ઘર-મદરેસા તૂટ્યા, હિમંતાથી નારાજ મુસ્લિમો બોલ્યા- અત્યાચારો યાદ રાખીશું:અસર 35થી 23 બેઠકો પર સીમિત રહી, શું મિયાં ફેક્ટર BJPની ગેમ બગાડશે
ધુબરીના સંતોષપુરમાં રહેતા અફસર અલી કપડાંની દુકાન ચલાવે છે. પરિવારમાં પત્ની અને બે બાળકો છે. અફસરની 5 બાય 6ની દુકાન 8 મહિનાથી તેમનું ઘર પણ છે. 8 જુલાઈ, 2025માં અફસર સિવાય અન્ય 1400 ઘરો તોડી પાડવામાં આવ્યા. સરકારે કહ્યું કે આ જમીન થર્મલ પ્લાન્ટ બનાવવા માટે આપવામાં આવશે. આશરે 12 હજાર લોકો બેઘર થઈ ગયા. ગામમાં અત્યારે પણ કાટમાળ પડ્યો છે. બાંગ્લાદેશ બોર્ડર સાથે જોડાયેલા આસામના ધુબરી જિલ્લામાં આશરે 75% મુસ્લિમ છે. અફસર અલી મિયાં મુસ્લિમ સમુદાયના છે, જેમને પરેશાન કરવાની વાત આસામના CM હિમંતા બિસ્વા સરમા ઘણી વખત દોહરાવી ચૂક્યા છે. અફસર હિમંતા પર મુસ્લિમ વિરોધી હોવાનો આરોપ લગાવે છે. તેમને ફરિયાદ છે કે તેમનું ઘર મુસ્લિમ હોવાને કારણે તોડવામાં આવ્યું. અને આવું કહેનારા તેઓ એકલા નથી.
કોંગ્રેસ અને AIUDFમાં મુસ્લિમ વોટ ન વહેંચાય તો BJPને મુશ્કેલી
આસામના 126 વિધાનસભા બેઠકો પર 9 એપ્રિલે ચૂંટણી છે. આ વખતે બુલડોઝર, મિયાં મુસ્લિમ અને બાંગ્લાદેશી ઘૂસણખોર જેવા શબ્દો ચર્ચામાં છે. 2016માં પહેલીવાર BJPની સરકાર બન્યા પછી અત્યાર સુધીમાં 17,600 ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. આમાં મોટાભાગના મુસ્લિમ હતા. મદરેસાઓ બંધ કરી દેવામાં આવ્યા. બાળ લગ્ન કાયદા હેઠળ મુસ્લિમોની ધરપકડ કરવામાં આવી. સીમાંકન પછી મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પણ ઘટી છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં 35% મુસ્લિમ વસ્તી છે. તેમનું વલણ ચૂંટણીઓમાં ઘણું બધું નક્કી કરે છે. ભાસ્કર આ સમજવા ગુવાહાટીથી 250 કિમી દૂર ધુબરી પહોંચ્યું. 12 લાખ વોટ વાળું ધુબરી બદરૂદ્દીનનો ગઢ, આસામિયા ગમછો ઓળખ
આસામના મુસ્લિમોમાં ટોપી કરતા આસામિયા ગમછાનો ઉપયોગ વધુ છે. રાજ્ય ત્રણ ભાગો લોઅર, સેન્ટ્રલ અને અપર આસામમાં વહેંચાયેલું છે. ધુબરી લોઅર આસામમાં છે. જિલ્લામાં મિયાં એટલે કે બંગાળી ભાષી મુસ્લિમ સૌથી વધુ છે. જિલ્લાની 5 વિધાનસભા બેઠકોમાં 12.2 લાખ મતદારો છે. ધુબરીની સીમામાં પ્રવેશતા જ ઠેર ઠેર મસ્જિદ અને મદરેસાઓ દેખાવા લાગે છે. આ આસામની ત્રીજી મોટી પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ એટલે કે AIUDFનો ગઢ છે. પાર્ટી ચીફ બદરૂદ્દીન અજમલ અહીંના સૌથી મોટા નેતા માનવામાં આવે છે. 74 વર્ષના અજમલ પ્રચારમાં લાગેલા છે. બાંગ્લાદેશ બોર્ડર સાથે જોડાયેલા ગામોમાં પણ સભાઓ થઈ રહી છે. પ્રચારનો ફોકસ મુસ્લિમો સાથે ભેદભાવ અને હિમંતાના નિવેદનો પર છે. બદરૂદ્દીનની સભામાં આવેલા લોકો આરોપ લગાવે છે કે હિમંતા મુસલમાનોને પરેશાન કરી રહ્યા છે. તેમણે આ જ વર્ષે જાન્યુઆરીમાં કહ્યું હતું કે મિયાં મુસ્લિમોને કોઈ પણ રીતે પરેશાન કરો, આનાથી તેઓ આસામ છોડી દેશે. ધુબરીમાં જુલાઈ, 2025માં સૌથી મોટી બુલડોઝર કાર્યવાહી થઈ હતી. સરકારના જણાવ્યા મુજબ, અહીં આસામ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ અને અદાણી ગ્રુપના થર્મલ પાવર પ્લાન્ટ માટે જમીન ખાલી કરાવવામાં આવી છે. અહીં અત્યારે પણ બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ જગ્યા લોખંડનો ગેટ લગાવીને બંધ કરી દેવામાં આવી છે. બે પોલીસ જવાનો પણ તૈનાત છે. અમે ગામલોકોના સંબંધી બનીને અંદર દાખલ થયા. કેટલાક લોકો તૂટેલા ઘરોના કાટમાળમાંથી ઈંટો વીણી રહ્યા હતા. અહીંથી બેઘર થયેલા લોકો બીજી જગ્યાએ રહી રહ્યા છે, પરંતુ બાળકો આજે પણ મેદાનમાં રમવા આવી જાય છે. અમે આ પરિવારો સાથે વાત કરી. પહેલી વાર્તા અફસર અલીની
‘70 વર્ષ જૂનું ઘર ઉજાડી દીધું, આ અત્યાચાર યાદ રાખીશું’
37 વર્ષના અફસર અલી દાવો કરે છે કે તેમનો પરિવાર 70 વર્ષથી અહીં રહી રહ્યો હતો. પિતા અહીં જ જન્મ્યા. અહીંના જ મતદાર છે, પરંતુ હવે બેઘર છે. CM હિમંતા સામે નારાજગી વ્યક્ત કરતા અફસર કહે છે, ‘આ સરકાર મુસલમાનોને જોવા જ માંગતી નથી. ચૂંટણીમાં લોકો આ અત્યાચારોને યાદ રાખશે.’ ‘અમારા વિસ્તારમાં બુલડોઝર ચાલ્યું, પરંતુ બાજુના હિન્દુ એરિયામાં ઘર તોડવામાં આવ્યા નથી. ઘર તૂટવાની સૌથી વધુ અસર બાળકો પર પડી છે. 6 વર્ષનો દીકરો ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો. તેનું ભણતર છૂટી ગયું છે.’ બીજી વાર્તા સુનાઉદ્દીનની
‘અમારી પેઢીઓ ભારતમાં, અમને પાકિસ્તાની-બાંગ્લાદેશી કહી દીધા’
ફળોની દુકાન ચલાવતા સુનાઉદ્દીન ઘર તૂટ્યા પછી ભાડાના મકાનમાં રહે છે. આરોપ લગાવે છે કે પ્રશાસને ડરાવી-ધમકાવીને જમીન ખાલી કરાવી છે અને વળતર પણ આપ્યું નથી. સુનાઉદ્દીન કહે છે, ‘અમે બધા કાગળો બતાવ્યા, 1991નું NRC (નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન), વોટર આઈડી, આધાર અને રેશનકાર્ડ બતાવ્યું, પરંતુ તેમણે એક પણ સાંભળ્યું નહીં. અમને પાકિસ્તાની અને બાંગ્લાદેશી કહ્યા. અમારી પેઢીઓ અહીં જ પસાર થઈ છે, છતાં અમને બાંગ્લાદેશી કહે છે. બીજા દેશોમાંથી આવેલા હિન્દુઓને નાગરિકતા આપવાની વાત થાય છે. મુસલમાનોને બાંગ્લાદેશી બતાવીને હટાવવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં અમે તે જ પાર્ટી સાથે ઊભા રહીશું જે અમારી મદદ કરશે, સહારો આપશે.’ ત્રીજી વાર્તા અબ્દુલ રાશિદ શેખની
‘50 હજાર વળતર મળ્યું, નદીની વચ્ચે ટાપુ પર ઘર’
સરકારે પટ્ટા, એટલે કે માલિકી હકના કાગળો બતાવનારા કેટલાક લોકોને 50 હજાર વળતર અને બ્રહ્મપુત્રા નદી પાસે ઘર આપવાનો વાયદો કર્યો છે. 35 વર્ષના અબ્દુલ રાશિદ શેખનું ઘર ચિરાકુટા ગામમાં જ હતું. તેઓ આરોપ લગાવે છે કે સરકાર અમને બાંગ્લાદેશી અને ઘૂસણખોર કહે છે, પછી વળતર પણ આપે છે. રહેવા માટે નદીની વચ્ચોવચ જગ્યા આપી રહી છે, જ્યાં માણસ જઈ જ નથી શકતો. જો અમે બાંગ્લાદેશી છીએ, તો અમને પાછા મોકલી દો. ભારતના નાગરિક છીએ, તો સરખી રીતે રહેવાની જગ્યા આપો. અમે ભાઈચારાથી રહેવા માંગીએ છીએ, પરંતુ હિમંતા ખુલ્લેઆમ નફરત ફેલાવી રહ્યા છે.’ ચોથી વાર્તા આઝાદની
17 વર્ષની ઉંમરમાં દીકરીના લગ્ન કરાવ્યા, 14 વર્ષ પછી કેસ
આસામમાં 3 ફેબ્રુઆરી 2023ના રોજ પોલીસે બાળ લગ્ન કાયદો લાગુ કરવા માટે અભિયાન શરૂ કર્યું. પહેલા બે દિવસમાં 2 હજારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી. આરોપ લાગ્યો કે પોલીસ જાણીજોઈને ધુબરી, બારપેટા અને દક્ષિણ સાલમારા જેવા મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓમાં કાર્યવાહી કરી રહી છે. ડિસેમ્બર 2024 સુધી ધરપકડોનો આંકડો 5 હજાર થઈ ગયો હતો. CM હિમંતાએ પણ સ્વીકાર્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં 55% મુસ્લિમ સમુદાયના છે. આમાં 60 વર્ષના આઝાદ પણ સામેલ છે. તેમને ડિસેમ્બર 2025માં દીકરાના બાળ લગ્ન કરાવવાના આરોપમાં જેલ મોકલવામાં આવ્યા હતા. હાલ જામીન પર છે. તેઓ આરોપ લગાવે છે, ‘મારા ગામનો પંચાયત સભ્ય BJPમાં છે. તેણે મારા દીકરા વિરુદ્ધ બાળ લગ્નની ખોટી ફરિયાદ કરી દીધી. દીકરો ન મળ્યો તો પોલીસ મને ઉપાડી ગઈ. એક મહિનો જેલમાં રહ્યો. દીકરાના કેસમાં જામીન મળ્યા, તો દીકરીના લગ્નનો કેસ લગાવી દીધો. તેના લગ્ન 2012માં થયા હતા. ત્યારે તે 17 વર્ષની હતી. 14 વર્ષ પછી મને પરેશાન કરી રહ્યા છે.’ પાંચમી વાર્તા મદરેસા ટીચર અનવર હુસૈનની
‘200 દીકરીઓ ભણવા આવતી હતી, સરકારે મદરેસા જ તોડી પાડી’
આસામ સરકારે 1 એપ્રિલ 2021થી સરકારી મદરેસાઓને શાળાઓમાં બદલવાનું શરૂ કર્યું. ધાર્મિક શિક્ષણ અને અરબી વિષય કોર્સમાંથી હટાવી દેવામાં આવ્યા. તર્ક આપ્યો કે સરકારી પૈસાથી ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં. મદરેસાઓ પર બુલડોઝર પણ ચલાવવામાં આવ્યું. ધુબરીમાં મળેલા મૌલાના અનવર હુસૈન વર્ષ 2000થી મદરેસામાં બાળકોને ભણાવી રહ્યા છે. જુલાઈ, 2025માં મદરેસા તોડી પાડવામાં આવી. પ્રશાસનનો દાવો હતો કે આ સરકારી જમીન પર હતી. અનવર કહે છે, ‘મદરેસામાં 200 દીકરીઓ ભણતી હતી. તેમનું ભણતર અટકી ગયું. અમારી પાસે જમીનના કાગળો, રજીસ્ટ્રેશન અને એલોટમેન્ટ બધું જ હતું. અમે હાઈકોર્ટમાં કેસ પણ કર્યો છે, પરંતુ દર વખતે સુનાવણી ટળી જાય છે.’ બાંગ્લાદેશ બોર્ડર પર માત્ર કોંગ્રેસ-AIUDFના ઝંડા, BJP ગાયબ
આસામના 4 જિલ્લા ધુબરી, દક્ષિણ સાલમારા-મનકચર, કછાર અને કરીમગંજ બાંગ્લાદેશ સાથે આશરે 267 કિમી લાંબી બોર્ડર શેર કરે છે. ધુબરી સાથે આશરે 134 કિમી લાંબી બોર્ડર જોડાયેલી છે. આમાં સૌથી મહત્વનો ભાગ 61 કિલોમીટરનો છે, જ્યાં નદીવાળી બોર્ડર છે. બ્રહ્મપુત્રા નદી ધુબરીથી જ બાંગ્લાદેશમાં જાય છે. અહીં ઘણા પ્રવાહો અને રેતીલા ટાપુઓ બની ગયા છે. દલદલી જમીન અને નદીવાળા વિસ્તારમાં તારની વાડ લગાવવી શક્ય નથી, તેથી BSF અહીં લેઝર, સેન્સર અને ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા દેખરેખ રાખે છે. અમે બાંગ્લાદેશ બોર્ડર સાથે જોડાયેલા છેલ્લા ગામ ઘેવમારી પહોંચ્યા. આ એરિયામાં AIUDFનું વર્ચસ્વ છે. લગભગ દરેક ગલીમાં AIUDF અને કોંગ્રેસના ઝંડા લાગેલા છે. BJP ના ઝંડા ઓછા છે. ગામમાં સૌથી વધુ વસ્તી મિયાં મુસ્લિમોની છે. મોટાભાગના ખેતી અથવા મજૂરી કરે છે. કાચો સાંકડો રસ્તો હોવા છતાં ગાડીઓ બોર્ડરની નજીક સુધી જાય છે. બોર્ડરથી આશરે 600 મીટર દૂર રસ્તો પૂરો થાય છે અને ખેતરો શરૂ થાય છે. ખેતરો પાસે જ બ્રહ્મપુત્રા નદી વહે છે. અમે પગપાળા આગળ વધ્યા. અહીં નદી અને જમીન બંને પ્રકારની બોર્ડર છે. બોર્ડરની નજીક જવા પર BSF જવાનએ અમને રોકી દીધા. કહ્યું કે સુરક્ષાના કારણોસર વધુ નજીક જઈને વીડિયો બનાવી શકાય નહીં. બોર્ડર પર રહેનારા બોલ્યા- CMના બોલવાથી અમે બાંગ્લાદેશી નથી થઈ જતા
અમે બોર્ડર પર રહેતા લોકો સાથે વાત કરી. ધુબરીના એડવોકેટ તૌફીક હુસૈન અમને બોર્ડર સુધી લઈ ગયા હતા. તેઓ આરોપ લગાવે છે કે CM હિમંતા લોકોનું બ્રેનવોશ કરી રહ્યા છે. મુસલમાનોને બાંગ્લાદેશી ઘૂસણખોર બતાવીને નફરત ફેલાવી રહ્યા છે. હકીકતમાં બોર્ડર પર કડક સુરક્ષા છે. નદીના રસ્તે પણ ઘૂસણખોરી શક્ય નથી. અહીં મળેલા 26 વર્ષના રફીકુલ ઈસ્લામ કડિયાકામ કરે છે. તેઓ જણાવે છે કે લોકો ખેતી માટે બોર્ડર પાસે જાય છે. તેમણે BSF પાસે આધાર કાર્ડ જમા કરાવવું પડે છે. રજીસ્ટરમાં નામ લખાવીને કામ કરવા જાય છે. રફીકુલ કહે છે કે મુખ્યમંત્રી અમને મિયાં કે બાંગ્લાદેશી કહે છે, તો બહુ ખરાબ લાગે છે. તેમના બોલી દેવાથી અમે બાંગ્લાદેશી નહીં થઈ જઈએ. અમારી પાસે કાગળો છે. 23 વર્ષના સફીર આલમ ફરિયાદ કરે છે કે ગામની હાલત બહુ ખરાબ છે. રસ્તાઓ ખરાબ છે. અમારું ગામ બોર્ડર સાથે જોડાયેલું છે. ભારત તરફ તો ફેન્સિંગ લાગી છે, પરંતુ બાંગ્લાદેશ તરફથી કોઈ તારબંધી નથી. એક વર્ષ પહેલા સુધી હાલત સારી હતી. અમને બોર્ડરની થોડા નજીક જવા દેતા હતા, પરંતુ હવે પૂરી રીતે મનાઈ છે.’ ચૂંટણી પર સફીર કહે છે કે CM ધર્મના નામે વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે. તેમની આ નફરત બધા જોઈ રહ્યા છે, આ વખતે BJP ચોક્કસ હારશે. પરિસીમન દ્વારા મુસ્લિમ પ્રભાવવાળી બેઠકો ઘટાડવાનો આરોપ
ચૂંટણી પંચે 2023માં સીમાંકન (પરિસીમન) કર્યું હતું. આની અસર મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પર વધુ પડી છે. પહેલા 126 વિધાનસભા બેઠકોમાં લગભગ 35 બેઠકો મુસ્લિમ બહુમતી ધરાવતી હતી. હવે 20થી 22 રહી ગઈ છે. ધુબરીના રહેવાસી એડવોકેટ તૌફીક હુસૈનના જણાવ્યા મુજબ, પરિસીમનમાં બે રીત અપનાવવામાં આવી. મુસ્લિમ વસ્તીવાળા મોટા વિસ્તારને બે થી ત્રણ બેઠકોમાં વહેંચી દેવામાં આવ્યો. આનાથી મુસ્લિમ વોટ વહેંચાઈ ગયા. બીજી રીતમાં અલગ-અલગ જગ્યાએ વિખરાયેલી મુસ્લિમ વસ્તીને ભેગી કરીને એક બેઠકમાં કરી દીધી. પહેલા મુસ્લિમ મતદારો ત્રણ બેઠકો પર અસર પાડતા હતા, હવે એક બેઠક પર મોટા અંતરથી જીતશે, પરંતુ બાકીની બે બેઠકો પરથી અંકુશ ખતમ થઈ ગયો. ધુબરી જિલ્લામાં પરિસીમનની સૌથી વધુ અસર
પરિસીમનથી ધુબરી જિલ્લામાં 5 વિધાનસભા બેઠકો જ રહી, પરંતુ બોર્ડર બદલાઈ ગઈ. બિલાસીપારા ઈસ્ટ અને વેસ્ટ બેઠકોને ખતમ કરીને બિરસીંગ જરુઆ બેઠક બનાવવામાં આવી. આરોપ છે કે ધુબરીના વિસ્તારોને એવી રીતે વહેંચવામાં આવ્યા કે AIUDFનો લઘુમતી વોટ વિખરાઈ જાય. હિમંતા પરિસીમનને ઐતિહાસિક જીત ગણાવી ચૂક્યા છે. તેમણે કહ્યું કે આસામને બચાવવા માટે જે કામ NRCથી ન થઈ શક્યું, તે પરિસીમનએ કરી દીધું. બદરૂદ્દીન અજમલ તેને મુસલમાનો વિરુદ્ધ ષડયંત્ર ગણાવે છે. તેઓ કહે છે કે આનો હેતુ વિધાનસભામાંથી મુસલમાન નેતાઓને બહાર કરવાનો છે.
Read Original Article →