'ધુરંધર'ના 'જમીલ ખાન'એ ભૂખ્યા પેટે કામ કર્યું:'દિલરુબા' બની છવાયા, દીકરી જેવડી ઉંમરની એક્ટ્રેસને કિસ કરી વિવાદમાં આવ્યા

DvB Original3/27/2026, 12:30:00 AM
'ધુરંધર'ના 'જમીલ ખાન'એ ભૂખ્યા પેટે કામ કર્યું:'દિલરુબા' બની છવાયા, દીકરી જેવડી ઉંમરની એક્ટ્રેસને કિસ કરી વિવાદમાં આવ્યા
'બચ્ચા હૈ તુ મેરા, ફિકર મત કર, મામુ અભી ઝિંદા હૈ, મેરે બચ્ચે' 'બચ્ચા હૈ યાર તુ મેરા...' હાલમાં 'ધુરંધર'નો આ ડાયલોગ ચાહકોમાં લોકપ્રિય છે. આ ડાયલોગ પર સો.મીડિયામાં અઢળક મીમ્સ બની રહ્યા છે. આ ડાયલોગ ફિલ્મમાં જમીલ જમાલી એટલે કે રાકેશ બેદી બોલ્યા હતા. 'ધુરંધર'ને કારણે 71 વર્ષીય રાકેશ બેદીની લોકપ્રિયતામાં રાતોરાત વધારો થયો છે. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું રાકેશ બેદીની...રાકેશ બેદીએ IITની એન્ટરન્સ એક્ઝામ કેમ અધવચ્ચે છોડી? રાકેશ બેદીના પિતા શું કરે છે? રાકેશ બેદીની બંને દીકરીઓ શું કરે છે? રાકેશ બેદીએ 'ધુરંધર'ના રોલ માટે કેવી કેવી તૈયારીઓ કરી હતી? શરૂઆત કરીએ રાકેશ બેદીના નાનપણથી પહેલી ડિસેમ્બર, 1954માં દિલ્હીમાં જન્મેલા રાકેશ બેદીના પિતા ગોપાલ બેદી ઇન્ડિયન એરલાઇન્સમાં એરોનોટિક એન્જિનિયર હતા. રાકેશ બેદીએ દિલ્હીમાં કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. સ્કૂલિંગ દરમિયાન જ તેઓ થિયેટરમાં કામ કરવા લાગ્યા ને મોનો એક્ટિંગ સ્પર્ધામાં અવાર-નવાર ભાગ પણ લેતા. અલબત્ત, પિતાની ઈચ્છા એવી હતી કે દીકરો પણ એન્જિનિયર જ બને. દિલ્હીમાં રહીને રાકેશ બેદીએ પિતાની મરજીને માન આપીને IIT (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી)માં જવાની તૈયારી શરૂ કરી દીધી. એક્ઝામ અધવચ્ચે છોડી હવે થયું એવું કે રાકેશ બેદી એન્ટરન્સ એક્ઝામ આપવા કોલેજ ગયા અને જેવું પેપર હાથમાં આવ્યું તે જોઈને તેમણે મનથી નક્કી કરી લીધું કે આ કરવાનું આપણું ગજું નહીં! તેમને આખા પેપરમાંથી માંડ સાત સવાલનાા જવાબ આવડતા હતા. તેમને લાગ્યું કે તે ક્યારેય એન્જિનિયર બની શકે તેમ નથી. પછી તો તેઓ એક્ઝામ અધવચ્ચે જ મૂકીને સીધા ઉપડી ગયા ડ્રામા રિહર્સલમાં. રાકેશ બેદી સ્પષ્ટ રીતે માને છે કે જે કામ ગમતું ના હોય તેમાં સમય કે એનર્જી બિલકુલ બગાડવી જોઈએ નહીં. દિલ્હીમાં બેદી પછી પિયરોટ ટ્રૂપ થિયેટર સાથે જોડાઈ ગયા. શરૂઆતમાં રાકેશ બેદીએ બોલિવૂડમાં સંઘર્ષ કરવાનું વિચાર્યું, પરંતુ તેમને થયું કે સીધા મુંબઈ જવાથી તેમને ત્યાં કોઈ ઓળખશે નહીં તો તેમણે એક્ટિંગ સ્કીલને વધુ શાર્પ કરવા પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ભણવાનું નક્કી કર્યું. પુણેથી દિલ્હીની સફર પુણેમાં ફિલ્મ એક્ટિંગનું ભણ્યા બાદ રાકેશ બેદી મુંબઈ આવી ગયા. કરિયરની શરૂઆતમાં તેમની પાસે કોઈ જ કામ નહોતું. તેમણે નક્કી કર્યું હતું કે તેઓ દિલ્હીથી પિતા પાસેથી પૈસા માગશે નહીં. બેંક અકાઉન્ટ પણ ખાલી હતું. ખિસ્સામાં માત્ર એક રૂપિયો પડ્યો હતો. તે સમયે એક રૂપિયામાં છ કેળાં મળતા તો તે ખાઈને દિવસ પસાર કર્યો. પછી તો તેમણે મિત્રો પાસેથી ઉધાર લઈને પ્રોડ્યુસરની ઑફિસના ધક્કા ખાવાના શરૂ કર્યા. શોર્ટ કોમેડી ફિલ્મમાં કામ કર્યું રાકેશ બેદીએ ડિરેક્ટર કુંદન શાહની કોમેડી ફિલ્મ 'બોંગા'માં સતીશ શાહ ને સુરેશ ઓબેરોય સાથે કામ કર્યું. 23 મિનિટની આ ફિલ્મ જબરજસ્ત હાસ્યથી ભરપૂર હતી. આ ફિલ્મથી રાકેશ બેદીને ખાસ કંઈ ફાયદો થયો નહીં. પુણેમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટના કોન્વોકેશન દરમિયાન ચીફ ગેસ્ટ તરીકે જે. પી. સિપ્પી ('શોલે'ના પ્રોડ્યુસર) આવ્યા હતા. કોન્વોકેશનમાં રાકેશ બેદીએ થિયેટર પ્રોડક્શન 'લવ ઇન પેરિસ, વૉર ઇન કચ્છ'માં મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો. જી. પી. સિપ્પીને રાકેશ બેદીની એક્ટિંગ ઘણી જ ગમી ગઈ હતી. તેમણે કોન્વોકેશન પૂરું થયા બાદ તરત જ રાકેશ બેદીને મળીને પોતે એક ફિલ્મ બનાવી રહ્યાની વાત કરીને 'અહેસાસ' ઑફર કરી હતી. ફિલ્મ 'એહસાસ'માં રાકેશ બેદીએ હેરીનો રોલ પ્લે કર્યો હતો. અલબત્ત, રાકેશ બેદીની પહેલી ફિલ્મ 'હમારે તુમ્હારે' (1979) રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં રાકેશ બેદીએ સંજીવ કુમાર સાથે કામ કર્યું હતું. ક્લાસમેટને કારણે 'ચશ્મે બદ્દૂર' મળી જ્યારે રાકેશ બેદી ભણતા ત્યારે તેમની સાથે સુરેન્દ્ર સૈની પણ હતો. સુરેન્દ્ર સૈની DOP (ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી) હતો અને અભ્યાસ દરમિયાન રાકેશ બેદીએ ઘણીવાર સુરેન્દ્ર સૈનીની ફિલ્મમાં કામ કર્યું હતું. સુરેન્દ્ર સૈની ડિરેક્ટર સઇ પરાંજપેની ફિલ્મ 'ચશ્મે બદ્દૂર'માં DOP હતો. તેણે જ સઇને રાકેશ બેદીનું નામ સજેસ્ટ કર્યું હતું. રાકેશ બેદીએ જ્યારે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી ત્યારે તે હસી હસીને બેવડ વળી ગયા હતા. ફિલ્મમાં તેમણે ઓમીનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ કલ્ટ ક્લાસિક રોમકોમ ફિલ્મ છે. જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રાકેશ બેદીએ પછી ફિલ્મ 'એક દૂજે કે લિયે'માં કમલ હાસન ને રતિ અગ્નિહોત્રી સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં રાકેશ બેદીએ વિલનનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં રાકેશ બેદીને કારણે કમલ-રતિનું મોત થાય છે. આ જ કારણે ઘણા ચાહકોએ રાકેશ બેદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. શરૂઆતમાં રાકેશ બેદી પૈસા માટે ફિલ્મમાં સાવ નાનકડો રોલ પણ પ્લે કરતા. તેમણે અત્યાર સુધી 150થી વધુ ફિલ્મમાં કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મ ‘કેવી રીતે જઈશ’માં પણ રાકેશ બેદી જોવા મળ્યા હતા. ટીવી સિરિયલમાં પણ કામ કર્યું 1984માં રાકેશ બેદીએ 'યે જો હૈ જિંદગી'માં રાજાનો રોલ પ્લે કર્યો. તે સમયે ટીવી નવું નવું હતું અને આ સિરિયલ ત્યારે ઘણી લોકપ્રિય હતી. રાકેશ બેદી પછી તો ઘરની બહાર નીકળે તો ચાહકો તેમને ઓળખી જતા અને ઓટોગ્રાફ ને ફોટોગ્રાફ માટે આગળ-પાછળ ફરતા. રાકેશ બેદીને ત્યારે લાગ્યું કે ટીવીની લોકપ્રિયતા ફિલ્મ કરતાં અલગ જ છે. 'દિલરુબા' બનીને ચાહકોના મનમાં વસી ગયા 1994માં આવેલી ટીવી સિરિયલ 'શ્રીમાન શ્રીમતી' ખાસ્સી લોકપ્રિય હતી. ત્રણ વર્ષમાં આ સિરિયલના 143 એપિસોડ ટેલિકાસ્ટ થયા હતા. સિરિયલમાં રાકેશ બેદીએ દિલરુબાનું પાત્ર ભજવ્યું હતું. તે સિરિયલમાં એક્ટ્રેસ અર્ચના પૂરણ સિંહના પતિના રોલમાં હતો. સિરિયલમાં અર્ચના એક્ટ્રેસ જ હોય છે અને રાકેશ ઘર સંભાળતો હોય છે. રાકેશને દિલરુબાનો રોલ પ્લે કરવામાં શરૂઆતમાં મુશ્કેલી પડતી હતી. સિરિયલમાં દિલરુબાનું પાત્ર થોડું સ્ત્રૈણ હતું. અવાજ ને ચાલવાની સ્ટાઇલ છોકરીઓ જેવી હતી. આ દરમિયાન રાકેશ બેદીની એક ફ્રેન્ડના લગ્ન હતા. ત્યાં રાકેશ બેદીના ફ્રેન્ડનો પતિ આવો જ લાગ્યો અને રાકેશે તરત જ તે ઓર્બ્ઝવ કર્યું. પછી તો રાકેશ બેદી સિરિયલમાં છવાઈ ગયા હતા. આ સિરિયલનો બીજો એક કિસ્સો એવો છે કે, સિરિયલના શરૂઆતના એપિસોડ શૂટ થતા હતા અને બ્રેક દરમિયાન અર્ચના ને રાકેશ બેદી સેટ પર બેઠાં હતાં. અચાનક જ અર્ચનાએ રાકેશ બેદીને 'દિલ' કહીને બોલાવ્યો અને રાકેશે અર્ચનાને 'ડૉલ' કહી. આ સમયે ડિરેક્ટર રાજન વગધારે પણ ત્યાં હાજર હતા. તેમને દિલ ને ડૉલ નામ ઘણાં જ ગમી ગયા. પછી સિરિયલમાં પણ રાકેશ ને અર્ચના એકબીજાને દિલ ને ડૉલ કહીને જ બોલાવતા હતા. સિરિયલમાં આ બંને કલાકારો ઉપરાંત રીમા લાગુ તથા જતીન કણકિયા પણ હતા. રાકેશ બેદીએ પછી તો ‘યસ બોસ’, ‘હમ સબ એક હૈ’ જેવી ઘણી સિરિયલમાં કામ કર્યું. 'તારક મહેતા..', 'ભાબી જી ઘર પર હૈ'માં નાના-નાના રોલ પ્લે કર્યા રાકેશ બેદી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સિરિયલમાં તારક મહેતાના બોસનો રોલ પ્લે કરે છે અને 'ભાબી જી ઘર પર હૈ'માં અંગૂરી ભાભીના દારૂડિયા પિતાના રોલમાં છે. રાકેશ બેદીએ બંને સિરિયલમાં આટલા નાના-નાના રોલ પ્લે કરતાં ચાહકોને પણ નવાઈ લાગી હતી. રાકેશ બેદીએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે તે ડેઇલી સોપમાં રોજે રોજ કામ કરી શકે નહીં, કારણ કે તે થિયેટર ને ફિલ્મ બંને કરે છે. આ જ કારણે તે સિરિયલમાં વધુ સમય આપી શકે નહીં. હજી પણ થિયેટરમાં કામ કરે છે રાકેશ બેદી છેલ્લા 47 વર્ષથી સતત થિયેટર કરે છે. રાકેશ બેદી માને છે કે થિયેટરમાં કામ કરવાથી એક્ટિંગ વધુ શાર્પ બને છે. આ ઉપરાંત એનર્જી ને અવાજમાં પણ સુધારો થાય છે. રાકેશ બેદીએ 'મસાજ' નાટકમાં અલગ-અલગ 24 રોલ પ્લે કર્યા છે. બે કલાકનું આ નાટક છેલ્લા 23 વર્ષથી ચાલે છે. લૉકડાઉન સિવાય રાકેશ બેદી આજે પણ મહિનામાં ચારથી પાંચ શો આ નાટકના અચૂકથી કરે છે. પૈસાને બદલે રાકેશ બેદીને એક્ટર તરીકે કામ કરવું છે રાકેશ બેદી માને છે કે તેમના માટે પૈસા કમાવવા ઘણા જ સરળ છે. જો તેમને વધુ પૈસા જોઈતા હોય તો તે બિઝનેસ કરીને ગમે તે રીતે કમાણી કરી શકે, પરંતુ તેઓ એક્ટર તરીકે પોતાની જાતને સાબિત કરવા માગે છે. જો તેઓ પોતાની એક્ટિંગથી જ ખુશ ના હોય તો શું? તેઓ એક્ટર તરીકે દરેક પ્રકારના રોલ પ્લે કરવા માગે છે. બોલિવૂડમાં એક સમયે સુપરસ્ટાર સામેથી ફોન કરતા રાકેશ બેદી માને છે કે હવે બોલિવૂડ બદલાઈ ગયું છે. દેવ આનંદ ભારતના સુપરસ્ટાર હોવા છતાં એકદમ સરળ હતા. તેઓ કલાકારને જાતે ફોન કરીને ફિલ્મની વાત કરતા. રાકેશ બેદીએ દેવ આનંદ સાથે ત્રણેક જેટલી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. હવે તો કાસ્ટિંગ ડિરેક્ટર ને એજન્સી ફિલ્મમાં કલાકારો નક્કી કરે છે. એક રોલ માટે આજે તો 100-100 લોકો આવે છે, પરંતુ રાકેશ બેદીએ પોતાની શરતો પર જ કામ કર્યું છે. તેઓ ક્યારેય કોઈ કેમ્પમાં જોડાયા નહીં. ઉતાર-ચઢાવ તો જીવનનો હિસ્સો છે એક ઇન્ટરવ્યૂમાં રાકેશ બેદીએ કહ્યું હતું કે અમિતાભ જેવા સુપરસ્ટારના જીવનમાં ચડતી-પડતી આવે તો તે શું છે! તેમના જીવનમાં પણ આવું થયું છે, પરંતુ તેઓ હંમેશાં થિયેટર સાથે જોડાયેલા રહ્યા. ફિલ્મ ના મળે તો તેઓ થિયેટરમાં કામ કરતા. રિહર્સલ ચાલતું ને સ્ટેજ પર નાટક પર્ફોર્મ કરતા. 'ધુરંધર'એ સફળતા અપાવી 2019માં આવેલી 'ઉરી'માં રાકેશ બેદીએ જમીલ જમાલીનો નાનકડો રોલ પ્લે કર્યો હતો. તે સમયે ડિરેક્ટર આદિત્ય ધરે રાકેશ બેદીને કહ્યું હતું કે હવે આગામી ફિલ્મમાં તે તેમનેે પ્રોપર રોલ આપશે અને આ રોલ તેમના સિવાય કોઈ પ્લે કરી શકશે નહીં. 2025માં 'ધુરંધર' રિલીઝ થઈ ત્યારે રાકેશ બેદીએ જમીલ જમાલીનો રાજકારણીનો રોલ ભજવ્યો હતો. રાકેશ બેદીએ કોમેડી રોલ જ કર્યા છે. આ જ કારણે જ્યારે તેમને રાજનેતાનો રોલ ઑફર થયો તો તેમણે રિયલ પોલિટિશિયન કેવી રીતે વાત કરે, ચાલે છે, તેમની બૉડી લેંગ્વેજ શીખી હતી. ફિલ્મની સફળતા બાદ રાકેશ બેદીએ કહ્યું હતું કે 71 વર્ષની ઉંમરે તેમને આ સ્ટારડમ જોવા મળ્યું છે. ચાહકો તેમની પાછળ ક્રેઝી છે. 'ધુરંધર' બાદ 12 વર્ષ જૂની ક્લિપ વાઇરલ થઈ 'ધુરંધર' જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી રાકેશ બેદીની સિરિયલ કે ફિલ્મની ક્લિપ વાઇરલ થતી રહે છે. થોડા દિવસ પહેલાં રાકેશ બેદીની સિરિયલ 'કૂબૂલ હૈ'ની એક ક્લિપ વાઇરલ થઈ હતી. આ સિરિયલમાં કરન સિંહ ગ્રોવર ને સુરભિ જ્યોતિ લીડ રોલમાં હતા. સિરિયલમાં રાકેશ બેદી અધિકારીના રોલમાં હોય છે અને તે સુરભિને દેશ બહાર કાઢવાનો પ્રયાસ કરે છે અને તે ડાયલોગ બોલે છે, 'આંસુ, પૈસા, રાજનીતિક દબાવ યા આપકી ફાલતુ ડ્રામેબાજી... ઇન સબ બાતોં કા ધુરંધર વાતવડેકર પર કોઈ અસર નહીં પડતા...' રાકેશ બેદી આ સિરિયલમાં પોતાને ધુરંધર કહે છે અને ચાહકો હવે કહી રહ્યા છે કે રાકેશ બેદીએ તો વર્ષો પહેલા જ પોતે ધુરંધર હોવાની વાત કહી દીધી હતી. રાકેશ બેદીએ અરેન્જ મેરેજ કર્યા રાકેશ બેદીએ અરાધના બેદી સાથે અરેન્જ મેરેજ કર્યા છે. બંનેના સંબંધીઓ એકબીજાને ઓળખતા હતા અને પછી તેમણે લગ્નની વાત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં રાકેશ બેદીએ આ અંગે કહ્યું હતું કે તેમની મામી ને અરાધનાની માસી બંને એકબીજાને ઓળખતાં હતાં અને સારા મિત્રો હતાં. તેમણે જ એકબીજાના પેરેન્ટ્સને આ સંબંધ અંગે વાત કરી હતી અને એમ પણ કહ્યું હતું કે બંનેની જોડી સારી બનશે. પછી તો રાકેશ જ્યારે અરાધનાને જોવા ગયા ત્યારે તેઓ તેની સુંદરતા પર મોહી પડ્યા. તેમને પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. અલબત્ત, શરૂઆતમાં અરાધનાના પેરેન્ટ્સને રાકેશ બેદીના એક્ટર હોવા સામે વાંધો હતો. જોકે, પછી સંબંધીઓએ મનાવતા તે માની ગયા હતા. બે દીકરીઓ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી અરાધના બેદી ફિલ્મ પ્રોડક્શન કંપની સિનેમા વિઝન ઇન્ડિયામાં CEO છે. તેમને બે દીકરીઓ રિતિકા તથા રિદ્ધિમા છે. રિતિકા ધ વાઇરલ ફીવરમાં ટેલેન્ટ મેનેજર તરીકે કામ કરે છે, જ્યારે રિદ્ધિમા વેબ સિરીઝ ને થિયેટરમાં કામ કરે છે. રિદ્ધિમાએ 2022માં શ્રેય સાથે લગ્ન કર્યા હતા. શ્રેય ટ્રાવેલર તથા DJ છે. સારા અર્જુનને કિસ કરતાં વિવાદ થયો 'ધુરંધર 2'ના ટ્રેલર લોન્ચિંગમાં રાકેશ બેદીએ સારા અર્જુનને કિસ કરતાં ખાસ્સો વિવાદ થયો હતો. સો.મીડિયામાં આ વાઇરલ થયો હતો અને ચાહકોને રાકેશ બેદીની હરકત પસંદ આવી નહોતી. આ જ કારણે એક્ટરને ખરું-ખોટું સંભળાવ્યું હતું. થોડા સમય પહેલા રાકેશ બેદીએ કહ્યું હતું કે લોકો જે વિચારે છે તેવું કંઈ જ નથી. સારા અર્જુન તેમની દીકરી જેવી છે અને ફિલ્મમાં પણ તેની દીકરીના રોલમાં જ છે. તેઓ જ્યારે પણ મળે છે ત્યારે ગળે લગાવીને કિસ કરે છે. ટ્રેલર લોન્ચિંગમાં પણ તેઓ એ જ રીતે મળ્યા હતા પણ હવે લોકો જાતજાતની વાતો કરે છે. આજકાલ લોકોને નાની-નાની વાતને મોટી બનાવવાની આદત પડી ગઈ છે. લોકોનું કામ બસ ગમે તેમ કરીને વાતો બનાવવાનું છે.
Read Original Article →