તમિળનાડુના ભાવિ CMએ સગા મા-બાપ પર કેસ કર્યો:બે બાળકો ને પરિણીત વિજય 9 વર્ષ નાની એક્ટ્રેસના પ્રેમમાં પડ્યા, દીકરાએ પિતાની સરનેમ હટાવી

DvB Original5/8/2026, 12:30:00 AM
તમિળનાડુના ભાવિ CMએ સગા મા-બાપ પર કેસ કર્યો:બે બાળકો ને પરિણીત વિજય 9 વર્ષ નાની એક્ટ્રેસના પ્રેમમાં પડ્યા, દીકરાએ પિતાની સરનેમ હટાવી
''એક મંત્રી સતત કહી રહ્યા છે કે વિજય તો માત્ર એક એક્ટર છે, વિજય તો એક એક્ટરર છે...હા, હું એક્ટર છું અને તમે તો એ રીતે વર્તી રહ્યા છે કે જાણે તેમણે કોઈ નવી વાત શોધી કાઢી હોય...! હું રાજકારણમાં આવીને એક્ટિંગ કરતો નથી. જ્યારથી રાજકારણમાં આવ્યો છું ત્યારથી મેં એકેય ફિલ્મમાં એક્ટિંગ કરી નથી. તમે લોકો શું કરો છો? રાજકારણમાં આવીને એક પછી એક ડ્રામા જ કરો છો ને...? સાઉથ સુપરસ્ટાર ને તમિળનાડુના ભાવિ મુખ્યમંત્રી વિજયે ચૂંટણી પ્રચારમાં કહેલી આ વાતને જનતાએ તાળીઓથી વધાવી લીધી હતી. રાજકારણમાં આવ્યા બાદ વિજયે એક્ટિંગમાંથી સંન્યાસ લેવાની વાત કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. વિજયે દોઢેક વર્ષ પહેલા જ રાજકીય પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK)ની જાહેરાત કરી હતી. અલબત્ત, વિજયે 2009થી રાજકારણમાં આવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું વિજયના પરિવારની....વિજયે કઈ ઉંમરે ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો હતો? વિજય ને પત્ની સંગીતાની પહેલી મુલાકાત કેવી રીતે થઈ? વિજયના પિતા-પુત્ર સાથે કેવા સંબંધો રહી ચૂક્યા છે? વિજય સાથે સંકળાયેલા વિવિધ વિવાદો શું છે? વિજય નેપો કિડ છે? શરૂઆત કરીએ પરિવારના મુખિયાથી... જુલાઈ, 1945માં સેનાપથી આલ્બર્ટ ચંદ્રશેખરનો (એસ. એ. ચંદ્રશેખર) જન્મ તમિળનાડુમાં કેથોલિક ક્રિશ્ચિયન પરિવારમાં થયો હતો. તેમણે હિંદુ યુવતી શોભા સાથે એપ્રિલ, 1973માં લગ્ન કર્યા. બંનેની દીકરી વિદ્યા માત્ર 2 વર્ષની હતી અને મેડિકલ ઇમર્જન્સીમાં મોતને ભેટી હતી. મોટો દીકરો વિજય બહેનના આકસ્મિક અવસાનથી ભાંગી પડ્યો હતો અને તે પછી બહુ જ ઉદાસ રહેવા લાગ્યો ને પરિવાર સાથે ઓછું બોલતો હતો. 20 પ્રોડ્યુસર્સે નકારી તે ફિલ્મ સુપરડુપર હિટ રહી 1978માં એસ. એ. ચંદ્રશેખરે તમિળ ફિલ્મ 'અવલ ઓરુ પચઇ કુઝહંથઈ' ફિલ્મથી ડિરેક્શનની શરૂઆત કરી. તેમની ફિલ્મમાં ગરીબ, સામાજિક સંઘર્ષ ને ન્યાય માટે વલખાં મારતા લોકોની વાત કરવામાં આવતી. આ જ કારણે તેમની ફિલ્મ મોટાભાગે હિટ જતી. 1981માં તેમણે 'સટ્ટમ ઓરુ ઇરુટ્ટારઇ' ફિલ્મ બનાવી. આ ફિલ્મની વાર્તા તેમના પત્ની શોભાએ લખી હતી. ફિલ્મને 20 જેટલા પ્રોડ્યુસર્સે રિજેક્ટ કરી હતી અને અંતે વદાલુર એસ. ચિદમ્બરમે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી ને તે 100થી વધુ દિવસ થિયેટરમાં ચાલી. આ ફિલ્મથી હીરો વિજયકાંત રાતોરાત લોકપ્રિય બન્યો. આ ફિલ્મની રીમેક પછી તો હિંદી, મલયાલમ, કન્નડ તથા તેલુગુમાં બની હતી. હિંદીમાં 'અંધા કાનૂન'માં રજનીકાંત ને અમિતાભ બચ્ચન હતા. તમિળ ફિલ્મ હિટ જતાં વિજયકાંત-ચંદ્રશેખરની જોડીએ એકથી ચઢિયાતી એક ફિલ્મ આપી. તમિળનાડુના ચાહકોને ચંદ્રશેખરની ફિલ્મમાં MGR (મારુથુર ગોપાલન રામચંદ્રન)ની ઝલક દેખાતી હતી. એક્ટિંગ ને ડિરેક્શન બંને કર્યું એસ. એ. ચંદ્રશેખરે અત્યાર સુધીની કરિયરમાં 70 જેટલી ફિલ્મ ડિરેક્ટ કરી છે. છેલ્લે તેમણે 2019માં 'કપમારી' ડિરેક્ટ કરી હતી. ડિરેક્ટર ઉપરાંત તેમણે ઘણી ફિલ્મમાં એક્ટિંગ પણ કરી છે. 2015માં આવેલી ફિલ્મ 'ટૂરિંગ ટૉકિઝ'માં લીડ રોલ પ્લે કર્યો હતો. છેલ્લે તેમણે 'ટ્રાફિક રામાસામી'માં ટાઇટલ રોલ પ્લે કર્યો હતો. તમિળ, તેલુગુ, કન્નડ તથા હિંદી ડિરેક્ટર્સ જેવા કે એસ. શંકર, સેનથીલનાથન, સી. રંગનાથન, પવિત્રન, માજીથ, કે. આર. જયા, એમ. રાજેશ, પૂનરામ, ટી. શિવરાજ, વિકીએ તેમના આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે. દીકરા માટે થ્રી સ્ટાર હોટલ બનાવી એસ. ચંદ્રશેખરે એક્ટિંગ ને ડિરેક્શન પર ધ્યાન આપવાનું ઓછું કર્યું ને દીકરા માટે થ્રી સ્ટાર હોટલ બનાવી. આ ઉપરાંત તેમણે એક્ટર સરથકુમાર સાથે ફિલ્મ 'ધોસી' બનાવવાની શરૂઆત કરી, પરંતુ પછીથી આ ફિલ્મ અભરાઇ પર ચઢાવી દેવામાં આવી. ભગવાન અંગે વાત કરીને લાગણી દુભાવી 2018માં ચંદ્રશેખરે ચેન્નઇમાં ફિલ્મી 'વિસિરી'ના મ્યૂઝિક લૉન્ચ દરમિયાન કહ્યું હતું કે તિરુપતિમાં દર્શન કરવા માત્રથી એક્ઝામ ક્યારેય પાસ કરી શકાતી નથી, તે તો ભગવાનને લાંચ આપ્યા જેવું છે. જો ભગવાનના દર્શન કરવાથી એક્ઝામ પાસ થઈ જવા હતી હોય તો કોઈએ એક્ઝામમાં લખવાની જરૂર જ નથી ને ઘરે જ બેસી રહેવું જોઈએ. સફળતા માત્ર અભ્યાસ કરવાથી જ મળે છે. ચંદ્રશેખરના આ નિવેદનનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો હતો. હિંદુ સંગઠન હિંદુ મુન્નાનીએ વિરુગમ્બક્કમમાં ચંદ્રશેખર વિરુદ્ધ લોકોની લાગણી દુભાવવા બદલ પોલીસ ફરિયાદ પણ કરી હતી. વિજયના માતા શોભાની વાત કરીએ તો, ઓગસ્ટ, 1956માં જન્મેલાં શોભા પ્લેબેક સિંગર, સ્ક્રીનરાઇટર, ફિલ્મ પ્રોડ્યુસર છે. શોભાએ કરિયરની શરૂઆત લાઇટ મ્યૂઝિકથી કરી હતી. ત્યારબાદ 1967માં 'ઇરૂ મલાર્ગલ'થી ફિલ્મમાં ગાવાની શરૂઆત કરી. તેમણે 50થી વધુ ફિલ્મની સ્ટોરી પણ લખી છે અને તે સુપરડુપર હિટ રહી છે. 2003માં તમિળ ચેનલ વિજય પર પહેલો લાઇટ ક્લાસિકલ મ્યૂઝિકનો પ્રોગ્રામ આપ્યો હતો. શોભાએ 10 જેટલી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. 2011માં મુખ્યંત્રી જયલલિતાએ તેમને આર્ટિસ્ટિક હેરિટેજ કન્સલ્ટન્ટ તરીકે પસંદ કર્યા હતા. વાત હવે સાઉથના સુપરસ્ટાર વિજયની… કરિયર માટે ભણવાનું અધવચ્ચે છોડ્યું 22 જૂન, 1974માં ક્રિશ્ચિયન પરિવારમાં જન્મેલા વિજયે ફાતિમા સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું ને લોયેલા કોલેજમાંથી વિઝ્યુઅલ કમ્યુનિકેશનમાં બેચલર ડિગ્રી માટે એડમિશન લીધું, પરંતુ માત્ર એક જ વર્ષ ભણ્યા બાદ તેમણે કરિયર પર ફોકસ કરવા કોલેજમાંથી ડ્રોપ આઉટ થયા. વિજયના પેરેન્ટ્સ ને ફુઆ ઓલરેડી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હતા. વિજયે માત્ર 10 વર્ષની ઉંમરે પિતાની ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. 1084માં પહેલી તમિળ ફિલ્મ 'વેત્રી'થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું. ત્યારબાદ તેમણે ચાઇલ્ડ એક્ટર તરીકે પાંચેક ફિલ્મમાં કામ કર્યું. આ પાંચેય ફિલ્મ પિતા એસ. ચંદ્રશેખરે ડિરેક્ટ કરી હતી. પિતાએ દીકરાને હીરો તરીકે લૉન્ચ કર્યો 1992માં ચંદ્રશેખરે દીકરા વિજયને ફિલ્મ 'નાલૈયા થીરપૂથી'થી હીરો તરીકે લૉન્ચ કર્યા. આ સમયે વિજય માત્ર 18 વર્ષના હતા. ફિલ્મ ફ્લોપ રહી, પરંતુ ચંદ્રશેખરે હાર ના માની ને એક પછી એક ફિલ્મ બનાવી. બીજા જ વર્ષે એટલે કે 1993માં ચંદ્રશેખરે દીકરા સાથે 'સેંથુરાપંડી' ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં એક્ટર વિજયકાંત પણ મહત્ત્વના રોલમાં હતો. આ ફિલ્મ સુપરડુપર હિટ થઈ ને સાડા પાંચ મહિનાથી પણ વધારે સમય થિયેટરમાં ચાલી. આ ફિલ્મથી વિજયને 'ઇલાયા થલાપથી' એટલે કે યંગ કમાન્ડર કે પછી યંગ લીડર તરીકે પ્રેઝન્ટ કરવામાં આવ્યો. તમિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રજનીકાંત થલાપથી તરીકે ચાહકોમાં લોકપ્રિય હતા એટલે વિજય યુવાન હોવાથી તેમને 'ઇલાયા થલાપથી'નું બિરુદ આપવામાં આવ્યું. ત્યારબાદ વિજયે 'રાસિગન', 'વિષ્ણુ', 'દેવા' જેવી ફિલ્મમાં કામ કરી. 1996માં વિજયને ડિરેક્ટર વિક્રમનની ફિલ્મ 'પૂવે ઉનક્કાગા'થી એક અલગ ઓળખ મળી. વિજયે કરિયરમાં પછી એકથી ચઢિયાતી એક ફિલ્મ આપી. 'થલાપથી' કેવી રીતે બન્યો? સતત બે દાયકા સુધી વિજય 'ઇલાયા થલાપથી' તરીકે લોકપ્રિય રહ્યા. 2017માં ફિલ્મ 'મર્સલ' ફિલ્મના ફર્સ્ટ પોસ્ટરમાં વિજયને 'થલાપથી' તરીકે રજૂ કરવામાં આવ્યા અને ત્યારથી જ તેઓ ચાહકોમાં થલાપથી તરીકે લોકપ્રિય છે. એક્ટરની સાથે સાથે સિંગર પણ છે વિજય અન્ય તમિળ એક્ટર્સની જેમ જ સારા સિંગર પણ છે. તેમણે ઇલિયારાજા, રહેમાન સહિતના મ્યૂઝિક ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે. તેણે 'રાસિગન' (1994)માં પહેલી જ વાર 'બોમ્બે સિટી સુક્કા રોટી...' ગીત ગાયું હતું. 2005માં વિજયે પોતાનું 25મું ગીત ફિલ્મ 'સચીનના'નું 'વાડી વાડી..' રેકોર્ડ કર્યું હતું. ત્યારબાદ વિજયે સાત વર્ષ મ્યૂઝિકમાંથી બ્રેક લીધો ને 2012માં ફિલ્મ 'થુપ્પક્કી'માં 'ગૂગલ ગૂગલ..' સોંગથી કમબેક કર્યું. વિવાદ ને વિજય એક સિક્કાની બે બાજુ આવકવેરાના દરોડા વર્ષ 2015થી 2020 દરમિયાન વિજયની પ્રોડક્શન ઑફિસ તથા ઘરે ઘણીવાર આવકવેરાએ દરોડા પાડ્યા હતા. ફિલ્મ બિગિલ તથા પુલિની રિલીઝ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવ્યું હતું. બિગિલના પ્રોડ્યુસર તથા ફાઇનાન્સરની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત વિજયની ફિલ્મના સેટ પર જ પૂછપરછ કરવામાં આવી હતી. આવકવેરા વિભાગનો દાવો હતો કે ફાઇનાન્સર ને વિજયે ટેક્સ ચોરી ઉપરાંત ફોરેન ફંડિંગનો યોગ્ય ઉપયોગ કર્યો નહોતો. 2020માં વિજયે મા-બાપ પર કેસ કર્યો ચંદ્રશેખરે દીકરા વિજયને કહ્યા વગર જ ઓલ ઇન્ડિયા થલપતિ વિજય મક્કલ ઇયક્કમ નામથી રાજકીય પાર્ટી રજિસ્ટર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પાર્ટીના મહાસચિવ ચંદ્રશેખર બન્યા ને પત્નીને ખજાનચી ને એક સંબંધીને અધ્યક્ષ બનાવ્યા. વિજય પિતાની આ હરકતને કારણે ઘણા જ ગુસ્સે ભરાયા. તેમણે જાહેર નિવેદન આપતા કહ્યું કે પિતાની રાજકીય પ્રવૃત્તિ સાથે તેઓ સંકળાયેલા નથી. જોકે, થોડા સમય બાદ જ વિજયે પેરેન્ટ્સ સહિત અંદાજે 11 લોકો સામે કેસ કરીને બધાને નવાઈમાં મૂકી દીધા હતા. માતા-પિતા પોતાની તસવીર ને નામનો ઉપયોગ ના કરી શકે તે અંગેનો કેસ વિજયે કર્યો હતો. તમિળ સિનેમામાં કોઈ બિગ સ્ટારે આ રીતે પહેલી જ વાર પેરેન્ટ્સ પર કેસ કર્યો હતો. આ વાતથી તમિળ સિનેમામાં ખળભળાટ મચી ગયો હતો. પિતા-પુત્રના સંબંધમાં અંતર આવી ગયું અને બોલાવાના સંબંધો પણ ના રહ્યા. એક ઇન્ટરવ્યૂમાં ચંદ્રશેખરે કહ્યું હતું કે કેટલાક લોકો પિતા-પુત્રના સંબંધ ખરાબ કરવાનો પ્રયાસ કરે છે. માતાએ આ અંગે એવો જવાબ આપ્યો કે તેમને રાજકીય પાર્ટી અંગે કંઈ જ ખબર નહોતી. અંતે, ચંદ્રશેખરે પાર્ટી ભંગ કરી દીધી. 2023માં પિતા-પુત્રના સંબંધો સુધર્યા 2023માં પિતા-પુત્રના સંબંધોમાં નરમાશ આવી. ચંદ્રશેખરે કહ્યું કે બાપ-દીકરાના સંબંધોમાં તો ઉતાર-ચઢાવ આવે રાખે. એનો અર્થ એવો નથી કે તેમની વચ્ચેનો પ્રેમ પૂરો થઈ જાય. ફિલ્મ રિલીઝ અટકી વિજયની ફિલ્મ 'જના નાયગન'માં રાજકીય સંવાદો ને સીન્સને કારણે આ ફિલ્મ સેન્સરબોર્ડે સર્ટિફિકેટ આપ્યું નહોતું અને તે જ કારણે રિલીઝ થઈ શકી નહીં. તે સમયે સેન્સર બોર્ડે ઇલેક્શન હોવાથી ફિલ્મને રિલીઝ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. આ ફિલ્મ જાન્યુઆરી, 2026માં રિલીઝ થવાની હતી. ઇલેક્શન બાદ હવે વિજયની આ ફિલ્મ રિલીઝ થશે તેમ માનવામાં આવે છે. અંગત જીવનમાં પણ વિવાદ થયો... પોતાની ફૅન સાથે લગ્ન સંગીતા હીરો વિજયની જબરજસ્ત ફૅન હતી. 1996માં વિજયની ફિલ્મ 'પૂવે ઉનક્કાગા' હિટ રહી હતી. આ ફિલ્મની સફળતાની શુભેચ્છા પાઠવવા સંગીતા ખાસ લંડનથી ચેન્નઇ આવી હતી. તે ફિલ્મના સેટ પર પહેલી જ વાર વિજયને મળી હતી. થોડા સમય બાદ વિજય, સંગીતાને પોતાના ઘરે લઈ ગયો અને પેરેન્ટ્સ સાથે મુલાકાત કરાવી હતી. પરિવારને પણ સંગીતા ગમી ગઈ હતી. બંને પરિવાર એકબીજાને મળ્યા ને તેમને આ સંબંધ સામે કોઈ વાંધો નહોતો. ત્રણ વર્ષના ડેટિંગ બાદ બંનેએ 1999માં 25 ઓગસ્ટે ચેન્નઈમાં હિંદુ વિધિથી કર્યા. સંગીતા હિંદુ ને વિજય ક્રિશ્ચિયન છે. લગ્ન બાદ સંગીતા પરિવારની સારસંભાળમાં વ્યસ્ત રહેવા લાગી ને ધીમે ધીમે પતિ સાથે ભાગ્યે જ બહાર નીકળતી.તેમને બે સંતાનો દીકરો જેસન સંજય ને દીકરી ધિવ્યા સાશા છે. બંને બાળકો પણ ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. સંગીતાએ તમિળ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર જોડે લગ્ન કર્યા હોવા છતાં તેના સાલસ સ્વભાવે બધાનું દિલ જીતી લીધું હતું. 2023માં વિજયની ફિલ્મ 'વરિસુ'ના ટ્રેલર લૉન્ચ તથા ડિરેક્ટર એટલીની પત્નીના સીમંતમાં સંગીતાની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. આ જ કારણે તે સમયે સંગીતા-વિજય વચ્ચેના સંબંધો વણસી ગયા હોવાની વાત વહેતી થઈ હતી. સંગીતાની વાત કરીએ તો, ઇંગ્લેન્ડમાં શ્રીલંકન પરિવારમાં જન્મેલી ને મોટી થયેલી સંગીતાના પિતા ત્યાંના મોટા બિઝનેસમેન છે. વિજયનું ત્રિશા ક્રિષ્નન સાથે નામ જોડાયું વિજય-સંગીતાના લગ્નના શરૂઆતના વર્ષોમાં બધું વ્યવસ્થિત ચાલ્યું, પરંતુ થોડા સમય પછી વિજયનું નામ એક્ટ્રેસ ત્રિશા ક્રિષ્નન સાથે જોડાવા લાગ્યું. 2026માં સંગીતાએ ફેમિલી કોર્ટમાં ડિવોર્સ કેસ ફાઇલ કરીને પતિ પર એકસ્ટ્રા મેરિટલ અફેરનો આક્ષેપ મૂક્યો. સંગીતાએ એમ પણ કહ્યું કે તેઓ છેલ્લા બે વર્ષથી અલગ રહે છે. ઉલ્લેખનીય છે કે વિજય ને ત્રિશાએ સૌ પહેલા 2004માં ફિલ્મ 'ગિલ્લી', પછી 'તિરુપાચી' (2005), 'આથી' (2006) ને 'કુરુવી' (2008)માં કામ કર્યું હતું. ત્યારબાદ 15 વર્ષ બાદ 2023માં લોકેશ કનાગરાજની ફિલ્મ 'લિયો'માં બંને સાથે જોવા મળ્યા હતા. 52 વર્ષીય વિજય નવ વર્ષ નાની એટલે કે 43 વર્ષીય ત્રિશાના પ્રેમમાં છે. સંગીતાએ ફાઇલ કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે તેને એપ્રિલ, 2021માં પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થઈ હતી. પિટિશનમાં સંગીતાએ પતિને વ્યભિચારી ગણાવ્યો છે અને તેને કારણે તે ઇમોશનલી ભાંગી પડી છે. સંગીતાએ એવું પણ કહ્યું છે કે વિજય સતત તે એક્ટ્રેસ સાથે જોવા મળે છે અને તેને કારણે બાળકો માટે શરમજનક પરિસ્થિતિ ઊભી થાય છે. એક જ ઘરમાં રહેતા હોવા છતાં બંને અલગ-અલગ રહેતા હોય તેવી સ્થિતિ ઉત્પન્ન કરવામાં આવી હતી. પતિ સતત ટ્રાવેલિંગમાં બિઝી ને તે એક્ટ્રેસ સાથે પબ્લિકમાં જોવા મળે છે. બાળકોને પણ પિતા વિજય પ્રત્યે ખાસ લાગણી નથી સંગીતાએ જ્યારે કોર્ટમાં ડિવોર્સ અરજી ફાઇલ કરી ત્યારે દીકરા જેસન સંજયે પિતા વિજયને સો.મીડિયામાંથી અનફોલો કરી દીધા. આટલું જ નહીં, સો.મીડિયામાં પિતાનું નામ પણ હટાવીને માતાનું નામ લગાવ્યું. જેસન સંજયની આ હરકત એ તરફ ઈશારો કરે છે કે તેઓ પિતાને નહીં પણ માતાના સપોર્ટમાં છે. બંને બાળકો વિજય પ્રત્યે ખાસ લાગણી ધરાવતા નથી આ વાત ઉડીને આંખે વળગે છે. વિજય-સંગીતાના સંતાનો શું કરે છે? ઓગસ્ટ, 2000માં જન્મેલો જેસન સંજય પિતાની જેમ હીરો બનવાને બદલે ડિરેક્ટર તરીકે કામ કરશે તેમ લાગી રહ્યું છે. તેણે ફિલ્મમેકિંગનો કોર્સ ટોરોન્ટો તથા કેલિફોર્નિયામાંથી કર્યો છે. તે ફિલ્મ 'સિગ્મા'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મ એક્શન ને હોરર છે. આ પહેલા સંજયે પિતાની ફિલ્મ 'વેટ્ટાક્કારન'માં કેમિયો કર્યો હતો. 2005માં જન્મેલી દીકરી ધિવ્યાએ 2016માં પિતાની ફિલ્મ 'થેરી'માં કેમિયો કર્યો હતો. સાઉથ સુપરસ્ટારે તાજેતરમાં વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી ત્યારે વિજયનો આખો પરિવાર હાજર હતો, પરંતુ આ બંને બાળકો કોઈ સેલિબ્રેશનમાં જોવાં મળ્યાં નહીં. રાજકીય કરિયર 2009થી શરૂ કરી 2009માં વિજયે 'વિજય મક્કલ ઇયાક્કલ' નામથી ફૅન ક્લબ લૉન્ચ કરી હતી. આ ફૅન ક્લબ વિવિધ સામાજિક કાર્ય જેમ કે જરૂરિયાત મંદ લોકોને મદદ કરવી, બ્લડ ડોનેશન કેમ્પ, એજ્યુકેશનમાં કામ કરતી. 2011માં વિધાનસભા ચૂંટણીમાં ફેન ક્લબે જયલલિતાની પાર્ટી AIADMKને સપોર્ટ કર્યો ને જયલલિતા મુખ્યમંત્રી બન્યાં. 2019માં વિજયે સેન્ટ્રલ ગવર્મેન્ટે પાસ કરેલા સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)નો વિરોધ કર્યો. લોકલ બૉડી ઇલેક્શનમાં લિટમસ ટેસ્ટ પાસ કર્યો 2022માં લોકલ બૉડી ઇલેક્શનમાં ફૅન ક્લબના સભ્યો ઊભા રહ્યા ને 115 બેઠક પર વિજય મેળવ્યો. આ સફળતા મળ્યા બાદ વિજયને લાગ્યું કે તે વિધાનસભા ચૂંટણી પણ લડશે તો તેને જીત મળશે. 2 ફેબ્રુઆરી, 2024માં વિજયે રાજકીય પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) લૉન્ચ કરી. પાર્ટીનો સિમ્બોલ વ્હીસલ છે. વિજય રેલીમાં છ કલાક મોડો આવ્યો, 40થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા 27 સપ્ટેમ્બર, 2025ના રોજ વિજયે તમિળનાડુના કરૂરમાં સભા આયોજિત કરી હતી. આ સભામાં વિજય છ કલાક મોડો આવ્યો. વિજયને આશા હતી કે દસ હજાર જેટલા લોકો આવશે, પરંતુ તમામ ગણતરી ઊંધી પડી ને 50 હજારથી વધુ લોકો આવ્યા. આ દરમિયાન નવ વર્ષની બાળકી ગુમ થઈ જતા વિજયે 60 ફૂટ લાંબી બસમાંથી માઇક પર બાળકીને શોધવાની વાત કરી. આ વાત સાંભળતા જ ભીડ બેકાબૂ થઈને જોતજોતામાં અસંખ્ય લોકો ભીડમાં બેભાન થઈ ગયા ને નીચે પડવાથી ચગદાઈ જતાં 40થી વધુ મહિલા-બાળકો-પુરુષોના મોત થયા. 60થી વધુ લોકો ઘાયલ થયા. આ ઘટના બનતા જ વિજય સહિત તેની પાર્ટીના તમામ નેતાઓ સ્થળ છોડીને જતાં રહ્યાં. વિજયના આ વર્તનની ખાસ્સી ટીકા કરવામાં આવી અને મદ્રાસ હાઇકોર્ટમાં DMKની સરકારે વિજય વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. 30 સપ્ટેમ્બરે એટલે કે ઘટનાના પાંચ દિવસ પછી વિજયે દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ ઘટના તેના જીવનની અત્યંત દુઃખદાયક છે. રાજ્ય સરકારને આડે લીધી હતી અને તંત્રે લાપરવાહી દાખવી હોવાનો આક્ષેપ કરતા કહ્યું હતું, 'શું મુખ્યમંત્રી સ્ટાલિન બદલો લેવાનો પ્રયાસ કરે છે, મારી પાર્ટીએ કંઈ જ ખોટું કર્યું નથી. જો બદલો લેવો જ છે તો મારી પાસે આવો હું ઘરે કે ઑફિસમાં હોઈશ. પોલીસે મારી પાર્ટીના નેતાઓની ધરપકડ કરી છે. હું મુખ્યમંત્રીને અપીલ કરું છું કે મારી પાર્ટીના નેતાઓને કોઈ જાતનું નુકસાન પહોંચાડવામાં ના આવે.' પીડિતો અંગે વિજયે કહ્યું હતું કે તે તેમની સાથે છે, તે મળવા માગે છે, પરંતુ હાલ પરિસ્થિતિને કારણે મળી શકે તેમ નથી. ચાર ઓક્ટોબરે મદ્રાસ હાઇકોર્ટમાં જસ્ટિસ એન સેંથિલે વિજય ને TVKને આડે હાથ લેતા કહ્યું, ઘટના બાદ TVKએ ઘટનાસ્થળ છોડી દીધું. કોઈ જાતની માફી માગી નહીં કે પસ્તાવો વ્યક્ત કરવાની દરકાર પણ લીધી નહીં. પાર્ટીએ જાણે આંખો બંધ કરી લીધી હોય તે રીતનું વર્તન કર્યું, પરંતુ તે ક્યારેય પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. ઓક્ટોબર, 2025માં સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ CBIને કરવાનો આદેશ આપ્યો ને પૂર્વ જસ્ટિસ અજય રસ્તોગીના પ્રમુખ સ્થાને ત્રણ સભ્યોની સમિતિ બનાવવામાં આવી. પહેલા જ ઇલેક્શનમાં 108 બેઠક જીતી વિજયે એમ. જી. રામચંદ્રન, જયલલિતા તથા એમ. કરુણાનિધીને પોતાના રોલ મોડેલ ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે MGR તમિળ ફિલ્મમાં કામ કરતા હતા અને તેમણે 1977માં પહેલી જ વાર તમિળનાડુ વિધાનસભાની ચૂંટણી લડી ત્યારે તેમની પાર્ટીએ 234માંથી 144 બેઠકો પર વિજય મેળવ્યો. એ જ રીતે તેલુગુ સુપરસ્ટાર NTR (નંદામુરી તારક રામ રાવ)એ 1983માં આયોજીત આંધ્રપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં 294 બેઠકમાંથી 202 બેઠક જીતી હતી. વિજયની પાર્ટીએ પણ પહેલા જ ઇલેક્શનમાં 108 સીટ જીતી છે એટલે તેમની તુલના પણ MGR ને NTR સાથે કરવામાં આવી છે. જોકે, વિજયને બહુમત મળી નથી. બહુમત માટે 118 સીટ જોઈએ. વિજયની પાર્ટી 108 બેઠક જીતી છે, પરંતુ વિજય પેરામબુર તથા ટ્રીચી ઇસ્ટ એમ બે બેઠક પરથી વિજયી થયા છે. તેઓ એક બેઠક છોડે એટલે તેમની પાર્ટી પાસે 107 બેઠક રહે. એ રીતે વિજયને 11 ધારાસભ્યના સમર્થનની જરૂર છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે પણ હજી પાંચ ધારાસભ્યો ખૂટે છે. વિજયે પોતાને તમિળનાડુના ભાવિ મુખ્યમંત્રી તરીકે રજૂ કર્યા છે. એક સમયે ઉદયનિધિ ખાસ મિત્ર હતો તમિળનાડુના પૂર્વ ડેપ્યુટી CM ઉદયનિધિ ને વિજય એક સમયે ખાસ ફ્રેન્ડ હતા. ઉદયનિધિ તમિળનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્ટાલિનનો દીકરો છે. તેણે વિજયની ફિલ્મ 'કુરુવી' પ્રોડ્યુસ કરી હતી. જોકે, સમય જતાં બંને રાજકીય દુશ્મનો બની ગયા. વિજયના ફુઆ સિંગર, કઝિન ક્રિકેટર વિજયના ફોઈ શીલાએ પ્લેબેક સિંગર એસ. એન. સુરેન્દર સાથે લગ્ન કર્યા છે એટલે તેઓ વિજયના ફુઆ થાય. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ જાણીતું નામ છે. તેમનો દીકરો વિક્રાંત એક્ટર ને ક્રિકેટર છે. કઝિન ભાઈઓ હોવા છતાં બંનેએ હજી સુધી સાથે કામ કર્યું નથી. 90ના દાયકામાં જ્યારે ફોઈ-ફુઆની આર્થિક સ્થિતિ સારી નહોતી ત્યારે વિજયે તેમને ઘર લઈ આપ્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન વિક્રાંતે ભાઈની પાર્ટીને ભરપૂર સપોર્ટ કર્યો હતો.
Read Original Article →