અમેરિકાની જેલમાંથી પટેલ યુવાને ભાસ્કરને ફોન કરી મદદ માગી:કુરિયર આપવા ગયો ને પકડાયો, 12 વર્ષની જેલની સજા થઇ, અમદાવાદમાં પરિવારની દયનીય સ્થિતિ
ઘરનું દેવું ચૂકવવા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કલ્પના સાથે અમેરિકા ગયેલા અમદાવાદના યુવાન નિરવ પટેલને ડોલર કમાવાનું સપનું જેલ સુધી લઇ ગયું છે. 400 ડોલર માટે એક અજાણ્યું કુરિયર ડિલીવરી કરવા ગયેલા નિરવને અમેરિકાની કોર્ટે કોલ સેન્ટર ફ્રોડ કેસમાં 12 વર્ષની કેદની સજા ફટકારી છે. જેના કારણે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જેલમાંથી મોકલેલા પત્ર અને ઓડિયો ક્લિપમાં નિરવ પટેલે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે. આ પત્રની નકલ નિરવ પટેલના સ્વજનો તરફથી મીડિયા હાઉસને પણ મોકલવામાં આવી હતી. જે દિવ્ય ભાસ્કર ડીજિટલને પણ મળી હતી. આ રીતે ભાસ્કરની ટીમ નિરવના પરિવાર સુધી પહોંચી
પત્રમાં નિરવ પટેલે કેવી રીતે ફસાયો ત્યાંથી માંડીને તેના જેવા અન્ય ગુજરાતીઓ પણ અમેરિકામાં ફસાતાં હોવાની વિતક કથા રજૂ કરીને પોતાને મદદ કરવા માટે વિનંતી કરી હતી. જેને ધ્યાને લઇ દિવ્ય ભાસ્કર ડિજિટલે પત્રમાં દર્શાવેલાં મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો ત્યારે જાણવા મળ્યું કે નિરવે તેના કાકાનું નામ લખ્યું હતું પરંતુ તે વયસ્ક હોવાના કારણે વાત કરી શકે તેમ નહોતા. જેથી કોઇ સરકારી ઓફિસ કે અન્ય કોઇનો ફોન આવે તો તેમને વાત કરવામાં તકલીફ પડે તેમ હોવાથી તેમના જમાઇ આશિષ પટેલનો મોબાઇલ નંબર લખ્યો હતો. આશિષ પટેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમની સાથે વાત કર્યા પછી નિરવ પટેલના પત્નીનો મોબાઇલ નંબર અને તેમના ઘરનું સરનામું મેળવ્યું હતું. ભાસ્કરની ટીમ તેમના ઘરે પહોંચી હતી અને તેના પત્ની ખૂશ્બુબેન તેમજ નિરવના વયસ્ક પિતા બંસીભાઇ સાથે વાતચીત કરી હતી. પરિવારની કફોડી હાલત
પતિ સાથે થયેલી ઘટનાથી ખૂશ્બુબેન અત્યંત વ્યથિત હતા. બાળકો નાના તેમજ સસરા ઉંમર લાયક હોવાથી તમામ જવાબદારીઓ ઉપરાંત ઘરની લોનના હપ્તા ચાલતાં હતા. નિરવ સાથે બનેલી ઘટનાથી આ પરિવાર ચોતરફથી ભીંસમાં મૂકાઇ ગયો હતો. સાસુનું નિધન થતાં ખૂશ્બુબેન માટે વિકટ પરિસ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે તેઓ અત્યંત દયનીય હાલતમાં જીવી રહ્યાં છે. તેના સસરા પણ અંદરોઅંદર ઘૂંટાયા કરે છે પરંતુ તેમની પાસે પુત્રવધુ તેમજ પૌત્રને સંભાળવા માટે હિંમત રાખ્યા વગર છૂટકો નથી. નિરવે અમેરિકાની જેલમાંથી ભાસ્કર રિપોર્ટરને ફોન કર્યો
અમે ખૂશ્બુબેનને મળ્યા હોવાની જાણ થતાં નિરવ પટેલનો અમેરિકાની જેલમાંથી દિવ્ય ભાસ્કર ડીજિટલના સીનિયર રિપોર્ટર મનોજ કે. કારીઆ પર ફોન આવ્યો હતો. નિરવ સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે હું 3 વર્ષથી જેલમાં છું. જેલમાં કામ કરતો હોવાથી મને મહિનાની 300 મિનિટ ફોન પર વાત કરવા મળે છે. એકધારી 15 મિનિટ સુધી વાત થાય પછી ફોન કટ થઇ જાય પછી અડધો કલાક પછી ફરીવાર 15 મિનિટ સુધી વાત કરી શકાય છે. આ રીતે નિરવે દિવ્ય ભાસ્કરના સીનિયર રિપોર્ટર સાથે 4થી 5 વખત વાત કરીને પોતાની આપવીતી વર્ણવી હતી. જો કે નેટવર્કના કારણે સ્પષ્ટ સંભળાતું નહીં હોવાથી તેણે કહ્યું હતું કે મારા સંબંધી પાસે મેં ત્રણ અલગ અલગ ઓડિયો ક્લીપ મોકલી છે. જે તમને મળી જશે. આના પછી આશિષ પટેલે અમને ઓડિયો ક્લીપ મોકલી આપી હતી. જે અહીં રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ખૂશ્બુબેને દિવ્ય ભાસ્કરને શું જણાવ્યું હતું તેની વિગતો પણ અહીં રજૂ કરી છે. આખો મામલો આ હતો
નિરવે લોન લઇને મકાન ખરીદ્યું હતું. લોનના હપ્તા ચાલુ હતા. જે વહેલાં ભરાઇ જાય અને પરિવાર દેવા મુક્ત થઇ જાય તે માટે તેણે દેવું કરીને પણ અમેરિકા જઇને આર્થિક રીતે સદ્ધર થવાનું નક્કી કર્યું હતું. બાદમાં તે કેનેડા થઇને અમેરિકા પહોંચ્યો હતો. પાર્સલમાં કોલ સેન્ટર કૌભાંડના ડોલર હતા
અમેરિકા પહોંચ્યા બાદ તે જે કામ મળે તે કરતો હતો. આવામાં એક ભારતીયએ તેને એક પાર્સલ આપવા મોકલ્યો હતો. નિરવ તો કામના બદલામાં ડોલર મળશે તેવી આશાએ પાર્સલની ડિલીવરી કરવા ગયો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો. પાર્સલમાં શું હતું તેની નિરવને ખબર નહોતી. હકીકતમાં એ પાર્સલમાં કોલ સેન્ટર કૌભાંડથી મેળવેલા ડોલર હતા. છેલ્લીવાર માતાનું મોઢું પણ ન જોઇ શક્યો
આ કેસમાં અમેરિકાની કોર્ટે તેને 12 વર્ષની કેદની સજા ફટકારી છે. એક રીતે જોઇએ તો આ સજા ફક્ત યુવાન જ નથી ભોગવતો પરંતુ અહીંયા ગુજરાતમાં રહેતો તેનો પરિવાર પણ ભોગવી રહ્યો છે. પુત્રના વિરહમાં તેની માતાએ 2025માં ફાની દુનિયા છોડી દીધી છે. નિરવ જેલમાં હોવાથી છેલ્લી વખત પોતાની માતાનું મોંઢું પણ જોઇ શક્યો નહોતો. તેના 80 વર્ષના પિતા આજે રિક્ષા ચલાવીને પરિવારનું ગાડું ગબડાવી રહ્યાં છે. જ્યારે પત્ની અને પુત્રો લાચારીભરી જિંદગી જીવી રહ્યાં છે. આમ આખો પરિવાર દયનીય પરિસ્થિતિમાં જીવી રહ્યો છે. નિરવે કોને-કોને પત્ર લખ્યો?
પોતાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાના દાવા સાથે નિરવે મદદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 24 એપ્રિલ, 2026ના રોજ પત્ર લખ્યો હતો. નિરવે ફોનમાં અને સંબંધી મારફતે ભાસ્કરને મોકલેલી ઓડિયો ક્લીપમાં આપવીતી વર્ણવી હતી. જેની વિગતો અહીં નીચે રજૂ કરી છે. હું નિરવ પટેલ છેલ્લા 3 વર્ષથી અમેરિકાના શિકાગોની થોમસન જેલમાં છું. મારા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે મેં ફોન કોન્ફરન્સ મારફતે અમેરિકાની વૃદ્ધ મહિલાઓ સાથે છેતરપિંડી કરીને તેમને સિક્રેટ સર્વિસ એજન્ટ અને FBI એજન્ટ બનીને ડરાવી-ધમકાવી 5 લાખ અમેરિકન ડોલર પડાવી લીધા છે. મારા પર આ ખોટો ગુનો લગાવાયો છે. મારા જેવા ઘણા નિર્દોષ ભારતીય નાગરિકો, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો હાલ ખૂબ જ તકલીફમાંથી પસાર થઇ રહ્યાં છે. આ તમામને મદદની ખૂબ જરૂર છે. હું દેશ વિદેશમાં વસતા તમામ ભારતીયો અને ગુજરાતીઓને વિનંતી કરૂં છું કે મારો આ મેસેજ વડાપ્રધાન મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મીડિયા સુધી પહોંચે. જેથી કરીને અમેરિકા અને ભારતમાં રહેતા અમૂક ગદ્દાર, દેશદ્રોહીઓ અને રાક્ષસી માનસિકતા ધરાવતા લોકોને જલ્દીથી પકડી શકાય. હું છેલ્લા 3 વર્ષથી આ પ્રયાસ કરી રહ્યો છું. નિરવે સંબંધી પર આરોપ લગાવ્યો
મને મારા જ સંબંધી દિનેશ પટેલે ખોટું બોલી, ખોટી માહિતી આપી છેતરપિંડીમાં મારો ઉપયોગ કરી ફસાવ્યો છે. દિનેશ પટેલ કે જે ભોલા તથા ડેની નામથી જાણીતો છે. તે હાલ અમેરિકાના એટલાન્ટામાં રહે છે. તે મૂળ અમદાવાદના નારણપુરાનો રહેવાસી છે. તેના માતા-પિતા, ભાઇ અને બહેન અમદાવાદમાં રહે છે. હવે દિનેશ પટેલ કે તેના પરિવારજનો કોઇ મારો ફોન ઉપાડતા નથી. આ કેટલું શરમજનક છે કે આ મારા પટેલ સમાજના છે અને ખોટું બોલી પટેલ સમાજના નાગરિકોનો ઉપયોગ કરે છે.આવા લોકોને મૃત્યુ દંડની પણ સજા થાય તો તે ઓછી છે. દિનેશ પટેલ નારણપુરામાં ફ્રોડ કોલ સેન્ટર ચલાવે છેઃ નિરવ
નિરવે આક્ષેપ કરતાં જણાવ્યું છે કે, દિનેશ પટેલ નારણપુરાથી ફ્રોડ કોલ સેન્ટર ચલાવી અમેરિકામાં રહેતા વૃદ્ધ નાગરિકો સાથે છેતરપિંડી કરીને તેમની પાસેથી લાખો ડોલર પડાવે છે. આ ગેંગના જે ખાસ સભ્ય છે તે રાજકીય પાર્ટી ભાજપના કોર્પોરેટરનો છોકરો છે અને તમામ નારણપુરાના છે. માતાના અંતિમ સંસ્કારના પૈસા પણ નહોતાઃ નિરવ
સમાજદ્રોહી દિનેશ પટેલના કારણે મારું ઘર અને પરિવાર સંપૂર્ણ બરબાદ થઇ ગયા છે. મારી પાસે હાલ એટલા પણ રૂપિયા કે ડોલર નથી કે હું મારા પરિવારનું ભરણપોષણ કરી શકું કે મારા બાળકોની સ્કૂલ ફી ભરી શકું. મારી માતાની શારિરીક હાલત ખરાબ હતી પરંતુ હું તેની સારવાર પણ ના કરાવી શક્યો. જેના કારણે મારા માતા મૃત્યુ પામ્યા એટલું જ નહીં, હું તેમના અંતિમ સંસ્કાર કરાવી શકું તેટલા પૈસા પણ મારી પાસે નહોતા. મને તેના અંતિમ દર્શન પણ ન થયા. સમાજના આગેવાનો પાસે મદદની માગ
પાટીદાર સમાજના આગેવાનો, ઉમિયા ધામ, ખોડલ ધામ, સરદાર ધામ ઉપરાંત અમેરિકાના જ્યોર્જિયામાં આવેલા ઉમિયા મંદિર વગેરે તમામ આગેવાનોને વિનંતી કરૂં છું કે આવા લોકોને પકડવા માટે મારે મદદની ખૂબ જરૂર છે. હું વિનંતી કરું છું કે મારા પરિવારને સુરક્ષા પૂરી પાડવામાં આવે. અમૂક લૂંટારા, ફ્રોડ લોકો અમેરિકા અને ભારતમાં સાથે મળીને અમેરિકાની સુરક્ષા એજન્સીના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરી USના વૃદ્ધ નાગરિકો અને ખાસ તો વૃદ્ધ મહિલાઓને ડરાવી-છેતરપિંડીથી તેમની સંપત્તિ લૂંટી રહ્યાં છે. આ માટે નિર્દોષ, ઇમાનદાર વ્યક્તિનો ખોટું બોલી ઉપયોગ કરી રહ્યાં છે. કોઇ મારી વાત નથી સાંભળતુંઃ નિરવ
આ લોકોએ મારો ઉપયોગ કરીને મારી જિંદગી બરબાદ કરી નાખી છે. કોર્ટે મને સજા આપી દીધી. મારા કેસમાં મેં વારંવાર કહ્યું કે હું નિર્દોષ છું, હું આ કેસમાં શું મદદ કરી શકું કે જેથી લૂંટારૂ અને ગેંગના તમામ સભ્યોને પકડી શકાય. પોતાની વાત જાણીજોઇને સાંભળવામાં નહીં આવી હોવાનો આક્ષેપ કરતાં તેણે ઉમેર્યું કે, એ લોકો મને એવું કહે છે કે તુ ઇન્ડિયાનો છે એટલે તુ પણ આ ગેંગનો મેમ્બર છે. નિરવે આક્ષેપ કરતાંં જણાવ્યું છે કે, તમામ વાસ્તવિકતા મારા જ્યૂરી મેમ્બર્સને પણ જણાવવા માંગતો હતો પણ મારા વકીલે ના મારી વાત રજૂ કરી કે ના મને રજૂ કરવા દીધી. મને જે પબ્લિક ડિફેન્ડર વકીલ આપવામાં આવ્યા હતા તેમણે મને આ કેસમાં કોઇપણ પ્રકારની મદદ કરી નહોતી કરી. મેં જ્યારે મારા કેસના પુરાવા માગ્યા ત્યારે મારા પબ્લિક ડિફેન્ડર વકીલે મને કહ્યું કે સરકારી વકીલ પુરાવા આપવાની ના પાડે છે. સરકારી વકીલ અને પબ્લિક ડિફેન્ડર વકીલ જાણી જોઇને ઇમાનદાર વ્યક્તિને સજા અપાવી રહ્યાં છે. નિરવની પત્નીએ દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં પોતાની વ્યથા ઠાલવી હતી.
નિરવના લગ્ન 2008માં થયા હતા. એ સમયે તે RO પ્યૂરિફાયર, એસી ફિટીંગ તથા અન્ય કામ કરીને ઘર ચલાવતો હતો. દામ્પત્ય જીવન દરમિયાન તેને બે સંતાનો થયા હતા. જેમાંથી મોટા દીકરાએ ધો.10ની પરીક્ષા આપી હતી. બીજો દીકરો આઠ વર્ષનો છે. જે બીજા ધોરણમાં આવ્યો છે.
પતિ સાથે બનેલી આ ઘટનાથી તેની પત્ની ખૂશ્બુ સામાજિક અને આર્થિક રીતે તૂટી ગઇ હતી. તે અત્યંત ગભરાયેલી હાલતમાં હતી. જેથી દિવ્ય ભાસ્કરે તેમની ઓળખ છુપાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો પરંતુ અમૂક હકીકત રજૂ કર્યા વગર તેમને ન્યાય મળવો દુષ્કર હોવાથી નિરવ અને તેમના સંબંધીની સંમતિથી હકીકત અહીં રજૂ કરી છે. નિરવ 2022માં કેનેડા ગયો હતો
નિરવની પત્નીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું કે, મારા સાસુ 5 વર્ષથી બિમાર હતા. મકાન લોનથી લીધેલું છે. જેમાં અમે 2010થી રહીએ છીએ. નિરવને એમ હતું કે હું અમેરિકા જઉં તો ઘરનું દેવું ઉતરી જાય અને પરિવાર આર્થિક સદ્ધર થાય અને છોકરાંઓનું ભવિષ્ય બને. જેથી તે 3 વર્ષના વિઝા લઇને તે 20 ઓક્ટોબર, 2022ના રોજ કેનેડા ગયો હતો. તે કેનેડામાં લીગલી જ રહ્યો હતો ત્યાંથી તે અમેરિકા પહોંચ્યો હતો. કેવી રીતે પહોંચ્યો તે મને ખબર નથી. પિઝા અને વસ્તુઓની ડિલીવરી કરતો
અમેરિકામાં સંબંધીને ત્યાં રહ્યો હતો. શરૂઆતમાં લોન્ડ્રીમાં કામ કર્યું પછી નાનું-મોટું બધું કામ કરીને ગુજરાન ચલાવતો હતો. થોડી ઘણી રકમ બચાવીને તે ઘરે મોકલતો હતો. તેને 6 મહિનામાં ડ્રાઇવિંગ લાયસન્સ મળી ગયું હતું. જેના પછી તેણે કાર ખરીદી હતી અને પિત્ઝા તેમજ બીજી બધી વસ્તુઓની ડિલીવરી કરવાનું શરૂ કર્યું હતું. અમેરિકન પોલીસે નિરવની ધરપકડ કરીને કોલ કર્યો
નિરવ કેવી રીતે ફસાયો તેની વિગતે વાત કરતા તેની પત્નીએ કહ્યું કે, એક દિવસ જ્યારે નિરવ ફ્રી હતો ત્યારે તેના પર કોઇ ભારતીયનો ફોન આવ્યો કે એક કુરિયર છે તે ડિલીવર કરી આવજો. કુરિયરમાં અંદર શું હતું તેની નિરવને ખબર નહોતી. તે કુરિયર કરવા જતો હતો ને પાછળથી પોલીસ આવી ગઇ અને તેની ધરપકડ કરી લીધી. મારા પતિની ધરપકડ થઇ ત્યારે તેમને ત્યાંથી કોલ કરવા દીધો હતો. એ કોલમાં તેમણે મને કહ્યું હતું કે હું એક પાર્સલ આપવા આવ્યો હતો ત્યારે મારી ધરપકડ કરી છે. જેને પાર્સલ આપવાનું હતું તે ઇન્ડિયન છે. મારા પતિને 12 વર્ષની સજા થઇ છે. પોલીસે નિરવને કહ્યું હતું કે ગુનો કબૂલી લે તો 2 જ વર્ષની સજા થશે પણ નિરવે કહ્યું કે જે ગુનો મેં કર્યો જ નથી, તે શા માટે હું કબૂલું? પાર્સલમાં ડોલર હતા પણ તે શેના હતા તે મને ખબર નથી. અમેરિકામાં વકીલ રાખવાના પૈસા નથીઃ નિરવની પત્ની
તેની પત્નીએ કહ્યું કે, આ ઘટના જૂન, 2023માં ઘટી હતી. નિરવને જેલમાં ગયાને સાડા ત્રણ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. અઠવાડિયે એક વખત મારા પતિનો મારા પર ફોન આવે છે, જેલમાંથી તેમને ફોન કરવા દે છે. તે એવું કહે છે કે ત્યાંના લોયર શું કરે છે તેની તેને કંઇ ખબર નથી. લોયર સરકાર તરફથી જ મળેલા છે. અમારી પાસે એવા પૈસા નથી કે અમે લોયરની ફી ચૂકવી શકીએ. હપ્તા ન ભરાતાં ઘર સીલ થવાનું હતું
નિરવના ઘરનું ગુજરાન તેનો સાળો અને તેના પિતા ચલાવે છે. તેની પત્નીએ કહ્યું કે, અત્યારે બધું મારા ભાઇ પર છે. મારા ભાઇએ 25 લાખની લોન લઇને બધું કર્યું છે કેમ કે અમે 6 મહિના સુધી હપ્તા ભરી શક્યા નહોતા એટલે મારા ઘરે સીલ લાગવાનું હતું. ઘરનું બિલ અને લોનના હપ્તા મારો ભાઇ ભરે છે. ઘરનું ગુજરાન ચલાવવા માટે મારા 80 વર્ષના સસરા રિક્ષા ચલાવે છે. પહેલાં હું રસોઇ બનાવવા જતી હતી પણ મારો દીકરો ધો.10માં હોવાથી મેં રસોઇ બનાવવાનું બંધ કર્યું હતું. અત્યારે હું ઘરે બેઠાં નાનું મોટું કામ કરું છું. પરિવારની આવી કફોડી સ્થિતિ થઇ જતાં નિરવની પત્નીએ સામાજિક આગેવાનો સામે ખોળો પાથર્યો હતો. જો કે હજુ સુધી તેનો કોઇ જવાબ નથી આવ્યો.
તેની પત્નીએ કહ્યું કે, મારા સંતાનોના અભ્યાસ માટે મેં RTEમાં ફોર્મ ભર્યું હતું પણ આવકનો દાખલો ન હોવાથી RTE હેઠળ એડમિશન મળ્યું નહોતું. આવકના દાખલા માટે મેં બહુ પ્રયાસ કર્યા હતા પણ ન મળ્યો. મેં SPG વાળા લાલજી પટેલને પણ મેસેજ કર્યો છે કે મારા પતિ સાથે આવું બન્યું છે. મારા સંતાનો અભ્યાસ કરે છે તો કંઇક હેલ્પ કરો પણ તેમના તરફથી હજુ સુધી કોઇ જવાબ આવ્યો નથી. એક વખત PMOમાંથી ફોન આવ્યો હતો
એક વખત વડાપ્રધાન કાર્યાલયમાંથી નિરવના પત્નીને ફોન આવ્યો હતો. આ અંગે તેણે કહ્યું કે, અહીંયાથી અમે રજૂઆત કરી નથી. મારા પતિએ વડાપ્રધાન મોદી અને બીજા બધાને અમેરિકાથી પત્ર લખ્યા છે અને ન્યાયની માગણી કરી છે. એક વખત મને PM ઓફિસમાંથી ફોન આવ્યો હતો પણ ત્યારે મારા પતિનો મને ફોન આવતો ન હોવાથી ત્યાં શું ચાલી રહ્યું છે તેની મને ખબર નહોતી. મેં PM ઓફિસના અધિકારીઓને કહ્યું હતું કે મારા પતિ ક્યાં છે તેની તપાસ કરીને તમે મને કહેજો. નિરવની પત્નીએ ડોલર કમાવવાની લ્હાયમાં દોડતા લોકોને ભાવુક અપીલ પણ કરી.
તેણે કહ્યું કે, રોજ આવા 4-5 કેસ બનતા હશે. હું એટલું જ કહેવા માગું છું કે જેવું મારા પતિ સાથે થયું તેવું બીજા કોઇની સાથે ન થાય. 100-200 ડોલર માટે તમને આવો કોઇનો પણ કોલ આવે તો તેનું કામ ન કરતાં. પાછળથી શું પરિસ્થિતિ થાય છે તે કોઇ નથી જોતું. આવું ગુજરાતીઓ સાથે જ થાય છે. ઘણા ગુજરાતી છોકરાઓ આ રીતે પાર્સલ આપવા જતાં હોય ત્યારે ફસાયા છે. અમેરિકન સરકાર પણ બધું જાણતી જ હશે કે આ રીતે યુવાનોને ફસાવાય છે. આ અંગે કેન્દ્ર સરકારે પણ કોઇ નિર્ણય લેવો જોઇએ કેમ કે આવું ભારતીયો સાથે જ થાય છે. છેલ્લે તેણે પતિને ન્યાય મળે તેવી અને સરકાર કોઇ પગલાં લે તેવી માંગ કરી છે. તેણે જણાવ્યું કે, મારા પતિ વહેલી તકે છૂટે તો સારૂં છે. અમેરિકાની સરકાર ભારતીયોને એટલો સાથ નથી આપતી. ત્યાં ફસાયેલા ભારતીયો કોને કહેવા જાય? તેમને તો પ્રોપર ઇંગ્લિશ પણ નથી આવડતું. મારી એક જ અપીલ છે કે મારા પતિને ન્યાય મળે અને આ રીતે ફસાતા લોકો માટે સરકાર કંઇક કરે. શું કહે છે પોલીસ કમિશનર?
આ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, શહેર પોલીસ કમિશનર કચેરીમાં રોજેરોજ સંખ્યાબદ્ધ ટપાલો આવતી હોવાથી હાલ મારા ધ્યાનમાં નથી પરંતુ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે. જે પરિવાર માટે નિરવે આટલું મોટું જોખમ ખેડ્યું તે જ પરિવારથી તે વિખૂટો પડી ગયો છે. આ કિસ્સો દરેક ગુજરાતી માટે લાલબત્તી સમાન છે કે ડોલરિયા દેશની દોડ ક્યારેક આવા ભયાનક પરિણામ પણ લાવી શકે છે.
Read Original Article →