સરકારની નજર સામે ગાંધીનગરમાં નિયમોનો ઉલાળિયો:નિવૃત્તિના 10 વર્ષ પછી નોકરી ચાલુ, મંત્રાલયના 4-4 પત્રો છતાં કોના આશીર્વાદથી સિટી એન્જિનિયર ખુરસીથી ન ઉઠ્યા?

DvB Original3/30/2026, 12:30:00 AM
સરકારની નજર સામે ગાંધીનગરમાં નિયમોનો ઉલાળિયો:નિવૃત્તિના 10 વર્ષ પછી નોકરી ચાલુ, મંત્રાલયના 4-4 પત્રો છતાં કોના આશીર્વાદથી સિટી એન્જિનિયર ખુરસીથી ન ઉઠ્યા?
દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં પર્દાફાશ થયો છે એક મોટા અધિકારીનો, જેમને નિવૃત્ત થયે 10 વર્ષ થઈ ગયા છે છતાં નોકરી મૂકી નથી. જાણીને આશ્ચર્ય થાય એવી ઘટના છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં વયનિવૃત્તિ પછી પણ છેલ્લા 10 વર્ષથી સિટી એન્જિનિયર ફરજ બજાવી રહ્યા છે. કેવી રીતે નેતાઓ અને અધિકારીઓએ એક વ્યક્તિ માટે નિયમ ભૂલીને નિમણૂક કરી? ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આ ગેરરીતિ ક્યારે આવી? અને કોના ઇશારે 10 વર્ષ સુધી મનમાની ચાલતી રહી? એ જાણવા માટે અમે તપાસ કરી. જેના પરિણામે જે જાણકારી મળી, ડોક્યુમેન્ટ મળી આવ્યા એ એકદમ ચોંકાવનારી હકીકતનો ખુલાસો કરે છે. ગાંધીનગર મહાનગર પાલિકામાં સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવનારા બી.કે.પંડ્યા ઓગસ્ટ, 2016માં વયનિવૃત્ત થયા હતા. ત્યાર બાદ તેમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિટી એન્જિનિયર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર લેવાયા હતા. ત્યારથી તેઓ આ જ પદ પર ફરજ બજાવી રહ્યા છે. આગળ વાંચો, કેવી રીતે એક અધિકારીને બચાવવા માટે વર્ષો સુધી મનમાની ચાલતી રહી? નિવૃત્તિ પછી પાછલા બારણે ભરતી થઈ સરકારના 2016ના પરિપત્ર મુજબ વયનિવૃત્ત કર્મચારીને 62 વર્ષ પછી સરકારમાં કોઈ જગ્યાએ નિમણૂક આપી શકાતી નથી, જ્યારે પંડ્યા 2026માં 68 વર્ષના થઈ ગયા હતા. કોઈપણ કોર્પોરેશનમાં સિટી એન્જિનિયરની પોસ્ટ ખૂબ જ મહત્વની અને જવાબદારીવાળી હોય છે. આથી આવી પોસ્ટ પર નિવૃત્ત થયેલા એન્જિનિયરને રાખવાને બદલે કાયમી ભરતી કરવી પડે. તેને બદલે કોર્પોરેશનના સત્તાધીશોને પંડ્યામાં એવો રસ પડ્યો કે, તમામ નિયમોને નેવે મૂકીને આઉટસોર્સિંગથી એટલે કે પાછલા બારણેથી તેમની નિમણૂક કરી દીધી. એવું નથી કે નિયમોની વિરુદ્ધ જઈને બી.કે.પંડ્યાની નિમણૂક વિશે કોઈને કાનોકાન ખબર ન હતી. આ વાત ગાંધીનગર મહાનગરપાલિકાની હોવાથી રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ સુધી પણ પહોંચી ગઈ. ત્યાર બાદ જે ઘટનાક્રમ શરૂ થયો એ મલાઈદાર પગાર લેતા સરકારની અધિકારીઓની કામ કરવાની નીતિ પર ગંભીર સવાલો ઉભા કરે એવો છે. શહેરી વિકાસ વિભાગને બી.કે.પંડ્યાની ખોટી નિમણૂકની જાણ થયા બાદ તેમને છૂટા કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરને ચાર વખત પત્રો લખ્યા હતા. જેમાં સૌપ્રથમ 13 જૂન, 2022ના રોજ પત્ર લખ્યો હતો. સરકારમાંથી પત્ર આવ્યો, આ અધિકારીને તાત્કાલિક છૂટા કરો આ પત્રમાં સામાન્ય વહીવટ વિભાગના 11 નવેમ્બર, 2021ના ઠરાવ મુજબ સિટી ઇજનેર બી.કે.પંડ્યાને તાત્કાલિક છૂટા કરીને કરવામાં આવે. આ નિર્ણય લેવાયો હોવાની જાણ પણ શહેરી વિકાસ વિભાગને કરવાની પત્રમાં સૂચના હતી. જો કે સેકન્શન અધિકારી નેન્સી મુનશીએ લખેલા આ પત્રથી ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરને જાણે કોઈ ફરક પડતો ન હોય એમ બી.કે.પંડ્યાની નોકરી સલામત રાખી. એટલે એક મહિના પછી શહેરી વિકાસ વિભાગના ઉપસચિવ રૂપેશ રાણાએ ગાંધીનગર મનપાના એ સમયના કમિશનર ધવલ પટેલને ફરી પત્ર લખ્યો. બીજી વખત લખાયેલા પત્રની ભાષામાં નારાજગી સ્પષ્ટ વર્તાતી હતી. જેમાં અગાઉના પત્રનો રેફરન્સ આપીને લખ્યું હતું કે ક્લાસ-1 અધિકારી બી.કે.પંડ્યાને તાત્કાલિક અસરથી છૂટા કરીને તે અંગેની જાણ આ વિભાગને કરવા જણાવ્યું હતું. પણ હજુ સુધી જાણકારી મળી નથી. આ બાબતે કાર્યવાહી કરીને શહેરી વિકાસ વિભાગને જાણ કરવા ફરીથી કહેવામાં આવ્યું હતું. 111 દિવસ વીતી ગયા પણ ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી ન હલ્યું. અત્યાર સુધી બન્ને પત્રો એકદમ ટૂંકમાં લખવામાં આવેલા હતા. એટલે શહેરી વિકાસ વિભાગના ઉપ સચિવ કૃણાલ ઉપાધ્યાયે ત્રીજો પત્ર મુદ્દાસર અને બે પાનાનો લખ્યો. જેમાં તેમણે પહેલો મુદ્દો જ ટાંક્યો કે બી.કે.પંડ્યાની કરાર આધારિત નિમણૂક આપવાની દરખાસ્ત અંગેનું વ્યાજબી કારણો સહિતનું જસ્ટિફિકેશન મોકલી આપ્યું નથી. એટલે જસ્ટિફિકેશન તેમજ નિમણૂક પર તમારા અભિપ્રાય સહિત સરકારશ્રીને કાગળો રજૂ કરવા. બીજો મુદ્દો લખ્યો કે આ અધિકારી સામે ખાતાકીય તપાસ ચાલુ, પડતર કે સૂચિત નથી તે અંગેની વિગતો રજૂ કરી નથી. જો શિક્ષા થઈ હોય તો તે અંગેની વિગત દર્શાવવી. આ ઉપરાંત હોદ્દાની વિગત અને પગારધોરણ વિશે પણ જાણકારી માગવામાં આવી હતી. છેલ્લા છઠ્ઠા નંબરના મુદ્દામાં તો સ્પષ્ટ લખ્યું છે કે બી.કે.પંડ્યાની જન્મતારીખ 25 ઓગસ્ટ, 1958ને ધ્યાને લેતાં તેઓની હાલની વય 64 વર્ષની છે. (2022માં પત્રો લખ્યો એ હિસાબે ઉંમર) આથી, સામાન્ય વહિવટ વિભાગના 7 જુલાઈ, 2016ના ઠરાવની જોગવાઇ મુજબ, "વયનિવૃત્ત અધિકારી/કર્મચારીને તેઓ 62 વર્ષની વય પૂર્ણ કરે ત્યાં સુધી કરાર આધારિત નિમણૂક આપી શકાશે” ને ધ્યાને લેતાં, બી.કે.પંડ્યાને કરાર આધારિત નિમણૂક આપવાની વિભાગની દરખાસ્ત નિયમોનુસાર વિચારણાપાત્ર થતી નથી. અધિકારી પંડ્યા વિશે ઘણી બધી જાણકારી માગવાનીમાં આવી શહેરી વિકાસ વિભાગના સેક્શન ઓફિસરે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ રીતે જણાવાયું હતું કે, પંડ્યાને સરકારની પૂર્વ મંજૂરી વગર આપેલી કરાર આધારિત નિમણૂક અંગે સરકારની વિવિધ સૂચનાઓનું પાલન થયું નથી અને ભંગ થયો છે. આથી આ બાબતે ખુલાસો કરવાનો રહેશે. તેમજ જો પંડ્યા હાલમાં પણ સરકારની પૂર્વ મંજૂરી વગર ફરજો બજાવતા હોય તો તેમની સેવાનો તાત્કાલિક અસરથી અંત લાવવાનો રહેશે. તેમજ અગાઉ પૂર્વ મંજૂરી વગર પંડ્યાને કેટલા વર્ષ સુધી નોકરીમાં રખાયા હતા તેની તમામ વિગતો આપવી. સામાન્ય વહીવટ વિભાગે પણ પંડ્યાની કરાર આધારિત નિમણૂક બાબતે અસ્વીકાર કર્યો હતો, માટે આ નિમણૂકને તાત્કાલિક અસરથી રદ કરીને માન્ય પદ્ધતિથી ખાલી જગ્યાઓ ભરવા માટેની કાર્યવાહી કરવી. પંડ્યાને છૂટા કરવા છેલ્લે એપ્રિલ, 2024માં શહેરી વિકાસ વિભાગે પત્ર લખ્યો શહેરી વિકાસ વિભાગના અનેક પત્રો છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ જાતની કાર્યવાહી કરી નથી. છેલ્લે 15 એપ્રિલ, 2024માં મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખાયો હતો, જેમાં માત્ર બે લીટીના આ પત્રમાં એવું જણાવાયું હતું કે, 11-11-2024ના સરખા ક્રમાંકના પત્રથી મોકલેલ વિગતો મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવા આજ્ઞાનુસાર વિનંતી કરાઈ હતી. શહેરી વિકાસ વિભાગના અનેક આદેશો છતાં કોર્પોરેશને ખોટા જવાબો રજૂ કરીને સમય પસાર કર્યો હતો. પંડ્યાને ભાજપના ચોક્કસ રાજકીય નેતાઓના આશીર્વાદ વયનિવૃત્તિ પછી પણ સતત 10 વર્ષ સુધી મહત્વની જગ્યા પર ફરજ બજાવી રહેલા પંડ્યાને ભાજપના જ સ્થાનિક રાજકીય નેતાઓના આશીર્વાદ હોવાની ચર્ચા છે. જે નેતાના આ અધિકારીના માથે ચાર હાથ છે તે નેતાને ભૂતકાળમાં કોર્પોરેશનમાં મહત્વનો હોદ્દો અપાયો હતો. એ સમયે ગેરકાયદે બાંધકામના વિવાદમાં પણ તેમનું નામ ઉછળ્યું હતું. હાઈકમાન્ડને આ તમામ બાબતોની જાણકારી હોવા છતાં આંખ આડા કાન કરાઈ રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ 13 સપ્ટેમ્બર, 2021ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. બે મહિના બાદ 11 નવેમ્બર, 2021ના રોજ સામાન્ય વહીવટ વિભાગે ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ પર અધિકારીઓની વયનિવૃત્તિ પછીની નિમણૂક બાબતે એક ઠરાવ કર્યો હતો, જેની નકલ તમામ સરકારી વિભાગોને મોકલી અપાઈ હતી. સરકારના ઠરાવમાં લખેલી વાતો ઘોળીને પી ગયા આ ઠરાવમાં સ્પષ્ટ અને મહત્વની જોગવાઈઓ કરાઈ હતી. જેમ કે, સરકારના કોઈપણ વિભાગ, બોર્ડ કે ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થામાં નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક આપવાની હોય ત્યારે વર્ગ-1, 2 અને વર્ગ-3ના અધિકારી-કર્મચારીઓ અંગેની દરખાસ્ત સંબંધિત વિભાગે અધિક મુખ્ય સચિવ, મુખ્ય સચિવ અને સંબંધિત મંત્રી મારફતે મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી માટે રજૂ કરવાની રહેશે. સરકારના ધ્યાને આવ્યું છે કે, નિવૃત્ત થયેલા અધિકારીઓની સરકારની પૂર્વ મંજૂરી વગર આઉટસોર્સિંગથી નિમણૂક કરવામાં આવે છે. જો કોઈપણ વિભાગ કે બોર્ડે આ રીતે કોઈ નિવૃત્ત અધિકારી કે કર્મચારીની ભરતી કરી હોય તો તેવી નિમણૂકોનો તાત્કાલિક અસરથી અંત લાવવાનો રહેશે અને તેની જાણકારી સામાન્ય વહીવટ વિભાગને કરવાની રહેશે. આ પરિપત્રમાં સ્પષ્ટતા કરાઈ છે કે, નિવૃત્તિ બાદની કરાર આધારિત નિમણૂકોની સંકલિત વિગતો દર ત્રણ મહિને સંબંધિત વિભાગના નાયબ સચિવ કે સમકક્ષ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને સામાન્ય વહીવટ વિભાગને અચૂક રજૂ કરવાની રહેશે. આવી સૂચનાઓનું પાલન ન થાય તેવા કિસ્સામાં જે તે વિભાગના વડા કે મુખ્ય અધિકારીની જવાબદારી નક્કી કરવાની રહેશે. સરકારના આવા સ્પષ્ટ આદેશ છતાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કઈ રીતે નિયમો વિરુદ્ધ 10 વર્ષ સુધી સિટી એન્જિનિયર જેવી અતિ મહત્વની જગ્યા પર કરાર આધારિત નિયુક્તિથી ગાડું ચલાવી રહ્યું છે? એક ગંભીર સવાલ છે. આ મુદ્દે શહેરી વિકાસ વિભાગમાં ફરજ બજાવી રહેલા સંયુક્ત સચિવ કોમલ ભટ્ટનો જવાબ પણ આશ્ચર્ય પમાડે એવો છે. તેમણે કહ્યું, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા થયેલી નિમણૂકના સંદર્ભમાં હું કશુ બોલી શકુ નહીં. કોમલ ભટ્ટને પૂછવામાં આવ્યું કે શહેરી વિકાસ વિભાગ દ્વારા જ સિટી એન્જિનિયર પંડ્યાની નિમણૂક સમાપ્ત કરવા માટે ચાર-ચાર વખત લેખિતમાં આદેશો થયા છે. આ સંદર્ભમાં આપ શું કહેશો? ત્યારે કોમલ ભટ્ટે ફરીથી ‘સરકારી’ જવાબ આપતા કહ્યું, ભુતકાળમાં આવા પત્રો લખાયા હોઈ શકે છે. જો તેમણે કોન્ટ્રાક્ટબેઝ ભરતી કરી હોય તો સરકારની મંજૂરી લેવી પડે છે. અમે સરકારની મંજૂરી આવે તો જાણ કરતા હોય છીએ. આ કેસમાં હવે શું સ્ટેટસ છે તેની મને ખબર નથી. હું આ સંદર્ભમાં વધુ કંઈ કહી શકુ નહીં. તમે કમિશનરને જ પૂછો. મોટા અધિકારીઓ પણ ગંભીર મુદ્દે મૌન સેવીને બેઠા છે શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ કોમલ ભટ્ટ સંતોષકારક જવાબ ન જ આપી શક્યા. પરંતુ આ જ વિભાગના ટોચના અધિકારીઓ પણ ભેદી મૌન સેવીને બેઠા છે. આ વિભાગમાં IAS અધિકારીના કાબા હેઠળ તમામ મહાનગરપાલિકાઓ આવે છે. છતાં સિનિયર અધિકારી કહે છે કે, આ કામ અમારા લેવલનું નથી. અમે આવું બધુ કઈ રીતે ધ્યાનમાં રાખી શકીએ. બ્યુરોક્રેટ્સમાં ચાલતી ખોટી સિસ્ટમ મુજબ તેઓએ પણ નીચેના અધિકારીઓ પર જવબાદારી નાખી દીધી છે. આવુ ભેદી મૌન શા માટે રાખવું પડે તે પ્રશ્ન પણ મોટો છે. મનપા કમિશનરે મિટિંગનું કારણ ધર્યું અને જવાબ ટાળ્યો દિવ્ય ભાસ્કરે ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એન.વાઘેલાનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. તેઓએ કહ્યું કે, હું મિટીંગમાં છું. ત્યાર બાદ કોઈ જ સંપર્ક થઈ શક્યો નથી. તેમણે સરકારી ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નહોતી. એટલું જ નહીં, તેમના સત્તાવાર મોબાઈલ ફોન પર પ્રશ્નો લખીને તેમનો મત જાણવા વિનંતી કરી છતાં કોઈ જ જવાબ આપ્યો નથી. જેથી શું એવું તારણ કાઢી શકાય કે કમિશનરની રહેમનજર હેઠળ જ બધુ ચાલી રહ્યું છે અને સરકારના લેખિતમાં આદેશ હોવા છતાં તેઓ પાલન કરાવી રહ્યા નથી? અધિકારીઓની જવાબ આપવામાં કંજૂસી અને બેજવાબદારીનો નમૂનો જોયા પછી અમે ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો. કોઈપણ મહાનગરપાલિકામાં કમિશનર પછીની સૌથી મહત્વની જગ્યા સિટી એન્જિનિયરની હોય છે. છેલ્લા 10 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા પંડ્યાના સંદર્ભમાં મેયર મીરા પટેલનો સંપર્ક કર્યો. તેમણે પ્રશ્નો સાંભળ્યા પછી જે જવાબ આપ્યો એ વિચારતા કરી દે તેવો છે. મેયર બાદ અમે આ સંદર્ભે ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓએ ફોન ઉઠાવવાની તસ્દી લીધી નહોતી. ત્યાર બાદ તેમને મેસજ એક મેસેજ કરતા થોડી જ વારમાં જવાબ આવ્યો કે “અમારો સંપર્ક સાધવા બદલ આપનો આભાર છે. તમે અમને જણાવો કે અમે તમને કઈ રીતે મદદરુપ થઈ શકીએ.” ત્યાર બાદ અમે સવાલો લખીને વ્હોટ્સએપ પર મોકલ્યા હતા. તેમને પૂછ્યું કે, સરકારની પૂર્વ મંજૂરી વગર જ છેલ્લા 10 વર્ષથી સિટી એન્જિનિયર તરીકે ફરજ બજાવી રહેલા ભરત પંડ્યાની સેવાને સમાપ્ત કરવા માટે શહેરી વિકાસ વિભાગે ચાર-ચાર વખત પત્રો લખ્યા હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી થતી નથી. આશ્ચર્યની વાત છે કે ગૌરાંગ વ્યાસે પણ કોઈ જ જવાબ આપ્યો નથી. ------------------------------- જો તમારી પાસે પણ કોઈ જગ્યાએ ચાલતા ભ્રષ્ટાચાર કે ગેરરીતિના પુરાવા છે, કાર્યવાહી નથી થઈ રહી, તેમને કોઈના દ્વારા છાવરવામાં આવી રહ્યા હોય તો દિવ્ય ભાસ્કરને ઇ-મેલના માધ્યમથી પુરાવા સાથે જાણ કરો. dvbbhaskar123@gmail.com
Read Original Article →