામાં લાઇનો લાગે
ડીઝલ લેવા જાઉં તો ઉતારા માગે
દેશ દુઃખી થાય, નેતા વિદેશ ફરે…. -- ગીત-2 પંપે પેટ્રોલ ના મળે મોદી કાકા, પંપે ડીઝલ ના મળે
ડીઝલ લેવા ગયો તો 10 લીટર માગ્યું
પંપ વાળો કાંઠો મને 2 લીટર આલ્યું 2 લીટરમાં ખેતર ના ખેડાય મોદી કાકા
લીટરમાં ખેતર ના ખેડાય
આવો અન્યાય ના કરો ખેડૂત ને,આવો અન્યાય ના કરો.... આ એ ગીતના શબ્દો છે જેણે ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે. 5 દિવસમાં આ 2 સોંગે ઇન્સ્ટા પર 70 લાખ વ્યૂઝ મેળવ્યા છે. કદાચ આ ગીત બનાવનારને પણ ખબર નહીં હોય કે તે આટલું વાયરલ થઇ જશે. હજુ સોમવારની જ વાત છે. લોકો રવિવારની રજાની મજા માણીને ઉઠ્યા જ હતા ત્યાં સવારમાં સમાચાર આવ્યા કે પેટ્રોલમાં 2.61 રૂપિયા અને ડીઝલમાં 2.71 રૂપિયા પ્રતિ લીટર ભાવવધારો થયો છે. એક જ મહિનામાં આ ચોથીવાર ભાવવધારો થયો હતો. સ્વભાવિક છે કે પેટ્રોલ ડીઝલ મોંઘું થાય એટલે શાકભાજી, અનાજ-કરિયાણું, દૂધ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની જ. તેવામાં મોંઘવારીના ચક્કરમાં પિસાતા સામાન્ય માનવીની ચિંતાને જાણે કે આ 2 ગીતે વાચા આપી છે. ગીતકાર પંકજ નાયતા અને તેના ભાઇ અરવિદ નાયતાએ આ ગીત બનાવ્યા છે. દિવ્ય ભાસ્કરે આ ગીત ગાનારા અરવિંદ નાયતાના ભાઇ પંકજનો સંપર્ક કર્યો હતો અને આ ગીત ક્યારે અને કેમ બનાવ્યું હતું વગેરે બાબતે તેમની સાથે વાતચીત કરી હતી. તેમના દાવા પ્રમાણે માત્ર 2 જ દિવસમાં આ ગીત 2 મિલિયન લોકોએ જોયું હતું. ગામનું નામ જ ઓળખ બની ગઇ
પંકજ અને અરવિંદ પાટણથી 18 કિલોમીટર દૂર આવેલા નાયતા ગામે રહે છે. ગામનું નામ જ તેમની ઓળખ બની ગઇ છે. લોકો તેને પંકજ નાયતા તરીકે જ બોલાવે છે. ગીતના શબ્દો લખનારા પંકજે ધો.12 સુધીનો અભ્યાસ કર્યો છે અને સંગીતની દુનિયામાં છેલ્લા 7-8 વર્ષોથી છે. દોઢ વર્ષ પહેલાં તેણે પીન્શુ રેકોર્ડિંગ સ્ટુડિયો નામથી પોતાનો સ્ટુડિયો બનાવ્યો હતો. આ સ્ટુડિયોમાં તે ગીત રેકોર્ડ કરે છે. તેના પિતાનું નામ શોભાજી અને માતાનું નામ લીલાબેન છે. પેટ્રોલ-ડીઝલની સમસ્યાના ગીત લોકોને ખૂબ ગમ્યા
પંકજે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, પેટ્રોલ-ડીઝલની સમસ્યા અંગે અમે 3-4 ગીત જ બનાવ્યાં છે. બધા ગીત 2 દિવસમાં 2-3 અને 4 મિલિયનને પાર જતાં રહ્યાં છે. લોકોના મનોરંજન માટે અમે આવા ગીત બનાવીએ છીએ. લોકોને ગમે છે એટલે અમે બનાવીએ છીએ. ઇંધણની અછત જોઇને ગીત બનાવી નાખ્યું
આ ગીત બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તેની વાત કરતાં તેણે કહ્યું કે, હાલ પેટ્રોલ પંપ પર જઇએ તો ઊભા રહેવું પડે છે અને પેટ્રોલની બહુ અછત છે તો અમને વિચાર આવ્યો કે આના વિશે પણ એક ગીત બનાવી દઇએ એટલે અમે આ ગીત બનાવ્યું. એવા ઘણા બધા વીડિયો છે જે પરિસ્થિતિને ધ્યાને લઇને અમે બનાવીએ છીએ અને બહુ જ ચાલે છે. લોકોને પણ બહુ ગમે છે. ગીતને કેવો પ્રતિસાદ મળે છે?
આવા કટાક્ષભર્યા ગીત બનાવ્યા હોય એટલે ક્યારેક સત્તાપક્ષને ન પણ ગમે. આવી સ્થિતિનો સામનો કેવી રીતે કરે છે તે અંગે તેણે કહ્યું કે,સરકાર કે શાસક પક્ષમાંથી ફોન આવે પણ અમે કહીએ કે અમે મનોરંજન માટે ગીત બનાવીએ છીએ. આવા ગીતમાં કોમેન્ટ્સ તો સારી આવે છે કે તમે સારું કરો છો, સારો સંદેશ આપો છો એવી તો કોમેન્ટો સારી આવે છે. પેટ્રોલવાળું ગીત બનાવ્યા પછી અમે સ્વદેશી અપનાવો અને વિદેશી હટાવોનું ગીત બનાવ્યું હતું. તે પણ દેશ માટે એક સારો સંદેશ જ છે. આ તો ખાલી મનોરંજન માટે અમે ગીત બનાવીએ છીએ. લોકોને હસાવવાનો જ એક માત્ર ઉદ્દેશ છે. જુદા-જુદા અનેક મુદ્દે ગીત બનાવ્યા
પંકજ અને અરવિંદે સાથે મળીને વૃક્ષોના નિકંદન, દારૂની બદી, ગેસની અછત અંગેના ગીતો પણ બનાવ્યા છે.
તે કહે છે કે, અત્યારે મારા લગભગ 100-150 ગીતો હશે. જેમાં બધાં પ્રકારના ગીતો હોય છે. માતાજીના ગીત હોય, લવ સોંગ હોય, સેડ સોંગ પણ હોય છે. 2 ભાઇઓ ભેગા થઇને ગીત લખે
આ પ્રકારના ગીત બનાવવા પાછળ લાગતી મહેનત અંગે પણ પંકજ નાયતાએ જણાવ્યું. તેમના મતે, આ ગીતોના શબ્દો અમે બે ભાઇઓ ભેગાં મળીને જ લખીએ છીએ. આ ગીત બનાવવામાં એક કલાક જેટલો સમય થાય છે. પહેલાં કાચું ગીત બનાવી દઇએ પછી પાયલોટિંગ કરી દઇએ પછી તેમાં ગવડાવીને મિક્સીંગ કરી દઇએ. જેના પછી ઇસ્ટાગ્રામમાં રીલ બનાવીને સવારે એડિટ કરીને ચડાવી દઇએ. બધું અમે જાતે જ કરીએ છીએ. નાનપણથી જ ગીત ગાવાનો શોખ હતો
તેણે વધુમાં જણાવ્યું કે, મારો નાનો ભાઇ અરવિંદ ખાસ કરીને કોમેડી ગીતો ગાતો હોય છે. જે માર્કેટમાં ખૂબ ચાલતાં હોય છે અને લોકોને ગમતાં હોય છે. જે પ્રકારની પરિસ્થિતિ હોય તે પ્રકારના ગીતો અમે બનાવીએ છીએ.સ્કૂલના ટાઇમમાં હું સ્કૂલમાં પણ ગાતો હતો, સ્પર્ધામાં ભાગ લેતો હતો. મને ગાવાનો શોખ હતો એટલે મેં ગાવાનું ચાલુ જ રાખ્યું છે. પાટણના આ બન્ને ભાઇઓના વાયરલ ગીતે સાબિત કર્યું છે કે સામાન્ય માણસની રોજિંદી હાડમારી અને મોંઘવારીની પીડાને જ્યારે સંગીત અને કટાક્ષનો સહારો મળે છે ત્યારે તે સીધી જનતાના દિલ સુધી પહોંચે છે.
Read Original Article →