એક્ટરે વાજપેયીના મોંમાંથી જીત છીનવી:પત્નીનું મોત થતાં દીવાલે માથું પછાડતાં, બંગલો દુર્ભાગી બન્યો! પાર્થિવ દેહ પર લાલ ઝંડો કેમ?
વક્ત હી સબ કુછ હૈ...વક્ત હી બનતા હૈ...ઔર વક્ત હી બિગાડતા હૈ... (વક્ત)
જિસ્મ જવાબ દે નહીં સકતા જબ તક અંદર હિંમત કી ચિનગારી હૈ...(હકીકત)
ગીત....એ મેરી જોહરા જબીન, તુઝે માલુમ નહીં... (વક્ત) આ દમદાર સંવાદો ને ગીત આજે પણ એટલા જ લોકપ્રિય છે, જેટલા 60ના દાયકામાં હતા. ઊંચી કદ કાઢી ને સમોવડિયો બાંધો ધરાવતા બલરાજ સાહનીને આજની Gen Z ના ઓળખતી હોય તે સમજી શકાય તેવી વાત છે. 60-70ના દાયકામાં બલરાજ સાહની બિગ સ્ટાર્સમાંથી એક હતા. તેમની દમદાર એક્ટિંગે અનેકો યુવાનોને સિનેમામાં આવવા પ્રેરિત કર્યા. 13 એપ્રિલ, 1973ના દિવસે માત્ર 59 વર્ષની ઉંમરે હાર્ટ અટેકને કારણે અવસાન થયું. 'ફિલ્મી ફેમિલી'માં આજે વાત કરીશું બલરાજ સાહનીની...બલરાજ સાહનીને કેમ સાહિત્યમાં રસ પડ્યો? બલરાજ સાહની કોના કહેવાથી લંડન ગયા ને ત્યાં શું કર્યુ? બલરાજ સાહની ડિરેક્ટરને બદલે એક્ટર કેમ બન્યા? કાસ્ટિંગ કાઉચ અંગે બલરાજ સાહનીએ શું કહ્યું? બલરાજ સાહનીની પહેલી પત્નીનું મોત કેવી રીતે થયું? પત્નીના મોત બાદ બલરાજ સાહનીની સ્થિતિ કેવી થઈ ગઈ હતી? દીકરીની આત્મહત્યા માટે બલરાજ સાહનીએ પોતાને કેમ જવાબદાર માન્યા? બલરાજ સાહની માટે પોતાનું ઘર કેમ અપશુકનિયાળ સાબિત થયું? આ ઘરનું પછી શું થયું? હરિવંશ રાય બચ્ચને દીકરા અમિતાભને કેમ બલરાજ સાહની જેવા બનવાની વાત કરી હતી? બલરાજના ભાઈ ને દીકરા પરીક્ષિત અંગે ફરી ક્યારેક વાત કરીશું... મોટી ઉંમરે દીકરાનો જન્મ
બ્રિટિશ પંજાબના રાવલપિંડી (હાલમાં પાકિસ્તાન)ના ભેરોમાં પંજાબી હિંદુ પરિવારના મુખિયા હરબન લાલ સાહની પત્ની લક્ષ્મી સાથે રહેતાં હતાં. પરિવાર પાસે સારી એવી ખેતી ને સંપત્તિ હતી. હરબન એક્સપોર્ટ-ઇમ્પોર્ટનો બિઝનેસ કરતા અને સાથે જ આર્ય સમાજના ચુસ્ત હિમાયતી પણ હતા. ઘરમાં એક મોટી દીકરી હતી પણ પરિવારની ઈચ્છા હતી કે એક દીકરો જન્મે. લક્ષ્મીએ મોટી ઉંમરે પહેલી મે, 1913ના રોજ દીકરા બલરાજને જન્મ આપ્યો. બે વર્ષ બાદ પરિવારમાં બીજા દીકરા ભીષ્મનો જન્મ થયો. લાડકોડમાં દીકરાને ઉછેર્યો
પેરેન્ટ્સે દીકરા બલરાજને લાડકોડમાં ઉછેર્યો હતો. તેમને ઘરની બહાર બહુ જવા દેતા નહીં, ઝાડ પર ચઢવા ના દે એ રીતે બહુ જ ધ્યાન રાખતા અને એ જ કારણે બલરાજ સાહની નાનપણથી જ થોડા આળસું બની ગયા હતા. ઘરમાં સતત રહેવાને કારણે નાનપણથી જ બલરાજને વાર્તા, કવિતા, નવલકથામાં રસ પડવા લાગ્યો. ભાષા ને બુક્સ પ્રત્યે અઢળક પ્રેમ હતો. માત્ર 12 વર્ષની ઉંમરે વાલ્મિકી રામાયણ સંસ્કૃતમાં વાંચી કાઢી હતી. પંચતંત્રની વાર્તા તેમને ઘણી જ ગમતી. બંગાળી ભાષા ઘરમાં રોકાયેલા એક સાધુ પાસેથી શીખી હતી. પિતા હરબન ઉર્દૂમાં લખતા ત્યારે મોતીના દાણા હોય તેવું લાગતું. અંગ્રેજીમાં પણ હેન્ડરાઇટિંગ એટલા જ સારા હતા. આ જ કારણે બલરાજે ભારતની વિવિધ ભાષા શીખવાનું નક્કી કર્યું ને બંગાળી, મરાઠી, તમિળ શીખવામાં મહેનત કરી, પરંતુ શરમાળ સ્વભાવને કારણે બોલવામાં ઘણી જ તકલીફ પડતી. પરિવારની વિચારધારા આર્ય સમાજની હોવાથી બલરાજ સાહનીની વિચારધારા પણ એ જ રીતની ઘડાતી રહી. બલરાજ સાહની માર્ક્સવાદી વિચારધારા ધરાવતા અને તેઓ કોઈ ધર્મમાં માનતા નહીં. તેઓ પોતાને નાસ્તિક કહેતા. પરિવાર મહત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોરથી ખાસ્સો પ્રભાવિત હતો. નાનપણથી જ બલરાજને સાહિત્યમાં રસ
સ્કૂલ-કોલેજમાં પણ બલરાજ સાહિત્યમાં વધારે રસ લેતા. કોલેજની ડ્રામા સોસાયટીમાં પણ એક્ટિવલી ભાગ લેતા. આટલું જ નહીં, જ્યારે જ્યારે અંગ્રેજી ફિલ્મ જોઈને ઘરે આવે એટલે તરત જ મિરર સામે ઊભા રહી જતા. તેમને લાગતું કે તેઓ હીરો જેવા દેખાય છે અને આ ભ્રમ માત્ર તેમને જ નહીં, પરંતુ મિત્રોને પણ હતો. તેઓ એવું પણ કહેતા કે બલરાજ ઇન્ડિયન નહીં, ફોરેન સ્ટાર જેવા લાગે છે. પૈસાદાર હોવાને કારણે નોકરીની ચિંતા નહોતી
બલરાજ સાહનીએ લાહોરની ગવર્મેન્ટ કોલેજ તથા રાવલપિંડીની ગોર્ડન કોલેજમાં અભ્યાસ કર્યો. તેમણે બેચલર ડિગ્રી હિંદીમાં તો માસ્ટર ડિગ્રી લાહોરમાંથી અંગ્રેજી સાહિત્યમાં લીધી. ત્યારબાદ તેઓ પાછા રાવલપિંડી પરત ફર્યા ને ફેમિલી બિઝનેસમાં જોડાયા. બલરાજ સાહનીએ પોતાની બાયોગ્રાફી 'ફ્લેશબેકઃ ધ સ્ટોરી ઑફ બલરાજ સાહની'માં લખ્યું છે, 'પપ્પા ધનવાન હતા. આ જ કારણે મારે ભણી ગણીને નોકરી શોધવાની નહોતી. કોલેજ ભણ્યા બાદ એકાદ-બે વર્ષ ફેમિલી બિઝનેસમાં ધ્યાન આપ્યું પણ તેમાં ખાસ મન લાગ્યું નહીં.' બલરાજ સાહનીએ લગ્ન બાદ રવીન્દ્રનાથ ટાગોરની શાંતિ નિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીમાં અંગ્રેજી ને હિંદી ટીચરની નોકરી કરી. પછી સેવાગ્રામમાં કામ કર્યું. આ દરમિયાન મહત્મા ગાંધીજીનો સંપર્ક થયો ને તેમની સાથે કામ કર્યું. આ દરમિયાન ગાંધીજીએ લંડન જવાની વાત કરી તો તેમના આશીર્વાદ લઈને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડમાં બીબીસી હિંદી સર્વિસમાં રેડિયો અનાઉન્સર તરીકે કામ કર્યું. ત્યાં તેમને રશિયન સિનેમા ને માર્ક્સવાદ પ્રત્યે કૂણી લાગણી જન્મી. દેશ આઝાદ થતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ કામ કરવાનું નક્કી કર્યું
1943માં બલરાજ સાહની ભારત પરત ફર્યાં. ભારત આવીને તેઓ સીધા મુંબઈમાં બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર ચેતન આનંદના પાલી હિલ સ્થિત બંગલામાં પત્ની સાથે રોકાયા. મુંબઈ આવીને બલરાજ સાહનીએ ફિલ્મ ડિવિઝનમાં ડોક્યુમેન્ટરી ફિલ્મમાં કમેન્ટરી કરી, વિદેશી ફિલ્મમાં હિંદી ડબિંગ કર્યું. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોશિયેશન એટલે કે ઇપ્ટાના મહત્ત્વના સભ્ય બન્યા. આ દરમિયાન 1947માં દેશ આઝાદ થયો. બલરાજ સાહની બાયોગ્રાફીમાં લખે છે, 'હું ફિલ્મમાં વધુ સમય કામ ના કરત, પરંતુ 1947માં દેશના ભાગલા પડ્યા ને પપ્પાની ધન-દોલત-જમીન પાકિસ્તાનમાં રહી. હવે મારા માટે પગભર થવું જરૂરી હતું.' બલરાજ સાહનીએ ફિલ્મ 'ઇન્સાફ' (1946), 'ધરતી કે લાલ' (1946) જેવી ફિલ્મમાં કામ કરીને હિંદી સિનેમામાં ડેબ્યૂ કર્યું. ત્યારબાદ તેમણે ગુરુદત્તની ફિલ્મ 'બાઝી'માં સ્ક્રીનપ્લે ને ડાયલોગ્સ લખ્યા. આ ફિલ્મ સુપરડુપર હિટ રહી. આળસું સ્વભાવને કારણે બલરાજ માટે ડિરેક્ટર ને રાઇટર બનવું વધારે સારું હતું. બલરાજ પોતાની બાયોગ્રાફીમાં કહે છે, 'ખાસ મિત્ર ચેતન આનંદે એક ફિલ્મમાં રાઇટર તથા ડિરેક્શનની વાત કરી હતી. આ સારી તક હતી, પરંતુ મેં કેમ ના સ્વીકારી તેનો અફસોસ જીવનભર રહ્યો. તે સમયે જિયા સરહદીની ફિલ્મ 'હમ લોગ'માં લીડ રોલ પ્લે કર્યો ને ફિલ્મ હિટ રહી. મને ત્યારે લાગ્યું કે ડિરેક્ટરને બદલે એક્ટર બનીને સહજતાથી ને વધુ પૈસા કમાઈ શકીશ.' એક્ટિંગના ડરથી પેન્ટમાં પેશાબ કર્યો
બલરાજ સાહનીની દમદાર એક્ટિંગ પર ચાહકો ઓવારી જાય છે, પરંતુ વાસ્તવિકતા એ હતી કે બલરાજને એક્ટિંગથી ઘણો જ ડર લાગતો હતો. તેમણે બાયોગ્રાફીમાં એક્ટિંગ કરવામાં કેટલો ડર લાગતો તે અંગે વિગતે વાત કરતા લખ્યું છે, 'હમ લોગ' (1951)ના શૂટિંગ દરમિયાન હું એક પણ સારો શોટ આપી શક્યો નહીં. કેમેરાના ડરથી મેં પેન્ટમાં પેશાબ કરી નાખ્યો હતો. હું તે દિવસે ઘરે જઈને પત્ની આગળ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ને કહ્યું કે હું એક્ટર બની શકીશ નહીં. કેમેરાની સામે ઘણીવાર ગભરામણ થાય છે અને ગળું સૂકાવવા લાગે છે. પગ અચાનક જ ધ્રુજી ઊઠે છે. જ્યારે પણ સીનમાં લાંબા લાંબા ડાયલૉગ્સ હોય તો તે યાદ રાખવામાં તકલીફ થતી. આ જ કારણે અનેકવાર રીટેક લેવા પડતા અને શરમ આવતી. કેમેરો મને ક્યારેક ફાંસીનો માંચડો હોય તેમ લાગતો. હું પરસેવે રેબઝેબ થઈ જતો અને મને લાગતું કે આખો સેટ મારી પર હસી રહ્યો છે.' 'દો બીઘા જમીન' ટર્નિંગ પોઇન્ટ સાબિત થઈ
બલરાજ સાહની ડિરેક્ટર બિમલ રૉયની ફિલ્મ 'દો બીઘા જમીન' (1953)ને કારણે ભારતભરમાં લોકપ્રિય થયા. આ ફિલ્મથી બલરાજ સાહનીની દમદાર એક્ટિંગની નોંધ લેવામાં આવી. આ ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અવૉર્ડ જીતનારી પહેલી ભારતીય ફિલ્મ હતી. બલરાજ સાહનીએ પોતાની કરિયરમાં પદ્મિની, નૂતન, મીના કુમારી, વૈજયંતી માલા, નરગિસ જેવી એક્ટ્રેસ સાથે કામ કર્યું. તેમણે ક્લાસિક પંજાબી ફિલ્મ 'નાનક દુખિયા સબ સંસાર' તથા 'સતલુજ દે કન્દે'માં કામ કર્યું હતું. બલરાજ સાહનીએ સામાન્ય લોકોની પીડા બતાવતી એકથી ચઢિયાતી એક ફિલ્મમાં કામ કર્યું. આ સાથે જ તેમણે કમર્શિયલ ફિલ્મ પણ આપી. નવાઈ વાત એ છે કે 'દો બીઘા જમીન' બોક્સઑફિસ પર હિટ રહી, પરંતુ તેમને છ મહિના સુધી કોઈ કામ મળ્યું નહીં. પછી 'બાજૂબંદ' (1954)માં દારૂડિયાનો રોલ મળ્યો. આ ફિલ્મ રિલીઝ બાદ બિમલ રૉયે એક્ટરને આ પ્રકારના રોલ અંગે સવાલ કરતાં કહ્યું કે 'દો બીઘા જમીન' કર્યા બાદ આવી ફિલ્મ કેવી રીતે કરી શકાય? બલરાજે બાયોગ્રાફીમાં કહ્યું છે, 'મારે તેમને કહેવું હતું કે તમે તો ફિલ્મ રિલીઝ થયા બાદ એકવાર પણ મારા હાલચાલ પૂછવા આવ્યા નહીં... હું તો ગરીબીમાં દિવસો પસાર કરી રહ્યો હતો.. પણ કહી ના શક્યો.' બલરાજ સાહની સ્વીકારે છે કે જો તે એક્ટર ના હોત તો રાઇટર અથવા આર્ય સમાજના પ્રચારક તરીકે કામ કરતા હોત. કવિતા-શોર્ટ સ્ટોરી લખી, ઓલ ઇન્ડિયા યુથ ફેડરેશનના પહેલા પ્રેસિડન્ટ
બલરાજ સાહનીને લખવાનો પણ એટલો જ શોખ હતો. અંગ્રેજી ભાષા પર તેમની સારી એવી ફાવટ હતી. જોકે, પછી તેમણે પંજાબીમાં લખવાનું શરૂ કર્યું. 1960માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યા બાદ તેમણે 'મેરા પાકિસ્તાની સફરનામા', 'મેરા રૂસી સફરનામા' જેવી બુક લખી હતી. 1969માં તેમને 'સોવિયેટ લેન્ડ નેહરુ અવૉર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે અલગ અલગ મેગેઝિનમાં અઢળક કવિતા ને ટૂંકી વાર્તાઓ લખી હતી. 'મેરી ફિલ્મી આત્મકથાઃ સાહની'માં તેમણે ફિલ્મી સફર અંગે વાત કરી હતી. બલરાજ સાહની ને પી. કે. વાસુદેવન દિલ્હીના કમ્યુનિસ્ટ કોમરેડ ગુરુ રાધા કિશન સાથે મળીને ઓલ ઇન્ડિયા યુથ ફેડરેશનની (AIYF) પહેલી જ કોન્ફરન્સ દિલ્હીમાં યોજી હતી. આ કોન્ફરન્સમાં ભારતના અલગ-અલગ રાજ્યોમાંથી 250 ડેલિગેટ્સ આવ્યા હતા. બલરાજ સાહની ઓલ ઇન્ડિયા યુથ ફેડરેશનના પહેલા પ્રેસિડન્ટ હતા. બલરાજ સાહનીના જીવનના કિસ્સા.. જેલમાં રહીને શૂટિંગ કર્યું
બલરાજ સાહની દરેક રોલમાં પોતાનો જીવ રેડી દેતા હતા. 1951માં આવેલી કે. આસિફની 'હલચલ'માં બલરાજ સાહનીને દિલીપ કુમારના કહેવાથી જેલરનો રોલ મળ્યો હતો. પોતાના રોલની તૈયારી માટે બલરાજ ડિરેક્ટર સાથે આર્થર રોડ જેલ પણ ગયા હતા અને નક્કી થયું હતું કે તેઓ થોડા દિવસ જેલર સાથે વિતાવશે. આ દરમિયાન બલરાજ એક દિવસ સરઘસમાં સામેલ થયા અને ત્યાં હિંસા થતાં અનેક લોકોની સાથે એક્ટરની પણ ધરપકડ થતાં તેઓ જેલમાં પુરાયા. કે.આસિફે પછી જેલર સાથે વાતચીત કરીને જેલમાં રહીને શૂટિંગની પરવાનગી મેળવી લીધી. બલરાજ સાહની રોજ સવારે શૂટિંગ પર જતાં ને સાંજે પાછા જેલમાં આવી જતા. આ રીતે ત્રણ મહિના સુધી ફિલ્મનું શૂટિંગ કર્યું. દીકરાને કહ્યું, 'મારી સામે સિગારેટ પીવાની'
એક ઇન્ટરવ્યૂમાં બલરાજના દીકરા પરીક્ષિત સાહનીએ કહ્યું હતું કે તેમના સંબંધો ક્યારેય પિતા-પુત્ર જેવા નહોતા. પપ્પાએ શરૂઆતમાં જ કહ્યું હતું, 'મને ક્યારેય પિતા નહીં, પરંતુ મિત્ર સમજજે. તું મારી પીઠ પાછળ નહીં પણ મારી સામે જ સિગારેટ પીવાનું રાખ. ક્યારેય કોઈ વાત છુપાવીશ નહીં.' પરીક્ષિતે જીવનની પહેલી સિગારેટ ને દારુ પિતાની સામે જ પીધો હતો. ગરીબના રોલમાં સૂટ-બુટ પહેરીને આવવાનો શું અર્થ?
ફિલ્મ 'દો બીઘા જમીન'માં રીક્ષાવાળાના રોલમાં ડિરેક્ટર બિમલ રૉયે અશોક કુમાર, ત્રિલોક કપૂર, નાઝિર હુસૈનના નામ પર વિચાર કર્યો હતો. બિમલ રૉયે જ્યારે બલરાજની ફિલ્મ 'હમ લોગ' જોઈ તો તેમણે લીડ રોલમાં બલરાજને લેવાનું નક્કી કર્યું. જ્યારે તેમણે ઑફિસે એક્ટરને મળવા આવવાનું કહ્યું ત્યારે તેઓ સૂટબૂટમાં જોવા મળ્યા. આ જોઈને બિમલ રૉયને આઘાત લાગ્યો ને તેમણે એવું કહ્યું કે તે એક પણ એંગલથી રીક્ષાવાળાના રોલમાં ફિટ થઈ શકે તેમ નથી. ત્યારે એક્ટરે એવો જવાબ આપ્યો કે તમે ફિલ્મ 'ધરતી કે લાલ' જુઓ અને પછી નિર્ણય કર્યો. બિમલ રૉયે આ ફિલ્મ જોઈ ને બલરાજ સાહનીને જ રોલ આપ્યો. રોલની તૈયારી માટે બલરાજ સાહની મુંબઈમાં કલાકો સુધી રીક્ષા ખેંચતા. થોડા સમય બાદ કોલકાતામાં શૂટિંગ શરૂ થયું. હાથ રીક્ષા ચલાવવાની પ્રેક્ટિસ કરીને વજન પણ અ઼઼ડધાથી ઓછું કર્યું. શૂટિંગ સમયે એકવાર બલરાજ સાહનીને ભૂખ લાગી તો ફિલ્મના જ તદ્દન લઘર-વઘર ગેટઅપમાં કંદોઈની દુકાને જઈને દૂધ માગ્યું તો ત્યાંથી તેમને ભગાડી મૂકવામાં આવ્યા. એકવાર તેઓ પાનની દુકાને સિગારેટ લેવા ગયા ને પાંચ રૂપિયાની નોટ આપી તો પાનવાળાએ અનેકોવાર પાંચની નોટ ચેક કરી કે આ અસલી તો છે ને! બલરાજ સાહનીને કારણે અટલ બિહારી વાજપેયી હારી ગયા
1962માં અટલ બિહારી વાજપેયી ઉત્તર પ્રદેશની બલરામપુર સીટ પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા. આ સીટ પરથી તેઓ 1957માં જીત્યા હતા. કોંગ્રેસ તરફથી સુભદ્રા જોશીને ટિકિટ આપવામાં આવી હતી. સુભદ્રા જોશી ભાગલા બાદ ભારત આવ્યાં અને ભૂતકાળમાં તેઓ અંબાલા તથા કરનાલ સીટ પરથી ચૂંટણી જીત્યાં હતાં અને પછી દિલ્હીમાં રહેવાં લાગ્યાં. અટલ બિહારીને જ્યારે જાણ થઈ કે સુભદ્રા જોશીને ટિકિટ આપવામાં આવી છે તો તેમને પણ નવાઈ લાગી, કારણ કે બલરામપુરમાં સુભદ્રા જોશીને કોઈ જ ઓળખતું નહોતું. અટલ બિહારી વાજપેયીને પોતાની જીત પર વિશ્વાસ હતો. સુભદ્રા જોશીના પ્રચાર માટે પંડિત જવાહરલાલ નેહરુએ બોલિવૂડ સ્ટાર બલરાજ સાહનીને ઉતાર્યા. કોઈ ફિલ્મ સ્ટાર ચૂંટણી પ્રચાર કરે તેવી આ પહેલી જ ઘટના હતી. બલરાજ જ્યારે બલરામપુર આવ્યા ત્યારે તેમને જોવા ભારે ભીડ જમા થઈ હતી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે બલરાજને કારણે સુભદ્રા જોશીએ અટલ બિહારી વાજપેયી પાસેથી જીત આંચકી લીધી અને તેઓ માત્ર 2052 મતોથી વિજેતા બન્યાં. શોટ પસંદ ના આવ્યો તો અડધે રસ્તેથી પાછા આવ્યા
ફિલ્મ 'ઔલાદ' (1954)ના એક સીનના શૂટિંગમાં બલરાજ સાહનીએ માલિકના ઘરના દરવાજે ઊભા રહીને પોતાના બાળક માટે ભીખ માગીને કહેવાનું હતું, 'માલિક, મુઝે મેરા બચ્ચા તો દે દો..' આ સીન શૂટ થયો ને બધાએ તાળીઓથી વધાવી લીધો. શૂટિંગ પૂરું થતાં બલરાજ સાહની પોતાની કારમાં ઘરે જવા લાગ્યા. અડધે રસ્તે તેમને થયું કે તેઓ એ શોટથી ખુશ નથી. તેઓ પાછા સ્ટૂડિયોમાં આવ્યા ને ડિરેક્ટર મોહન સહગલને તે સીન ફરી વાર શૂટ કરવાનું કહ્યું. ડિરેક્ટરે ચોખ્ખી ના પાડી કે સીન બરોબર જ છે. બલરાજ સાહનીએ ધમકીના સૂરમાં કહ્યું કે તે સીન બીજીવાર શૂટ નહીં કરે તો તેઓ કાલથી સેટ પર આવશે નહીં. અંતે, મોહન સહગલે ફરી વાર સ્ટૂડિયો ખોલ્યો ને સેટ-લાઇટ્સ બધું જ બીજીવાર સેટ કરવામાં આવ્યું. બલરાજ સાહનીએ ફરીવાર તે સીનનું શૂટિંગ કર્યું. શૂટિંગ પૂર્ણ થયા બાદ આ વખતે કોઈએ તાળીઓ પાડી નહીં, કારણ કે બધાની આંખમાં આંસુ હતા. શોટ સુપર્બ રીતે શૂટ થયો. બલરાજ સાહનીએ પછી કહ્યું હતું કે તે સીનને તેઓ અનુભવવા માગતા હતા, જ્યારે તેમની પત્નીનું અવસાન થયું ત્યારે તેમને જે લાગણી થઈ તેવી જ લાગણી તે સીનમાં લાવવાની હતી. હરિવંશ રાય બચ્ચને દીકરા અમિતાભને બલરાજ જેવા બનવાની વાત કરી હતી
બલરાજ સાહની કોમરેડ હતા. બલરાજ સાહની મેથડ એક્ટર હતા. તેઓ 'કાબૂલીવાલા'ના શૂટિંગ પહેલા પઠાણોની વચ્ચે રહેવા લાગ્યા હતા. માછીમારી પણ શીખ્યા હતા. કમ્યુનિસ્ટ સિદ્ધાંત તથા સમાજવાદમાં વિશ્વાસ ધરાવતા બલરાજ સાહની સમાજમાં સમાનતાની વાત કરતા. અમિતાભ બચ્ચને પરીક્ષિત સાહનની બુક 'ધ નોન કન્ફર્મિસ્ટઃ મેમોરીઝ ઑફ માય ફાધર બલરાજ સાહની'માં એક્ટરને યાદ કરીને લખ્યું છે, 'જ્યારે મેં પિતાજી હરિવંશ રાયને ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા હોવાની વાત કહી ત્યારે તેમણે એક જ વાત કહી હતી, 'બલરાજ સાહની જેવો બનજે, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોવા છતાં તેનાથી બહાર છે.' 60ના દાયકામાં બલરાજ સાહની હિંદી સિનેમાના બિગ સ્ટાર્સમાંથી એક હતા. કાસ્ટિંગ કાઉચ અંગે પણ વાત કરી હતી
બલરાજ સાહનીએ પોતાની બુકમાં કાસ્ટિંગ કાઉચની પણ વાત કરી હતી. નરગિસના ભાઈ અનવર હુસૈને કહેલી વાત લખતાં કહ્યું હતું, '21 વર્ષીય મીના કુમારી ને એક પ્રોડ્યુસર વચ્ચે સારો પરિચય હતો. શૂટિંગના પહેલા દિવસે તે પ્રોડ્યુસરે મીના કુમારીને સેટ પર ખરાબ રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું તો મીનાકુમારીએ તેમને ખૂણામાં લઈ જઈને યોગ્ય વ્યવહાર કરવાનું કહ્યું. પ્રોડ્યુસરે ગુસ્સામાં આવીને ફિલ્મમાં એક સીન એડ કર્યો કે જેમાં હીરો, એક્ટ્રેસને થપ્પડ મારે છે. તે લોકપ્રિય હીરોએ મીનાકુમારીને 31વાર થપ્પડ મારી એટલે કે તેણે માત્ર એક તમાચો મારવા 31 વાર રીટેક કર્યાં. એક્ટ્રેસ કંઈ જ બોલી શકી નહીં. શૂટિંગ પૂરું કરીને મેકઅપ રૂમમાં રડતી રહી. અન્ય કિસ્સાની વાત કરતા કહે છે, 'હેલન સાથે ફિલ્મ 'બદનામ'માં પહેલી જ વાર કામ કર્યું. હેલનને બહુ ઓછા સમયમાં ખ્યાલ આવી ગયો હતો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ થાય છે. આ જ કારણે તેણે પ્રોડ્યુસર પી એન અરોરા સાથે નિકટતા વધારી. તે પ્રોડ્યુસર કરતાં 27 વર્ષ નાની હોવા છતાં તેણે તેમની સાથે લગ્ન કરી લીધા. તે સુરક્ષિત રહી અને લોકોની પહોંચથી બહાર થઈ ગઈ.' અંગત જીવનની વાત કરીએ તો,
બલરાજ સાહનીએ 1936માં દમયંતિ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ શાંતિ નિકેતનમાં દમયંતિએ બેચલર ડિગ્રીનો અભ્યાસ કર્યો. ત્યાં જ દીકરા પરીક્ષિતને જન્મ આપ્યો. ચાર વર્ષ બાદ દીકરી શબનમનો જન્મ થયો. પતિની જેમ જ દમયંતિને પણ એક્ટિંગમાં રસ હતો. ભારત પરત ફર્યા ત્યારે તેઓ પણ પતિની સાથે ઇપ્ટામાં જોડાઈને નાટકો કરવા લાગ્યા. તેમની પહેલી ફિલ્મ 'દૂર ચલે' (1946) હતી. તેમણે ત્યારબાદ કેટલીક ફિલ્મમાં કામ કર્યું. બલરાજ ને દમયંતિ બંને કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયેલા હોવાથી સોશિયલ વર્ક પણ પુષ્કળ કરતાં. દમયંતિ મુંબઈની ઝૂંપડપટ્ટીમાં જઈને કામ કરતાં અને ઘણીવાર તેમની સાથે બેસીને જમતાં પણ ખરાં. કદાચ આ જ કારણે તેમને મરડાની બીમારી થઈ ગઈ. દવાઓને કારણે હાર્ટ પર ગંભીર અસર થઈ. 1947માં માત્ર 26 વર્ષની ઉંમરે હાર્ટ અટેકને કારણે અવસાન થયું. એ જ વર્ષે દમયંતિએ ફિલ્મ 'ગુડિયા'માં કામ કર્યું હતું. પત્નીના અવસાન બાદ બલરાજ ભાંગી પડ્યા. તેઓ દીવાલ સાથે માથા અથડાવીને રડતા ને બૂમો પાડતા, 'દમ્મો નહીં રહી, દમ્મો ચલી ગઈ...' રાઇટર સાથે બીજા લગ્ન
માત્ર 34 વર્ષની ઉંમરે વિધૂર થતાં બલરાજ સાહનીએ ચાર વર્ષ બાદ એટલે કે 1951માં સંતોષ ચંદોક સાથે લગ્ન કર્યાં. બલરાજ સાહનીએ બીજા લગ્ન ફોઈની દીકરી એટલે કે ફર્સ્ટ કઝિન સિસ્ટર સાથે કરતાં વિરોધ પણ થયો હતો. સંતોષના પણ આ બીજા લગ્ન હતા. પહેલા લગ્ન જાણીતા લેખક અજ્ઞેય સાથે થયા હતા. આ લગ્નથી તેમને દીકરી સનોબર છે. સંતોષ ચંદોક પોતાના સમયના જાણીતા રાઇટર હતાં. ઘર અપશુકનિયાળ સાબિત થયું... સ્ટેલા વિલામાં રહેતા
બલરાજ સાહનીના નિકટના લોકો, મિત્રો ને તેમનો સેક્રેટરી હંમેશાં એક વાત કહેતા કે બિગ સ્ટાર હોવાને કારણે બલરાજે મોટા બંગલામાં રહેવું જોઈએ. તે સમયે બલરાજ સાહની પરિવાર સાથે મુંબઈમાં ત્રણ રૂમના સ્ટેલા વિલામાં રહેતા. મિત્રોની સતત ટકોરને કારણે બલરાજ સાહનીએ પછી મોટું ઘર લેવાનું નક્કી કર્યું. તેમણે તે સમયે જુહૂની જાણીતી હોટલ સન એન્ડ સેન્ડની સામે 16 રૂમનો ભવ્ય બંગલો બનાવવાનો શરૂ કર્યો. 16 રૂમના ભવ્ય બંગલામાં દીકરા માટે ત્રણ-ત્રણ રૂમ
પરીક્ષિત સાહનીની 'ધ નોન કન્ફર્મિસ્ટઃ મેમોરીઝ ઑફ માય ફાધર બલરાજ સાહની' બુકમાં લખવામાં આવ્યું છે, 'પપ્પાને સતત મોટું ઘર લેવાની વાત કરવામાં આવતી. આ સમયે હું રશિયામાં ભણતો હતો. વેકેશનમાં જ્યારે ઘરે આવ્યો ત્યારે પપ્પાએ ઘણાં જ પ્રેમથી નવું વિશાળ ઘર બતાવ્યું. ત્યાં સુધીમાં ઘરના સ્ટ્રક્ચરનું કામ પૂરું થઈ ગયું હતું. તે ઘર ઘણું જ ભવ્ય હતું. મને વિચાર આવ્યો કે આ મહેલ જેવડું ઘર પિતાની પર્સનાલિટી સાથે સહેજ પણ મેળ ખાતું નથી. આ ઘર પપ્પાના જીવનનો સૌથી મોટો વિરોધાભાસ હતો. મેં પપ્પાને કહ્યું કે સામે જ ઝૂંપડપટ્ટી છે. આપણા જીવનના મૂલ્યોની સાથે આ મહેલ સહેજ પણ બંધ બેસતો નથી. આ ઘર પપ્પાના કેપિટલિસ્ટ અરમાનનું પ્રતીક હતું. મેં પપ્પાને ત્રણ-ચાર રૂમનું ઘર જ બનાવવાની વાત કરી. આ વાત સાંભળીને પપ્પા વિચારમાં પડી ગયા ને તેમણે જવાબ આપ્યો, 'દીકરા હવે તો આ ઘર બની ગયું છે. ' આ 16 રૂમના ભવ્ય બંગલામાં દીકરા પરીક્ષિત માટે ત્રણ રૂમ હતા, જેમાં એક પેઇન્ટિંગ, એક ફોટોગ્રાફી માટે અને એક મોટો બેડરૂમ હતો. આ સાથે જ ટેરેસ પર વિશાળ જિમ પણ હતું. આ આલિશાન ઘર બલરાજ સાહનીના સોશિયલિઝમ તથા સાદા જીવનના ઉચ્ચ વિચારથી તદ્દન અલગ હતું. પરીક્ષિત સાહનીને રશિયામાં આ ઘર સાથે જોડાયેલું એક ખરાબ સપનું આવ્યું અને તેમના મનમાં આ વાત રહી ગઈ કે આ ઘરમાં કંઈક અપશુકનિયાળ થવાનું છે. અંતે તેમનું આ ખરાબ સપનું સાચું પડીને જ રહ્યું. બંગલાનું નામ અપાયું ‘ઇકરામ’
માર્બલથી બનેલા આ સફેદ બંગલાને બલરાજ સાહનીએ 'ઇકરામ' નામ આપ્યું હતું. ઇકરામ એટલે ઇજ્જત-પ્રતિષ્ઠા. શરૂઆતના મહિનામાં આ ઘરમાં રોજે રોજ સ્ટાર્સની મહેફિલ જામતી. કૈફી આઝમી, કવિ હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, પીસી જોશી, બેરિસ્ટર રજની પટેલ (અમિષા પટેલના દાદા) તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા લોકો આવતા. જોકે, 'અચ્છે દિન' થોડા સમય માટે જ રહ્યા. પછી તો જાણે આ બંગલાને કોઈની નજર લાગી ગઈ હોય તેમ એક પછી એક ખરાબ ઘટના બનતી ગઈ. આ ઘરમાં આવ્યા બાદ બલરાજ સાહનીનો ખરાબ સમય શરૂ થયો તેમ કહીએ તો જરાય ખોટું નથી. બલરાજ સાહનીની પહેલી પત્નીના અવસાન બાદ ઘરના એક યુવાન નોકરનું અચાનક જ મોત થયું. જીવનમાં અનેક ઘટનાઓ એવી બની કે બલરાજ સાહની મનથી ભાંગી પડ્યા. નવા ઘરમાં એક પછી એક દુઃખદાયક ઘટનાઓ બનવા લાગી. અંતે બલરાજ સાહનીને દીકરાની વાત સાચી લાગી ને તેને કહ્યું કે આના કરતાં તો આપણે નાના ઘરમાં જ સુખેથી રહેતા હતા. ત્યાં એકબીજાની નજીક હતા અને એકબીજા સાથે વાત કરતા. આ મોટા ઘરમાં બધા પોત-પોતાના રૂમમાં રહે છે અને એકબીજા સાથે વાત પણ કરતા નથી. બલરાજ સાહની તે ઘરમાં ખુશ નહોતા. 'ઇકરામ'એ પરિવારને વેરવિખેર કર્યો
બલરાજ સાહનીને સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે દીકરી શબનમે 1972માં અચાનક જ આત્મહત્યા કરી લીધી. દીકરી શબનમના લગ્ન થયાં, પરંતુ સાસરિયાં ઘણાં જ કપાતર નીકળ્યા. અંતે, શબનમે પતિને છૂટાછેડા આપ્યા ને પિયર આવી ગઈ. છૂટાછેડા બાદ શબનમ માનસિક રીતે ભાંગી પડી ને ડિપ્રેશનમાં સરી પડી. એક દિવસ તેને આત્મહત્યાનો પ્રયાસ કરતાં બ્રેન હેમરેજ થતાં મૃત્યું થયું. તે માંડ 26-27 વર્ષની હતી. દમયંતિનું પણ 26 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. શબનમ માતાની કાર્બન કૉપી હતી. દીકરીના અવસાન બાદ બલરાજ સાહની એકદમ જ ભાંગી પડ્યા. એક્ટર જીવનભર આ આઘાતમાંથી ક્યારેય બહાર આવી શક્યા નહીં. દીકરીના અવસાન બાદ એક્ટર એમ જ માનતા કે દીકરીના મોત માટે તેઓ જવાબદાર છે. તેઓ હંમેશાં દુઃખી રહેતા અને ક્યારેય તેમના જીવનની ગાડી ફરી પાટે ચઢી નહીં. તે સફેદ બંગલો બલરાજ સાહનીને ક્યારેય લકી સાબિત થયો નહીં. આ બંગલાને કારણે જ તેમનો પૂરો પરિવાર બરબાદ થઈ ગયો. જુહૂમાં રહેતા અમિતાભ બચ્ચને પરીક્ષિતની બુક લૉન્ચિંગ સમયે દુઃખી સ્વરે કહ્યું હતું કે જ્યારે પણ જુહૂમાં બલરાજ સાહનીના ઘરની આગળથી તેઓ નીકળે છે ત્યારે તેઓ નિરાશાથી તે ઘરને જોવા સિવાય બીજું કંઈ જ કરી શકતા નથી. સમયે આ ઘરને ખંડેર બનાવી દીધું. પરીક્ષિત સાહનીએ પણ સ્વીકાર્યું કે તે જ્યારે જ્યારે આ ઘર આગળથી પસાર થાય છે ત્યારે ત્યારે આંખો બંધ કરી દે છે. અંતિમ યાત્રામાં માછીમારો ને ઝૂંપડપટ્ટીના લોકો પણ આવ્યા
પરીક્ષિત સાહનીએ વિન્સ્ટન ચર્ચિલના એક વાક્ય ટાંકતા કહે છે, 'આપણે આપણા ઘરોને આકાર આપીએ છીએ અને ત્યારબાદ આપણા ઘરો આપણને આકાર આપે છે.' બલરાજના નાના ભાઈ ને સાહિત્યકાર ભીષ્મ સાહનીએ કહ્યું હતું કે જ્યારે બલરાજ માર્ક્સવાદી બન્યો ત્યારે તેનાા મનમાં પીડિતો માટે માનવતા હતી. પોતાની ફિલ્મ 'ગરમ હવા'માં બલરાજે આત્મહત્યા કરી લેતી દીકરીના પિતાનો રોલ પ્લે કર્યો ને તેમના જૂના જખ્મો ફરી તાજાં થઈ ગયા. તેઓ આ ભવ્ય ઘર છોડીને પંજાબમાં રહેવા માગતા હતા. બલરાજ સાહનીએ એક્ટિંગ ધીમે ધીમે ઓછી કરી હતી અને રાઇટિંગ પર ધ્યાન આપવાનું શરૂ કર્યુ હતું. 'ગરમ હવા'નું ડબિંગ પૂરું કર્યું ને બીજા જ દિવસે 59 વર્ષીય બલરાજ સાહનીને હાર્ટ અટેક આવ્યો. તે કાળમુખો દિવસ 13 એપ્રિલ, 1973નો દિવસ હતો. હાર્ટ અટેક આવતા બલરાજ સાહનીને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. લિફ્ટમાં તેમણે ડૉક્ટરના નામે ચિઠ્ઠી લખી, 'મેં મારું જીવન સારી રીતે જીવ્યું છે અને મને કોઈ અફસોસ નથી... 'પોતાના જન્મદિવસના થોડા દિવસો પહેલા જ બલરાજે આ દુનિયાને છોડી દીધી. એક્ટરે પંજાબમાં નાનકડું ઘર પણ લઈ રાખ્યું હતું. અફસોસ બલરાજ સાહનીની આ છેલ્લી ઈચ્છા પૂરી ના થઈ. તેમની અંતિમ યાત્રામાં મિત્રો, સંબંધીઓ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા ચહેરાની સાથે સાથે માછીમાર ભાઈઓ, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પણ આવ્યા હતા. અંતિમ સમયે પાર્થિવ દેહ પર લાલ રંગનો ઝંડો ઓઢાડ્યો
બલરાજ સાહની માર્ક્સવાદી વિચારધારા ધરાવતા હતા અને તેમણે દીકરાને કહી રાખ્યું હતું કે અંતિમ સમયે ઘરમાં કોઈ પંડિતને બોલવવામાં ના આવે અને કોઈ જાતના મંત્રોચ્ચાર કે શ્લોકનું પઠન ન થાય. જ્યારે અંતિમયાત્રા નીકળે ત્યારે પાર્થિવ દેહ પર ફૂલોને બદલે માત્ર લાલ રંગનો ઝંડો વીંટાળવામાં આવે. તેમના દીકરા પરીક્ષિત સાહનીએ પિતાની ઈચ્છા અનુસાર જ અંતિમ સંસ્કાર કર્યા. ઉલ્લેખનીય છે કે લાલ ઝંડો સોશિયાલિઝમ, માર્કિઝમ, લેબર મૂવમેન્ટ તથા લેફ્ટ વિંગ પોલિટિક્સનું પ્રતિક છે. બીજી પત્ની ને દીકરીને આ ઘરનો વારસો મળ્યો
'ઇકરામ' બંગલો બલરાજ સાહનીની બીજી પત્ની ને દીકરી સનોબરના હિસ્સામાં આવ્યો. મુંબઈમાં એક સમયનો સૌથી આલિશાન બંગલો આજે જર્જરિત અવસ્થામાં છે અને પોતાની અંદર સાહની પરિવારની દાસ્તાન છુપાવીને ઊભો છે. ચેતન આનંદ ને બલરાજ સાહની એકબીજાના સંબંધીઓ ને ખાસ મિત્રો
ચેતન આનંદ ને બલરાજ સાહની લાહોરમાં ગવર્મેન્ટ કોલેજમાં ક્લાસમેટ્સ હતા. આ ઉપરાંત બંનેના વિચારો મળતા આવતા હતા. બલરાજના પુત્ર પરીક્ષિતે ચેતન આનંદની બહેન શેલાની દીકરી અરુણા સાથે પહેલા લગ્ન કર્યા.
Read Original Article →