રાજપાલ યાદવે ગુજરાન ચલાવવા ફેક્ટરીમાં દરજી કામ કર્યું:13 વર્ષ નાની ગુજરાતણ સાથે બીજા લગ્ન કરતાં પરિવારે વિરોધ કર્યો, ચિકન બિરયાનીને કારણે જાહેરમાં માફી માગી

DvB Original4/24/2026, 12:30:00 AM
રાજપાલ યાદવે ગુજરાન ચલાવવા ફેક્ટરીમાં દરજી કામ કર્યું:13 વર્ષ નાની ગુજરાતણ સાથે બીજા લગ્ન કરતાં પરિવારે વિરોધ કર્યો, ચિકન બિરયાનીને કારણે જાહેરમાં માફી માગી
આજ રાત ઉસકી શાદી હુઈ હૈ ઔર થોડી દેર મેં મનાયેંગા હનીમૂન.. વો ભી નાઇટ સે લેકર આફ્ટરનૂન તક... (ડુ નોટ ડિસ્ટર્બ) હમ કોઈ મંદિર કા ઘંટા હૈ કી કોઈ ભી આકે બજા જાતા હૈ... (હંગામા) અયે કિસને કી હૈ ઉંગલી...કૌન હે હમારે બીચ મેં ગાંગુલી... (પાર્ટનર) પિત્ઝા કે ટુકડે હોતે હૈ તો પેટ ભરતા હૈ... ઓર જબ પ્યાર કે ટુકડે હોતે હૈ તો આશિક મરતા હૈ.... (મૈંને પ્યાર ક્યોં કિયા) તુમ્હારે ફેસ ફૂટબોલ સે ટેનિસ બોલ ક્યોં બન ગયા... (ક્રિશ 3) મૈંને તુજકો પ્યાર કિયા, તેરે બાપ ને મુજકો પીટા...તન કી શક્તિ, મન કી શક્તિ બોર્નવીટા... (શાદી સે પહેલે) પેટ પકડીને હસાવતાં આ ડાયલોગ્સ અલગ-અલગ ફિલ્મમાં રાજપાલ યાદવે બોલાવ્યા છે. રાજપાલ યાદવે કોમેડી એક્ટર તરીકે પોતાની અલગ જ ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં જ અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'એ વર્લ્ડવાઇડ 100 કરોડથી વધુની કમાણી કરી નાખી છે. પ્રિયદર્શન, પરેશ રાવલ ને અક્ષય કુમારની તિકડીએ ચાહકોને ભરપૂર હસાવ્યા છે અને તેમાંય રાજપાલ યાદવની કોમેડીથી ચાહકો હસી હસીને બેવડ વળી ગયા છે. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું રાજપાલ યાદવ પરિવારની.... રાજપાલ યાદવને કુલ કેટલા ભાઈ? પેરેન્ટ્સ શું કરે છે? રાજપાલ યાદવે પહેલી દીકરી કેમ મોટાભાઈને આપી દીધી? રાજપાલના ત્રણેય સંતાનો આજે ક્યાં છે ને શું કરે છે? રાજપાલ બીજી પત્નીને ક્યાં મળ્યો ને કેવી રીતે તેમના સંબંધો શરૂ થયાં? 16 માર્ચ, 1971ના દિવસે ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના સામાન્ય પરિવારમાં જન્મેલા રાજપાલ યાદવે સપનેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું વિચાર્યું નહોતું. શાહજહાંપુરથી 50 કિમી દૂર આવેલા અંતરિયાળ ગામ કુંદ્રામાં ખેડૂત પરિવારના રાજપાલ યાદવે શાહજહાંપુરમાંથી સ્કૂલિંગ કર્યું ને ત્યારબાદ રોહિલખંડની જ્યોતિબા ફુલે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. રાજપાલને બે મોટા ને બે નાના ભાઈઓ પરિવારમાં રાજપાલથી મોટા બે દીકરા ને પછી બે દીકરા નાના ને માતા-પિતા એટલે કે સાત સભ્યોનું ગુજરાન માત્ર ખેતીની આવકથી ચાલતું. તે સમયે કુંદ્રા ગામમાં એક પણ પાક્કું મકાન નહીં. રાજપાલ યાદવ ગામડે મિત્રો સાથે ખાડામાં ગંદા પાણીમાં રમતા. પિતાની ઈચ્છા હતી કે દીકરો ભણી ગણીને મોટો માણસ બને, પરંતુ ઘણીવાર એવું થતું કે રાજપાલ યાદવ ભણવાને બદલે તોફાન મસ્તી વધારે કરે ને હોમ વર્ક પણ ના કરે. આ જ કારણે એકવાર પિતાએ ગુસ્સામાં કહી દીધું હતું કે જો દીકરાએ ભણવું ના હોય તો તેઓ મજૂરી કરીને ભણવાનો ખર્ચ ઉઠાવશે નહીં. રાજપાલ યાદવે પાંચ ધોરણ સુધી ગામડે જ અભ્યાસ કર્યો પછી સિટીમાં સરદાર પટેલ સ્કૂલમાં એડમિશન લીધું. પરિવારની આર્થિક સ્થિતિ ખાસ નહોતી તેમ છતાંય સંતાનોને ભણાવ્યા. સ્કૂલમાં રાજપાલ યાદવને ક્યારેય એક્ટિંગ અંગે વિચાર આવ્યો નહોતો. તે સ્કૂલમાં કોઈ સ્પર્ધામાં ભાગ લે તો પણ સ્ટેજ પર પગ ધ્રુજવા લાગતા. રાજપાલ યાદવના પિતા નૌરંગ લાલ યાદવ ગામડે ખેતીથી લઈને દરેક બાબતમાં નવું નવું કરતા. રાજપાલ યાદવે પણ ખેતરમાં કામ કર્યું છે ને હળ પણ ચલાવ્યું છે. સ્કૂલ દરમિયાન ડૉક્ટર બનવાનો વિચાર હતો રાજપાલ યાદવને સ્કૂલિંગ દરમિયાન ડૉક્ટર બનવાનો વિચાર આવ્યો હતો. જોકે, દસમા ધોરણ પછી જ તેમને ખ્યાલ આવી ગયો કે મેડિકલનું ભણવું તેમના ગજા બહારની વાત છે. તેમણે ડૉક્ટર બનવાનું સપનું છોડી દીધું. ત્યારબાદ રાજપાલ યાદવે હિન્દી સાહિત્યમાં ગ્રેજ્યુએશન કર્યું ને પછી ઓર્ડિનન્સ ક્લોથ ફેક્ટરીમાં ટેલરિંગનો એપ્રેન્ટિસનો કોર્સ કર્યો. આ ફેક્ટરી ડિફેન્સ ડિપાર્ટમેન્ટના નેજા હેઠળ આવતી હતી. દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ એડમિશન માટે ફોર્મ ભરે, પરંતુ માત્ર 30 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવતું. આ ફેક્ટરીમાં સૈન્ય જવાનોના કપડાં સીવવામાં આવે છે. હજારોમાંથી રાજપાલ યાદવનું ત્યાં સિલેક્શન થયું. રાજપાલ યાદવની પરિવારની આર્થિક સ્થિતિ કંઈ ખાસ નહોતી એટલે તેમણે ત્યાં કામ કરવાનું શરૂ કર્યું. રાજપાલ યાદવ માને છે કે જો તેઓ એક્ટર ના હોત તો નક્કી દરજી તરીકે આ ફેક્ટરીમાં કામ કરીને દેશ સેવા કરતા હોત તે નક્કી છે. ક્લોથ ફેક્ટરીમાં યોજાતી રામલીલામાં ભાગ લેતા આ ક્લોથ ફેક્ટરીમાં દર વર્ષે યોજાતી રામલીલામાં રાજપાલ યાદવ અચૂકથી ભાગ લેતા. રામલીલામાં રાજપાલ યાદવની એક્ટિંગ જોઈને ત્યાં કામ કરતાં લોકો ઘણા જ ખુશ થતાં અને પછી રાજપાલ યાદવે ધીમે ધીમે નાટકોમાં કામ કરવાની શરૂઆત કરી તો તેમને લાગ્યું કે તેઓ આ ફિલ્ડમાં વધારે સારી રીતે પર્ફોર્મ કરી શકે તેમ છે. પછી તો રામપાલ લખનઉ ગયા ને ત્યાં ભારતેન્દુ નાટ્ય એકેડેમીમાં એડમશિન લીધું. તે સમયે રાજપાલ યાદવના ઉચ્ચારણો પણ સ્પષ્ટ નહોતા ને એક્ટિંગ પણ શાર્પ નહોતી. એકેડેમીમાં રાજપાલ યાદવે એક્ટિંગની બારીકાઈ સમજી અને પછી નાનામાં નાની બાબતની ઘણી જ પ્રેક્ટિસ કરી. ત્યાં ભણ્યા બાદ પણ રાજપાલ યાદવને મનમાં એવું થયું કે હજી ઘણું શીખવાનું બાકી છે તો તેમણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં એડમિશન લઈને ત્યાં ત્રણ વર્ષનો અભ્યાસ કર્યો. આટલું જ નહીં, તેમણે ત્યાં ભારતેન્દુ નાટ્ય એકેડેમીમાં અભ્યાસ કર્યો હોવાની વાત પણ છુપાવી હતી. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં સ્કોલરશિપ મળી અને 19997માં પાસ આઉટ થયા. ફેરવેલમાં ટીવી ડિરેક્ટર મંજુ સિંહ મળ્યાં NSDની ફેરવેલમાં રાજપાલ યાદવને ટીવી ડિરેક્ટર મંજુ સિંહ મળ્યાં અને તેમણે મુંબઈ આવે તો મળવાની વાત કરી. ફેરવેલના થોડા દિવસ બાદ રાજપાલ યાદવ પાંચ મિત્રો સાથે મુંબઈ પહોંચી ગયા ત્યારે મંજુ સિંહ સિરિયલ 'મુંગેરી કે ભાઈ નૌરંગીલાલ' બનાવતા હતા અને રાજપાલને નાનકડો રોલ ઑફર કર્યો. એ રીતે તેમણે જીવનમાં પહેલી જ વાર કેમેરાનો સામનો કર્યો. આ સિરિયલ બાદ રાજપાલ યાદવે કેટલીક સિરિયલમાં નાના-નાના રોલ પ્લે કર્યા. પ્રોડ્યુસરની ઑફિસના ચક્કર મારવાના શરૂ કર્યા સિરિયલમાં કામ કર્યા બાદ રાજપાલ યાદવને કંઈક અલગ ને મોટો બ્રેક મળે તેવી ઈચ્છા થઈ. આ જ કારણે રાજપાલે સિરિયલમાં કામ કરવાને બદલે ફિલ્મ ડિરેક્ટર્સ ને પ્રોડ્યુસર્સની ઑફિસના ચક્કર મારવાના શરૂ કર્યા. મહિનાઓ સુધી આ રીતે ચક્કર મારવાને કારણે ઑફિસના વોચમેન પણ રાજપાલ યાદવને ઓળખવા લાગ્યા. પૈસા ખાસ ના હોવાથી રાજપાલ પગપાળા જ બધે જતો. કેવી રીતે 'શૂલ' મળી? રાજપાલ યાદવ નિયમિત રીતે પૃથ્વી થિયેટરમાં મિત્રો સાથે બેસતા. ત્યાં જ તેમની મુલાકાત અનુરાગ કશ્યપ ને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે થઈ હતી. જ્યારે આ મુલાકાત થઈ ત્યારે રાજપાલ યાદવની સિરિયલ 'મુંગેરી કે ભાઈ નૌરંગીલાલ' ટેલિકાસ્ટ થતી હતી, પરંતુ સિરિયલમાં રાજપાલ યાદવનો રોલ સાઇડ કલાકારનો હોવાને કારણે ભાગ્યે જ કોઈને આ વાતની ખબર હતી. તે સમયે રામગોપાલ વર્મા ને અનુરાગ કશ્યપ સાથે મળીને 'શૂલ'ની વાર્તા લખી હતી. આ જ સમયે 'સત્'યા પણ રિલીઝ થઈ હતી ને હિટ નીવડી. રાજપાલ યાદવ આ જ કારણે રામગોપાલ વર્માની ઑફિસના ચક્કર કાપતા. આ ઉપરાંત અનુરાગ કશ્યપે પણ એવું કહ્યું હતું કે રામગોપાલ વર્મા ફિલ્મ બનાવી રહ્યા છે તો તેમની ઑફિસે ફોટોઝ આપી આવજે. પછી તો રાજપાલને તે ફિલ્મમાં કુલી ને નવાઝુદ્દીનને વેઇટરનો રોલ મળ્યો. તે ફિલ્મમાં રાજપાલ યાદવના 13 જેટલા સીન હતા. ત્યારબાદ રામગોપાલ વર્માની ફિલ્મ 'જંગલ' શરૂ થઈ. ડિરેક્ટરની ઑફિસથી રાજપાલને ફોન પણ આવ્યો, પરંતુ એક્ટરને લાગ્યું કે તે આ ફિલ્મ માટે ફિટ નથી. અંતે, રાજપાલ આ ફિલ્મમાં કામ કરવા તૈયાર થયા. ફિલ્મમાં રાજપાલે સિપ્પાનો નેગેટિવ રોલ પ્લે કર્યો ને અવૉર્ડ પણ મળ્યો. આ ફિલ્મ બાદ રાજપાલે માત્ર એક જ મહિનામાં ધડાધડ 16 જેટલી ફિલ્મ સાઇન કરી. બેક ટુ બેક ફિલ્મ સાઇન કર્યા બાદ ઘરે જવાનો સમય નહોતો રાજપાલ યાદવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક સમય એવો પણ આવ્યો કે તેઓ એક પછી એક પ્રોજેક્ટ માટે તૈયાર હોય. ઘર જવાનો સમય પણ ના મળે. આ જ કારણે એરપોર્ટ પર જ પત્ની કપડાંની બેગ મોકલી દે અને તે બીજા પ્રોજેક્ટના શૂટ માટે ત્યાંથી જ જતા રહે. એક વાર તેમણે લખનઉથી દૂર એક ગામમાં શૂટિંગ કર્યું હતું. ત્યાં તેમણે કાચાં ને તૂટેલાં મકાનમાં રહેવું પડ્યું હતું. આ ઘર આખું ધૂળવાળું હતું. અલબત્ત, એક્ટરે આ અંગે ક્યારેય કોઈ ફરિયાદ કરી નહોતી. 'જંગલ' બાદ રાજપાલ યાદવે કોમેડિયન તરીકે કામ કરવાની શરૂઆત કરી. રાજપાલે 'પ્યાર તુને ક્યા કિયા'માં કોમેડિયનનો રોલ પ્લે કર્યો ને પછી તેઓ તેમાં એવા જબરજસ્ત હિટ રહ્યા કે રાજપાલ યાદવ કોમેડી એક્ટર તરીકે 'હંગામા', 'વક્ત', 'ચુપ ચુપ કે', 'ગરમ મસાલા', 'ફિર હેરા ફેરી' સહિતની ફિલ્મ કરી. રાજપાલ યાદવે 'મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂં', 'લેડિઝ ટેલર', 'રામા રામા ક્યા હૈ ડ્રામા', 'હેલ્લો' સહિતની ફિલ્મમાં સિરિયસ ટાઇપના રોલ પણ કર્યા છે. રાજપાલ યાદવે પેરેન્ટ્સના નામથી 'શ્રી નૌરંગ ગોદાવરી એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ' પ્રોડક્શન બેનર પણ શરૂ કર્યું છે. રાજપાલ યાદવના પિતાનું જાન્યુઆરી, 2025ના રોજ અવસાન થયું હતું. વિવાદમાં પણ આગળ... ચેક બાઉન્સ થતાં જેલમાં જવું પડ્યું રાજપાલ યાદવે 2010માં ડિરેક્ટર તરીકે ફિલ્મ 'અતા પતા લાપતા'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બનાવવા માટે એક્ટરે પાંચ કરોડની લોન લીધી હતી. પાંચ કરોડ ચૂકવી ના શકતા અંતે વ્યાજ સાથે કોર્ટ સેટલમેન્ટમાં 10 કરોડ 40 લાખ આપવાની વાત નક્કી થઈ હતી. ટ્રાયલ કોર્ટમાં રાજપાલ અમાઉન્ટ ચૂકવવામાં નિષ્ફળ રહ્યો. આ જ કારણે પછી એક્ટરે ચેક લખી આપ્યો હતો. 2018માં ચેક બાઉન્સ થતાં રાજપાલ યાદવને દિલ્હી હાઇકોર્ટે ત્રણ મહિનાની સજા ફટકારી હતી. રાજપાલે તે સમયે ત્રણ મહિના જેલમાં પસાર કર્યા હતા અને જેલ એડમિનિસ્ટ્રેટિવની પરમિશન લઈને એક્ટરે ત્યાં એક્ટિંગ વર્કશોપ પણ શરૂ કરી હતી. જેલરને શરૂઆતમાં એવું હતું કે રાજપાલ યાદવ એક્ટર છે એટલે જેલમાં તેની રોજે રોજ ફરિયાદ આવશે, પરંતુ રાજપાલની કોઈ ફરિયાદ આવી નહીં. આ પહેલા રાજપાલ યાદવે આ જ કેસમાં 2013માં ત્રણ દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. તિહાર જેલમાં પણ રહેવું પડ્યું ફેબ્રુઆરી, 2026માં રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઇકોર્ટે છ મહિનાની સજા સંભળાવી હતી. તિહાર જેલમાં જતાં પહેલાં રાજપાલ યાદવે કહ્યું હતું, 'સર, શું કરું, મારી પાસે પૈસા જ નથી અને બીજો કોઈ ઉપાય દેખાતો નથી.' રાજપાલને જ્યારે મિત્રો પાસેથી મદદ માગવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો, 'સર, અહીંયા અમે બધા એકલા જ છીએ. કોઈ મિત્રો નથી. મારે મારી રીતે જ આ સમસ્યાનો ઉકેલ કાઢવાનો છે.' રાજપાલ યાદવનું આ નિવેદન ચર્ચાસ્પદ બન્યું હતું અને ત્યારબાદ સૌ પહેલા સોનુ સૂદે પોતાની ફિલ્મમાં કામ આપીને પૈસા આપ્યા હતા. ત્યારબાદ બોલિવૂડ સ્ટાર્સ મદદ માટે આગળ આવ્યા હતા. રાજપાલ યાદવ 17 ફેબ્રુઆરીએ વચગાળાના જામીન મળ્યા હતા. ફિલ્મ ફ્લોપ જાય એટલે છેતરપિંડી નહીં જેલમાંથી બહાર આવ્યા બાદ રાજપાલ યાદવે કહ્યું હતું કે પૈસા ન હોવાને કારણે જેલ થઈ જ નથી. આ સિદ્ધાંતની વાત છે. જો કેસ માત્ર પાંચ કરોડ રૂપિયાનો જ હોત તો તે 2012માં જ ઉકેલાઈ ગયો હતો. આ કેસને કારણે 17-22 કરોડનું નુકસાન થયું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 100 ફિલ્મ રિલીઝ થાય અને 80 ફ્લોપ થતી હોય છે. જો ફિલ્મ ફ્લોપ જાય તો તેનો અર્થ એવો નથી કે છેતરપિંડી થઈ. નિષ્ફળતા બિઝનેસનો જ એક હિસ્સો છે અને તેને ખોટી રીતે લેવી જોઈએ નહીં. ફટાકડા ફોડવાની ના પાડી ને ચિકન બિરયાની ઝાપટી થોડા વર્ષ પહેલા રાજપાલ યાદવે દિવાળીએ ચાહકોને ફટાકડા ફોડવાની ના પાડતો એક વીડિયો શૅર કર્યો હતો અને તેમાં તેમણે કહ્યું હતું કે ફટકાડાને કારણે વાયુ પ્રદૂષણ થાય છે અને પશુ-પંખીઓને તકલીફ થાય છે. આ વીડિયો પોસ્ટ કર્યાના ઠીક એક દિવસ પછી રાજપાલ યાદવે ચિકન બિરયાની ખાતો વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો જોતા જ ચાહકો ભડકી ઉઠ્યા હતા અને જેમતેમ બોલવા લાગ્યા હતા. વિવાદ વધતાં રાજપાલ યાદવે ચાહકોની માફી માગી હતી. રાજકારણમાં નસીબ અજમાવ્યું પણ ફાવ્યા નહીં ઓક્ટોબર, 2016માં રાજપાલ યાદવે લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સર્વ સમભાવ પાર્ટીની જાહેરાત કરીને ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી લડવાની વાત કરી હતી. તેમણે મોટાભાઈ શ્રીપાલને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા હતા. રાજપાલ યાદવે પાર્ટીની જાહેરાત કરતાં કહ્યું હતું કે તેઓ વિવાદ નહીં, પરંતુ સંવાદની રાજનીતિ કરીને લોકોની સેવા કરશે. અલબત્ત, 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે રાજપાલ યાદવની પાર્ટીએ કેટલીક બેઠકો પર અન્ય દળ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો, પરંતુ એક્ટરને રાજકારણમાં ખાસ સફળતા મળી નહીં. રાજપાલ યાદવનું અંગત જીવન.... 30 વર્ષની ઉંમરે દીકરીનો બાપ બન્યો રાજપાલ યાદવના પહેલા લગ્ન કરુણા સાથે થયા. 1991માં કરુણાએ દીકરી જ્યોતિને જન્મ આપ્યો, પરંતુ કોમ્પિકેશન થતાં દીકરીના જન્મ બાદ કરુણાનું અવસાન થયું. નાનકડી દીકરીને ભાઈ-ભાભીને આપીને રાજપાલે કંઈક બનવાની ધગશ સાથે લખનઉ ને દિલ્હી ને પછી મુંબઈની વાટ પકડી. થોડા વર્ષ બાદ એટલે કે 2003માં રાજપાલ યાદવે ગુજરાતી પરિવારમાં બીજા લગ્ન કર્યા. આ સમયે રાજપાલ 32 તો રાધા માત્ર 19 વર્ષની હતી. લગ્નથી રાજપાલને બે દીકરીઓ છે. બીજી પત્ની સાથેની મુલાકાત રાધા સાથેની પહેલી મુલાકાત અંગે કહ્યું હતું, 'કેનેડામાં હું 'ધ હીરો'નું શૂટિંગ કરી રહ્યો હતો. ત્યાં કોમન ફ્રેન્ડ પ્રવીણ ડબાસે કેલગરીમાં રાધા સાથે મુલાકાત કરાવી હતી. તેમની વચ્ચેની મિત્રતા ગાઢ બની અને પછી કેનેડામાં રાધાના પેરેન્ટ્સને પણ મળ્યો. તે સમયે અમને ખ્યાલ નહોતો કે અમે લગ્ન કરીશું. અમારી વચ્ચે 10 મહિના લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ રહી. 2003માં રાધા ભારત આવી અને પછી લગ્ન થયા. મારા પેરેન્ટ્સ આ લગ્ન માટે તૈયાર નહોતા, કારણ કે હું રાધા કરતાં ઉંમરમાં 13.5 વર્ષ મોટો હતો. મારા સસરાએ પહેલી જ વાર મારો ફોટો ફિલ્મ 'જંગલ'ના એક સીનનો જોયો હતો, જેમાં મારા માથાના વાળ ઊભા હતા અને હાથમાં ગન હતી. આ જોઈને તેમને નવાઈ લાગી, પરંતુ જ્યારે રિયલમાં મળ્યા ત્યારે તેમને અહેસાસ થયો કે તે સામાન્ય માણસ છે અને માત્ર કેરેક્ટર પ્લે કરે છે. રાધાના પિતા યુગાન્ડાથી કેનેડા સ્થાયી થયા હતા. રાધાની બહેન ફ્લૂઅન્ટલી ફ્રેન્ચ બોલે છે અને રાધા અલગ-અલગ પાંચ ભાષા જાણે છે. પરિવાર ગુજરાતી હોવાથી તેમને ગુજરાતી ભાષા સારી રીતે આવડે છે.' રાજપાલે અન્ય એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'પરિવાર મારી મજાક ઉડાવતા કહેતો હોય છે કે લંગૂરને હૂર મળી ગઈ. હાઇટમાં હું પત્ની કરતાં થોડો ઠીંગણો છું. હું ભાગ્યશાળી છું કે મને રાધા જેવી પત્ની મળી. રાધા મનમાં જે હોય તે સાચું કહી દે છે. રાધા આખા પરિવારને સંભાળે છે. મારા કપડાં પણ તે જ ખરીદે છે અને મને તેની પસંદ પર પૂરો વિશ્વાસ છે. તમામ ખર્ચનો હિસાબ પણ તે જ રાખે છે. લગ્ન બાદ જ્યારે રાધા પહેલી જ વાર ગામડે આવી ત્યારે લાજ કાઢીને જોવા મળી હતી. તે દર વર્ષે હોળી-દિવાળીએ ગામડે જતી હોય છે. જ્યારે મારી મોટી દીકરી જ્યોતિ 15 વર્ષની થઈ ત્યારે તેને મુંબઈ લાવ્યો હતો. મારા લગ્ન થઈ ચૂક્યા હતા અને રાધાએ સાવકી દીકરીને પોતાની દીકરી સમજીને ભરપૂર પ્રેમ આપ્યો.' મોટી દીકરીના લગ્ન કરાવ્યા રાજપાલે નવેમ્બર, 2017માં પોતાના પૈતૃક ગામમાં મોટી દીકરી જ્યોતિના ઇટાવાના સંદીપ યાદવ સાથે લગ્ન કરાવ્યા. સંદીપ સહકારી બેંકમાં કેશિયર છે. જ્યોતિ લાઇમ લાઇટથી દૂર રહે છે. રાજપાલ ને રાધાની બંને દીકરીઓ પણ લાઇમ લાઇટથી દૂર અભ્યાસ પર ધ્યાન આપી રહી છે.
Read Original Article →