જ્યારે અમેરિકા જતી ફ્લાઇટમાં પીરસાયા શિખંડ-પુરી-પાત્રા!:દિલીપ શાહના પ્રયાસથી એર ઇન્ડિયાના મેનુમાં ગુજરાતી ભોજન ઉમેરાયું, જાણો ગુજરાતના 'એવિએશન કિંગ'ની રસપ્રદ સફર
આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતના આકાશમાં વિમાન કે હેલિકોપ્ટર દેખાય એ કુતૂહલનો વિષય હતો અને ચાર્ટર ફ્લાઇટમાં ફરવું એ સપનું ગણાતું પણ કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આજે વાત એક એવા ગરવા ગુજરાતીની જેણે સામાન્ય માણસ માટે આકાશની ઊંચાઇ આંબવાનું શક્ય બનાવ્યું. આ વ્યક્તિ એટલે દિલીપ પ્રતાપભાઇ શાહ. તેમણે લગભગ 1996માં ટચૂકડા સેસના અને પાઇપર એઝ્ટેક પ્લેન થકી ગુજરાતમાં ચાર્ટર્ડ ફ્લાઇટ પ્રચલિત કરી. દિલીપ શાહે શરૂ કરેલા અમદાવાદ દર્શને ડંકો વગાડ્યો અને એટલું વખણાયું કે લોકો દૂર દૂરથી ખાસ તેના માટે અમદાવાદ આવવા લાગ્યા હતા. અડવાણીને અમદાવાદથી સોમનાથ સુધી યાત્રા કરાવવાની હોય કે પછી અમદાવાદથી અમેરિકા જતી ફ્લાઇટમાં શિખંડ, પુરી, પાત્રાનું સ્પેશિયલ મેનુ શરૂ કરાવવાનું હોય આ બધાનો શ્રેય દિલીપ શાહને જાય છે. ગુજરાતમાં આજે એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ આગળ વધી રહ્યાં છે. હીરાસર પછી ધોલેરા એરપોર્ટ પણ હવે બની રહ્યું છે. રાજ્યમાં ઇન્ટરનેશનલ તથા ડોમેસ્ટિક એરલાઇન્સની કનેક્ટિવિટી તો છે જ પરંતુ આ ઉપરાંત ગયા દસેક વર્ષથી ચાર્ટર્ડ ફ્લાઇટ પણ વધી છે. આ દસકા પાછળ ગુજરાતમાં પ્રાઇવેટ એવિએશનનાં બીજા બે દાયકાઓનું જબરદસ્ત યોગદાન રહ્યું છે. ઉદ્યોગપતિ વિજય સિંઘાનીયા સાથે ફ્લાઇટ લઇને આવ્યા
મૂળ ભાવનગરના દિલીપભાઇએ 1972 થી ટ્રાવેલ ક્ષેત્રે સફારી એરવેઝની સુરત-ભાવનગર વચ્ચેની સેવાઓમાં કામ કરીને પગલાં માંડ્યા. તે વખતે દિવંગત ઉદ્યોગપતિ વિજય સિંઘાનીયાએ આ સેવા શરુ કરી હતી. દિલીપભાઇએ લખેલા પોતાના સંસ્મરણો મુજબ વિજય સિંઘાનીયા એકવાર તો પોતે ફ્લાઇટ લઇને આવ્યા હતા. આ રીતે ગુજરાતમાં ચાર્ટર સર્વિસનો પાયો નખાયો
અમદાવાદ એવિયેશન એકેડેમી પાયલટ્સને ફ્લાઇંગ શીખવાડવા માટે વર્ષ 1995-96માં અમદાવાદ એરપોર્ટ પર 4 એરક્રાફ્ટ લાવી હતી. જેમાંથી 3 સિંગલ એન્જિંગ સેશના 152 અને 172 એરક્રાફ્ટને પાયલટની ટ્રેનિંગ માટે મૂકાયા હતા. આ એરક્રાફ્ટને અમદાવાદ લાવવામાં ઇન્ડક્ટોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારી, નાગેશ ભંડારી અને કેનેડામાં રહેતા રાકેશ ભંડારી, શ્રીધર મૂલચંદાણીએ ભારે જહેમત ઉઠાવી હતી. કેપ્ટન હાંડા પાયલટને ટ્રેનિંગ આપતા હતા. આ એરક્રાફ્ટ ફક્ત ટ્રેનિંગ પૂરતા જ સિમિત ન રહે અને નાના રૂટ પર પેસેન્જર માટે પણ ઉપયોગી બને તેવો વિચાર દિલીપ શાહને આવ્યો હતો. જેથી તેમણે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી કેપ્ટન હાંડાને મળીને ચાર્ટર ફ્લાઇટનો આઇડિયા આપ્યો હતો. તેમણે કેપ્ટન હાંડા પાસે એક પ્રસ્તાવ મૂક્યો કે આ નાના પ્લેન તેના ફાજલ સમયમાં અમને આપો તો અમે તેનો પ્રચાર કરીને ચાર્ટર્ડ સેવા લોકોને આપી શકીએ. કેપ્ટન હાંડા તરત જ તેમની વાત સાથે સંમત થઇ ગયા. આ રીતે ગુજરાતમાં ચાર્ટર સર્વિસનો પાયો નખાયો. મુખ્યમંત્રીથી માંડીને બિઝનેસમેનને જોય રાઇડ કરાવી
દિલીપ શાહ મીડિયા સાથે પણ સારો ઘરોબો ધરાવતા હતા. જેથી તેમણે ગુજરાતમાં શરૂ થયેલી આ સેવા વિશે મીડિયાને માહિતી આપી. આટલું જ નહીં 1997-98માં તત્કાલીન મુખ્યમંત્રી દિલીપ પરીખના હસ્તે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર્ટર સર્વિસનો પ્રારંભ કરાવ્યો. આ સમયે રાજ્યના મોટા-મોટા બિઝનેસમેન પણ હાજર રહ્યાં હતા. કાર્યક્રમાં સામેલ તમામ લોકોને 15 મિનિટની રાઇડનો અનુભવ પણ કરાવ્યો હતો. તે પછી દિલીપભાઇ અને આ ક્ષેત્રે સક્રિય તેવા તેમના પત્ની ઉષાબેન રેમન્ડના મિલિયન એરની ઓફિસમાં ગયા. વાત એમ હતી કે એક સિંગલ એન્જિન બેલ હેલિકોપ્ટર અમદાવાદ પોઝિશન કરવું. તેને પણ પ્રચલિત કરવામાં આવ્યું.પાઇપર એઝ્ટેક 5 સીટર એરક્રાફ્ટને લઇને અમદાવાદથી રાજકોટ નોન-શિડ્યૂલ ચાર્ટર્ડ સેવાઓ પણ શરુ કરી હતી. અડવાણી ચાર્ટર સર્વિસથી સોમનાથ ગયા
ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી વર્ષ 1996-97માં 4 સીટર સેસના-172 એરક્રાફ્ટમાં અમદાવાદથી કેશોદ થઇ સોમનાથ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જેના કારણે પણ આ સેવાને પ્રસિદ્ધિ મળી હતી. અમેરિકાની ફ્લાઇટમાં શિખંડ, પુરી, પાત્રા પિરસાયા
એર ઇન્ડિયાએ પોતાની રેગ્યુલર ફ્લાઇટમાં ગુજરાતી ભોજનનું મેનુ કેમ ઉમેરવું પડ્યું તેનો પણ એક રસપ્રદ કિસ્સો છે.
આ વાત 1999ની છે. એક વખત ગોવા કન્વેન્શનમાં એર ઇન્ડિયાના તત્કાલીન વેસ્ટ ઇન્ડિયા મેનેજર પી.પી.સિંગ દિલીપ શાહને મળ્યા હતા. સિંગે ફરિયાદ કરી કે પરદેશી એરલાઇન કંપનીઓ લોભામણી ઓફર્સ આપી રહી છે તેથી આપણા દેશના લોકો આપણી જ એરલાઇન્સ પ્રત્યે ઉદાસીન બની ગયા છે. બરાબર થોડા જ સમય પછી ગુજરાતનો સ્થાપના દિવસ (1 મે) આવી રહ્યો હતો. દિલીપ શાહે આ તક ઝડપી લીધી. તેમણે પી.પી.સિંગને કહ્યું કે ન્યૂયોર્ક અને શિકાગોમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી માટે મને 300 પેસેન્જરની ચાર્ટર્ડ ફ્લાઇટ આપો. દિલીપ શાહની આ ઓફરથી પી.પી.સિંગ ચોંકી ગયા કેમ કે કોઇ પેસેન્જર દેશની એરલાઇનમાં બેસવા તૈયાર નહોતું તેવામાં દિલીપ શાહે 300 પેસેન્જરની ચાર્ટર્ડ ફ્લાઇટ માંગી હતી. તેમણે તરત જ આ ઓફર સ્વીકારી લીધી અને ફ્લાઇટ માટે ટિકિટના અલગ દર નક્કી કર્યા. આ સ્પેશિયલ ફ્લાઇટની ટિકિટ ખરીદવા પડાપડી શરૂ થઇ. અંતે ફ્લાઇટનું ફૂલ બૂકિંગ થઇ ગયું. દિલીપ શાહે ફ્લાઇટના પેસેન્જર માટે શિખંડ, પુરી અને પાત્રાનું ખાસ મેનુ બનાવડાવ્યું. આ માટે તે સતત એર ઇન્ડિયાના કેટરિંગ ડિપાર્ટમેન્ટના સંપર્કમાં હતા. આ કામમાં જીતેન્દ્ર ભાર્ગવ અને વીરા ખંભાતાએ તેમને ખૂબ મદદ કરી હતી. આના પછી સ્થિતિ એવી સર્જાઇ કે એર ઇન્ડિયાએ પોતાની રેગ્યુલર ફ્લાઇટના મેનુમાં ખાસ ગુજરાતી ભોજન ઉમેરવું પડ્યું હતું. આમ અમદાવાદથી ન્યૂયોર્ક અને શિકાગો એમ 2 બોઇંગ જમ્બો જેટ 747 એરક્રાફ્ટ ચાર્ટર્ડ પ્લેનમાં ગુજરાતી મુસાફરો તરફ ધ્યાન કેન્દ્રિત કરાયુ. આ ફ્લાઇટનું ઉદઘાટન તત્કાલીન સાંસ્કૃતિક મંત્રી મહેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. 1992માં SITCની સ્થાપના
દિલીપ શાહે 1992માં સૌરાષ્ટ્ર ઇન્ટરનેશનલ ટ્રાવેલ કોર્પોરેશન (SITC)ની સ્થાપના કરી હતી. આ કંપની ચાર્ટર સર્વિસ, એર ટિકિટ બૂકિંગ અને ટ્રાવેલને લગતી સર્વિસ આપતી હતી. વિઝનરી દિલીપ શાહે અમદાવાદમાં પહેલી વખત જોય રાઇડ શરૂ કરાવી હતી. જેમાં મામૂલી ખર્ચે 15 મિનિટ માટે આકાશમાંથી દર્શન કરાવાતા હતા. આ જોય રાઇડ ખૂબ પ્રખ્યાત થઇ હતી. ધરતીકંપ સમયે સરકારે હેલિકોપ્ટ, વિમાન માગ્યા
સમય જતાં SITC એટલી જાયન્ટ બની ગઇ કે જ્યારે 2001માં કચ્છમાં ધરતીકંપ આવ્યો ત્યારે ગુજરાત સરકારે આ કંપની પાસે 15 દિવસ માટે રોજના 2 હેલિકોપ્ટર અને એક વિમાન માગ્યા હતા. વિશિષ્ટ એવોર્ડથી દિલીપ-ઉષા શાહનું સન્માન
હૈદરાબાદમાં ઓલ ઇન્ડિયા ટ્રાવેલ એજન્ટ કન્વેન્શન યોજાયું હતું. જેમાં ઇન્ડિયન એરલાઇન્સના ઇન્ટરનેશનલ સેક્ટરમાં મહત્વનો ફાળો આપવા બદલ ઇન્ડિયન એરલાઇન્સના સીનિયર મેનેજમેન્ટના હસ્ત દિલીપભાઇ શાહ અને ઉષા શાહનું ભારતના બીજા નંબરના એજન્ટ તરીકે સન્માન કરાયું હતું. તેમને વિશિષ્ટ એવોર્ડ પણ એનાયત કરાયો હતો. ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી-ટૂરિઝમનું મેગેઝિન શરૂ કર્યું
દિલીપ શાહ છાપા સાથે સંકળાયેલા હોવાથી તેમણે ટ્રાવેલ વ્યૂ નામનું એક ગુજરાતી મેગેઝિન બહાર પાડ્યું હતું. જેમાં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને ટુરિઝમને લગતા સમાચારો આવતા હતા. આ મેગેઝિન વિવિધ દેશોની કોન્સ્યૂલેટ જનરલમાં પણ પહોંચતું હતું. અમદાવાદથી ઉપડતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પણ તેનો સમાવેશ કરાયો હતો. પહેલું વીડિયો મેગેઝિન શરૂ કર્યું
તેમણે અમદાવાદ સમાચાર નામથી પહેલું વીડિયો મેગેઝિન શરૂ કર્યુ હતું. ત્યારે કોઇ પ્રાઇવેટ લોકલ ગુજરાતી સમાચાર નહોતી પણ દિલીપ શાહ અડધા કલાકની સમાચારની કેસેટ બનાવીને કેબલ ઓપરેટર્સને આપતા અને કેબલ ઓપરેટર્સ તેને રિલીઝ કરતા હતા. ગૂગલ મેપ નહોતું ત્યારે લોકેશન પર જઇ પાયલટને માહિતી આપતા
કિંગફિશરે તેમની હેલિકોપ્ટર સેવા માટે સ્પેશિયલ સર્ટિફિકેટ અને વિજય માલ્યાએ ઘડિયાળ ગિફ્ટમાં આપી હતી. તેમના પુત્ર તથા 2 દસકાથી એવિએશન ક્ષેત્રે સેવા આપી રહેલા અને લેખક તથા એક્ટર એવા નિશાંતભાઇના જણાવ્યા મુજબ જ્યારે ગૂગલ મેપ નહોતું ત્યારે ગુજરાતના ઠેર ઠેર લોકેશન પર જઇને હેલિપેડનું નિરીક્ષણ તથા આજુબાજુના રસ્તાઓ થકી હેલિપેડની માહિતી પાયલટને અપાતી. પછી તો નાનું GPS વસાવી લીધેલું. જે એક પેજર જેવું લાગતું. આમ લોકોને આ ક્ષેત્રે નવી દિશા મળી અને પછી ઘણા ઉદ્યોગકારોએ પોતાના વિમાન વસાવ્યા અને આજે ગુજરાતમાં એવિએશનનો ચોથો દસકો ચાલી રહ્યો છે. આમ ગુજરાતના એવિએશન, ટ્રાવેલ તથા પત્રકારત્વ ક્ષેત્રે દિલીપભાઇ શાહે આપેલું યોગદાન ભૂલાય તેમ નથી.
Read Original Article →