ગુજરાતના જમાઈ છે શાહિદ કપૂરના પિતા:પંકજ કપૂરે બીજાં લગ્ન સાસરિયાંની મરજી વિરુદ્ધ કર્યા, એક્ટર બનવા પત્ની-દીકરાને તરછોડ્યાં!
અપને બદન પે ચોટ લગે તો સાલા જાનવર ભી રોતા હૈ.. ઇન્સાન વો હૈ જો દૂસરે કી ચોટ કો મહેસૂસ કર સકે (હલ્લા બોલ) નાલાયક, અધર્મી, દુરાચારી, મામાચારી, ભ્રષ્ટાચારી.... બોલ સોરી (જાને ભી દો યારો) ગિલૌરી ખાયા કરો... ઝબાન કાબૂ મૈં રહેતી હૈ (મકબૂલ) શટ અપ, કિટ્ટી (સિરિયલ કરમચંદ) ફિલ્મ હોય કે સિરિયલ... પંકજ કપૂરે પોતાની એક્ટિંગથી દર્શકોને ઇમ્પ્રેસ કર્યા જ હોય. એક સમયે પોતાની એક્ટિંગથી અલગ ઓળખ ઊભી કરનારા પંકજ કપૂર આજે તો દીકરા શાહિદ કપૂરના પિતા તરીકે ઓળખાતા હોય છે અને આ વાત તેમના માટે ગર્વની છે. પંકજ કપૂર માને છે કે તેમણે સંતાનોને પોતાના નામ વગર પોતાના દમ પર આગળ આવવાની પ્રેરણા પૂરી પાડી અને તે જ કારણે આજે તેમને શાહિદના પિતા તરીકેની ઓળખાણ સામે કોઈ જ વાંધો નહોતો. શાહિદ કપૂરના પિતા પંકજ કપૂરનો આજે એટલે કે 29મેના રોજ 72મો જન્મદિવસ છે. પંકજ કપૂર પોતાની દમદાર એક્ટિંગ માટે જાણીતા છે. પંકજ કપૂર દૂરદર્શનની પહેલી જાસૂસી સિરિયલ કરમચંદમાં ગાજર ચાવતાં જોવા મળતા અને પોતાની સાથીને કહેતા શટ અપ કિટ્ટી... આ ડાયલોગ તે સમયે ખાસ્સો લોકપ્રિય થયો હતો. પંકજ કપૂરને પોતાની પાવરપેક્ડ એક્ટિંગને કારણે ત્રણ ત્રણ નેશનલ અવૉર્ડ મળ્યા છે. 'ફિલ્મી ફેમિલી'માં વાત કરીશું કપૂર પરિવારની...પંકજ કપૂરના પ્રથમ ડ્રામા ટીચર કોણ હતા? પંકજ કપૂર ને નીલિમા અઝીમના કેમ ડિવોર્સ થયા? પંકજ કપૂરની પહેલી પત્ની ને બીજી પત્નીના સંતાનો વચ્ચે કેવા સંબંધો છે? સુપ્રિયા પાઠક ને શાહિદ વચ્ચે અણબનાવ છે? પેરેન્ટ્સના ડિવોર્સ થતા શાહિદ કપૂર કેમ મોસાળમાં રહ્યો? પંકજ કપૂરના બીજાં લગ્નથી થયેલા બંને સંતાનો શું કરે છે? નાનપણથી જ એક્ટિંગમાં રસ
29 મે, 1954માં પંજાબના લુધિયાણામાં જન્મેલા પંકજ કપૂરના પિતા કુલભૂષણ કપૂર અંગ્રેજી લિટરેચરના પ્રોફેસર ને માતા હોમ મેકર હતા. નાનપણથી જ પંકજ કપૂરને થિયેટર ને એક્ટિંગમાં રસ હતો. તેઓ સ્કૂલ-કોલેજના પ્લેમાં અવાર-નવાર ભાગ લેતા. પરિવાર એજ્યુકેટેડ હોવા છતાં પિતાએ ક્યારેક પંકજ કપૂરને એક્ટિંગ કે પછી પોતાનું મનગમતું કામ કરવાની ક્યારેય ના પાડી નહોતી. પિતા સાથે પંકજ કપૂરના ગાઢ મિત્ર જેવા સંબંધો હતા, જ્યારે માતા પાસેથી તેઓ ડ્રામા શીખ્યા. પંકજ કપૂરનાં માતા નીરજા કપૂર અડોશપડોશમાં જ્યારે પણ શુભ પ્રસંગ હોય તો તેઓ પંકજ કપૂર પાસે નાટક કે કંઈ પણ કરાવે અને એ રીતે માતા તેમના પ્રથમ ડ્રામા ટીચર હતા. માતા પાસેથી જ તેઓ શરૂઆતમાં એક્ટિંગના પાઠ ભણ્યા. પિતાએ ઘર છોડતી વખતે આપી એક સલાહ
પંકજ કપૂરે પિતા અંગે એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા કહ્યું હતું, 'તેઓ અલગ જ મિજાજ ધરાવતા હતા. તેઓ મારું દરેક નાટક જોવા આવતા. જ્યારે મેં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં એડમિશન લેવાનું નક્કી કર્યું ત્યારે તેમણે અંગ્રેજીમાં કહ્યું હતું કે યુ હેવ બર્ન યોર બોટ્સ ડોન્ટ લુક બેક (તે મનથી નક્કી કર્યું છે એટલે એમાં જ આગળ વધજે, હવે પાછળ ફરીને ક્યારેય જોઈશ નહીં) પિતાના આ શબ્દોએ મને ઘણો જ પ્રેરિત કર્યો. મેં પિતાની જ આ શિખામણ મારા ત્રણેય બાળકોને આપી છે. શાહિદે પોતાની રીતે સફળતા મેળવી છે. તેની સફળતામાં મારો કોઈ જ ફાળો નથી, મેં તો બસ મારા DNAએ તેને આપ્યા છે. તેણે પોતાની મહેનતથી આ બધું જ પ્રાપ્ત કર્યું છે. મારા વર્તનથી બાળકોને પ્રેશર આવે તેવું ક્યારેય કરતો નથી. અમે હંમેશાં ઓપન માઇન્ડેડ રહીને એકબીજા સાથે ચર્ચા કરીએ અને છેલ્લે બાળકો જે નક્કી કરે તે જ ફાઇનલ થાય. એટલે જ જો તેઓ નિષ્ફળ જાય તો પણ તેની જવાબદારી તેઓ મારા પર નાખે નહીં.' ચાર વર્ષ નાટકોમાં કામ કર્યું
દિલ્હીમાં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ પંકજ કપૂરે ચાર વર્ષ સુધી નાટકોમાં કામ કર્યું. તેમણે એકાદ-બે મૂવીમાં સાવ નાના રોલ પ્લે કર્યા હોવાથી ઇન્ડસ્ટ્રીમાં ખાસ એવી ઓળખ બની નહીં. 1982માં તેમણે રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી'માં કામ કર્યું. આ ફિલ્મમાં તેમણે મહાત્મા ગાંધીજીના આસિસ્ટન્ટ પ્યારેલાલનો રોલ પ્લે કર્યો હતો. આટલું જ નહીં, ફિલ્મમાં ગાંધીનો રોલ પ્લે કરનાર બેન કિંગ્સલેનો અવાજ હિંદીમાં ડબ કર્યો હતો. પંકજ કપૂરે 74 જેટલા નાટકોમાં કામ કર્યું છે. શ્યામ બેનેગલની ફિલ્મથી ડેબ્યૂ કર્યું
1982માં પંકજ કપૂરે શ્યામ બેનેગલની ફિલ્મ 'આરોહણ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું. પંકજ કપૂરે કરિયરની શરૂઆતમાં આર્ટ ફિલ્મ કે પછી પેરેરલ સિનેમામાં વધારે કામ કર્યું, જેમાં 'મંડી', 'જાને ભી દો યારો', 'મોહન જોશી હાઝિર હો', 'ખંડર', 'ખામોશી' સહિતની ફિલ્મ સામેલ છે. આમાંથી મોટાભાગની ફિલ્મ્સે નેશનલ ફિલ્મ અવૉર્ડ્સ જીત્યા હતા. 'કરમચંદ'થી લોકપ્રિય બન્યા
1986માં પંકજ કપૂરે ટીવી સિરિયલમાં કામ કરવાનું નક્કી કર્યું. તેઓ સુસ્મિતા મુખર્જી સાથે ડિટેક્ટિવ સિરિયલ 'કરમચંદ'માં જોવા મળ્યા. આ સિરિયલમાં તેઓ ગાજર ખાતાં ખાતાં 'શટ અપ કિટ્ટી' બોલતા અને આ ડાયલોગ તે સમયે ખાસ્સો એવો લોકપ્રિય થયો હતો. આ સિરિયલમાં પંકજ કપૂર જે રીતે જાસૂસી કરે અને પછી કેસ સોલ્વ કરે તે સમયે આ નવું હતું અને આ જ કારણે ચાહકો પંકજ કપૂરની એક્ટિંગ પાછળ પાગલ બન્યા હતા. આ સિરિયલ તે સમયે ખાસ્સી સુપરડુપર હિટ રહી હતી. ત્યારબાદ પંકજ કપૂરે ઘણી સિરિયલમાં કામ કર્યું. આ દરમિયાન તેમણે કર્મશિયલ સિનેમામાં કામ કરવાનું ચાલુ જ રાખ્યું. આટલું જ નહીં તેઓ પેરેલલ સિનેમામાં પણ કામ કરતા. તેમણે 1989માં પંજાબી ફિલ્મ 'મારહી દા દિવા'માં કામ કર્યું.1992માં તેમણે ફિલ્મ 'રોજા'માં કામ કર્યું. 1991માં તેમણે 'એક ડૉક્ટર કી મૌત'માં લીડ રોલ પ્લે કર્યો. વર્ષ 2000માં પંકજ કપૂરે 'ઑફિસ ઑફિસ' સિરિયલમાં કામ કર્યું. આ સિરિયલ સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે વ્યંગ કરતી હતી અને આ સિરિયલ ઘણી જ લોકપ્રિય થઈ. 2019માં પંકજ કપૂરે નોવેલ 'દોપેહરી' રિલીઝ કરી હતી. નવાઈની વાત એ છે કે આ નોવેલ પંકજ કપૂરે 1992માં લખી હતી. ડિરેક્ટર પણ બન્યા
2011માં પંકજ કપૂરે ફિલ્મ 'મૌસમ'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં સોનમ કપૂર, શાહિદ કપૂર લીડ રોલમાં હતા. આ ફિલ્મ બોક્સ ઑફિસ એવરેજ રહી હતી. ત્યારબાદ તેમણે ફિલ્મ 'મોહનદાસ B.A.L.L.B.' ડિરેક્ટ કરી. રાઇટર તરીકે તેમની ફિલ્મ 'સૌ જૂઠ એક સચ' આવી હતી. 2020માં અમૃતસરની ગુરુનાનક દેવ યુનિવર્સિટીએ પંકજ કપૂરને માનદ્ ડૉક્ટરેટની ડિગ્રીથી સન્માનિત કર્યા હતા. અંગત જીવનની વાત કરીએ તો, 19 વર્ષની ઉંમરમાં નીલિમા અઝીમ સાથે મુલાકાત
નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં પંકજ કપૂર પહેલી જ વાર નીલિમા અઝીમને મળ્યા. નીલિમા તે સમયે કથ્થકની તાલીમ લેતી હતી. બંને વચ્ચે મિત્રતા થઈ ને પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. બે વર્ષના સંબંધો બાદ પંકજ કપૂર ને નીલિમાએ 1979માં લગ્ન કર્યા. બંનેના પરિવારને આ લગ્ન સામે કોઈ જ વાંધો નહોતો. લગ્નના બે વર્ષ બાદ દીકરા શાહિદનો જન્મ થયો. લગ્નના શરૂઆતના વર્ષોમાં પંકજ કપૂર ને નીલિમાને કોઈ જ વાંધો ના આવ્યો, પરંતુ પછી બંને વચ્ચે અંતર વધતું ગયું ને માત્ર પાંચ વર્ષ બાદ એટલે કે 1984માં બંનેના ડિવોર્સ થયા. શાહિદ કપૂરનો જન્મ નાના-નાનીને ત્યાં દિલ્હીમાં જ થયો હતો. પેરેન્ટ્સના ડિવોર્સ બાદ શાહિદ કપૂર દિલ્હીમાં નાના-નાનીને ત્યાં થોડો સમય રહ્યો હતો. શાહિદ કપૂરના નાના અનવર અઝીમ માર્ક્સિસ્ટ જર્નલિસ્ટ હતા તો નાની ખાદિજા ભારતના જાણીતા ડિરેક્ટર ખ્વાજા અહમદ અબ્બાસના સંબંધી થતાં હતાં. દિલ્હી થોડો સમય રહ્યા બાદ શાહિદ મુંબઈ આવી ગયો હતો. પત્ની-દીકરાને એકલા મૂકી મુંબઈની વાટ પકડી
દીકરા શાહિદના જન્મ બાદ નીલિમા ને પંકજ વચ્ચે ખટરાગ થવા લાગ્યો. પંકજ કપૂર મુંબઈ કરિયર બનાવવા આવ્યા અને તેમની પાસે એટલા પૈસા નહોતા કે તે પત્ની ને દીકરાને પોતાની સાથે મુંબઈ રાખી શકે. નીલિમા દીકરા સાથે દિલ્હીમાં રહી ને કથ્થક ડાન્સર તરીકે કામ કરવા લાગી. બંને લોંગ ડિસ્ટન્સ મેરેજ નિભાવી શક્યા નહીં. દીકરો માત્ર અઢી વર્ષનો હતો અને બંનેએ અલગ થવાનું નક્કી કર્યું. વર્ષો બાદ નીલિમાએ પતિથી અલગ થવા અંગે વાત કરતા કહ્યું હતું, 'જીવનમાં આગળ વધવું સરળ નહોતું. પંકજથી હું અલગ થઈ નહોતી, તે જ મૂવ ઓન કરીને આગળ જતા રહ્યા. મારા માટે આ વાત પચાવવી ઘણી જ મુશ્કેલ હતી. બ્રેકઅપ બાદ દરેક વાત યાદ આવે. પંકજ પણ દીકરાને મિસ કરતા.' તો પંકજ કપૂરે પણ કહ્યું હતું કે નીલિમાથી અલગ થયા બાદ તેમને રોજ દીકરા શાહિદની યાદ સતાવતી. પિતા માટે દીકરાથી અલગ થવું મુશ્કેલ છે. તેમના માટે આ એક ઇમોશનલ લૉસ હતો.' ડિવોર્સના ચાર વર્ષ બાદ બીજા લગ્ન
પહેલી પત્ની નીલિમાને ડિવોર્સ આપ્યાના ચાર વર્ષ બાદ પંકજ કપૂરે સુપ્રિયા પાઠક સાથે લગ્ન કર્યા. બંનેની મુલાકાત ફિલ્મ 'મૌસમ'ના સેટ પર 1986માં થઈ. એ વાત અલગ છે કે આ ફિલ્મ ક્યારેય રિલીઝ ના થઈ. પંકજની જેમ જ સુપ્રિયાના પણ ડિવોર્સ થઈ ચૂક્યા હતા. બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા. બંને સાથે જોગિંગ કરવાથી લઈને કલાકો સુધી ફોન પર વાત કરતા. પંકજ કપૂર થોડો સમય પરિવારને મળવા પંજાબ ગયા ને પાછા ફર્યા ત્યારે તેમને એ વાતનો અહેસાસ થઈ ગયો કે તે અને સુપ્રિયા અલગ રહી શકે તેમ નથી. બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ સુપ્રિયાએ લગ્નની વાત કરી, પરંતુ પંકજ કપૂર આ વખતે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા માગતા નહોતા. થોડા સમય બાદ તેમને પણ લાગ્યું કે સુપ્રિયા તેમના માટે યોગ્ય છે. સુપ્રિયા પાઠકે પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા
બંનેએ પરિવાર સમક્ષ લગ્ન કરવાની વાત કરી તો પંકજ કપૂરના ઘરમાં કોઈએ વાંધો ના ઊઠાવ્યો, પરંતુ સુપ્રિયાના પરિવારને આ લગ્ન સામે વાંધો હતો. સુપ્રિયા પાઠકના માતા દીના પાઠકને પંકજ કપૂર સહેજ પણ પસંદ નહોતા. પરિવારને મનાવવાનો સુપ્રિયા પાઠકે ઘણો જ પ્રયાસ કર્યો, પરંતુ ના માનતા અંતે સુપ્રિયાએ 1988માં સાત વર્ષ મોટા પંકજ કપૂર સાથે પરિવારની મરજી વિરુદ્ધ જઈને ભાગીને લગ્ન કર્યા. લગ્નના થોડા સમય બાદ દીના પાઠક ને પંકજના સંબંધો પણ સુધર્યા ને દીના પાઠકે તેમને જમાઈ તરીકે સ્વીકાર્યા. કોણ છે સુપ્રિયા પાઠક?
1961માં જન્મેલાં સુપ્રિયા પાઠક મૂળ ગુજરાતી છે. તેમના મમ્મી ને એક્ટ્રેસ દીના પાઠકનો જન્મ અમેરલીમાં થયો હતો. સુપ્રિયાએ ફાઇન આર્ટમાં ડિગ્રી લીધી છે. તેમણે નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરમાંથી ભરતનાટ્યમ શીખ્યું છે. સુપ્રિયા પાઠકે માતાના નાટક 'મેના ગુર્જરી'થી કરિયરની શરૂઆત કરી હતી. આ નાટકમાં દીના પાઠક કામ કરતાં હતાં. વર્ષો બાદ જ્યારે આ નાટક ફરી ભજવવાનું થયું ત્યારે તેમાં દીના પાઠક જે રોલ કરતાં હતાં તે રોલ સુપ્રિયાએ કર્યો હતો. આ નાટકને દીના પાઠકે જ ડિરેક્ટ કર્યું હતું. ત્યારબાદ સુપ્રિયા પાઠકે દિનેશ ઠાકુર સાથે 'બીવીયોં કા મદરેસા'માં કામ કર્યું હતું. આ નાટક પૃથ્વી થિયેટરમાં ભજવાયું હતું અને અહીંયા સ્વ. શશિ કપૂરની સ્વર્ગીય પત્ની જેનિફરની નજર સુપ્રિયા પર પડી હતી. જેનિફરે ડિરેક્ટર શ્યામ બેનેગલને ફિલ્મ 'કલિયુગ' (1981) માટે સુપ્રિયાના નામની ભલામણ કરી હતી. આ ફિલ્મથી સુપ્રિયા પાઠકે બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ સુપ્રિયા પાઠકે વિવિધ ફિલ્મમાં કામ કર્યું હતું. સુપ્રિયા પાઠક વર્ષ 2002માં ટીવી સિરિયલ 'ખિચડી'માં હંસાનો રોલ કરીને દેશભરમાં લોકપ્રિય થયાં હતાં ને તેમનો ફેમસ ડાયલોગ 'હેલ્લો, હાઉ આર? ખાના ખાકે જાના હા..' હતો. 2013માં સુપ્રિયા પાઠકે 'રામલીલા'માં ધનકોરબાનો દમદાર રોલ ભજવ્યો હતો. સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા રણવીર સિંહ લીડ રોલમાં હતાં. 2016માં સુપ્રિયા પાઠકે 'કેરી ઓન કેસર'થી ગુજરાતી ફિલ્મમાં ડેબ્યૂ કર્યું હતું. 22 વર્ષની ઉંમરે પહેલાં લગ્ન કર્યાં હતાં ને 24 વર્ષે બીજવર સાથે બીજાં લગ્ન
સુપ્રિયા પાઠક 22 વર્ષની ઉંમરે થોડા મહિના માટે અમદાવાદ રહેવાં આવ્યાં હતાં અને અહીંયા માતા દીના પાઠકના મિત્રના દીકરાને મળ્યાં હતાં. બંને એકબીજાને મળ્યાં અને પછી તરત જ લગ્ન કરી લીધાં હતાં. જોકે, લગ્નના પાંચમા દિવસે જ બંનેને ખ્યાલ આવ્યો કે તેમનાથી મોટી ભૂલ થઈ ગઈ હતી. સુપ્રિયા પાઠક ફરી મુંબઈ આવી ગયાં અને એક વર્ષની અંદર બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. 24 વર્ષની ઉંમરે ફિલ્મના સેટ પર સુપ્રિયા પાઠક એક્ટર પંકજ કપૂરને મળ્યાં હતાં. સુપ્રિયા પાઠક તથા પંકજ કપૂરને દીકરી સનાહ તથા દીકરો રુહાન કપૂર છે. સનાહ કપૂરે 2022માં બોલિવૂડ એક્ટર મનોજ પાહવા અને સીમા પાહવાના દીકરા મયંક પાહવા સાથે લગ્ન કર્યાં હતાં. સનાહ કપૂરે પિતા પંકજ પાઠક અને સાવકા ભાઈ શાહિદ સાથે ફિલ્મ 'શાનદાર'માં કામ કર્યું હતું. આ ઉપરાંત સનાહ 2018માં 'ખજૂર પે અટકે'માં જોવા મળી હતી. અલબત્ત, સનાહ માટે બોલિવૂડ પિતા ને સાવકા ભાઈની જેમ સફળ રહ્યું નહીં. તેણે સરોજ કી શાદી, રામપ્રસાદ કી તેરહવીં જેવી ફિલ્મમાં કામ કર્યું છે. પતિ મયંક આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે. દીકરા રૂહાનની વાત કરીએ તો તે પેરેન્ટ્સ, બહેન ને સાવકા ભાઈની જેમ કેમેરાની આગળ કામ નથી કરતો. તે કેમેરાની પાછળ રહીને કામ કરે છે. અલબત્ત, તેણે નાટકોમાં પુષ્કળ કામ કર્યું છે. 2023માં તેણે પોતાના જીજાજી એટલે કે સનાહના પતિ મયંકની સગી બહેન મનુકૃતિ પાહવા સાથે લગ્ન કર્યા. મનુકૃતિ એ એક્ટર મનોજ-સીમાની દીકરી છે. મનુકૃતિ પણ એક્ટ્રેસ છે. તે થિયેટરમાં પણ કામ કરે છે. તેણે 'સૂઈ ધાગા', 'યે મર્દ બેચારા', 'બાય બાઇ બાય', 'એ ફોર અંતારા'માં કામ કર્યું છે. મનુકૃતિ સ્ક્રિપ્ટ રાઇટિંગ તથા પ્રોડ્યુસર પણ છે. તે કોપલ પ્રોડક્શન હાઉસ ચલાવે છે. નીલિમાએ ત્રણ લગ્ન કર્યા છતાં એકલી
પંકજ કપૂરને ડિવોર્સ આપ્યા બાદ નીલિમા અઝીમે 1990માં એક્ટર રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી તેમને દીકરો ઈશાન ખટ્ટર છે. જોકે, 2001માં નીલિમાએ રાજેશ ખટ્ટરને ડિવોર્સ આપી દીધા હતા. ત્યારબાદ 2004માં ઇન્ડિયન વોકાલિસ્ટ રઝા અલી ખાન સાથે લગ્ન કર્યાં હતાં, પરંતુ આ લગ્ન પણ લાંબું ટક્યાં નહીં અને 2009માં બંને અલગ થઈ ગયાં હતાં. શાહિદે પોતાના દમ પર ઓળખ બનાવી
શાહિદ કપૂર સ્ટાર પંકજ કપૂરનો દીકરો હોવા છતાંય તેને સરળતાથી ફિલ્મમાં કામ મળ્યું નહોતું. શાહિદે શામક દાવરનું ડાન્સ ગ્રુપ જોઇન કર્યું હતું. શાહિદ કપૂરે મ્યુઝિક વિડિયો 'આંખો મેં..'માં કામ કર્યું હતું. આ દરમિયાન પ્રોડ્યુસર રમેશ તૌરાણીની નજર શાહિદ પર પડી હતી. તેમણે ફિલ્મમાં શાહિદ કપૂરને લેવાનું વિચાર્યું હતું, પરંતુ તેમને લાગ્યું કે દુબળો પાતળો શાહિદ ફિલ્મમાં ઘણો જ નાનો લાગશે. અને એટલે જ તેમણે શાહિદને થોડાં વર્ષ રાહ જોવાનું કહ્યું હતું. આ દરમિયાન શાહિદ કપૂરને એન. ચંદ્રાની સેક્સ કોમેડી ફિલ્મ 'સ્ટાઇલ' મળી હતી. જોકે, શાહિદે આ ફિલ્મની ઑફર નકારી કાઢી હતી. ફિલ્મમાં કામ કરતાં પહેલાં શાહિદ નસીરુદ્દીન શાહ તથા સત્યદેવની એક્ટિંગ વર્કશોપમાં જોડાયો હતો. શાહિદે ફિલ્મ 'દિલ તો હૈ પાગલ' તથા 'તાલ' ફિલ્મમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન શાહિદ ફિલ્મ માટે અઢળક ઓડિશન આપતો હતો. શાહિદે 2003માં 'ઇશ્ક વિશ્ક' કરી તે પહેલાં 100થી વધુ ઓડિશન આપ્યાં હતાં. બેક ટુ બેક ઓડિશન આપવા માટે ઘણીવાર શાહિદ પાસે આવવા-જવાના અથવા તો જમવાના પૈસા પણ રહેતા નહોતા. શાહિદની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મથી શાહિદ કપૂર ચાહકોમાં ચોકલેટી બોય તરીકે લોકપ્રિય બન્યો હતો. શાહિદ 'કબીર સિંહ' સહિતની ફિલ્મથી ચાહકોમાં લોકપ્રિય બન્યો. શાહિદે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે અને તેમને બે સંતાનો દીકરી મીશા તથા દીકરો ઝૈન છે. સાવકી માતા તથા સાવકા ભાઈ-બહેન સાથે કેવા સંબંધો?
સુપ્રિયા પાઠકે એક ઇન્ટરવ્યૂમાં શાહિદ સાથેના સંબંધો અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના પરિવાર ને શાહિદ વચ્ચે સાવકા સંબંધો નથી. તે બંને સામાન્ય મા-દીકરાની જેમ જ એકબીજાને મળે છે અને તેમની વચ્ચે ગાઢ પ્રેમ છે. શાહિદ જ્યારે છ વર્ષનો હતો ત્યારે તે પહેલી જ વાર તેને મળ્યા હતા. તેમણે તેમના બંને બાળકો ને શાહિદ વચ્ચે ક્યારેય ભેદભાવ કર્યો નથી. સુપ્રિયાના બંને સંતાનો સનાહ ને રુહાનના લગ્નમાં શાહિદ પત્ની ને બંને બાળકો સાથે આવ્યો હતો. શાહિદ બંને સાવકા ભાઈ-બહેન સાથે સારું બૉન્ડિંગ ધરાવે છે. આટલું જ નહીં, શાહિદ પોતાની ફિલ્મના સ્ક્રીનિંગ કે પ્રીમિયરમાં સુપ્રિયા પાઠક અને સાવકા ભાઈ-બહેનને અચૂકથી બોલાવે છે.
Read Original Article →