જયાપ્રદાએ પરિણીત ને બે સંતાનોના પિતા સાથે લગ્ન કર્યા:એક્ટરે જાત પર કાબૂ ગુમાવતા એક્ટ્રેસે થપ્પડ મારી, આઝમ ખાને અશ્લીલ તસવીરો વહેતી કરી
ડફલી વાલે ડફલી બજા...(સરગમ)
મુઝે નૌલખા મંગવા દે રે... (શરાબી)
યશોદા કા નંદલાલા... (સંજોગ)
તોહફા તોહફા... (તોહફા) આ ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે જેટલા જ્યારે રિલીઝ થયા હતા. આ સુમધુર ગીતો સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ જયાપ્રદા પર પિક્ચરાઇઝ કરવામાં આવ્યા હતા. જયાપ્રદા પોતાના ડાન્સને કારણે ચાહકોમાં ઘણી જ લોકપ્રિય હતી. આજે તો જયાપ્રદા રાજકારણમાં એક્ટિવ છે. આજે એટલે કે ત્રીજી એપ્રિલે એક્ટ્રેસનો 64મો જન્મદિવસ છે. 'ફિલ્મી ફેમિલી'માં વાત કરીશું જયાપ્રદાના પરિવારની...જયાપ્રદાના પેરેન્ટ્સ શું કરતાં? જયાપ્રદાએ કોની સાથે લગ્ન કર્યા છે? એક્ટ્રેસને કેમ સુસાઇડના વિચાર આવતાં હતાં? જયાપ્રદાએ લગ્ન કર્યા હોવા છતાં કેમ બહેનનો દીકરો દત્તક લીધો? જયાપ્રદાનું સાચું નામ શું છે? પહેલી ફિલ્મ કેવી રીતે મળી? તે ફિલ્મ માટે એક્ટ્રેસને કેટલી ફી મળી હતી? આંધ્રપ્રદેશમાં જન્મ
જયાપ્રદાનો જન્મ આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં 3 એપ્રિલ, 1962માં થયો. જયાપ્રદાનું સાચું નામ તો લલિતા રાણી હતું. પિતા ક્રિશ્ના તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફાઇનાન્સર ને માતા નીલાવેણી હોમ મેકર હતાં. પરિવારમાં મોટો દીકરો રાજાબાબુ, દીકરી લલિતા ને સૌથી નાની દીકરી મનાલી હતા. બાળપણમાં ટ્રેનની નીચે ફસાયાં
નાનપણમાં લલિતા ને મોટોભાઈ રાજુ રેલવે સ્ટેશન પર રમતાં હતાં. રાજુ રમતાં રમતાં ઊભી રહેલી ટ્રેનની નીચેથી સામેના પ્લેટફોર્મ પર જતો રહ્યો. લલિતા પણ ભાઈની જેમ ટ્રેનની નીચેથી જવા લાગ્યાં, પરંતુ અચાનક જ ટ્રેન ચાલુ થઈ ગઈ. આ જોઈને રાજુએ જોરજોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. ટ્રેન એકદમ ચાલુ થતાં લલિતા રેલવેના પાટા પર સીધા સૂઈ ગયાં. રાજુની બૂમરાણને કારણે ટ્રેન અટકાવવામાં આવીને નાનકડી લલિતા ઊભી થઈને તરત જ ત્યાંથી જતાં રહ્યાં. 14 વર્ષની ઉંમરે પહેલી ફિલ્મ મળી
લલિતાએ તેલુગુ મિડિયમની સ્કૂલમાં જ અભ્યાસ કર્યો ને નાની ઉંમરમાં જ મ્યૂઝિક ને ડાન્સ ક્લાસ જોઇન કર્યા હોવાથી નાનપણથી જ ક્લાસિકલ ડાન્સમાં સારી એવી ફાવટ હતી. પિતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોવાથી ઘરમાં થોડો-ઘણો ફિલ્મી માહોલ રહેતો. સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા. 14 વર્ષીય લલિતાએ પોતાના અફલાતૂન ડાન્સથી માત્ર દર્શકોનું જ નહીં ડિરેક્ટરનું પણ દિલ જીતી લીધું. લલિતાનો ડાન્સ જોઈને તેમણે તરત જ તેલુગુ ફિલ્મ 'ભૂમિ કોસમ' (1974) ઑફર કરી. શરૂઆતમાં લલિતા ફિલ્મમાં ડાન્સ સોંગ કરવા તૈયાર નહોતાં. અલબત્ત, પેરેન્ટ્સે સમજાવતા તે આ ફિલ્મમાં કામ કરવા તૈયાર થયાં. ફિલ્મમાં લલિતાએ ત્રણ મિનિટના ગીત પર ડાન્સ કર્યો હતો. આ માટે લલિતાને માત્ર 10 રૂપિયા ફી મળી હતી. એક ગીતથી લલિતાનું નસીબ રાતોરાત બદલાયું
ફિલ્મના માત્ર ત્રણ મિનિટના ગીતે લલિતાને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય કર્યાં. માત્ર 14 વર્ષીય લલિતાને એક પછી એક ફિલ્મની ઑફર આવવા લાગી. પહેલી ફિલ્મમાં ડાન્સ આઇટમ કર્યા બાદ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેરેક્ટર એક્ટર એમ. પ્રભાકરે લલિતાને સારું ને તરત જ યાદ રહી જાય તેવું નામ રાખવાની સલાહ આપી. ત્યારબાદ તેમણે પોતાનું સ્ક્રીન નેમ જયાપ્રદા રાખ્યું. 1976માં જયાપ્રદાની ઘણી તેલુગુ ફિલ્મ સુપરડુપર હિટ રહી. જયાપ્રદા માયથોલોજીકલ બિગ બજેટ ફિલ્મ 'સીતા કલ્યાણમ'માં સીતાના રોલમાં છવાઈ ગયાં હતાં. 1977માં આવેલી ફિલ્મ 'અડવી રામુડુ'એ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બોક્સઑફિસ કલેક્શનના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા હતા. આ ફિલ્મમાં એન.ટી. રામા રાવ લીડ રોલમાં હતા. બંને વચ્ચે ઉંમરમાં 39 વર્ષનો તફાવત હતો. તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જયાપ્રદા માત્ર 17 વર્ષની ઉંમરે સુપરસ્ટાર બની ગયાં હતાં. તેલુગુ ફિલ્મ પ્રોડ્યુસર્સ જયાપ્રદાને પોતાની ફિલ્મમાં લેવા ઉત્સુક હતા. અલગ-અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું
1977માં જયાપ્રદાએ કન્નડ સુપરસ્ટાર ડૉ. રાજકુમાર સાથે કન્નડ ફિલ્મ 'સનાદી અપ્પન્ના'માં કામ કર્યું. રાજકુમાર ને જયાપ્રદાની ઉંમરમાં 33 વર્ષનો ડિફરન્સ હતો. આ ફિલ્મમાં ઉસ્તાદ બિસમિલ્લાહ ખાને શરણાઈ વગાડી હતી. જયાપ્રદાએ પછી તો 1979 તમિળમાં જાણીતા ડિરેક્ટર કે. બાલચંદરની ફિલ્મમાં કમલ હાસન ને રજનીકાંત સાથે કામ કર્યું. જયાપ્રદાએ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનાથી મોટી ઉંમરના અલગ-અલગ એક્ટર સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું. 1979માં જયાપ્રદાએ બોલિવૂડ ફિલ્મ 'સરગમ'થી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મમાં રિશી કપૂર લીડ હીરો હતા. ફિલ્મમાં જયાપ્રદાએ મૂંગી યુવતીનો રોલ પ્લે કર્યો હતો. ફિલ્મ બોક્સઑફિસ પર સુપરડુપર હિટ રહી હતી. બોલિવૂડમાં પણ જયાપ્રદા સફળ રહ્યાં, પરંતુ હિંદી આવડતું ના હોવાને કારણે તે સમયે એક્ટ્રેસે બોલિવૂડ ફિલ્મ વધુ સાઇન કરી નહીં. જયાપ્રદાએ તેલુગુ, તમિળ, કન્નડ, મલયાલમ, હિંદી તથા મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. હિંદી આવડતું ન હોવાને કારણે 'ગુંગી ગુડિયા' કહેવામાં આવતાં
સાઉથ ઇન્ડિયન હોવાને કારણે જયાપ્રદાને હિંદી બોલતા આવડતું નહોતું. આ જ કારણે મીડિયા 'ગુંગી ગુડિયા 'કહીને મજાક ઉડાવતું. જયાપ્રદાએ આ વાતને ચેલેન્જ તરીકે લીધી ને હિંદી શીખવાનું નક્કી કર્યું. તે સમયે જયાપ્રદાના શૂટિંગ સવારે સાત વાગ્યે શરૂ થઈ જતા અને આ જ કારણે એક્ટ્રેસ સવારે ચાર વાગ્યે ઊઠીને ઉર્દૂ ટીચર પાસે હિંદી શીખતાં. સતત ત્રણ વર્ષ સુધી જયાપ્રદાએ આ રીતે હિંદી શીખ્યું અને 1982માં ડિરેક્ટર કે. વિશ્વનાથની ફિલ્મ 'કામચોર'માં જયાપ્રદા ફ્લૂઅન્ટલી હિંદી બોલતાં જોવાં મળ્યાં. બોલિવૂડમાં જીતેન્દ્ર, ધર્મેન્દ્ર ને અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું
જયાપ્રદાએ સાઉથની જેમ બોલિવૂડમાં પણ પોતાનાથી મોટી ઉંમરના એક્ટરના સાથે કામ કર્યું. જયાપ્રદાએ ધર્મેન્દ્ર સાથે 27 જેટલી ફિલ્મ કરી. જયાપ્રદા ને ધર્મેન્દ્રની ઉંમરમાં 27 વર્ષનો ડિફરન્સ છે. ધર્મેન્દ્ર ઉપરાંત જયાપ્રદાએ અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના તથા જીતેન્દ્ર સાથે પણ કામ કર્યું હતું. જયાપ્રદાએ બોલિવૂડની સાથે સાથે સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું. શ્રીદેવી-જયાપ્રદા વચ્ચે '36'નો આંકડો
શ્રીદેવી તથા જયાપ્રદા બંને સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ છે અને બંને ડાન્સ ને એક્ટિંગમાં બેસ્ટ છે. 80-90ના દાયકામાં શ્રીદેવી તથા જયાપ્રદા બંને બોલિવૂડમાં હાઇએસ્ટ પેઇડ એક્ટ્રેસમાંથી એક હતાં. બંનેને ફિલ્મમાં લેવા બોલિવૂડ પ્રોડ્યુસર ઉત્સુક રહેતા. આ જ કારણે બંને વચ્ચે હંમેશાં એક જાતની સ્પર્ધા રહેતી અને તેમની વચ્ચે બોલવાના પણ સંબંધો નહોતા. બંને એકબીજા સાથે વાત કરે તે માટે ત્યારના ઘણા એક્ટર્સ ને પ્રોડ્યુસરે પ્રયાસો કર્યા હતા, પરંતુ તેઓ વાત કરતા નહોતા. ફિલ્મ 'મકસદ'ના શૂટિંગ દરમિયાન એક રસપ્રદ ઘટના બની. આ ફિલ્મમાં શ્રીદેવી અને જયાપ્રદા લીડ રોલમાં હતા, દર વખતની જેમ તેઓ સેટ પર એકબીજા સાથે વાત કરતા નહોતા. ફિલ્મમાં રાજેશ ખન્ના તથા જીતેન્દ્ર હતા. એક દિવસ જીતેન્દ્રે મેકઅપ રૂમમાં બંનેને બંધ કરી દીધાં. જીતેન્દ્રે એવું વિચાર્યું કે બંને એક જ રૂમમાં બંધ હશે તો એકબીજા સાથે વાત કરશે. બે કલાક બાદ જ્યારે તેમણે દરવાજો ખોલ્યો ત્યારે તેમના આશ્ચર્યની વચ્ચે બંને એક્ટ્રેસ રૂમના અલગ-અલગ ખૂણામાં શાંતિથી બેઠી હતી. શ્રીદેવી સાથે કોઈ અંગત સમસ્યા નહોતી
જયાપ્રદાએ એક ઇન્ટરવ્યૂમાં શ્રીદેવી સાથેના સંબંધો અંગે જણાવ્યું હતું, 'અમને એકબીજા સાથે ક્યારેય કોઈ જાતની વ્યક્તિગત મુશ્કેલી હતી જ નહીં. અમારી કેમિસ્ટ્રી ક્યારેય મેચ જ ના થઈ. અમે સ્ક્રીનમાં પર્ફેક્ટ બહેનો બનીને રોલ પ્લે કરતા, પરંતુ રિયલમાં અમારી વચ્ચે બોલવાના પણ સંબંધો નહોતા. અમે જ્યારે પણ સાથે કામ કરતા ત્યારે અમે ડ્રેસથી લઈને રોલ, ડાન્સ સહિતમાં એ ધ્યાન રાખતાં કે બીજાને ચડિયાતું ના મળે. અમે સેટ પર પહેલા દિવસે એકબીજાને હાય હેલ્લો કરતા, પરંતુ શૂટિંગ પૂરું થાય ત્યાં સુધી પછી ક્યારેય વાત કરતા નહીં.' 2015માં જયાપ્રદાના ત્યાં લગ્નપ્રસંગમાં શ્રીદેવીએ હાજરી આપી હતી. ત્યારબાદ 2018માં શ્રીદેવીનું અવસાન થતાં જયાપ્રદા અંતિમ સંસ્કારમાં ગયાં હતાં. એરપોર્ટ ને ટ્રેનના બાથરૂમમાં તૈયાર થયાં
જયાપ્રદાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, '80-90ના દાયકામાં મારે સવારથી લઈ રાત સુધી સતત શૂટિંગ ચાલતું. આ જ કારણે ઘણીવાર હું એરપોર્ટના બાથરૂમમાં ન્હાઈને ફ્લાઇટમાં મેકઅપ કરતી. એકવાર ટ્રેનના બાથરૂમમાં ન્હાઈને તૈયાર થઈ હતી, કારણ કે લોકેશન પર પહોંચ્યા પછી તરત જ શૂટિંગ શરૂ થઈ જવાનું હતું. હું આખો દિવસ કામ કરતી અને મેકઅપ પણ જાતે કરતી. એક લોકેશન પરથી બીજાને પછી ત્રીજા... ને એ જ રીતે એક પાત્રમાંથી નીકળી બીજું પાત્ર ભજવતી. અમારા સમયે આજના જેવી લક્ઝરી નહોતી.' રાજેશ ખન્નાને સેટ પર એક્ટિંગ કરતાં જોઈને શીખ્યાં
રાજેશ ખન્ના સાથે કામ કરવાના અનુભવ અંગે કહ્યું હતું, 'મેં એક્ટર રાજેશ ખન્ના સાથે 'મકસદ' ને 'દિલ-એ-નાદાન' ફિલ્મમાં કામ કર્યું હતું. તેઓ ખરા અર્થમાં સુપરસ્ટાર હતા. બધા જ તેમને ઘણું જ માન આપતા અને તેમની પ્રતિભાથી ઘણા જ અંજાઈ ગયેલા રહેતા. હું રોજ મારા સમય પ્રમાણે સવારે આવીને મેકઅપ રૂમમાં તૈયાર થઈને બેસી રહેતી. જ્યારે રાજેશ ખન્ના બે વાગ્યા પછી જ આવે ને પાંચ વાગ્યા પછી કામ શરૂ કરે. તે એકદમ ફ્રેશ દેખાય પણ હું તો આખો દિવસ બેસીને કંટાળી ગઈ હોઉં એટલે એકદમ થાકેલી લાગું. આ જ કારણે મેં ડિરેક્ટરને ક્લોઝ અપ શોટ અલગથી લેવાની વાત કરતી. મેં રાજેશ ખન્ના પાસેથી ઘણું જ શીખ્યું છે. હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું તે પહેલાં અમને કહેવામાં આવતું કે સ્ટૂડિયોમાં જઈને રાજેશ ખન્નાને એક્ટિંગ કરતાં જુઓ અને તેમાંથી કંઈક શીખો.' દિલીપ તાહિલને થપ્પડ મારી હોવાની ચર્ચા
દિલીપ તાહિલ તથા જયાપ્રદાએ ફિલ્મ 'આખિરી રાસ્તા'માં કામ કર્યું હતું. ફિલ્મમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં ને દિલીપ વિલન હતો. ડિરેક્ટર ભાગ્યરાજની આ ફિલ્મના એક સીનમાં દિલીપ તથા જયાપ્રદા વચ્ચે ઇન્ટિમેટ સીન હતો અને તે સીનમાં દિલીપ પોતાની જાત પર કાબૂ રાખી શક્યો નહીં. દિલીપે લિમિટ ક્રોસ કરતાં જ જયાપ્રદાએ એક્ટરને તમાચો માર્યો હોવાની ચર્ચા થઈ હતી. અલબત્ત, દિલીપ તાહિલે સેટ પર આવી કોઈ ઘટના બની જ ના હોવાની વાતો કરી હતી. અંગત જીવન પણ વિવાદાસ્પદ જ રહ્યું
1985માં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જયાપ્રદા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત જયાપ્રદાની કરિયર પણ ખાસ ચાલતી નહોતી. જયાપ્રદા ઇમોશનલી ઘણાં જ ભાંગી પડ્યાં હતા. આ સમયે પ્રોડ્યુસર શ્રીકાંત નાહટા મદદે આવ્યા. શ્રીકાંતની મદદથી જયાપ્રદાએ આઇટી ડિપાર્ટમેન્ટ સાથેની સમસ્યાનો ઉકેલ લાવ્યો. આ જ સમયે તેમની કરિયર પણ ફરી પાટે ચઢી ગઈ. આ દરમિયાન શ્રીકાંત ને જયાપ્રદા એકબીજાની ઘણાં જ નિકટ આવી ગયાં. અંતે, બંનેએ 22 ફેબ્રુઆરી, 1986માં જયાપ્રદા- શ્રીકાંત નાહટાએ પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યાં. શ્રીકાંત નાહટા પરિણીત ને બે બાળકોના પિતા હતો. આટલું જ નહીં, તેણે પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા વગર જ જયાપ્રદા સાથે લગ્ન કર્યા. એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા પછી શ્રીકાંત પોતાની પહેલી પત્ની સાથે જ રહેતો. તે ક્યારેક જ જયાપ્રદાને મળવા આવતો. આ દરમિયાન શ્રીકાંત ત્રીજા સંતાનનો બાપ બન્યો હતો. જયાપ્રદાએ લગ્ન કર્યા હોવા છતાં તેમને પત્નીનો દરજ્જો ક્યારેય મળ્યો નહોતો. જયાપ્રદા એકલવાયાં જીવનથી કંટાળી ગયાં હતાં. જયાપ્રદા પોતાનું બાળક ઈચ્છતા હતા, પરંતુ શ્રીકાંતને ત્રણ બાળકો હોવાથી આ માટે તૈયાર નહોતો. જયાપ્રદા ને શ્રીકાંત પછી તો અલગ થઈ ગયાં. જયાપ્રદાએ પછી બહેનનો દીકરો દત્તક લીધો. જયાપ્રદાનો દીકરો સિદ્ધાર્થ તમિળ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. જયાપ્રદા ચેન્નઇમાં પોતાનું થિયેટર પણ ધરાવે છે. મેકઅપ મેન સાથે લગ્ન કર્યા હોવાની અફવા ઉડી હતી
1983માં સ્ટારડસ્ટ મેગેઝિનની ડિસેમ્બર એડિશનમાં જયાપ્રદાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા મેકઅપ મેન સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો હતો. આટલું જ નહીં, આ મેકઅપમેનને કારણે જયાપ્રદાને ફિલ્મ્સ મળતી હતી આ લગ્નથી તેમને દીકરો ને દીકરી છે. અલબત્ત, જયાપ્રદાએ આ વાતને નકારી કાઢી હતી અને માત્ર અફવા હોવાનું કહ્યું હતું. કરિયરની પીક પર હતું ને રાજકારણમાં જોડાયાં
1994માં જયાપ્રદાએ ફિલ્મમાં કામ કરવાનું થોડું થોડું ઓછું કર્યું ને એન.ટી. રામારાવ (NTR)ની પાર્ટી તેલુગુ દેશમમાં જોડાયાં. ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ પણ હતી અને ચર્ચા થવા લાગી કે જયાપ્રદા ચૂંટણી લડશે. તેમને એન.ટી. રામારાવની સીટ ઑફર પણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી. એક્ટ્રેસે પછી વિધાનસભા ચૂંટણીમાં તેલુગુ દેશમ પાર્ટીનો પ્રચાર કર્યો હતો. ચૂંટણીમાં તેલુગુ દેશમની જીત થઈ ને એન.ટી. રામારાવ મુખ્યમંત્રી બન્યા. તેમના જમાઈ ચંદ્રબાબુ નાયડુ રેવન્યૂ મિનિસ્ટર બન્યા. થોડા સમય બાદ જ તેલુગુ દેશમ પાર્ટીમાં NTRના પત્ની લક્ષ્મી પણ કામ કરવા લાગ્યા. આ જ કારણે પાર્ટીના કેટલાક લીડર્સે વિરોધ કરવાનું શરૂ કર્યું. વિરોધ શરૂ થતાં NTRએ તમામ ધારાસભ્યો તથા સિનિયર્સ લીડર્સને વાઇસરોય હોટલમાં બોલાવ્યા ને તમામને મનાવવાનો પ્રયાસ કર્યો. તેમની સાથે પત્ની લક્ષ્મી પણ હતી. મિટિંગમાં લક્ષ્મીને જોતા જ નેતાઓ ને ધારાસભ્યો ભડકી ગયા. મિટિંગમાં ધારાસભ્યો ને લીડર્સે NTR તથા લક્ષ્મી પર સ્લીપર્સ ફેંક્યા ને તેમને અપમાનિત કર્યા. મોટાભાગના કાર્યકર્તા ને લીડર્સ-ધારાસભ્યો ચંદ્રાબાબુ નાયડુના પક્ષમાં હતા. આ જ કારણે NTRને હટાવીને ચંદ્રાબાબુ તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ બન્યા. આ દરમિયાન જયાપ્રદાએ ચંદ્રબાબુને સાથ આપ્યો. 1996માં આંધ્રપ્રદેશમાંથી તેઓ રાજ્યસભાના સાંસદ બન્યાં. તેઓ તેલુગુ દેશમ પાર્ટીના મહિલા વિંગના પ્રેસિડન્ટ પણ હતાં. અલબત્ત, થોડા સમય બાદ જ જયાપ્રદા ને ચંદ્રાબાબુ નાયડુ વચ્ચે મતભેદો થવા લાગ્યા. અંતે જયાપ્રદા સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયાં. 2004માં લોકસભા ચૂંટણીમાં જયાપ્રદા ઉત્તરપ્રદેશની રામપુર બેઠક પરથી ઊભા રહ્યાં ને 85 હજાર વૉટથી જીત્યાં. પાર્ટી લીડર આઝમ ખાને આપત્તિજનક તસવીરો શૅર કરી
2009માં જયાપ્રદા બીજીવાર આ જ બેઠક પરથી ઊભા રહ્યા. પ્રચાર દરમિયાન જયાપ્રદાએ મહિલાઓને ચાંદલાનું પેકેટ વહેંચતા ચૂંટણીપંચે આચારસંહિતાનો ભંગ કર્યાની નોટિસ ફટકારી હતી. મે, 2009માં જયાપ્રદાએ પોતાની જ પાર્ટીના સિનિયર લીડર આઝમ ખાન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. એક્ટ્રેસના કહેવા પ્રમાણે, આઝમ ખાને તેમની અશ્લીલ તસવીરો રામપુરમાં લોકોની વચ્ચે વહેંચી હતી. જયાપ્રદાએ ત્યારે વિરોધ કરતાં આઝમ ખાનને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. વિરોધ વચ્ચે જયાપ્રદા રામપુરમાંથી બીજીવાર 30 હજારથી વધુ વોટથી જીત્યાં. ફેબ્રુઆરી, 2010માં પાર્ટીના સિનિયર નેતા અમરસિંહને પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ કરતાં હોવાનું કહીને હાંકી કાઢવામાં આવ્યા. અમરસિંહની સાથે જયાપ્રદાએ પણ સમાજવાદી પાર્ટી છોડી દીધી. અમરસિંહે 2011માં રાષ્ટ્રીય લોક મંચ પાર્ટી શરૂ કરી ને જયાપ્રદા તેમાં જોડાયા. 2012માં વિધાનસભા ચૂંટણીમાં અમરસિંહે ઉત્તરપ્રદેશની 403 બેઠકમાંથી 360 પર ઉમેદવાર ઊભા રાખ્યા, પરંતુ પાર્ટી એક પણ સીટ જીતી શકી નહીં. માર્ચ, 2014માં અમરસિંહ ને જયાપ્રદા RLDમાં જોડાયા અને તેઓ ઉત્તરપ્રદેશના બિજનોર પરથી 2014ની લોકસભા ચૂંટણી લડ્યાં, પરંતુ હારી ગયાં. જયાપ્રદાએ આહત થઈને તે સમયે વાત કરતા કહ્યું હતું, 'હું અમરસિંહને ગોડફાધર માનું છું, પરંતુ જો હું તેમને રાખડી પણ બાંધું તો પણ લોકો તેમના ને મારા સંબંધો અંગે વાત કરશે. આઝમ ખાને મારી પર એસિડ અટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, આઝમ ખાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.મને પોતાને ખ્યાલ નહોતો કે હું સાંજે ઘરે જીવિત પરત ફરીશ કે નહીં. આ સમયે કોઈ રાજકીય નેતા મદદે આવ્યો નહોતો. સપાના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ પણ કંઈ જ કહેતા નહોતા. જ્યારે અશ્લીલ તસવીરો વાઇરલ થઈ ત્યારે આત્મહત્યાના વિચારો આવ્યા હતા. આ સમયે અમરસિંહ ડાયલિસિસ પર હતા. હું રડે જતી હતી અને મને જીવવાની ઈચ્છા નહોતી. આ સમયે માત્ર અમરસિંહે મને સપોર્ટ કર્યો. મહિલા હોવાને કારણે રાજકારણમાં મને ઘણી જ મુશ્કેલીઓ પડી. લોકસભા સાંસદ હોવા છતાં મારી પર અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.' હાલમાં ભાજપમાં છે
માર્ચ, 2019માં જયાપ્રદા ભાજપમાં જોડાઈ ગયાં. 2019ની લોકસભા ચૂંટણીમાં જયાપ્રદા રામપુર બેઠક પર ભાજપ તરફથી ઊભા રહ્યાં. તેમની સામે સપાના આઝમ ખાન હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન આઝમ ખાને જયાપ્રદા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ જ કારણે આઝમ ખાનનો ઘણો જ વિરોધ કરવામાં આવ્યો હતો. મહિલા આયોગે પણ આઝમ ખાનને નોટિસ ફટકારી હતી. જોકે, આઝમ ખાને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેમણે કોઈનું નામ લીધું નથી. તેમણે RSSના એક વ્યક્તિ વિરુદ્ધ આ વાત કરી હતી. જયાપ્રદા આ બેઠક પરથી હારી ગયાં હતાં.
જયાપ્રદાના મોટાભાઈની વાત કરીએ તો, રાજાબાબુ પ્રોડ્યુસર હતો. ફેબ્રુઆરી, 2025માં રાજાબાબુનું લાંબી બીમારીને કારણે અવસાન થયું. જયાપ્રદાની નાની બહેન મનાલી ઠાકુરે આંધ્રપ્રદેશના રાજકારણી રાજ ઠાકુર સાથે લગ્ન કર્યા છે. તેમને બે દીકરી મનાસા ને રેવા તથા દીકરો નિદિશ છે.
Read Original Article →