સોનું અત્યારે નહીં લઈએ, ને પછી ભાવ વધતા જશે તો?:દિવાળી આસપાસ 10 ગ્રામના ભાવ ક્યાંય પહોંચશે; હવે શેરની જેમ સોનાની લે-વેચ કરો, કોઈ ઝંઝટ નહીં

Business5/17/2026, 12:30:00 AM
સોનું અત્યારે નહીં લઈએ, ને પછી ભાવ વધતા જશે તો?:દિવાળી આસપાસ 10 ગ્રામના ભાવ ક્યાંય પહોંચશે; હવે શેરની જેમ સોનાની લે-વેચ કરો, કોઈ ઝંઝટ નહીં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પછી બધાના જીવ તાળવે ચોંટી ગયા છે. હવે શું થશે? ઘરમાં તો લગ્ન આવી રહ્યાં છે, આપણે સોનું નહીં ખરીદી શકીએ? સોનાની વાત આવે ત્યારે અમીર અને મીડલ ક્લાસના કાન સરવા થઈ જાય. તેમાં ય મીડલ ક્લાસ માટે તો સોનું એટલે હાથવગું હથિયાર. ગમે ત્યારે સોનું વેચો ને રોકડા હાથમાં. એક ગ્રામ, બે ગ્રામ, દસ ગ્રામ એમ વર્ષે-દહાડે નાનું નાનું સોનું લઈને મીડલ ક્લાસ બચત કરે છે. હવે આ જ સોનાની ખરીદી પર એટલિસ્ટ, એક વર્ષ માટે તો બ્રેક લાગી જવાની. હવે આગળ થશે શું? જ્યારે જ્યારે દેશ પર સંકટ આવ્યું છે ત્યારે ત્યારે સોનાની ખરીદી પર પ્રતિબંધ આવ્યો છે. આ માત્ર વિદેશી મુદ્રા ભંડાર બચાવવાની વાત છે અને એ જરૂરી પણ છે. હવે જેની પાસે સોનું છે તેમણે શું કરવાનું? જેમને ખરીદવું છે, તેમણે શું કરવાનું? આ સવાલોના જવાબ આગળ જાણીશું... પણ તે પહેલાં 1991નો ડો. મનમોહન સિંહનો કિસ્સો વાંચો.. વાત જાન્યુઆરી 1991ની છે. ભારત પાસે 89 કરોડ ડોલરનું વિદેશી ભંડોળ હતું. સરળ ભાષામાં કહીએ તો એ વખતે ભારત પાસે બે અઠવાડિયાંની જ વિદેશી મુદ્રા બચી હતી. અત્યારે જે કારણ છે તેવું જ કારણ ત્યારે પણ હતું. ગલ્ફવોરના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ત્રણ ગણો વધારો થયો હતો અને બીજું કારણ એ હતું કે ઈરાકે કુવૈત પર હુમલો કરી દેતાં ભારતે પોતાના હજાર મજૂરોને પાછા બોલાવી લીધા હતા. પરિણામ એ આવ્યું કે તેના મારફત મોકલાતી વિદેશી મુદ્રા સ્થગિત થઈ ગઈ હતી. ત્યારે દેશની અંદર પણ રાજકીય અસ્થિરતા હતી. એ સમયે નવા બનેલા વડાપ્રધાન નરસિમ્હા રાવે પોતાની સરકારમાં નાણામંત્રી તરીકે ડો. મનમોહન સિંહની પસંદગી કરી. શપથ લેતાં પહેલાં નરસિમ્હા રાવે મનમોહન સિંહને કહ્યું હતું કે હું તમને કામ કરવાની ખુલ્લી છૂટ આપીશ. પણ જો આપણી નીતિઓ સફળ રહે છે તો અમે બધા પણ તેનો શ્રેય લેશું અને જો નિષ્ફળ જશે તો તમારે પદ છોડવું પડશે. મનમોહન સિંહને દેશ બચાવવો હતો. તેમણે 'હા'માં માથું હલાવ્યું. મનમોહન સિંહ સામે પહેલો પડકાર આવ્યો રૂપિયાના અવમૂલ્યન એટલે ડિવેલ્યૂએશનનો. મનમોહન સિંહે નરસિમ્હા રાવને પોતાના હાથે લખેલી સિક્રેટ ચિઠ્ઠી મોકલી. તેમાં લખેલું હતું કે રૂપિયાની ડિવેલ્યૂએશન બે ચરણોમાં કરવામાં આવે. 1 જુલાઈ 1991ના દિવસે રૂપિયાનું પહેલું ડિવેલ્યૂએશન કરવામાં આવ્યું. 48 કલાક પછી બીજીવાર રૂપિયાનું ડિવેલ્યૂએશન કરવામાં આવ્યું. નરસિમ્હા રાવના વડાપ્રધાન બન્યા પછી બે સપ્તાહમાં એક ઘટના ઘટી. દક્ષિણ મુંબઈમાં આવેલી રિઝર્વ બેન્કમાંથી બખ્તરબંધ ગાડીઓનો કાફલો રવાના થયો. એ સમયે એટલી ટાઈટ સિક્યોરિટી હતી કે ચકલું ય ન ફરકી શકે. આ ગાડીઓમાં 21 ટન સોનું લાદેલું હતું. આ કાફલો 35 કિલોમીટર દૂર એરપોર્ટ પર ઊભો રહ્યો, જ્યાં તેને લઈ જવા માટે હેવીવેઈટ કાર્ગો એરલાઈન્સનું વિમાન ઊભું હતું. આ સોનાને લંડન પહોંચાડીને બેન્ક ઓફ ઈંગલેન્ડના લોખંડીરૂમમાં રાખી દેવામાં આવ્યું. તેના બદલામાં નરસિમ્હા રાવ સરકારને જે ડોલર મળ્યા તેના કારણે ભારતે જે દેવું કર્યું હતું તેને મોડું ચૂકવવાની મંજૂરી મળી ગઈ. ટૂંકમાં, ત્યારે દેશને આર્થિક કટોકટીમાંથી ઉગારવામાં સોનું સંકટ સમયની સાંકળ બન્યું હતું. આ આખી ઘટના લેખક વિજય સીતાપતિએ નરસિમ્હા રાવની આત્મકથા હાફ લાયનમાં વર્ણવી છે. 24 જુલાઈ 1991એ ડો.મનમોહન સિંહે બજેટ રજૂ કર્યું તેના ચાર કલાક પહેલા ઉદ્યોગ રાજ્યમંત્રી પી.જે.કુરિયને ઊભા થઈને ઉદ્યોગ નીતિ પર વકતવ્ય આપ્યું. તેમાં મહત્વનું વાક્ય હતું કે, હવેથી તમામ ઉદ્યોગોમાં લાયસન્સિંગનો નિયમ સમાપ્ત કરવામાં આવ્યો છે. માત્ર 18 ઉદ્યોગોમાં લાયસન્સનો નિયમ યથાવત રહેશે. આ 18ની યાદી અહીં આપી છે. બીજો બદલાવ એ હતો કે 34 ઉદ્યોગોમાં વિદેશી રોકાણની મર્યાદા 40%થી વધારીને 51% કરી દેવાઈ. એ પછી મનમોહન સિંહે પોતાના બજેટ ભાષણમાં ખાંડ અને LPG સિલિન્ડરમાં ભાવ વધારી દીધા. એક જ દિવસમાં નરસિમ્હા રાવ અને મનમોહન સિંહ લાયસન્સ રાજના ત્રણ સ્તંભો પબ્લિક સેક્ટર મોનોપોલી, પ્રાઈવેટ સેક્ટરની મર્યાદાઓ અને વિશ્વ બજારમાંથી અલગાવને ધ્વસ્ત કરી નાખ્યા. 1992નો મધ્ય આવતાં આવતાં ભારતનો વિદેશી મુદ્રા ભંડાર વધીને નોર્મલ થઈ ગયો હતો. નરસિમ્હા રાવની સૂઝબૂઝ અને મનમોહન સિંહની આર્થિક નીતિઓને ભારતને મોટા આર્થિક સંકટમાંથી બહાર કાઢ્યા હતા. ઓવર ટુ 2026... હવે ફરી એવું જ આર્થિક સંકટ ભારત પર આવી રહ્યું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 અપીલ કરી, તેમાં એક અપીલ એવી હતી કે, તમારા ઘરમાં લગ્ન પ્રસંગ પણ કેમ ન હોય... એક વર્ષ સુધી સોનું ખરીદતા નહીં. આ અપીલ કામ કરી રહી છે. સોનાની ખરીદી ઘણી ઘટી ગઈ છે. હા, લોકો જૂની ડિઝાઈનના ઘરેણાં આપીને નવી ડિઝાઈનના બનાવી રહ્યા છે. પણ સાવ નવા ઘરેણાં તો જ ખરીદે છે કે લગ્નમાં આપવા જ પડે. બાકી ગોલ્ડ ઈન્વેસ્ટર્સે ખરીદીમાં બ્રેક લગાવી છે. ભારતમાં સોનાનું ચિત્ર જોઈએ તો, દર વર્ષે 600થી 700 ટન સોનું દેશમાં ઈમ્પોર્ટ થાય છે ને એક્સપોર્ટ ઓછું છે. એટલે સોનું ઘરોમાં જમા થઈ ગયું છે. ભારતીય ઘરોમાં ખૂબ સોનું છે. ઘરમાં રહેલા સોનાને લઈને અલગ અલગ અનુમાન છે પણ સામાન્ય રીતે 25 હજારથી 27 હજાર ટન માનવામાં આવે છે. ભારતમાં સોનું ઉત્પાદન 1% જ છે. 90% સોનું બહારથી આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ મુજબ ફેબ્રુઆરી 2026માં ભારત પાસે લગભગ 880 ટન સોનું છે. ભારતે મોટાપાયે વિદેશમાંથી ડોલર આપીને સોનું ખરીદવું પડે છે. તેના કારણે ભારતની કરંટ એકાઉન્ટ ડેફિસિટી એટલે ચાલુ ખાતા પર અને વિદેશી મુદ્રા બંને પર દબાણ વધે છે. ભારત ડોલર આપીને બે વસ્તુ સૌથી વધારે ખરીદે છે. ક્રૂડ ઓઈલ અને સોનું. અત્યારે ક્રૂડ ઓઈલ ખરીદવું જરૂરી છે. સોનું નહીં. માટે ક્રૂડ ઓઈલ ખરીદવા માટે ભારત પાસે ડોલર હોવા જરૂરી છે. જો એ ડોલર સોનામાં વપરાય જાય તો પેટ્રોલ-ડીઝલની તંગી વધે. ટૂંકમાં, આપણે સોનું નહીં ખરીદીએ તો પેટ્રોલ-ડીઝલની તંગી નહીં થાય. ભારતમાં આર્થિક સંકટ આવવા દેવું કે ન આવવા દેવું, તે આપણા હાથમાં છે. જો તમે સરકારની વાત માનો તો સંકટમાંથી બચી શકાશે. સરકારે સોના પર ઈન્પોર્ટ ડ્યૂટી વધારી, હવે શું થશે? ભારત સરકારે સોના પર ઈન્પોર્ટ ડ્યૂટી 6%થી વધારીને 15% કરી નાખી. 9% ડ્યૂટી વધારો કર્યો છે. જોકે આવું પહેલીવાર નથી થયું. જાન્યુઆરી 2012માં ઈમ્પોર્ટ ડ્યૂટી માત્ર 2% હતી. એ પછી ઓગસ્ટ 2013 સુધીમાં વધારીને 10% કરી દેવાઈ. દોઢ જ વર્ષમાં સોના પર ઈન્પોર્ટ ડ્યૂટી 5% વધી ગઈ. જુલાઈ 2019માં ઈમ્પોર્ટ ડ્યૂટી વધીને 13% થઈ ગઈ. પછી જુલાઈ 2022માં વધારીને 15% કરી દેવાઈ. એવું નથી કે પહેલીવાર 15% થઈ છે. 2022માં પણ ડ્યૂટી 15% જ હતી. 2024માં સોના પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને 6% કરી દેવાઈ. મોદીએ અપીલ કરી છે કે એક વર્ષ સુધી સોનું ખરીદતા નહીં. અત્યારે અપીલ કરી છે પણ લોકો નહીં માને તો આદેશ પણ આવી શકે છે. મોદીએ કહ્યું હતું કે આનાથી વિદેશી મુદ્રા બચશે ને રૂપિયો મજબૂત થશે. ગયા વર્ષે ભારતે સોનાની ખરીદી માટે 6.8 લાખ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. એ ગ્રાફિક પરથી સમજો - ફેબ્રુઆરી સુધી બધું બરાબર ચાલતું હતું પણ 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ચિત્ર ડામાડોળ થયું છે. ભારત વિદેશોમાંથી ક્રૂડ ઓઈલ પાછળ સૌથી વધારે પૈસા ખર્ચે છે અને બીજા નંબરે સોનું આવે છે. આપણા જીવનમાં પેટ્રોલ-ડીઝલ વગર ચોક્કસ ફેર પડી શકે છે એટલે જ પેટ્રોલ-ડીઝલ બચાવવા મોદીએ અપીલ કરી છે પણ એક વર્ષ સોનું ન ખરીદો તો આપણા જીવનમાં ફેર પડવાનો નથી. જ્યારે સોના પર ઈમ્પોર્ટ ડ્યૂટી વધે છે તો સોનાના ભાવ વધી જાય છે અને ડિમાન્ડ ઘટી જાય છે. ઈમ્પોર્ટ ડ્યૂટીને સરળ શબ્દોમાં સમજો... માની લો કે આજે વિદેશથી આવતા 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ રૂપિયા છે. તે તમે મગાવો છો. હવે જ્યારે ઈમ્પોર્ટ ડ્યૂટી 6% હતી તો 6 હજાર રૂપિયા ડ્યૂટી લાગે. એટલે 10 ગ્રામ સોનાનો કુલ ભાવ થાય 1,06,000 રૂપિયા. નવી ઈમ્પોર્ટ ડ્યૂટી છે 15 હજાર રૂપિયા. એટલે 1 લાખ સોનાની ખરીદી પર 15 હજાર ઈમ્પોર્ટ ડ્યૂટી આપવી પડે. વિદેશથી મગાવેલું સોનું 1,15,000 રૂપિયા થાય. આજની તારીખે સોનાનો 10 ગ્રામનો ભાવ 1,60,000 થી વધી ગયો છે. એક સમયે 60 હજારનું 10 ગ્રામ હતું તો પણ ભાવ વધારે લાગતા હતા. હવે તો 1 લાખ 60 હજાર આસપાસ ભાવ પહોંચી ગયા છે. હવે આપણે શું કરવાનું ? ઘણાને મનમાં સવાલ થાય છે કે સોનું પડ્યું છે તે વેંચાય છે નહીં? અત્યારે ભાવ વધારે છે, આગળ જતાં ભાવ વધશે કે ઘટશે? આ મુંઝવતા સવાલનો જવાબ જાણીએ તે પહેલાં એ જાણી લો કે તમારી પાસે કેટલા ઓપ્શન છે... એક વાત યાદ રાખજો કે જો તમે સોનું નથી ખરીદ્યું તો ભારતની અર્થવ્યવસ્થામાં તમારું યોગદાન હશે. સેબીની નવી સ્કીમ: શેરની જેમ સોનું ખરીદો, શેરની જેમ વેંચો સોનામાં રોકાણ કરવાની વાત આવે ત્યારે બે વસ્તુ યાદ આવે. ગોલ્ડ કોઈન- બિસ્કીટ અથવા સોનાના ઘરેણાં. તેની સાથે કેટલીક ચિંતાઓ પણ આવે છે. ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટની ગેમ બદલાવાની છે. સ્ટોકની જેમ જ ગોલ્ડનું ખરીદ વેચાણ કરી શકો છો. હમણાં 4 મે, 2026ના દિવસે SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ)માં નવી સ્કીમ લોન્ચ કરી. નામ આપ્યું - EGR (ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ). આ સ્કીમમાં ન તો જ્વેલર્સની જરૂર છે, ન લોકરની કે ન નકલી હોવાનો ડર. શેરની જેમ જ સોનું ખરીદી વેચી શકશો. તમે સોનું ખરીદ્યું, તે સેબીના વોલ્ટ એટલે લોકરમાં જમા થઈ ગયું ને તેની સામે તમને મળશે ઈલેક્ટ્રોનિક રિસિપ્ટ. જે તમારા ડિમેટ એકાઉન્ટમાં આવી જાય છે. આ રિસિપ્ટ તમે માર્કેટમાં ગમે ત્યાંથી ખરીદી શકો છો ને વેચી શકો છો. આમાં માત્ર રિસિપ્ટ મળશે કે સોનું પણ મળશે? એવો સવાલ કદાચ થાય. તો જવાબ એ છે કે તમને સોનું જ મળશે ને એ પણ પ્યોરિટીની ગેરંટી સાથે. આ જ EGR ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીપ્ટની ખાસિયત છે. મન પડે ત્યારે EGR પાછી આપો ને શુદ્ધ સોનું ખરીદી લો. ગોલ્ડ ETRમાં ફર્ક એટલો છે કે ત્યાં સોનાની લગડી કે ઘરેણાં નથી મળતા પણ કેશ મળે છે. પણ EGRમાં શુદ્ધ સોનું મળે છે. સેબી પાસે જે સોનું છે તે સો ટકા શુદ્ધ સોનું હોય છે. LBMA એટલે લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન અને BMS ભારતીય માનક બ્યૂરોએ ચકાસેલું સોનું જ EGR માં બદલી શકાય છે. એક્સપર્ટનું કહેવું છે કે EGRથી ગોલ્ડનું માર્કેટ આખું બદલાઈ જશે. આનો ફાયદો ગોલ્ડની સપ્લાય ચેઈનને થવાનો છે. શેર બજારની જેમ સોનામાં લે- વેચ કરવા માટે તમારી પાસે ડિમેટ એકાઉન્ટ હોવું ફરજિયાત છે. હવે એ વાત, જે સવાલ દરેકના મનમાં છે : દિવાળીએ સોનાના ભાવ વધશે? PM મોદીએ અપીલ કરી છે કે એક વર્ષ સુધી સોનું ખરીદતા નહીં. હવે સવાલ એ છે કે એક વર્ષ દરમિયાન જેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તેમનું શું? સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ઘણા સમાજમાં તો દાગીના, સોનું મોટા પ્રમાણમાં આપવાની પરંપરા છે. તો કરવાનું શું? લગ્ન પ્રસંગ હોય તો થોડુંક સોનું તો ખરીદવું પડે ને? અત્યારે સોનું ન લઈએ ને દિવાળીએ ભાવ વધે તો? જવાબમાં દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં સોનાના વેપારી ચેતનભાઈ કોટક કહે છે, 2023થી 2025ની વાત કરીએ તો સોનાના ભાવ બે વર્ષમાં ડબલ થઈ ગયા છે. સ્વાભાવિક છે કે દુનિયાની સ્થિતિ, સંકટ અને ઈમ્પોર્ટ ડ્યૂટી, આ બધું જોતાં 2025-2026માં સોનાના ભાવ દોઢ ગણા તો વધવાના જ. અત્યારે 1 લાખ 60 હજાર આસપાસ ભાવ છે તો દિવાળીમાં 1 લાખ 80 હજારથી લઈ 1 લાખ 90 હજાર પહોંચી શકે. હા, 2026ના એન્ડ સુધીમાં તો 10 ગ્રામનો ભાવ 2 લાખ સુધી પહોંચે તેવી સંભાવના તો નથી પણ હવે ધડામ કરતો નીચે આવી જાય તેવી શક્યતા પણ નથી. જેમને પૈસાની જરૂર છે અને સોનું પડ્યું છે તે લોકોએ સોનું વેચી દેવાનો આ સમય છે અને ખરીદવા કરતાં જૂના સોનામાંથી નવી ડિઝાઈનના ઘરેણાં કરાવી શકાય. દેશના હિતમાં એક વર્ષ ખરીદી અટકાવી શકાય તો અટકાવવી જોઈએ. મુંબઈના આર્થિક સલાહકાર કનિષ્ક અગ્રવાલે બીબીસી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, પૈસાની જરૂર હોય તો ગમે ત્યારે સોનું વેચીને કે ગિરવે મૂકીને પૈસા ઊભા કરી શકાય છે. સોનું 24 કલાકમાં કેશમાં કન્વર્ટ કરાવી શકાય છે. બેન્ક ખુલવાની રાહ જોવી પડતી નથી. ભારતમાં દર વર્ષે એકથી દોઢ કરોડ લગ્ન થાય છે એટલે લગ્ન સમયના સોનાની ખરીદી અટકાવવી મુશ્કેલ છે. આ સંકટનો સંકત નથી પણ સાવધાનીનો સમય છે. વધારાના ખર્ચ ઘટાડવાનો સમય છે. જરૂરી ખરીદીને રોકી ન શકાય પણ બિનજરૂરી ખર્ચા રોકી શકાય. એટલે લગ્ન પ્રસંગમાં તમારે સોનું ખરીદવું જ પડે તેમ હોય તો ખરીદો પણ તેની સામે મસમોટા ડેકોરેશન, પાંચસો-હજાર માણસોનું જમણવાર આ બધા ખોટા ખર્ચ ઘટાડો. કોમોડિટી એક્સપર્ટ સુનીલ અગ્રવાલ તો ત્યાં સુધી કહે છે કે 2025ના મે મહિનામાં અમેરિકી ડોલરમાં સોનાનો ભાવ 3300 ડોલર હતો ત્યારે આપણે ત્યાં 90 હજારથી વધારે ભાવ થયો. હવે 2026માં 4600 ડોલર છે એટલે આપણે ત્યાં 1 લાખ 50 હજાર આસપાસ સોનાનો ભાવ પહોંચ્યો છે. બની શકે કે 2026ના અંતમાં અમેરિકામાં સોનું 8 હજાર ડોલરે પહોંચી જશે. હવે વિચારો ભારતમાં 10 ગ્રામનો ભાવ ક્યાં પહોંચશે?
Read Original Article →