દીકરાની લાશ માટે ડૉક્ટર પરિવારની આંસુ ભરેલી આજીજી:લાચાર પિતા બોલ્યા- છેલ્લીવાર ચહેરો પણ ન જોઇ શક્યા, જ્યોર્જિયાથી અંતિમ કોલમાં ધ્વનિતે કહ્યું હતું- મમ્મી ચિંતા ન કરતાં
અમદાવાદના ઓઢવમાં વર્ષોથી દવાખાનું ચલાવીને અનેક લોકોને સાજા કરનારા ડૉ. મયુર રાજદીપ અને સરકારી શાળામાં હજારો બાળકોને ભણાવી એક જવાબદાર નાગરિક બનાવનાર તેમના પત્ની ધર્મિષ્ઠાબેન આજે ઉદાસ છે. છેલ્લા 19 દિવસથી તે પોતાના સંતાનને યાદ કરીને ચોધાર આંસુએ રડી રહ્યાં છે. બે હાથ જોડીને બધાને અરજ કરીને કહી રહ્યાં છે કે અમને અમારા દીકરા સાથે મળાવી દો, તેને ભારત પાછો લાવવામાં મદદ કરો. છેલ્લા થોડાક દિવસોથી રાજ્યના તમામ છાપા તથા ચેનલોમાં ઓઢવના રહેવાસી અને હાલમાં જ્યોર્જિયામાં ગુમ થયેલા મેડિકલ સ્ટુડન્ટ ધ્વનિત રાજદીપના સમાચાર ચાલી રહ્યાં છે. જોકે ધ્વનિત મળી આવે એ પહેલા જ્યોર્જિયા પોલીસે તેનો મૃતદેહ ત્યાંની મતકવારી નદીમાંથી મળી આવ્યો હોવાનું જાહેર કર્યું છે. બીજીતરફ હજારો મેઇલ દૂરથી ભાઇ માટે કેનેડાથી જ્યોર્જિયા ગયેલા અને છેલ્લા 19 દિવસથી પ્રયત્ન કરી રહેલા ધ્વનિતના મોટાભાઇને તેનો ચહેરો પણ હજી સુધી જોવા નથી મળ્યો. આ ઘટના અંગે દિવ્ય ભાસ્કરે ધ્વનિતના માતાપિતા સાથે વાત કરી હતી. પિતા ગાંધીનગર જવાની તૈયારીમાં હતા
દિવ્ય ભાસ્કરની ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે ડૉ. મયુર રાજદીપ તેમના નાનાભાઇના ઘરે હતા. ઘરમાં અજંપાભરી શાંતિ હતી. ડૉ. મયુર સાથે એક દિવસ અગાઉ વાત થઇ ત્યારે એ દીકરાને પરત લાવવા અરજી કરવા માટે મોડી સાંજ સુધી ગાંધીનગર હતા. ભાસ્કરની ટીમ મંગળવારે તેમના ઘરે પહોંચી ત્યારે તેઓ ગાંધીનગર જવાની જ તૈયારી કરી રહ્યાં હતા અને કાગળોની મોટી ફાઇલ બનાવી રહ્યાં હતા. ધ્વનિતે ધો. 1થી 12નો અભ્યાસ અમદાવાદમાં જ કર્યો હતો. આગળ પીજી કરીને તે કાર્ડિયોલોજિસ્ટ બનવા માંગતો હતો. યુક્રેન યુદ્ધના કારણે ધ્વનિત પાછો આવ્યો હતો
ધ્વનિત પહેલાં યુક્રેન ગયો હતો પણ ત્યાં યુદ્ધ થવાથી તે પાછો ફર્યો હતો. તેના પિતા ડૉ. મયુર રાજદીપે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ધ્વનિતે નીટ પાસ કર્યું ત્યારે કોરોનાના કારણે અહીં એડમિશનની કોઇ પ્રક્રિયા ચાલુ નહોતી થઇ. જેથી ક્યારે એડમિશન મળશે એ નક્કી નહોતું ઉપરાંત થોડું મોડું થાય તેમ હતું. ધ્વનિતનું કહેવું એમ હતું કે ફોરેનમાં હું અભ્યાસ શરૂ કરી દઉં. જેથી યુક્રેનમાં MBBSમાં એડમિશન લીધું હતું. બે વર્ષ ત્યાં ભણ્યો હતો. યુક્રેનમાં યુદ્ધના ભણકારા વાગતા હતા ત્યારે દોઢ મહિના અગાઉ તે અહીં આવ્યો ત્યારે તેને સમજાવ્યું હતું પણ એ એમ કહેતો હતો કે મારું ભણવાનું છોડીને હું નહીં આવું. યુક્રેનમાં યુદ્ધ ચાલુ થયું તેની એન્ડ મોમેન્ટે ધ્વનિત ગુજરાત પાછો ફર્યો હતો. તેના પિતા આગળ કહે છે કે, જે દિવસે 12 વાગ્યે યુદ્ધ ચાલુ થયું એ પહેલાં છેલ્લું પ્લેન 8 વાગ્યે ઉપડ્યું એમાં એ પાછો આવ્યો હતો. અમેરિકન મેડિકલ જર્નલમાં ધ્વનિતના રિસર્ચ પેપર
યુક્રેનમાં યુદ્ધ થવાથી ધ્વનિતે જ્યોર્જિયામાં કોકાસસ ઇન્ટરનેશનલ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર લીધી હતી અને છેલ્લા 2 વર્ષથી જ્યોર્જિયામાં રહેતો હતો. અમેરિકન મેડિકલ જર્નલમાં તેના રિસર્ચ પેપર પ્રકાશિત થયેલા છે. ગૂગલ સ્કૉલરમાં પણ તેના લેખ આવતા હતા. ધ્વનિત તેની કોલેજની મેગેઝિન ટીમનો હેડ હતો. તેમાં પણ તેના મંથલી પેપર પ્રકાશિત થતાં હતા. ડૉ.રાજદીપે કહ્યું કે, ક્રાઇમ રેશિયો ઓછો હોવાથી ધ્વનિતે જ જ્યોર્જિયા પસંદ કર્યું હતું. ત્યાં પૈસા થોડા વધુ થતાં હતા પણ અમે પૈસા સામે નહોતું જોયું. ધ્વનિતને શાંતિથી રહેવા-ભણવા મળે એ માટે જ તેણે જ્યોર્જિયાની યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. જ્યોર્જિયન માલિકા પાસેથી ભારતીયએ વિલા ભાડે લીધો હતો
ધ્વનિત જ્યોર્જિયા ગયો ત્યારથી પ્રાઇવેટ હોસ્ટેલમાં રહેતો હતો. ઓનલાઇન ફાઇન્ડ યોર રૂમમેટમાં જોઇને તેણે ઘરની પસંદગી કરી હતી. તેના પિતાએ જણાવ્યું, ઘર શોધીને એ ઘરમાં બધા ભારતીયો છે એમ વિચારીને એક મહિના પહેલા જ ધ્વનિત ત્યાં રહેવા ગયો હતો. એ વિલાનો માલિક સ્થાનિક જ્યોર્જિયન હતો. તેની પાસેથી વિલા લીઝ પર લેનાર વ્યક્તિ અનિલ બાબુ પથિયન હતો. વિલામાં ધ્વનિત, અનિલ, અનિલની ગર્લફ્રેન્ડ માન્યા, પાર્ટનર જાકી અને અન્ય એક પાર્ટનર એમ કુલ 5 લોકો રહેતા હતા. ધ્વનિતના પિતાનો આરોપ છે કે તેના પાર્ટનર્સ ધ્વનિતને વારંવાર હેરાન કરતા હતા. તેઓ કહે છે કે, અનિલ, માન્યા અને જાકી ધ્વનિતને વારંવાર પરેશાન કરતાં હતા. મેન્ટલી હેરાસ અને બુલી કરતાં હતા. વાંચવામાં ડિસ્ટર્બ કરવાથી મારામારી સુધીની હેરાનગતિ
તેના પિતાએ ધ્વનિતને કેવી હેરાનગતિ થતી તેની પણ વાત કરી. તેઓ કહે છે કે, ધ્વનિત વાંચવા બેસે ત્યારે તેને ડિસ્ટર્બ કરે. મોડી રાત્રે ટિફિન આવે ત્યારે એ લોકો બહારથી ટિફિન લઇને જમી લેતા. સાફસફાઇ બાબતે પણ ડિસ્ટર્બ કરતાં. વારેઘડીએ પૈસાની માંગણી કરતાં. ધ્વનિતનું કહેવું હતું કે તેના પાર્ટનર્સ છેલ્લે તો મારધાડ પર ઉતરી આવ્યા હતા. એ પણ બધા મેડિકલ સ્ટુડન્ટ જ છે, એના સિનિયર હતા પણ ધ્વનિત ભણવામાં થોડો આગળ હતો એટલે એનું મેન્ટલી હેરેસમેન્ટ વધુ કરતાં. ધ્વનિતના પાર્ટનર્સે તેના પિતાને ગાળો ભાંડી
જ્યારે ધ્વનિતના પિતાએ તેના પાર્ટનર્સ સાથે વાત કરી ત્યારે તેના પાર્ટનર્સે અપશબ્દો કહ્યાં હતા. ડૉ. મયુર કહે છે કે, મારી એમની સાથે વાત થઇ ત્યારે મેં પણ તેમને સમજાવવાની કોશિશ કરી હતી પણ એ બહુ ગંદી ભાષામાં વાત કરતાં હતા. એક વાક્યમાં ઓછામાં ઓછી ત્રણ ગાળો હતી. ધ્વનિતને મારવાની જ વાત કરતા હતા. વારંવાર પૈસાની માંગણી પણ કરતા હતા. પાર્ટનર્સથી કંટાળીને ધ્વનિતે 12મી મેએ બીજું ઘર રાખ્યું હતું. તેના પછી શું-શું થયું તેની વાત કરતાં તેના પિતાએ જણાવ્યું કે, ધ્વનિતે રૂમ ચેન્જ કરવાનું કહ્યું અને અમે જમા કરાવેલી ડિપોઝીટ પરત માગી તો તેના પાર્ટનર્સે આપવાની ના પાડી દીધી. અમે ડિપોઝીટ જવા દીધી. ધ્વનિતે બીજું મકાન રાખી લીધું અને અડધો સામાન પણ લઇ ગયો. સામાન લેવા ગયો ને પાર્ટનર્સે પોત પ્રકાશ્યું
ધ્વનિત જ્યારે બાકીનો સામાન લેવા જૂના ઘરે ગયો ત્યારે તેના પાર્ટનર્સે અસલી ખેલ ચાલુ કર્યો હતો. તેના પિતા કહે છે કે, ધ્વનિત બીજો સામાન લેવા માટે ગયો ત્યારે પાર્ટનર્સે એમ કહ્યું કે તે આ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો છે, તુ એના પૈસા આપ. અમે એના પૈસા ચુકવ્યા. ત્યારબાદ પાર્ટનર્સે એવું કહ્યું કે તારા બિલ બાકી છે, એના પૈસા આપ. અમે એ પણ આપ્યા પછી કહે કે સાફસફાઇ બાકી છે એના પૈસા આપ. તો અમે એના પણ પૈસા આપી દીધા. ધ્વનિત જ્યારે સામાન લેવા રૂમમાં અંદર ગયો તો પાર્ટનર્સે બહારથી રૂમ બંધ કરી દીધો. મને કોલ કરીને મારી પાસેથી રૂપિયાની માગણી કરી હતી. ધ્વનિતને મારવાની ધમકી આપવા લાગ્યા. પૈસા પડાવવા અનેક બહાના કાઢ્યા
અનિલે બાથરૂમનો દરવાજો તૂટી ગયાનું બહાનું કાઢીને ધ્વનિતના પિતા પાસેથી પૈસા પડાવ્યા હતા. આ અંગે તેના પિતાએ કહ્યું, બાથરૂમનો દરવાજો તૂટી ગયો તો અમે એના પૈસા આપવા તૈયાર હતા. મેં અનિલને કહ્યું બાથરૂમનો દરવાજો તૂટી ગયો હોય તો તું મને વીડિયો બતાવ. તેણે વીડિયો મોકલ્યો. જેમાં દરવાજો તૂટેલો નહતો તો પણ અનિલે બાથરૂમનો દરવાજો રિપેર કરવાની માંગણી શરૂ કરી. છેલ્લે કહ્યું કે મારે નવો દરવાજો લેવો છે તો મેં તેને નવા દરવાજાના રૂપિયા ચૂકવ્યા. ગુજરાતી છોકરી પણ ભોગ બની
ધ્વનિતના પિતાનું માનીએ તો તેના પાર્ટનર્સે એક ગુજરાતી છોકરી સાથે પણ આવું જ બધું કર્યું હતું. ધ્વનિતે તેના પિતાને કહ્યું હતું કે તેના પાર્ટનર્સે ગુજરાતી છોકરી પાસેથી બધા રૂપિયા લઇ લીધા હતા. જેના પછી એ છોકરી જ્યોર્જિયા છોડીને ગુજરાત પાછી આવી ગઇ છે પણ એટલી ડરી ગયેલી છે કે બહાર આવવા તૈયાર નથી. ધ્વનિત પણ ડરી ગયો હતો એટલે તેણે પણ જ્યોર્જિયા છોડવાનું નક્કી કરી લીધું હતું. તેના પિતાએ ટિકિટ મોકલી હતી પણ ધ્વનિત એરપોર્ટ સુધી પહોંચી ન શક્યો. પિતાએ ટિકિટ મોકલી પણ એરપોર્ટ સુધી ન પહોંચી શક્યો
આ ઘટનાક્રમ અંગે તેના પિતાએ ઉમેર્યું કે, મેં છેલ્લે એને ટિકિટ મોકલીને પૂછ્યું કે તારે એરપોર્ટ પહોંચતા કેટલી વાર લાગશે? ત્યારે તેણે એક કલાક થશે તેવું કહ્યું હતું. જ્યોર્જિયાના ટાઇમ પ્રમાણે 14 તારીખે 12 વાગ્યે નીકળ્યો હતો. 3 વાગ્યાની ફ્લાઇટ હતી. બે કલાક ઇમિગ્રેશનમાં થશે. ફ્લાઇટ મળી જશે એટલે હું ડાયરેક્ટ અમદાવાદ આવી જઇશ. એની સાથે મારી વાત ચાલુ હતી ને ફોન સ્વીચ ઓફ થઇ ગયો ત્યારથી અત્યાર સુધી તેનો ફોન ચાલુ નથી થયો. જ્યોર્જિયાની પોલીસ પર ગંભીર આરોપ
તેમણે આગળ કહ્યું, 14 તારીખે દોઢ વાગ્યે ફોન સ્વીચ ઓફ થઈ ગયો. પાછળથી અનિલનો મને ફોન આવ્યો કે અમે ધ્વનિતને મારવા જઇ રહ્યાં છીએ. જેથી મેં તરત એમ્બેસી અને કોલેજમાં જાણ કરી. તેમણે પોલીસને જાણ કરી પણ મને એમ લાગે છે કે પોલીસે ઘણી ધીમી ગતિએ આ કામ કર્યું. પોલીસ જ્યોર્જિયાની ભાષા વાપરે છે. કોઇપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઇએ તો આપણો ટ્રાન્સલેટર લઇને જવો પડે છે. એ પછી પણ ત્યાં 4-5 કલાક બેસાડી રાખે છે. ત્યાંની પોલીસ બહુ જ બેદરકાર છે. મોટો પુત્ર દરરોજ પોલીસ સ્ટેશનના ચક્કર કાપે છે
આવા ફોન બાદ ધ્વનિતના પિતાએ કેનેડામાં રહેતા મોટા પુત્રને જાણ કરી હતી. જેથી તે કેનેડાથી જ્યોર્જિયા ગયો હતો. ધ્વનિતનો મોટોભાઇ 16મી મેથી દરરોજ પોલીસ સ્ટેશનના ચક્કર કાપે છે પણ પોલીસ તરફથી કોઇ રિસ્પોન્સ નથી મળતો. ઇન્ડિયન એમ્બેસી મદદ કરે છે. અમને ડેડ બોડી નથી બતાવીઃ ડૉ.મયુર રાજદીપ
જ્યોર્જિયાની પોલીસના વર્તન પર સવાલ ઉઠાવતાં ડૉ. મયુર રાજદીપે કહ્યું, ત્યાંની પોલીસ એમ કહે છે કે નદીમાંથી બોડી મળી આવી છે પણ અમને કોઇ બોડી બતાવી નથી. ફક્ત મોબાઇલ કયા કલરનો હતો એટલું જ અમને પૂછ્યું છે. ત્યાંની પોલીસે ન્યૂઝમાં એવું આપી દીધું છે કે કન્ફર્મ થઇ ગયું છે પણ હજી કન્ફર્મેશન થયું નથી. હજી DNA ટેસ્ટ થશે. એ પછી આવશે. મારા મોટા પુત્ર મીહિરને પણ બોડી બતાવી નથી. 'એ લોકોએ મારી સાથે કરેલી વોટ્સએપ ચેટ, ધ્વનિતના વીડિયો અને સોશિયલ મીડિયામાં બદનામ કર્યો હતો એ વિશેના તમામ સ્ટેટમેન્ટ આપીને મેં જ્યોર્જિયન પોલીસને જણાવ્યું છે. પોલીસે એમને 1-2 વાર બોલાવી પૂછપરછ કરીને છોડી દીધા છે. એ લોકો સામે શું પગલાં લીધા એ ડિટેલ પોલીસ અમને નથી આપતી. મારો મોટો પુત્ર ત્યાં છે એને કે અમને કોઇ માહિતી નથી આપી.' ધ્વનિત અભ્યાસને જ હંમેશા પ્રાથમિકતા આપતો
ધ્વનિતના સ્વભાવ વિશે તેના પિતા કહે છે કે, તેના મિત્રો ઓછા હતા. તેનું ધ્યાન ભણવામાં જ હતું. કોઇ દિવસ બહાર મેદાનમાં રમવા ન જાય. એ ત્યાં 4 મહિના જ રહેતો હતો. 2 મહિના અહીં રહેતો હતો. દર વેકેશનમાં એટલે કે વર્ષમાં 2 વાર અહીં આવતો હતો. એ કોઇ જોબ નહોતો કરતો. કોલેજ જવું, ભણવું અને શાંતિથી રહેવું એ જ એની પ્રાથમિકતા હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે મદદ માગી
અહીં ભારતમાં કોની-કોની પાસે મદદ માગી તેનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું, હું મદદ માટે શોભનાબેન બારૈયા, હર્ષ સંઘવી, દિનેશ મકવાણા, અમિત શાહ પાસે ગયો હતો. વડાપ્રધાન અને વિદેશ મંત્રીને મેં કાલે લેખિત રજૂઆત કરી છે. બધાએ મને સપોર્ટ આપ્યો છે. મારે એક જ માંગણી છે કે મારું બાળક પરત લાવવામાં આવે, મારી મદદ કરે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં-કરતાં ધ્વનિતના માતા ધર્મિષ્ઠાબેન રડી પડ્યાં હતા.
તેમણે ધ્વનિતના સ્વભાવ વિશે કહ્યું મારો દીકરો એકદમ સરળ, શાંત સ્વભાવનો, હોંશિયાર હતો. ક્યારેય કોઇને પણ અપશબ્દ બોલે તેમ નહોતો. છેલ્લા ફોનમાં ધ્વનિતે કહ્યું હતું- ચિંતા ન કરતા
ધ્વનિત સાથે છેલ્લે થયેલી વાત અંગે તેઓ કહે છે કે, મારે તેની સાથે 13 તારીખે રાત્રે એક વાગ્યે વાત થઇ હતી. તેણે કહ્યું હતું કે મમ્મી મેં નવું ઘર રાખ્યું છે, ત્યાં મારો 50% સામાન શિફ્ટ કરી દીધો છે, તમે ચિંતા કરતાં નહીં, શાંતિથી સૂઇ જાઓ. અત્યારે મોડી રાત થઇ ગઇ છે. 14 તારીખે સવારે હું તમને ફોન કરીશ પણ 14મી તારીખે તે ગુમ થયો. એની સાથે મારી વાત ન થઇ. આજ સુધી તેનો કોઇ કોલ નથી કે એ મને જોવા મળ્યો નથી. ધ્વનિત અભ્યાસમાં એકદમ તેજસ્વી હતો. તેને ઘણા એવોર્ડ મળેલા છે. આ વાતને યાદ કરતા તેના માતાએ જણાવ્યું, ધો.10માં ધ્વનિત તેની સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો હતો. એવોર્ડ ફંક્શનમાં તેને એવોર્ડ અપાયો હતો. ધો. 12 માં પણ તેને એવોર્ડ મળ્યો હતો. એ બહુ સ્કોલર સ્ટુડન્ટ હતો. દરેક પ્રોફેસર અને લેક્ચરર તેનું ખૂબ માન રાખતા હતા. મારો દીકરો પાછો લાવી આપો- માતાની અશ્રુભરી અપીલ
તેની માતાએ ધ્વનિતને પાછો લાવી આપવાની ભાવુક અપીલ પણ કરી. તેમણે કહ્યું સરકારને મારી નમ્ર વિનંતી છે કે મને મારો ધ્વનિત પરત લાવી આપે. મારા તેને મળવું છે. જેના કારણે થયું છે એ પણ કોઇ માના દીકરા છે. જે લોકોએ ધ્વનિતને માનસિક કે શારીરિક રીતે ઇજા કરી છે એવા લોકોને ન છોડવા જોઇએ. એમને સજા મળવી જોઈએ. જ્યોર્જિયા પોલીસની શંકાસ્પદ ભૂમિકા વચ્ચે હવે માત્ર ભારત સરકારની દખલગીરી જ આ પરિવારને ન્યાય અપાવી શકે તેમ છે. પુત્ર ગુમાવવાનું અસહ્ય દુઃખ અને ન્યાય માટેની આ લડાઇ હવે કયો નવો વળાંક લેશે તેના પર સૌની નજર મંડાયેલી છે.
Read Original Article →