યુવકે ઊભી કરી ખાતર બનાવવાની ‘ઘરઘંટી’:એક સમયે ફી ભરવા પૈસા નહોતા, આજે કરોડોનું ટર્ન ઓવર ધરાવતી કંપનીનો માલિક
'8 વર્ષની ઉંમરે મેં લોકોના વાસણ સાફ કર્યા અને જંગલમાંથી લાકડાં કાપ્યા. ગરીબી એટલી હતી કે ધોરણ-12 પછી ફી ભરવાના પૈસા ન હોવાથી મારું લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલમાં જ પડ્યું રહ્યું, જે મેં છેક 2024માં ફી ભરીને મેળવ્યું છે.' આ શબ્દો છે ભાવનગરના સિહોર તાલુકામાં આવેલા ખાંભા ગામના કિરણ મકવાણાના. જેમણે ગરીબી સામે લડી અને કૃષિ અને ડિફેન્સ ક્ષેત્રે 71 જેટલી પેટન્ટ મેળવી પોતાનું નામ રોશન કર્યું છે. પિતા એક અત્યંત સામાન્ય ખેડૂત છે. પરિવારમાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો મળી કુલ છ ભાઈ-બહેનો વચ્ચે ઉછરેલા કિરણે શૂન્યમાંથી સર્જન કર્યું છે. બે વર્ષ મજૂરી કરી 2000 રૂપિયા એકઠા કર્યા
નાનપણથી જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, પોલિટિક્સ અને બિઝનેસમાં વિશેષ રુચિ ધરાવતા કિરણ મકવાણાએ પોતાના એક આઈડિયાને સાકાર કરવા ધોરણ-3માં જ અભ્યાસ પડતો મૂક્યો હતો. સપનાને હકીકત બનાવવા તેમણે બે વર્ષ સુધી મજૂરી કરી 2,000 રૂપિયા એકઠા કર્યા. આ રકમમાંથી જરૂરી સાધનો વસાવવા માટે તેમણે એક વર્ષ સુધી ભાવનગર અને અલંગના ભંગાર બજારોમાં સતત શોધખોળ કરી સામગ્રી એકત્રિત કરી. પરંતુ પૂરતા જ્ઞાન અને અનુભવના અભાવે તેમણે તમામ મૂડી ગુમાવી દીધી. ને નિષ્ફળતા બાદ તેમણે ફરીથી અભ્યાસ શરૂ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો. ત્રણ વર્ષ બાદ ફરીથી ધોરણ-3થી અભ્યાસ શરૂ કર્યો અને ધોરણ-12 સાયન્સ સુધીનું શિક્ષણ મેળવ્યું. ધોરણ-8 પાસ કર્યા બાદ તેમણે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (RD) ક્ષેત્રે કામ શરૂ કર્યું હતું. જે ટેકનોલોજી વિકસાવવાનું તેમનું સપનું હતું. તે દિશામાં સતત કામ કરી તેમણે આખરે પેટન્ટ રજિસ્ટ્રેશન માટે અરજી કરી. ખેડૂત કેન્દ્રીત મોડલ બે રીતે કામ કરે છે
એક તરફ આ સંશોધનો ચાલી રહ્યા હતા તો બીજી તરફ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ અત્યંત કપરી હતી પરંતુ તેમણે હાર ન માની અને આજે એગ્રી નાઇટ્રો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ જેવી મલ્ટી-કરોડ કંપનીનો માલિક છે. જેમનું ખેડૂત કેન્દ્રિત મોડલ બે રીતે કામ કરે છે કન્ઝ્યુમેબલ મોડલ અને બાય-મેન્યુફેક્ચર-સેલ મોડલ. આ મોડલ અંતર્ગત ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર મળે છે, અથવા તેઓ પોતાના કચરામાંથી પ્રતિ કિલો ₹૩થી ₹૪ સુધીની આવક મેળવી શકે છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કિરણ મકવાણાએ પોતાની સંઘર્ષભરી કહાની જણાવી. કિરણ મકવાણાએ નાનપણથી જ અનેક પડકારોનો સામનો કર્યો છે. આના વિશે તેઓ જણાવે છે કે, 7-8 વર્ષના બાળકથી જ મારા મનમાં અનેક સ્મૃતિઓ હતી. કુંડાળાની વચ્ચે તમે એકલાં ઊભા છો અને ચારેબાજુથી તમારા પર હુમલા થઇ રહ્યાં છે. તેમાંથી તમારી જાતને બચાવીને બહાર નીકળવું ખૂબ જ અગત્યની બાબત છે. પ્રત્યેક સેકન્ડ લાઇફના એવા પડકારોને સોલ્વ કર્યા છે જે પડકારોથી લોકો સ્યુસાઇડ કરી જતાં હોય છે. કરોડોમાંથી એક વ્યક્તિ બહાર નીકળતો હોય છે. તેમાંનો હું એક છું અને અહીંયા સુધી પહોંચ્યો છું. ‘રિસ્ક ફેક્ટર અંગે વિચાર્યા વગર કામ કરો’
તેઓ માને છે કે જોખમ વગર બિઝનેસ શક્ય નથી. તેમના મતે, જે દિશામાં તમને અનુકૂળ લાગે છે અને આ દિશામાં મારે બિઝનેસ કરવો છે, ત્યાં આગળ વધો. બિઝનેસ ઇઝ એ રિસ્ક. રિસ્ક વગર બિઝનેસ નથી ન શકે. એનું રિઝલ્ટ શું આવશે તે ના વિચારો. તમને એવું લાગે છે કે આમાંથી હું આગળ આવી શકું તેમ છું, હું આ કરી શકું છું, તો કોઇપણ રિસ્ક ફેક્ટર અંગે વિચાર્યા વગર કામ કરવું જોઇએ. જ્યારે તમે રિસ્કનું વિચાર્યા વિના કામ કરશો તો તેમાં તક દેખાશે. શરૂઆતમાં મજૂરી કરી અને આજે 7 કરોડથી વધુના ટર્નઓવરે પહોંચ્યા
તેમણે કહ્યું કે, મારા પિતા ખેતરમાં જે કચરો પેદા થતો તેને સળગાવી દેતા હતા. તે જોઈને મેં વિચાર્યું કે એગ્રિકલ્ચર વેસ્ટના કારણે પોલ્યુશન થઈ રહ્યું છે. તેના નિયંત્રણ માટે મેં 2012માં રિસર્ચ શરૂ કર્યું કે કચરાનો ઉપયોગ થવો જોઈએ, જેનાથી ખેડૂતોને પૈસા મળે, રોજગાર મળે અને પ્રદૂષણ પણ કંટ્રોલ થાય. આ RD મેં 2019 સુધી સતત ચાલુ રાખ્યું અને એમાંથી ખાતરની એવી સર્વિસ પ્રોડક્ટ તૈયાર કરી જે તમામ પ્રશ્નોનો ઉકેલ લાવી શકે. હું ધોરણ-2માં હતો ત્યારે સ્કૂલમાં તુલસીના પ્લાન્ટ પરના પ્રોજેક્ટથી ઇન્સ્પાયર થયો હતો. જોકે થિયરીને પ્રેક્ટિકલમાં ફેરવવા માટે જે એજ્યુકેશનનું નોલેજ હોવું જોઇએ તે મારી પાસે નહોતું એટલે જ મેં ફરી અભ્યાસ શરૂ કર્યો હતો.' આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી આગળ ભણી ન શક્યા
ફી ન ભરવાના કારણે તેમને સર્ટિફિકેટ્સ પણ મળ્યા નહોતા. આ વાતને યાદ કરતાં તેઓ કહે છે કે, ધોરણ-12 સાયન્સ દરમિયાન જ મેં એગ્રિકલ્ચર વેસ્ટને ફર્ટિલાઇઝરમાં કન્વર્ટ માટેના ટ્રાયલ શરૂ કરી દીધા હતા. રજાના દિવસોમાં હું વાસણ સાફ કરવા, લાકડાં કાપવા અને ખેતરમાં મજૂરી કરવા જતો હતો. આ બધું કરીને મેં પૈસા ભેગા કર્યા અને અલંગમાંથી સ્ક્રેપ લાવીને પ્રયોગો કરતો હતો. ધોરણ-12 સાયન્સ પછી અભ્યાસ છોડવાનું મુખ્ય કારણ મારા પિતાની ફાયનાન્શિયલ પોઝિશન હતી. ખેડૂતને 1 ટન કચરાના બદલામાં 700 કિલો ખાતર
તેમણે આગળ કહ્યું કે, અમે એક ચેઇન ઊભી કરી છે જેને તમે ફર્ટિલાઇઝરની ઘરઘંટી કહી શકો. ખેડૂત પોતાનો કચરો લાવે અને અમે તેની જરૂરિયાત મુજબના 26 પ્રકારના ગ્રેડ મુજબનું ખાતર બનાવી આપીએ છીએ. આ ખાતર માર્કેટ કરતાં 70% સસ્તું છે. બજારમાં જે DAPની બેગ ₹1350માં મળે છે, તેની અવેજીમાં અમે જે ફોસ્ફરસ બનાવીએ છીએ તેની કિંમત ખેડૂત માટે માત્ર ₹400થી ₹450 છે. ખેડૂત 1 ટન કચરો લાવે તો અમે 700 કિલો ખાતર પરત કરીએ છીએ અને બાકીના કચરાના અમે તેને કિલોના 3-4 રૂપિયા લેખે પૈસા પણ ચૂકવીએ છીએ. કચરાને સળગાવવાને બદલે કાર્બનમાં કન્વર્ટ કરાય છે
'મારા પપ્પા છેલ્લા 5 વર્ષથી અમને દર વર્ષે 40થી 50 હજારનો કચરો વેચે છે. હાલ અમારી સાથે 11 હજાર ખેડૂતો જોડાયેલા છે. અમારી ટીમમાં 450 લોકો છે, જેમાં 350 સખી મંડળની બહેનો છે જે ગામેગામ સેતુરૂપ ભૂમિકા ભજવે છે. 100 લોકો અમારા પ્લાન્ટ પર કામ કરી રહ્યા છે. દર વર્ષે અમે 80 હજાર ટન કચરો યુઝ કરીને 50 હજાર ટન ફર્ટિલાઇઝર બનાવીએ છીએ. અમારા ખાતરમાં કોઈ કેમિકલ નથી. અમે કચરાને સળગાવવાને બદલે 'કાર્બનાઇઝ પ્રોસેસ' થી કાર્બનમાં કન્વર્ટ કરીએ છીએ. દરેક ખાતરમાં 38% કાર્બન આપીએ છીએ જેથી સોઇલને ફરીથી રીબિલ્ટ કરી શકાય. દેશની જમીન કાર્બન ઓછો હોવાથી બંજર બની રહી છે, જેનું આ શ્રેષ્ઠ નિવારણ છે.' કિરણ મકવાણાએ તેમના ભવિષ્યના રોડમેપ વિશે જણાવતા કહ્યું કે અમે છેલ્લા 5 વર્ષના ટ્રાયલ બેઝ પ્લાન્ટને હવે સંપૂર્ણ વેલ સેટ મોડ પર લાવી દીધા છે. હાલ અમે ગુજરાત મોડલ તૈયાર કરી રહ્યા છીએ અને સરકારને આ અંગે પ્રપોઝલ પણ આપી છે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 253 તાલુકાઓમાંથી 225 તાલુકામાં પ્લાન્ટ સેટઅપ કરવાની અમારી ગણતરી છે. આ મોડલ દ્વારા અમે ગુજરાતમાં 1 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી શકીશું. આનાથી એગ્રિકલ્ચર સેક્ટરમાં થતું 95 ટકા પ્રદૂષણ કંટ્રોલ થશે અને જે ખેડૂતો પાસે બે એકર કે તેથી વધુ જમીન છે, તેમને કચરાના નિકાલ દ્વારા વાર્ષિક 80 હજારથી 1 લાખ રૂપિયાની આર્થિક સહાય મળી શકશે. ‘અમે નોઇડા-NCRમાં પંજાબ, હરિયાણા અને યુપીના 51થી 52 તાલુકાઓ પર કામ કરી રહ્યા છીએ. જે સ્ટેટ પોલ્યુશન ક્રિએટ કરી રહ્યા છે, તેના તાલુકાઓને ધ્યાને લઈને અમે ખાસ નોઇડા-એનસીઆર મોડલ તૈયાર કર્યું છે. આ અંગેની પ્રપોઝલ મુકાઈ ગઈ છે અને આગામી એકાદ મહિનામાં કામ શરૂ થશે. અમારો દાવો છે કે આ મોડલ સંપૂર્ણ તૈયાર થયા બાદ બે વર્ષના સમયગાળામાં દિલ્હી-એનસીઆરના પ્રદૂષણમાં દર વર્ષે જે વધારો થઈ રહ્યો છે, તેમાં અમે 85 થી 90 ટકા સુધીનો ઘટાડો કરીશું, જેની અમે સંપૂર્ણ બાહેંધરી આપીએ છીએ.’ ખેડૂતો કચરો સળગાવતા અટકશે
તેઓ કહે છે કે ખેડૂતો કચરો સળગાવે છે કારણ કે તેમને તેના પૂરતા પૈસા મળતા નથી અથવા ફેક્ટરી સુધી પહોંચાડવાનો ખર્ચ વધારે થાય છે. જો અમે તેમને આ કચરામાંથી ખાતર બનાવી આપીએ કે સામે પૈસા આપીએ, તો તેઓ સળગાવતા અટકશે. હાલ અમે એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટી સાથે સંકળાયેલા છીએ અને ડોક્યુમેન્ટ વર્ક ચાલુ છે. ત્યાંની સરકાર અમને જમીન અને ફંડ બંને પૂરું પાડવાની છે. અમદાવાદ શહેર માટેના પ્લાન વિશે તેમણે કહ્યું કે અમદાવાદના ગાર્ડન, લેક ગાર્ડન અને ઘરોમાંથી નીકળતા હોર્ટીકલ્ચર વેસ્ટ તથા APMCના વેસ્ટનો હાલ કોઈ ઉપયોગ નથી, જેના કારણે તે સળગાવવામાં આવે છે અને શહેરનું AQI બગડે છે. આના નિવારણ માટે અમે AMC અને ટોરેન્ટ પાવર સાથે ચર્ચા કરીને બે પ્લાન્ટ સેટઅપ કરી રહ્યા છીએ એક સરખેજ અને બીજો ગાંધીનગર તરફ. આનાથી કચરામાંથી બનેલું સસ્તું ખાતર આસપાસના ખેડૂતોને મળશે. આગામી 4-5 મહિનામાં કામ શરૂ થઈ જશે. વર્ષે 20 હજારથી 25 હજાર કરોડ રૂપિયાની બચત
કિરણ મકવાણાનો દાવો છે કે આ મોડલથી સરકારને સબસિડીમાં 3થી 4 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થઇ શકે છે. આની પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, સરકાર અત્યારે ખાતરની આયાત અને સબસીડી પાછળ 7થી 8 હજાર કરોડ ખર્ચે છે. જો ગુજરાતના માત્ર 50 ટકા ખેડૂતો પણ અમારા મોડલમાં કન્વર્ટ થશે, તો સરકારને સબસીડીમાં સીધો 3થી 4 હજાર કરોડનો ફાયદો થશે. આ ઉપરાંત રોજગાર, પ્રદૂષણ નિયંત્રણ, હ્યુમન અને વિલેજ ડેવલપમેન્ટ જેવા પાસાઓને ગણતરીમાં લઇએ તો અમારા ડેટા મુજબ ગુજરાત સરકારના બજેટમાં અલગ-અલગ હેડ હેઠળ દર વર્ષે 20 હજારથી 25 હજાર કરોડ રૂપિયાની બચત થઈ શકે છે. પહેલું મોડલ 2020માં તૈયાર કર્યું
તેઓ કહે છે કે અમે 2016-17માં દરરોજ 7થી 8 ટન કચરાંનું પ્રોસેસ કરીને અલગ અલગ 26 પ્રકારના ખાતરનું ઉત્પાદન કરતાં હતા. જે નજીકમાં હોય તેવા ખેડૂતોને સપ્લાય કરતા હતા. શરુઆતના સમયમાં અમે ટ્રેકટર અને ટુ વ્હીલર પર કચરો કલેકશન કરતા હતા અને ચાર વર્ષ સુધી એટલે કે 2020 સુધી આ રીતે ચલાવ્યું હતું. આ પહેલું મોડેલ અમે 2020માં તૈયાર કર્યું. ધીરે ધીરે 2021માં કંપની શરૂ કરીને પ્લાન્ટ સેટ અપ કર્યો. પ્લાન્ટ સ્થાપવા ₹85 લાખની જરૂર હતી, પણ મેં ₹30-40 લાખમાં નાનો પ્લાન્ટ શરૂ કર્યો હતો. જેની દિવસની 30 ટનની કેપેસેટી હતી અને જમીન અમે ભાડાં પર લીધી હતી. ગવર્મેન્ટના આઇ-હબ (i-Hub) માંથી ₹25 લાખની ગ્રાન્ટ મળી હતી અને રણજીતકુમાર (સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર), બિપિનભાઈ રાઠોડ, ગંભીરભાઈ ભીલ અને હિતેશભાઈ નાકરાણી જેવા લોકોના સહકારથી હું આજે અહીં સુધી પહોંચી શક્યો છું. એક એવી ટેકનોલોજી જે સેનાના જવાનો માટે સુરક્ષા કવચ બનશે
ડિફેન્સ ક્ષેત્રે કરેલા સંશોધન વિશે કિરણ મકવાણા જણાવે છે કે 2008માં મેં એક નાનકડું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હતું. મેં જોયું કે ઇદડું નામનું પક્ષી પોતાની આસપાસ રેડિયેશનનું ઝાળું ઊભું કરે છે જેથી કોઈ હુમલો કરી શકતું નથી. તેનાથી પ્રેરાઈને મેં એવી ટેકનોલોજી બનાવી કે આર્મીનો જવાન 600 મીટરના અંતરમાં જાળું તૈયાર કરી શકે. આ સાધન જવાનના શરીર પર લગાવતા તે એક સુરક્ષા કવચ બનાવે છે, જે સામેથી આવતી કોઈપણ ખતરનાક સામગ્રીને દૂર ધકેલે છે અને જમીનમાં બિછાવેલા માઇન્સને પણ ડિટેક્ટ કરી શકે છે. આ એક્સપેરિમેન્ટ મેં 2007-08માં કર્યું હતું અને તેને માઇક્રો મેગ્નેટિક સર્વાઇવલ પ્રોટેક્શન નામ આપ્યું હતું. હાલ અમારો આ પ્રોજેક્ટ ટ્રાયલમાં જ છે. અને અમે સફળતાની નજીક છીએ. ‘ખાતરની જેમ અમે ડિફેન્સ માટે પણ કામ કરી રહ્યાં છીએ. અત્યારે દેશ માટે ખાતરના અનેક પ્રોબ્લેમ છે. તેના ઉકેલ માટે અમે કામ કરી રહ્યાં છીએ. તે જ રીતે આવનારા દિવસોમાં ડિફેન્સમાં આવીશું. ડિફેન્સમાં પણ એવી ટેકનોલોજી લાવીશું કે હાલમાં ઘણી બધી સમસ્યા છે તેનું સંપૂર્ણ નિવારણ આવી શકે અને દેશ આખી દુનિયામાં આંતરિક અને બાહ્ય રીતે મજબૂત થઇ શકે.’ 71 પેટન્ટ જેમાંથી 26 એગ્રિકલ્ચર વેસ્ટની છે
હાલ તેમના નામે 71 પેટન્ટો છે. જેમાંથી 26 પેટન્ટ આ એગ્રિકલ્ચર વેસ્ટને કન્વર્ટ ટુ ફર્ટિલાઇઝરની પ્રોસેસ અને ટેક્નોલોજીની છે. 2023માં આ 26 પેટન્ટ ગ્રાન્ટ થઈ. તેમણે કહ્યું કે, વોટર સેવિંગ, પાવર સેવિંગ અને અવકાશને લગતી પેટન્ટો પણ મારી જોડે છે. હાલ અમે એગ્રિકલ્ચર વેસ્ટ અને ડિફેન્સ એમ બે મુખ્ય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. એગ્રિકલ્ચર વેસ્ટને કન્વર્ટ ટુ ફર્ટિલાઇઝરને દરેક રાજ્ય અને શહેર સુધી પહોંચાડવાની છે. ગુજરાત મોડલની જેમ દરેક રાજયનું પોતાનું મોડલ અમે તૈયાર કરી રહ્યાં છીએ અને ખાતર મારફતે ખેડૂત પગભર થઇ શકે તે દિશામાં અમે આગળ વધી રહ્યાં છીએ. 'ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે અને સસ્તું ખાતર મળે'
‘મારો દેશ જ મારો કન્સેપ્ટ છે. પૈસા ઘણી જગ્યાએથી કમાઈ શકું છું, પણ હું દેશને આગળ રાખીને જ કાર્ય કરું છું. મારા પિતાની બે એકર જમીનમાં 15 ટન કચરો ઉત્પન્ન થતો, તે જોઈને મેં વિચાર્યું કે આનો ઉપયોગ થવો જોઈએ જેથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરે અને સસ્તું ખાતર મળે.’ ‘ડરને દૂર કરીને આગળ વધો’
છેલ્લે તેમણે યુવાઓને સંદેશ આપતા કહ્યું કે કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. બધી જગ્યાએથી નાના-નાના સ્ટાર્ટઅપ શરૂ થશે, લોકો બજારમાં આવશે, પ્રોડક્ટ લાવશે, વેચાશે અને પ્રોબ્લેમ શોર્ટ આઉટ થશે, જેના કારણે આપણી ઇકોનોમી ગ્રોથ કરશે. દરેક વ્યક્તિએ સ્ટાર્ટઅપ એટલે કે જે પ્રોડક્ટ તેની પાસે છે તે લાવવી જોઇએ. પણ તમે ડરથી બેસી રહો છો અને ડરના કારણે જે છુપાઇને રહો છો, તે ડરને દૂર કરીને આગળ વધો.
Read Original Article →